આવોને ઓરા છેલછબીલા મારી શેરીએ,

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:16pm

રાગ - ગરબી

પદ - ૧

આવોને ઓરા છેલછબીલા મારી શેરીએ,

આવોને ઓરા હેત કરીને સામું હેરીએ . . ૧

આવોને ઓરા લા’વો મળ્યાનો આપણ લીજીએ,

આવોને ઓરા કાના એકાંતે વાતું કીજીએ . . ૨

આવોને ઓરા ખાંતે કરીને આપણ ખેલીએ,

આવોને ઓરા માથે કલંગી સુંદર મેલીએ . . ૩

આવોને ઓરા ફુલડે બિછાવી મેં  તો સેજડી,

આવોને ઓરા હાથ જોડીને આગે છું ખડી . . ૪

આવોને ઓરા મનડાં મલ્યાં  તે નથી છુટતા,

આવોને ઓરા દુરિજન દેખીને છોને કુટતા . . ૫

આવોને ઓરા પ્રગટ થયા અમારે કારણે,

આવોને ઓરા બ્રહ્માનંદ જાય  તમારે વારણે . . ૬

 

પદ - ૨

પધારો નાથ વાટ જોઈને ઊભી કયારની,

પધારો નાથ શંકા  તજી છે મેં સંસારની . . ૧

પધારો નાથ મંદિર અમારે રંગ માણિએ,

પધારો નાથ અવગુણ અમારા ચિત્ત ન આણીએ . . ૨

પધારો નાથ તમને  વધાવું મોતીડે કરી,

પધારો નાથ પ્યારા રાખીશ હૈયા ઊપરી . . ૩

પધારો નાથ માથા સાટે વરી છું રાજને,

પધારો નાથ મેલી લોકડીયાની લાજને . . ૪

પધારો નાથ ચિત્તડું મોહ્યું  તમારી ચાલમાં,

પધારો નાથ ભૂધર લખ્યા છો મારા ભાલમાં . . ૫

પધારો નાથ છેલછબીલા કુંવર નંદના,

પધારો નાથ વા’લા રસિલા બ્રહ્માનંદના . . ૬

 

પદ - ૩

છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા,

છબીલા છેલ અમથી શામાટે નથી બોલતા . . ૧

છબીલા છેલ અમને  તમારો એક આશરો,

છબીલા છેલ મનમાં ન ગોઠે પિયર સાસરો . . ૨

છબીલા છેલ વાલપ લાગી  તમારા વેણમાં,

છબીલા છેલ આવોને રાખશું જો નેણમાં . . ૩

છબીલા છેલ મુજને લાગી  તમારી આંખડી,

છબીલા છેલ પ્યારા પધારો પે’રી ચાખડી . . ૪

છબીલા છેલ ભાવ કરીને આવો ભેટવા,

છબીલા છેલ મનડાંની દાઝું સર્વે મેટવા . . ૫

છબીલા છેલ આળસ મેલીને હવે આવીએ,

છબીલા છેલ બ્રહ્માનંદને હસીને બોલાવીએ . . ૬

 

પદ - ૪

રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ,

રંગીલા કાન મનની આંટી  તે હવે મેલીએ . . ૧

રંગીલા કાન રહોને આવીને અહ રાતડી,

રંગીલા કાન વાલપની કરીએ જો વાતડી . . ૨

રંગીલા કાન ઝાઝું તમને  શું કહી દાખીએ,

રંગીલા કાન રાંકુંથી રીસ નવ રાખીએ . . ૩

રંગીલા કાન છેટે રે’વું  તે વારી નવ ઘટે,

રંગીલા કાન મળ્યા વિના તે પીડા નવ મટે . . ૪

રંગીલા કાન  પ્રીત કરીને અમને પરહર્યાં,

રંગીલા કાન કૂબજાનાં ઘર  તે પોતાનાં કર્યાં . . ૫

રંગીલા કાન બ્રહ્માનંદની અરજી  તે સાંભળો,

રંગીલા કાન આવી એકાંતે મુજને મળો . . ૬

Facebook Comments