પૂર્વછાયો
સ્નેહ થકી સંભળાવું છું, રામશરણજી આજ । ખીયાક્ષત્રીની શાળા મધ્યે, પધાર્યા મહારાજ ।।૧।।
ઘણીવાર તે ખિયા સાથે, પ્રશ્ન ઉત્તર કર્યા ત્યાંય । પછે સભા પ્રત્યે બોલ્યા, ધારીને એ મનમાંય ।।૨।।
સ્વામિનારાયણ કેછે તે, તમે સમઝ્યા મન । ત્યારે વિચારીને બોલ્યા, એ સભાના સૌ જન ।।૩।।
એ તો કેછે વાત બ્રહ્મની, સમઝ્યા અમે સાર । મળતી આવે તે માનવી, બીજી ન માનો લગાર ।।૪।।
ચોપાઈ
ત્યારે ખિયોક્ષત્રી બાલ્યો એમ, તમે સૌ મુને જાણોછો કેમ । ત્યારે બોલ્યા છે સભાના જન, તમ જેવો બીજો નથી અન્ય ।।૫।।
તમે તો અદ્રિ જેવા છો સ્થિર, ડગાવ્યા ડગો નહિ છો ધીર । વળી ખિયો કહે સુણો સર્વ, મારો મટી ગયો હવે ગર્વ ।।૬।।
નોતો ડગ્યો તે ડગ્યો આજ, સ્વામિનારાયણે કર્યું કાજ । આજથી મારે બીજે ન ફરવું, સહજાનંદનું સ્મરણ કરવું ।।૭।।
ત્યારે હેમો એવે નામે જન, તેપણ બોલ્યો વિચારી મન । મુને પણ એમ ભાસ્યું ઉર, સહજાનંદ પ્રભુ જરુર ।।૮।।
ત્યારે ખિયો બોલ્યો કરી પ્રેમ, આ બીજો પાણો ડગ્યો છે એમ । પછે પધાર્યા શ્રીમહારાજ, ઉતારે આવ્યા છે સુખસાજ ।।૯।।
વળી બીજે દિવસે તે સર્વ, ભેગા થઈને આવ્યા તજી ગર્વ । ત્યારે મહારાજ બોલ્યા મુખે, કાંઈ પ્રશ્ન કરો ભાઈ સુખે ।।૧૦।।
હતો વેદાંતી સિંધનો એક, શ્રીહરિ પ્રત્યે બોલ્યો વિશેક । મારું પ્રશ્ન ધરો મનમાંય, તમે બ્રહ્મનું રૂપ કો આંય ।।૧૧।।
તેમાં પ્રથમ બ્રહ્મનું રૂપ, આપ કહી બતાવો અનૂપ । ત્યારે બોલ્યા છે પ્રાણજીવન, છાતીયે હાથ દેઈ પાવન ।।૧૨।।
છે આ બ્રહ્મનું રૂપ અમારૂં, તે કહે તમે છો બ્રહ્મ વારૂં । શ્રીહરિ કે અમે છૈયે બ્રહ્મ, સર્વ અંતર્યામી અનુક્રમ ।।૧૩।।
ત્યારે તે કહે દેખાડો સોય, આજ સંતોષ પમાડો જોય । વળી વાલમ બોલ્યા વિશેક, બ્રહ્મ તે બે રૂપે છે કે એક ।।૧૪।।
વેદાંતી કહેછે બ્રહ્મ એક, પછી બોલ્યા પ્રભુ ધરી ટેક । પ્રાણપતિ કહે છે સમક્ષ, એક તો અમે છૈયે પ્રત્યક્ષ ।।૧૫।।
બીજો હોય તો દેખાડ્યો જાય, તે કહે કેમ એ તો મનાય । વળી બોલ્યા છે જગદાધાર, જોવાનો હોય મન વિચાર ।।૧૬।।
તો રહો અમારા સાધુ સંગ, તમને દેખાશે એવો રંગ । કહે વેદાંતી એમ ન થાય, પેલે દેખ્યા વિના ન રેવાય ।।૧૭।।
એવું સુણી પ્રભુયે તે વાર, રૂડો દેખાડ્યો ચમત્કાર । નિજ સ્વરૂપમાંથી અપાર, દેખાડ્યો તેજ તેજ અંબાર ।।૧૮।।
એવું દેખીને વેદાંતી જન, પામ્યો આશ્ચર્ય પોતાને મન । જોયો પ્રતાપ પ્રૌઢ અપૂર્વ, ગળી ગયો છે તેહનો ગર્વ ।।૧૯।।
બ્રહ્મવિદ્યાનાં બત્રીસ રૂપ, વાલે કરી બતાવ્યાં અનૂપ । મહાવાક્યો વેદનાં છે જેહ, તેની વિક્તિ બતાવી છે તેહ ।।૨૦।।
વેદાંતી નમ્યો પ્રેમ સહિત, થયો શ્રીહરિનો તે આશ્રિત । કરે પ્રગટ તણું ભજન, મહાપ્રભુને અરપ્યું મન ।।૨૧।।
પછે પધાર્યા શ્રીઅલબેલ, કાળે તળાવે સુંદર છેલ । રવજી મનજી ભીમભાઈ, તેમને ત્યાં રહ્યા સુખદાઈ ।।૨૨।।
