શ્ર્લોક ૧૧-૧૨૧ સાધારણ ધર્મ

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:25am
હવે જે વર્ત્યાની રીત કહી છીએ જે- અમારા જે સત્‍સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)

અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માંછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્‍ત્રોમાં કહ્યું છે (૧૨)

અને સ્‍ત્રી, ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્‍યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન જ કરવી (૧૩)

અને આત્‍મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્‍ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્‍મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્‍યાદી કોઇ રીતે આત્‍મઘાત ન કરવો. (૧૪)

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્‍કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગીયારસ પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)

અને કયારેક પોતાવતે કાંઇક અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય તો શસ્‍ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્‍સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્‍ઠ પુષ્‍પ આદિક વસ્‍તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭)

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્‍ત્રીઓ તેમણે વ્‍યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્‍યસન તેનો ત્‍યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્‍તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં (૧૮)

અને જેના હાથનું રાંધેલુ અન્‍ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલુ અન્‍ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્‍ણભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્‍મ્‍યે કરીને પણ જગન્‍નાથપુરી વિના અન્‍ય સ્‍થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્‍નાથપુરીને વિષે જગન્‍નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી (૧૯)

અને પોતાના સ્‍વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના પર મિથ્‍યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી (૨૦)

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધ ન ખાવું (૨૨)

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્‍કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩)

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્‍સંગીએ ત્‍યાગ ન કરવો અને પરધર્મનું  આચરણ ન  કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્‍પીત ધર્મનું આચરણ ન કરવું. (૨૪)

અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્‍ણભગવાનની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવવાનની કથા વાર્તા ન સાંભળવી (૨પ)

અને જે સત્‍ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્‍ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્‍ની હોય તેના સંગનો ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)

અને ચોર, પાપી, વ્‍યસની, પાંખડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (૨૭)

અને જે મનુષ્‍ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્‍ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય  તે મનુષ્‍યનો સમાગમ ન કરવો (૨૮)

અને જે શાસ્‍ત્રને વિષે શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનના જે વરાહાદિક અવતારો તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે  શાસ્‍ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)

અને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આચરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્‍યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)

અને લોક અને શાસ્‍ત્ર તેમણે મળ મૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચા એ  આદિક જે સ્‍થાનક તેમને વિષે કયારેય પણ મળ મૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)

અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્‍થાનક ધણીયાતું હોય તે સ્‍થાનકને વિષે તેના ધણીને પુછયા વિના ઉતારો ન કરવો (૩૩)

અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને  સ્‍ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪)

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્‍ઠ મનુષ્‍ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્‍ઠીત મનુષ્‍ય હોય તથા જે વિદ્વાન મનુષ્‍ય હોય તથા જે શસ્‍ત્રધારી મનુષ્‍ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. (૩પ)

અને વિચાર્યા વિના તત્‍કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો (૩૬)

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્‍યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા (૩૭)

અને જે વસ્‍ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંડું વસ્‍ત્ર તે અમારા સત્‍સંગી તેમણે ન પહેરવું (૩૮)

અને શ્રીકૃષ્‍ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહીત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્‍ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાનો ત્‍યાગ કરવો જ નહી. (૩૯)

અને ઉત્‍સવના દિવસને વિષે તથા નિત્‍ય પ્રત્‍યે શ્રીકૃષ્‍ણના મંદિરમાં આવ્‍યા જે સત્‍સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્‍ત્રીઓનો સ્‍પર્શ ન કરવો તથા સ્‍ત્રીઓ તેમણે પુરુષનો સ્‍પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું (૪૦)

અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્‍ણની દીક્ષાને પામ્‍યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણ  વર્ણના અમારા સત્‍સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્‍યે ધારવી અને લલાટ, હ્રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. (૪૧)

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)

અને તે તિલકના મધ્‍યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્‍મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્‍ણના ભકત એવા સતશૂદ્ર તેમણે તો તુળશીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્‍યની પેઠે ધારવાં (૪૪)

અને તે સચ્‍છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્‍ઠની જે બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ)

અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્‍યાં આવ્‍યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્‍યાગ ન કરવો. (૪૬)

અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્‍મપણું જ જાણવું. કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરુપે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)

અને અમારા આશ્રિત જે મનુષ્‍ય તેમણે શાસ્‍ત્રે કહ્યો જે આપધ્ધર્મ તે અલ્‍પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)

અને અમારા સત્‍સંગી તેમણે નિત્‍ય સુર્ય ઉગ્‍યાથી પહેલા જ જાગવું અને શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍મરણ કરીને પછી  શૌચવિધિ કરવા જવું. (૪૯)

અને પછી એક સ્‍થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્‍નાન કરીને પછી ધોયેલું વસ્‍ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)

અને તે પછી પવિત્ર પૃથ્‍વીને વિષે પાથર્યું અને શુધ્‍ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું (પ૧)

અને પછી સત્‍સંગી પુરુષમાત્રને ચાંદલે  સહીત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્‍ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો (પ૨)

