પૂર્વછાયો
અમદાવાદના વિપ્રને, જમાડવા વિચાર । મિષ્ટાન્ન ભોજન કરવા, ધાર્યું છે નિરધાર ।।૧।।
એ સમયમાં થોડા સાધુ, ગયા શ્રીનગરે જ્યાંય । ઝોળી માગી પાછા વળતાં, વિઘન થયું છે ત્યાંય ।।૨।।
ગોમતીપુર લોલંગર, અસુર છે અઘવન । મારગમાં મળ્યા સંતને, ઉભા રોકીને અયન ।।૩।।
કાષ્ટના ભારા ઉપડાવ્યા, માર્યો સાધુને માર । ભારા ચડાવીને લઈ ગયા, પોતે ગામ મોઝાર ।।૪।।
ચોપાઈ
મારતા મારતા તે અજ્ઞાન, ગામમાં લઈ ગયા નિદાન । પછી આસારામ જે સુતાર, તેને દયા આવી છે અપાર ।।૫।।
એણે કહ્યું અસુરોને એમ, આવા સંતને મારો છો કેમ । જીવનમુક્ત આવ્યા છે આંય, ખોખરા મેમદાવાદમાંય ।।૬।।
જાણશે તો નાશી જાશે એહ, તમને ક્યાં ભેગા થાશે તેહ । સંતને જાવા દ્યો આજ ભાઈ, જીવનમુક્તને ઝાલો ધાઈ ।।૭।।
ત્યારે તે સર્વે કહે સચી બાત, ન કરો ઐસા સંતકી ઘાત । સાધુને કાઢી મુક્યા તે વાર, ભેગા થયા અસુર અપાર ।।૮।।
સાધુ ગયા છે શ્રીજીની પાસ, જૈને વાત કરીછે હુલ્લાસ । તે સુણીને પોતે નરવીર, દયાળુ થયા છે દલગીર ।।૯।।
ઉદાસી દેખીને તતકાળ, આવ્યા સંકર્ષણ મહાકાળ । કહે મહારાજને તે સ્થાન, હવે આજ્ઞા આપો ભગવાન ।।૧૦।।
તમારા સાધુને દીધું કષ્ટ, તેમને અમે કરીએ નષ્ટ । મોટા સંતની રૂચી ન જોઈ, કાળ આદિને કે પ્રભુ સોઈ ।।૧૧।।
હવે પાછા જાઓ તમે ભાઈ, તેનો ક્રોધ નથી મન કાંઈ । ત્યારે કર્યો પ્રભુને પ્રણામ, કાળ આદિ ગયા નિજધામ ।।૧૨।।
સંતને આજ્ઞા કરી તે વાર, સુરત શહેર મોકલ્યા સાર । થોડા સંત પાળા લઈ સાથ, ત્યાંને ત્યાં રહ્યા શ્રીયોગીનાથ ।।૧૩।।
ત્યારપછી બોલ્યા અડબંગ, લોલંગર તે તો જડભંગ । થયા ભેગા તે ચાર હજાર, મેમદાવાદ આવ્યા તે વાર ।।૧૪।।
આવીને ફરી વળ્યા ચોફેર, સઘળા ગામને દીધો ઘેર । કરે ગર્જનાઓ ઘણી ઘોર, થયો તેમનો શોર બકોર ।।૧૫।।
તે સુણીને સૌ ગામ લોક, હાહાકાર કરે ધરે શોક । નાશાનાશ કરે નરનાર્ય, ભયભીત થયાં મન મોઝાર ।।૧૬।।
એવું દેખીને વિચારે સામ, લોલંગરનું ફોડવા ઠામ । પોતાની પાસે છે પાળા તેર, મહાબલવંત સુખભેર ।।૧૭।।
તેને બોલાવ્યા પોતાની પાસ, કેવા લાગ્યા વચન પ્રકાશ । એક હજાર હાથીનું જોર, એકેકાને આપ્યું છે કઠોર ।।૧૮।।
