તરંગઃ - ૫૬ - શ્રીહરિ ખોખરે મેમદાવાદ પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:34pm

પૂર્વછાયો

હે રામશરણજી સુણો કહું, પ્રગટપ્રભુની કથાય । દેવસરની તીરે કર્યાં, ચરિત્ર બહુ સુખદાય ।।૧।। 

પછે પધાર્યા ત્યાં થકી, વ્હાલો ગામડી ગામ । રહ્યા મંદિરમાં મુરારી, કૃપા કરી તેહ ઠામ ।।૨।। 

 

ચોપાઈ

 

આવ્યા શ્રીનગરમાં અલબેલ, શ્યામ સોહાગી સુંદર છેલ । વિઠુબા ભાઉએ કરી સભાય, ત્યાં પધાર્યા પોતે જગરાય ।।૩।। 

પ્રશ્નોત્તર કર્યો ઘણીવાર, વિઠુબા બોલ્યો છે તેણી ઠાર । સુણો વાત પુછું મહારાજ, તમારી જ્ઞાતિ બતાવો આજ ।।૪।। 

ત્યારે બોલ્યા છે પૂરણકામ, સુણો વિઠુબા ભાઉ આ ઠામ । અયોધ્યાથી ઉત્તર દિશાય, બે યોજન છુપૈયા છે ત્યાંય ।।૫।। 

ત્યાં છે સરવરિયા બ્રાહ્મણ જાત, અમે છૈયે માનો સાચી વાત । તેવું સાંભળીને તે રાજન, બોલવા લાગ્યો ૧વ્યંગ વચન ।।૬।। 

તે સુણી ચાલ્યા શ્યામ સોહાગ, પછે તે સભાનો કર્યો ત્યાગ । પ્રાણનાથ શુકલ જેનું નામ, તેની ગાડી હતી એજ ઠામ ।।૭।। 

તેમાં બેસી ગયા સુખભેર, અંબારામ વૈદ્યને તે ઘેર । કાઢી ઉતરીકંઠની એક, પ્રાણનાથને આપી વિશેક ।।૮।। 

પછે પ્રાણપતિ તેણી વાર, ચાલ્યા ઈડરીયે થૈ નિરધાર । ગામ મોટેરે થૈ શુભકાજ, વેલાળે પધાર્યા મહારાજ ।।૯।। 

જેસિંગભાઇ ભક્ત છે નામ, તેમને ઘેર ગયા છે શ્યામ । પાંચ દિવસ રહ્યા તે ઠામ, ત્યાંથી પધાર્યા વાસણે ગામ ।।૧૦।। 

પછે વિચર્યા ત્યાંથી દયાળ, ગામ સલકીયે ગયા લાલ । દયાળજી ઠાકોરને ઘેર, સંત સાથે રહ્યા સુખભેર ।।૧૧।। 

બ્રાહ્મણોને જમાડ્યાનું ધાર્યું, સલકી ગામમાંહિ વિચાર્યું । નંદપુરી તણા જે છે વિપ્ર, પોતાપાસે તેડાવ્યા ત્યાં ક્ષિપ્ર ।।૧૨।। 

આપ્યું મહારાજે તેને માન, પછે કરાવ્યાં ભોજનપાન । તેહ ગામની સઘળી નાત , જમાડી દીધી છે ત્યાં વિખ્યાત ।।૧૩।। 

તૃપ્ત કરી દીધા સારી રીત, દક્ષિણાઓ આપી ઘણી પ્રીત । તેમાં હતા જે દૈવના ચોર, કામી ક્રોધી કુચ્છિત કઠોર ।।૧૪।। 

તેઓયે નવ કર્યું ભોજન, મિથ્યા અભિમાની છે જે મન । પછે સલકી આદિ જે ગામ, તેના આજાુબાજાુના તમામ ।।૧૫।। 

ત્યાંના કોળી લોકને જમાડ્યા, આપ્યો આનંદ શાંતિ પમાડ્યા । માટી ચોરી છીનાળી ને દારુ, એવા દુર્ગુણ તજાવ્યા વારુ ।।૧૬।। 

