વરતાલ ૧૯ : ભકત થાવાનું – અવિવેકનું
સંવત્ ૧૮૮૨ના મહા શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રી વરતાલ મઘ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ઠાકોરજીની સંઘ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી-મહારાજ બોલ્યા જે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ધટે નહિ. શા માટે જે, ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમસુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુ:ખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનના પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયનાં સુખને ઈચ્છવું નહિ. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. તે સારૂં જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકનાં જે ભોગસુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યાં જોઈએ,અને મન-કર્મ-વચને કરીને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ. અને એમ સમજ્યું જોઈએ જે, “જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય, તો તે પણ ઈન્દ્ર પદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરકચોરાશીમાં તો જાય જ નહિ. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાંજ કેમ આવે ?” માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાંજ દ્રઢ પ્રીતિ રાખવી.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૯|| ૨૧૯||