દોઢસો સંત પોતાની પાસ, તેસહિત રહ્યા દોઢ માસ । પછે ત્યાં થકી સુંદરશ્યામ, પ્રીતે પધાર્યા છે તેરે ગામ ।।૨૩।।
પ્રાગજી દવેની પાસે નિત્ય, ભાગવત વંચાવે અમિત । પંદર દિન રહ્યા તે સ્થાન, ભુજ નગરે ગયા ભગવાન ।।૨૪।।
તેસમે ભુજમાં એક માસ, પોતે રહ્યા છે શ્રીઅવિનાશ । ત્યાંથી પધાર્યા કરીને પ્રીત, બંદરે ગયા છે રુડી રીત ।।૨૫।।
પધાર્યા રાયસિંહને ઘેર, જમ્યા ભોજન ત્યાં સુખભેર । વળી ત્યાંથી ગયા છે અંજાર, ઠક્કર દામજીભાઇને દ્વાર ।।૨૬।।
તેમણે કર્યું ત્યાં સનમાન, કરાવ્યાં રૂડાં ભોજનપાન । રહ્યા ચાર દિવસ તે ઠામ, ત્યાંથી તો પધાર્યા ભચૌ ગામ ।।૨૭।।
ત્યાંછે વણિક વાઘજી નામ, શ્રીહરિ પધાર્યા તેને ધામ । બાટી શાક કર્યું નિજ હાથે, પછે જમી લીધું છે તે નાથે ।।૨૮।।
સાધુ પાર્ષદને રૂડી પેર, જમાડ્યા હરિભક્તને ઘેર । પછી ત્યાંથી કર્યું છે પ્રયાણ, ચાલ્યા મારગે જીવનપ્રાણ ।।૨૯।।
એવામાં એક બ્રાહ્મણ તન, ચાલ્યો આવે તે છે નિર્ધન । નથી પેરવા પાયે ઉપાન, દીશે છે તે દરિદ્રી સમાન ।।૩૦।।
તેને દેખી દયા આવી મન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન । નિજ મોજડીઓ ને ચોફાડ, આપ્યાં બ્રાહ્મણને તતકાળ ।।૩૧।।
સંત પાર્ષદને કરી વાત, તમે સર્વે જાઓ ગુજરાત । પછી ચાલ્યા પોતે એકાએક, ગામ આધોઈ ગયા વિશેક ।।૩૨।।
રાયધણજીના ઘરમાંય, છાના માના ગયા પ્રભુ ત્યાંય । એક સ્તંભની ઓથે શ્રીશ્યામ, ગુપ્ત રીતે ઉભા છે તે ઠામ ।।૩૩।।
કરણીબાએ વાલાને નિર્ખ્યા, દેખીને પોતાના પ્રાણ હર્ખ્યા । વાલીડા સંતાવાનું શું કાજ, ક્યાંથી પધાર્યા હે મહારાજ ।।૩૪।।
હવે પ્રાણપતિ અલબેલ, નટનાગર સંુદર છેલ । પધારો મારા પ્રાણઆધાર, એમ હેત દેખાડ્યું અપાર ।।૩૫।।
પછે નાથને ગ્રહીને હાથ, ઢોલિયે પધરાવ્યા શ્રીનાથ । સ્નેહવડે કર્યો સતકાર, પુછવા લાગ્યાં સહુ સમાચાર ।।૩૬।।
ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, હમણાં નથી પુછવાનું કાજ । મને ક્ષુધા લાગીછે તે સાર, માટે જમવા આપો આવાર ।।૩૭।।
ત્યારે બોલ્યાં તે બાઈ વચન, સુણો વિનંતિ જગજીવન । અમે જમી રહ્યાં આણી વાર, હવે રસોઈ નથી તૈયાર ।।૩૮।।
થોડી વારમાં કરાવું થાળ, પછે જમાડું હું તતકાળ । ત્યારે બોલ્યા શ્રી જગદાધાર, અમને ક્ષુધા લાગી નિરધાર ।।૩૯।।
માટે જે હોય તે લાવો આંય, હવે ક્ષુધા તે સહન નહિ થાય । કરણીબા કે કાંઈ નથી આજ, સાચી વાત કહું મહારાજ ।।૪૦।।
પછી કે છે તે જીવનસાર, દધિ હોય તો લાવો આ વાર । કરણીબા લાવ્યાં છે ત્યાં દહીં, જમાડે છે પ્રભુને તે સહી ।।૪૧।।
એમ દધિનાં ગોરસ ત્રણ, જમી ગયા છે અશરણ શરણ । પછી કર્યું પોતે જલપાન, કરણીબાને કે છે ભગવાન ।।૪૨।।
હવે થાળ કરાવો નિરાંતે, પછી જમાડજો પૂરણ પ્રીતે । એ પ્રમાણે લીલા કરે માવ, નિજભક્તને આપે છે લાવ ।।૪૩।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ આધોઇ પધાર્યા એ નામે અઠ્ઠાવનમો તરંગઃ ।।૫૮।।