હવે હિમ્મત રાખજો મન, જાઓ તેમનું કરો પતન । તે સર્વેની કરો વેતરાણ, તેમની વાળોને સોથરાંણ ।।૧૯।।
વ્હાલાનાં સુણ્યાં એવાં વચન, તેથી પાળાને વધ્યું બળ તન । ઢાલ તરવાર ને ભીંદિપાળ, લઈ ઉડી પડ્યા તતકાળ ।।૨૦।।
ચારહજાર અસુર જેહ, તેના મધ્યે પડ્યા જઈ તેહ । લાખો હસ્તી ભેગા થયા હોય, તેમાં આવી પડે સિંહ સોય ।।૨૧।।
તોડે હજારોના કુંભ સ્થળ, થાય મદઝર ત્યાં નિર્બળ । એવી રીતેથી પાર્ષદ તેર, તેમને મારવા માંડ્યા ઠેર ।।૨૨।।
મારી મારી કર્યા ચકચુર, ઘણાના પ્રાણ લીધા જરૂર । મોટા મોટા મરાણા તે ઠાર, બીજા સર્વે નાઠા છે તે વાર ।।૨૩।।
દોડ્યા જાય છે લઈને પ્રાણ, માર્યા માર્યા બોલે મુખ વાણ । પણ પાર્ષદ મુકે છે દોટ, મારવાની તે ચુકે ન ચોટ ।।૨૪।।
જેમ જંબુક કેડે સિંહ બાળ, આવે બળમાં દેતો તે ફાળ । એ પ્રમાણે એ પાર્ષદ ધાય, જીવ લઈને તે નાઠા જાય ।।૨૫।।
મારતા મારતા તે જરૂર, દેખાડી દીધું ગોમતીપુર । પછે તે સર્વે પામ્યા છે હાર, દાંતે તરણાં લીધાં તેણીવાર ।।૨૬।।
કૈકે મુખમાં લીધાં ઉપાન, નમી પડ્યા છે મુકીને માન । હવે જીવતા જાવા દ્યો આજ, માર મારશો નહીં મહારાજ ।।૨૭।।
ડુંગરજી અગરાજી નામ, પગી દયાલજી આદિ તમામ । એવી પાર્ષદે રાખી છે ધીર, આવી ઉભા છે જ્યાં નરવીર ।।૨૮।।
કહ્યા વાલાને સૌ સમાચાર, થયા પ્રસન્ન દેવ મુરાર । એમ વ્હાલે પોતાને પ્રતાપે, હરામીને હરાવ્યા છે આપે ।।૨૯।।
પછે બીજે દિને પ્રાતઃકાળ, વાલીડો પધાર્યા છે વેલાળ । જેસંગભાઈને ત્યાં જીવન, અઢાર ઘરે જમ્યા મોહન ।।૩૦।।
કર્યું પ્રીતમે ત્યાંથી પ્રયાણ, ભુજનગરે પધારવા જાણ । આવે સત્સંગીનાં જ્યાં ગામ, તેમાં રહેતા થકા અભિરામ ।।૩૧।।
ચાલ્યા જાય છે જીવનપ્રાણ, કરતા સતા જીવનાં કલ્યાણ । એમ થોડા દિનમાં જરૂર, પોચ્યા પ્રીતમ ભુજંગપુર ।।૩૨।।
ગયા સુંદરજીને તે ઘેર, ઉતારો કર્યો આનંદ ભેર । નાનાપ્રકારે ઐશ્વર્ય આપ, બતાવે છે પોતાનો પ્રતાપ ।।૩૩।।
હમ્મીરસરે પધારે નિત્ય, સ્નાન કરે ધરી મનપ્રીત । એ સમે ભુજમાં અવિનાશ, બહુનામી રહ્યા બેઉ માસ ।।૩૪।।
પછે પધાર્યા શ્રીપરબ્રહ્મ, માનકુવે ગયા અનુક્રમ । ત્યાંથી પધાર્યા દૈસરે ગામ, પ્રેમનેમના ભાવે તેઠામ ।।૩૫।।