કોેળીને કર્યા નિજ આશ્રિત, પંદર દિન રહ્યા અજીત । પછે ચાલ્યા શ્રીજગદાધાર, દેશ કાઠિયાવાડ મોઝાર ।।૧૭।। 

પધાર્યા ગામ સારંગપુર, પાંચ દિવસ રહ્યા જરુર । ફુલડોલ કર્યો છે તે સ્થાન, ત્યાં થકી ચાલ્યા શ્રીભગવાન ।।૧૮।। 

ગામ નાગડકે ગયા નાથ, ત્યાં આવી મળ્યા સંતને સાથ । સુરાખાચરનો દરબાર, તેમાં જૈને બિરાજ્યા મુરાર ।।૧૯।। 

એક દિવસ સંત સહિત, સભા કરી બેઠા અજીત । પછે મુક્ત મુનિયે ત્યાં ધારી, પૂછ્યું છે શ્રીહરિને વિચારી ।।૨૦।। 

અમારે સંત મંડળમાંય, પ્રશ્નોત્તર કરતાતા જ્યાંય । તેમાં પ્રગટ્યો એક સંદેહ, કૌછું આપની આગળ એહ ।।૨૧।। 

પ્રભુ સુણો હવે મારું પ્રશ્ન, હું જાણુછું તમને શ્રીકૃષ્ણ । નિત્યાનંદ સ્વામી કેછે જાણ, પુરૂષોત્તમજી છો પ્રમાણ ।।૨૨।। 

અક્ષરાધિપતિ છોજી આપ, એવું સ્વામી બતાવે છે માપ । તેમાં કેની છે સાચી વાત, મુને સમજાવો જગતાત ।।૨૩।। 

તમને જાણવા કેવી રીત, કૃપા કરી બતાવો અજીત । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, જેમ છે તેમ કહું છું આજ ।।૨૪।। 

નિત્યાનંદ સ્વામી કેતે સત્ય, એવા જાણી ભજો સદમત્ય । તમે પણ એમ માનો મન, એવી સ્થિતિમાં રેજ્યો અનન્ય ।।૨૫।। 

ત્યારે બોલ્યા વળી મુક્તાનંદ, હે કૃપાનાથ હે સુખકંદ । હશે શાસ્ત્ર વિષે ક્યાંઈ વાત, ત્યારે બોલ્યા પોતે જગતાત ।।૨૬।। 

તમને શાસ્ત્ર કહે જો વચન, તો મુને જાણજો ભગવન, શાસ્ત્ર તો કર્યાં છે ઋષિજન, તેમાં ઘણાં છે ગુહ્ય વચન ।।૨૭।। 

તેતો પ્રગટથી જ પમાય, કે તેના ભક્તથી સમજાય । ત્યારે સ્વામી કહે બહુનામી, મુને સમજાવો અંતર્યામી ।।૨૮।। 

ત્યારે બોલ્યા છે સારંગપાણી, સુણો મુક્તાનંદ સ્વામી વાણી । અક્ષરાધિપતિ છું હું નિત, સાચી વાત માની કરો પ્રીત ।।૨૯।। 

સર્વે અવતારનો આધાર, પુરૂષોત્તમ અક્ષર પાર । જાણી લેજ્યો મુને તમે એમ, કહ્યું તમોને જેમ છે તેમ ।।૩૦।। 

અમોેને ભજીને તતકાળ, મોટા થયા છે જે લોકપાળ । અમ ભજનથી પામ્યા માન, તે પૂજાય છે થૈ ભગવાન ।।૩૧।। 

પણ અમ વિના તે તો કોઈ, નથી સામર્થ્ય પામતા જોઈ । મારી મરજી વિના સર્વત્ર, કોણ હલાવે તે સુકું પત્ર ।।૩૨।। 

જે રીતે મારી મરજી હોય, એવી રીતે થાય સહુ સોય । એમ લીલા કરે અવિનાશ, નાગડકે રહ્યા એક માસ ।।૩૩।। 

પછે સ્વરૂપાનંદને સાર, શ્રીહરિયે પૂછ્યું નિરધાર । કેટલા જનના તમે આજ, કર્યાં મોક્ષરૂપ શુભ કાજ ।।૩૪।। 

