ગઢડા મઘ્ય ૨૧ : મુદ્દાનું
સંવત્ ૧૮૭૮ ના ફાગણ શુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી, તથા શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદસ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સુરત દઇને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એજ સિદ્ધાંત છે; અને જીવના કલ્યાણને અર્થે પણ એટલીજ વાત છે જે આ સર્વે જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે, અને સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેણે કરીને કાંઇ કલ્યાણ થતું નથી, અને કેવળ વર્ણાશ્રમના ધર્મવતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે, તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ, ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઇયે સમજવું બાકી રહ્યું નહિ. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો, અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છુટકો છે અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ, એમને પુછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુકિત લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે, અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દૃઢ નિશ્વય થયો હોય તેને સર્વે મુદો હાથ આવ્યો, અને કોઇ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડયા, તોપણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્વય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડયા નહિ. માટે સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે.”
અને તેજ દિવસ સાંજને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ ચડીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયે વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત પાઘ માથે બાંધી હતી, અને તે પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, તમને એક પ્રશ્ર્ન પુછીએ જે,’જીવને સ્વપ્ન અવસ્થાને વિષે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે, અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે, તે એ સૃષ્ટિરૂપે તે જીવ થાય છે ? કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિષે એ સૃષ્ટિને સૃજે છે ? અને જેમ જીવને છે તેમ જ સર્વ બ્રહ્માદિક ઇશ્વર છે તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે, તે પોતે એ સૃષ્ટિરૂપે થાય છે ? કે પોતે સંકલ્પે કરીને સૃજે છે ? કે એ જીવ ઇશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજી આપે છે ?’ એ પ્રશ્ર્નનો ઉત્તર કરો.” પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોઇથી યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ તથા ઇશ્વર એમાંથી કોઇ સ્વપ્નસૃષ્ટિને સૃજતા નથી, અને પોતે પણ સ્વપ્નસૃષ્ટિરૂપે થતા નથી. એ તો એ જીવ ઇશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળપ્રદાતા છે તે એ જીવ ઇશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્નસૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્નસૃષ્ટિને વિષે જે અસ્થ્િારપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે; કેમ જે, કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઇ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઇ આવે, તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે. અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે. અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે. અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે. અને મૂર્ખ હોય તે તો જે કોઇક એક વાત સમજાઇ ગઇ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે, પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને તો ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતાં ન આવડે. અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા, એ સર્વના પ્રેરક છે, અને પોતાની ઇચ્છાએ કરીને દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમારચક્ર છે તે ધ્રુવમંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દીવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણું માત્ર પણ ન ચાલે, તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. “માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દરબારમાં પધારતા હવા.
પછી વળી તેજ દિવસે અર્ધરાત્રિયે શ્રીજી મહારાજ પોતે સાધુની જાયગાને વિષે પધાર્યા હતા, પછી સર્વે સાધુ શ્રીજીમહારાજને નમસ્કાર કરીને પાસે બેઠા. પછી તે મુનિ પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ્યા જે, અમને એક વિચાર ઉપજ્યો તે સારૂં આટાણે તમ પાસે આવ્યા છીએ જે, અમારા મનમાં એમ સમજાય છે જે, આ સંસારને વિષે જેને ગામગરાસ હોય અથવા ધન, દોલત હોય એ જ અતિશે દુ-:ખિયો છે, અને જેને ધન, દોલત, રાજ, ન હોય તે જ સુખિયો છે. માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રી અમદાવાદ નગરને વિષે કરાવ્યું છે અને બીજાં પણ થવાનાં છે. માટે તે નિમિત્ત શ્રદ્ધા વિના કોઇને પ્રેરવું નહિ ને શ્રી નરનારાયણદેવની ઇચ્છા હશે તો મંદિર થાશે અને ઇચ્છા નહિ હોય તો નહિ થાય, પણ તે સારૂં આપણે તો કોઇ પ્રકારે કલેશ ન થાય તેમ કરવું, અને સમૈયો આવે ત્યારે જન્માષ્ટમી આદિક ઉત્સવને દિવસે શ્રી નરનારાયણની ઇચ્છાએ કરીને કોઇ વાર હજારૂં ને લાખુ રૂપિયાની સામગ્રીએ કરીને ઉત્સવ થાય, અને કોઇ વાર તુલસીનું પત્ર મુકીને ઉત્સવ થાય, પણ સહજે થાય તે ખરૂં, પણ આગ્રહ કરીને કોઇ વાત કરવી નહિ. અને એ નરનારાયણદેવને પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ આપે તે સુખે આપે પણ આપણે કોઇને બળાત્કારે પ્રેરવું નહિ.
પછી શ્રીજીમહારાજે પ્રસન્ન થઇને સાધુને પ્રશ્ર્ન પુછયો જે, એકાંતિક પ્રભુનો ભક્ત કેને કહીએ ? પછી મુકતાનંદસ્વામીએ આવડયો એવો ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને સ્વધર્માદિક અંગે જુક્ત જે ભકિત તેણે યુક્ત થકો પરબ્રહ્મ એવા જે પુરૂષોત્તમ તેનું ઘ્યાન, સ્મરણ ને ઉપાસના તેને કર્યા કરે અને દેહે કરીને જેટલાં પરમેશ્વરે વર્તમાન કહ્યાં હોય તેમાં ફેર પડવા દે નહિ, એવો હોય તે અકાંતિક ભક્ત જાણવો ને એવી એકાંતિકી ભકિતની પ્રવૃતિ કયારેક તો સૃષ્ટિમાં ન હોય ત્યારે શ્રી નરનારાયણને વિષે રહેછે, અને શ્રીનરનારાયણ પોતે એકાંતિક ભક્તની પેઠે વરતીને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શીખવાડે છે; ને એવા એકાંતિક તો સતસંગવિના બીજે નથી. અને બીજે તો કોઇ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન ને ત્યાગ નથી, અને કોઇ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ ને ઉપાસના નથી, ને કોઇ મતમાં ત્યાગ છે તો આત્મજ્ઞાન ને ઉપાસના નથી, અને આ સમામાં સત્સંગમાં તો સર્વે અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે. એમ વાત કરીને શ્રીજીમહારાજ ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૨૧|| ૧૫૪ ||