હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. (૧૩પ)
અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઇને ન કરવું (૧૩૬)
અને જે સ્ત્રીને કોઇ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. (૧૩૭)
અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પુજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્વાદિક જે પિતૃકર્મ તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું (૧૩૮)
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમપે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯)
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃતિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો (૧૪૦)
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પુળાનો સંગ્રહ કરવો (૧૪૧)
અને ગાય, બળદ, ભેંસ, ઘોડા, આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા (૧૪૨)
અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જેતે કયારેય ન કરવો. (૧૪૩)
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી (૧૪૪)
અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું (૧૪પ)
અને પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્યપ્રત્યે રુડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું (૧૪૬)
અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્યુ જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. (૧૪૭)
અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું, તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે (૧૪૮)
અને શ્રાવણ માસને વિષે મહાદેવનું પુજન જેતે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું (૧૪૯)
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણનાં મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહિ. (૧પ૦)
અને શ્રીકૃષ્ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહી. તથા શ્રીકૃષ્ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહી, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું (૧પ૧)
અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજુર તેમને જેટલુ ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ કરજ માગતો હોય અને તે કરજ દઇ ચુકયો હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. (૧પ૨)
અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભુંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય (૧પ૩)
અને તે જો પોતાનું મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઇને સુખેથી રહેવું (૧પ૪)
અને ધનાઢય એવા જે ગૃહસ્થ સતસંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુસંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા (૧પપ)
તે ધનાઢય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવાં (૧પ૬)