ત્યારે બોલ્યા છે સ્વરૂપાનંદ, સુણો શ્રીહરિ આનંદકંદ । દેખ્યા મનુષ્ય મેં તો આ સ્થાન, નિંબવૃક્ષ હેઠે ભગવાન ।।૩૫।। 

ત્યારે સંત કે ચિત્ત પ્રોઈ, નથી દેખ્યાં મનુષ્યજ કોઈ । ત્યારે મોક્ષ કર્યો કેવી રીત, પછે બોલ્યા છે વ્હાલો અજીત ।।૩૬।। 

બીજા તો પળાવે વર્તમાન, નિમ ધરાવીને તે સમાન । ત્યારે થાય છે જીવનો મોક્ષ, એમની વાત તો છે એ પક્ષ ।।૩૭।। 

સ્વરૂપાનંદ સ્વામીના જેહ, કરે દર્શન નિસ્સંદેહ । કોટિ જીવોનું થાય કલ્યાણ, એવા સમર્થ છે તે પ્રમાણ ।।૩૮।। 

એનું કારણ સુણો વિખ્યાત, અમે કૈયે છૈયે સાચી વાત । અખંડ અમારી મૂર્તિ જેહ, ધારણ કરી રહ્યા છે તેહ ।।૩૯।। 

અમારી મૂર્તિ વિના તે કાંઇ, નથી દેખતા બીજું તે ક્યાંઇ । માટે એવાનાં તો દર્શન, અમે પણ ઈચ્છિયે છૈયે મન ।।૪૦।। 

એમ કહીને ત્યાં થકી શ્યામ, પધાર્યા કમાલપર ગામ । ત્યાંથી બળેલ ગામમાં આવ્યા, થાળ જમીને વળી સધાવ્યા ।।૪૧।। 

જેતલપુર ગયા ભગવાન, ભાવે કર્યાં ત્યાં ભોજનપાન । વળી ચાલ્યા ત્યાંથી સુખધામ, વેગે આવ્યા કાસંદરે ગામ ।।૪૨।। 

કનુ વિપ્રને ત્યાં જમ્યા થાળ, નવે ગામ ગયા તતકાળ । ત્યાંના પટેલ છે પ્રભુદાસ, રહ્યા તેને ઘેર સુખરાશ ।।૪૩।। 

વળી ચાલ્યા વિચારીને ઉર, પાછા પધાર્યા જેતલપુર । કૃપા કરીને શ્રીજગદીશ, રહ્યા છે ત્યાં પ્રભુ દિનવીશ ।।૪૪।। 

વળી ચાલ્યા કરી આહ્લાદ, ગયા ખોખરે મેમદાવાદ । ત્યાં છે નથુભટ્ટ એવું નામ, તેને ઘેર કર્યો છે મુકામ ।।૪૫।। 

પછે આવી મળ્યા સર્વે સંત, મંડળધારી મોટા મહંત । વળી દેશાન્તરના જે સંઘ, આવ્યા આશ્રિતધારી ઉમંગ ।।૪૬।। 

મેમદાવાદે રહ્યા છે ધીર, પછે શું કરે છે નરવીર । નિત્ય સંત હરિજન સાથ, કાંકરીયે નાવા જાય નાથ ।।૪૭।। 

તે તળાવમાં કરીને સ્નાન, સર્વે સંઘ સાથે ભગવાન । ગળનાડા પર બેસે શ્યામ, સંત ભક્ત સહિત તે ઠામ ।।૪૮।। 

પાછા પધારે ગામમાં નિત્ય, નથ્થુભટ્ટ ઘરે રૂડી રીત । થાળ જમે ત્યાં સુંદર શ્યામ, પ્રેમી જનના પૂરણકામ ।।૪૯।। 

પછે સાંજનો પોર જ્યાં થાય, ગામ બારણે જીવન જાય । ત્યાં છે આંબલીઓ તણાં વૃક્ષ, સભા કરી બિરાજે પ્રત્યક્ષ ।।૫૦।। 

એમ કરે છે લીલાઓ નિત્ય, મેમદાવાદ વિષે અજીત । સેવકને આપે ઘણાં સુખ, ટાળે દારુણ ભવનાં દુઃખ ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ખોખરે મેમદાવાદ પધાર્યા એ નામે છપ્પનમો તરંગઃ ।।૫૬।।