અને તે વિધવા સ્‍ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું તે ચાંદલો પણ ન કરવો તે પછી તે સર્વે જે અમારા સત્‍સંગી તેમણે મને કરીને કલ્‍પ્‍યાં જે ચંદન પુષ્‍પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની માનસી પૂજા કરવી. (પ૩)

અને તે પછી જે શ્રીરાધાકૃષ્‍ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્‍કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્‍ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. (પ૪)

અને જે અમારા સત્‍સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્‍મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી (પપ)

અને તે જે આત્‍મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્‍ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્‍ત થયા જે ચંદન પુષ્‍પ ફળાદિક વસ્‍તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનનો જે અષ્‍ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)
 
અને તે પછી  શ્રીકૃષ્‍ણ ભગવાનના જે સ્‍તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્‍કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનનું નામ કીર્તન કરવું (પ૭)

અને પછી શ્રીકૃષ્‍ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્રસાદિ એવું જે અન્‍ન તે જમવું
અને તે જે આત્‍મનિવેદી વૈષ્‍ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની
સેવાપરાયણ થવું. (પ૮)

અને નિર્ગુણ કહેતાં માયાનાં જે સત્‍વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તેના સબંધથકી તે આત્‍મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્‍મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯)

અને એ જે આત્‍મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફળાદીક જે વસ્‍તુ તે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)

અને વળી સર્વે જે અમારા સત્‍સંગી તેમણે વૃધ્‍ધપણા થકી અથવા કોઇ મોટા આપત્‍કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે  વર્તવું (૬૧)

અને જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્‍યું હોય અથવા તે આચાર્યે જે સ્‍વરુપની પ્રતિષ્‍ઠા કરી હોય તે જ સ્‍વરુપને સેવવું અને તે વિના બીજું  જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે તો નમસ્‍કાર કરવા યોગ્‍ય છે પણ સેવવા યોગ્‍ય નથી. (૬૨)

અને અમારા જે સર્વે સત્‍સંગી  તેમણે નિત્‍ય પ્રત્‍યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્‍યે  જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તેના નામનું ઉચ્‍ચ સ્‍વરે કરીને કીર્તન કરવું (૬૩)

અને તે શ્રીકૃષ્‍ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્‍સવને દિવસે વાજિંત્રે સ‍હિત શ્રીકૃષ્‍ણનાં કીર્તન કરવાં (૬૪)

અને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી  તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)

અને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિષે  જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)

અને પોતાના  જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)

અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્‍ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વીએ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (૬૯)

અને ગુરુદેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્‍ત્રે કરીને ઢિંચણને બાંધીને ન બેસવું (૭૦)

અને અમારા આશ્રિત જે સર્વે સતસંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્‍ય પ્રમાણે અન્‍ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)

અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્‍કાળ સન્‍મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્‍યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)

 
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો (૭૩)

અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (૭૪)

અને કોઇની પણ જે ગૃહ્યવાર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્‍માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્‍માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્‍લંઘન કરવું નહિ. (૭પ)

અને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્‍ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (૭૬)

અને તે વિશેષ નિયમ તે કિયા તો -ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્‍નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્‍તોત્રનો પાઠ કરવો તથા ભગવાનાને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)

તથા ભગવાનને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરવા. એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્‍યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે  વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)

અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે જન્‍માષ્‍ટમી આદિક જન્‍મદિવસ તેમનું વ્રત આદરથકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્‍સવ કરવા (૭૯)

અને જે દિવસે વ્રતનો  ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્‍ને કરીને દિવસની નિંદ્રાનો ત્‍યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાય છે. તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થઇ છે. (૮૦)

અને સર્વ વૈષ્‍ણવના રાજા એવા જે શ્રીવલ્‍લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જેતે જે વ્રત અને ઉત્‍સવના નિર્ણયને કરતા હવા (૮૧)

અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્‍સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્‍ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું (૮૩)

અને અમારા જે આશ્રિત તેમણે વિષ્‍ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ જેતે પૂજયપણે કરીને માનવા (૮૪)

અને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્‍યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બિજા કોઇ ક્ષુદ્ર દેવના સ્‍તોત્ર અને મંત્રનો જપ ન કરવો (૮પ)

અને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્‍સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્‍કાળ ત્‍યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્‍ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (૮૬)

અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રેસહિત સ્‍નાન કરીને જે અમારા ગૃહસ્‍થ સત્‍સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્‍યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી (૮૭)

અને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્‍ત્ર પાળવું (૮૮)

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું. (૮૯)

અને વૈશ્‍ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્‍યાપાર તથા વ્‍યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્ત્તિઓ તેમણે કરીને વર્તવું (૯૦)

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધા‍નાદિક સંસ્‍કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવાં (૯૧)

અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. (૯૨)

ને ચાર વેદ તથા વ્‍યાસસૂત્ર તથા શ્રીમદભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્‍ણુસહસ્‍ત્રનામ (૯૩)

તથા શ્રીમદભગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્‍કંદપુરાણનો જે વિષ્‍ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્‍મ્‍ય (૯૪)

અને ધર્મશાસ્‍ત્રના મધ્‍યમાં રહી એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ. એ જે  આઠ સચ્‍છાસ્‍ત્ર તે અમને ઇષ્‍ટ છે. (૯પ)