વિપ્ર ગોવર્ધન છે નામ, તેને ઘેર જમ્યા અભિરામ । ત્યાંથી ગયા છે સરલી ગામ, ગરાસિયા ભીમજીને ધામ ।।૩૬।।
ગૌમુખી ગંગા છે ત્યાં એક, તેમાં સ્નાન કર્યું છે વિશેક । ત્યાંથી રામપુર રૂડું ગામ, તે સ્થળે પધાર્યા સુખધામ ।।૩૭।।
ગયા રવજીભાઈને ઘેર, ઉતારો કર્યો છે સુખ-ભેર । ગામથી પશ્ચિમ દિશામાંય, નિર્મળ ગંગા વહે છે ત્યાંય ।।૩૮।।
તેમાં ગયા છે કરવા સ્નાન, નિજભક્ત સંગે ભગવાન । દેખ્યું રમણિક રૂડું સ્થાન, પંદર દિન રહ્યા ભગવાન ।।૩૯।।
કરી નિશ્ચયની ઘણી વાત, ત્યાંની ભૂમિ પ્રીય લાગી ખ્યાત । પછે આસંબીયે થઈ શ્યામ, ગયા માંડવી બંદર ગામ ।।૪૦।।
ત્યાંના પ્રેમી ઘણા હરિજન, શિવરામ આદિ છે પાવન । કર્યું સામૈયું પૂરણ પ્રીત, ગામમાં તેડી ગયા એ રીત ।।૪૧।।
વાગે વાજીંત્ર નાના પ્રકાર, તેડી ગયા જ્યાં છે દરબાર । ટંકશાળામાં છે મોટી પાટ, તે ઉપર્ય રચ્યો રૂડો ઘાટ ।।૪૨।।
ગાદી તકીયા ધર્યા તે સ્થાન, પ્રેમે પધરાવ્યા ભગવાન । ગોમતીબાને ત્યાં જમ્યા થાળ, પછે ઉતારે આવ્યા દયાળ ।।૪૩।।
ત્યારે આવી છે ત્યાં એક બઈ, પૂજા કરવા સામગ્રી લઈ । મીઠાઇની લાવી માંટલી એક, કટોરો ચંદનનો વિશેક ।।૪૪।।
વળી સુંદર પુષ્પના હાર, સાથે ગુલાલ લાવી છે સાર । ત્યારે શ્રીહરિ કે થોડી વાર, હમણાં ધીર ધરો આ ઠાર ।।૪૫।।
પૂજા કરાવીશું રુડી રીત, ચંદન પુષ્પ ધરીશું પ્રીત । પછે ઘડી કેડે એક મુક્ત, આવ્યો ફકીરને વેષે યુક્ત ।।૪૬।।
આવીને કરે એમ ઉચ્ચાર, સર્વેને સુણતાં તેણી વાર । હાજર હોય જો કોઈ આઠામ, તેતો ભેજના અલ્લા કે નામ ।।૪૭।।
ત્યારે વ્હાલે કર્યો સત્કાર, આવો બેસો કહ્યું તે ઠાર । એવું સુણીને આવ્યો ફકીર, બેઠો શ્રીહરિ સન્મુખ ધીર ।।૪૮।।
હતી મીઠાઇની માંટલી જેહ, એની ઝોળીમાં ઠલવી તેહ । પછે પેરાવ્યા પુષ્પના હાર, ચંદન ચર્ચાવ્યું તેણીવાર ।।૪૯।।
વળી કૃપા કરી તેને શીર, નાખ્યો ગુલાલ શ્રીનરવીર । બધે શરીરને ઝોડીમાંય, થયો ગુલાલ ગુલાલ ત્યાંય ।।૫૦।।
પછે આજ્ઞા આપી મહારાજ, ગયો મુક્ત કરી નિજકાજ । એહ મર્મ સમજ્યા જગતાત, બીજા કોઈએ ન જાણી તે વાત ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ માંડવી બંદરે પધાર્યા એ નામે સત્તાવનમો તરંગઃ ।।૫૭।।