અને પોતાના હિતને ઇચ્‍છતા એવા જે અમારા સર્વે શિષ્‍ય તેમણે એ આઠ સચ્‍છાસ્‍ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્‍છાસ્‍ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)

અને તે આઠ સચ્‍છાસ્‍ત્રમાંથી આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ તેનું ગ્રહણ કરવું (૯૭)

અને વળી એ આઠ સચ્‍છાસ્‍ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્‍કંધ તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું માહાત્‍મ્‍ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)

અને દશમસ્‍કંધ તથા પંચમસ્‍કંધ તથા યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્‍ત્ર, યોગશાસ્‍ત્ર અને ધર્મશાસ્‍ત્ર છે, કહેતા દશમસ્‍કંધ તે ભકિતશાસ્‍ત્ર છે અને પંચમસ્‍કંધ તે યોગશાસ્‍ત્ર છે અને યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ તે ધર્મશાસ્‍ત્ર છે એમ જાણવું (૯૯)

અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્‍યાસસૂત્રનું શ્રીભાષ્‍ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્‍ય એ જે બે તે અમારું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર છે એમ જાણવું (૧૦૦)

અને એ સર્વે સચ્‍છાસ્‍ત્રને વિષે જે વચન તે જેતે  શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય અને ચારના અતિ ઉત્‍કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)

તે વચન જેતે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્‍ણભગવાનની ભકિત તે જેતે ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે (૧૦૨)

અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્‍ણભગવાનને વિષે માહાત્‍મ્‍યજ્ઞાને સહિત જે ઘણો સ્‍નેહ તે ભકિત જાણવી (૧૦૩)

અને શ્રીકૃષ્‍ણભગવાન વિના અન્‍ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્‍ય જાણવો અને જીવ,માયા અને ઇશ્ર્વર તેમના સ્‍વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪)

અને જે જીવ છે તે હ્રુદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્‍મ છે તે ચૈતન્‍યરુપ છે ને બધું જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્‍યે વ્‍યાપીને રહ્યો છે અને અચ્‍છેધ્ધ, અભેદ, અજર, અમર ઇત્‍યાદીક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો (૧૦પ)

ને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્‍ણભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંમમત્‍વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)

અને જે ઇશ્ર્વર છે તે જેતે જેમ હ્રુદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્‍વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્ર્વરને જાણવા (૧૦૭)

અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જે તે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)

અને સમર્થ એવા જે શ્રીકૃષ્‍ણ તે જેતે રાધિકાજીએ યુકત હોય ત્‍યારે રાધાકૃષ્‍ણ એવે નામે જાણવા અને રુકમણીરુપ જે લક્ષ્‍મી તેમણે યુકત હોય ત્‍યારે લક્ષ્‍મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)

અને એ શ્રીકૃષ્‍ણ જેતે અર્જુને યુકત હોય ત્‍યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્‍ણ જેતે બળભદ્રાદિકને યોગ. કરીને  તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦)

અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્‍ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્‍નેહે કરીને શ્રીકૃષ્‍ણભગવાનના અંગને વિષે રહે છે ત્‍યારે તો તે શ્રીકૃષ્‍ણભગવાન એકલા જ હોય એમ જાણવા (૧૧૧)

એ હેતુ માટે શ્રીકૃષ્‍ણભગવાનનાં જે સ્‍વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્‍ટભુજપણું સહસ્‍ત્રભુજપણું ઇત્‍યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્‍ણ તેમની ઇચ્‍છાએ કરીને છે એમ જાણવું (૧૧૨)

અને એવા જે તે શ્રીકૃષ્‍ણભગવાન તેની જે ભકિત તે જેતે પૃથ્‍વીને વિષે સર્વ મનુષ્‍ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજુ કલ્‍યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું (૧૧૩)

અને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્‍ણભગવાનને વિષે ભકિત કરવી ને સત્‍સંગી કરવો અને એમ ભકિત ને સત્‍સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (૧૧૪)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે, માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ)

અને સ્‍થૂળ, સુક્ષ્‍મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો તે પોતાનો જીવાત્‍મા તેને બ્રહ્મરુપની ભાવના કરીને પછી તે બ્રહ્મરુપે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભકિત જેતે સર્વકાળને વિષે કરવી (૧૧૬)

અને શ્રીમદભાગવત પુરાણનો જે દશમ સ્‍કંધ તે જેતે નિત્‍ય પ્રત્‍યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્‍યપ્રત્‍યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો (૧૧૭)

અને એ જે દશમસ્‍કંધ તેનું પુરશ્ર્ચરણ જેતે પુણ્ય સ્‍થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્‍ણુસહસ્‍ત્રનામ આદિક જે સચ્‍છાસ્‍ત્ર તેનું પુરશ્ર્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ર્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. (૧૧૮)

અને કષ્‍ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું (૧૧૯)

અને આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ જે ત્રણ વાનાં તે જેતે દેશ, કાળ, અવસ્‍થા, દ્રવ્‍ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં (૧૨૦)

અને અમારો જે મત તે વિશિષ્‍ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરુપે કરીને જે શ્રીકૃષ્‍ણભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું (૧૨૧)