નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે (૪)

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:20pm

રાગ - ગરબી

પદ -૧

નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે. નંદ૦ ૧

એના ચરણ કમલની રેખું, જોઈ જન્મ સુફળ મારો લેખું રે. નંદ૦ ૨

નખમંડળ અધિક  તેજાળું, અંતરમાં કરે છે અંજવાળું રે. નંદ૦ ૩

પગ ઘૂંટી અજબ ગોળ પ્યારી, એનું ધ્યાન ધરે છે ત્રિપુરારી રે. નંદ૦ ૪

ગિરિધરની નવલ પડી ગોરી, બ્રહ્માનંદની છે જીવનદોરી રે. નંદ૦ ૫

 

પદ - ૨

રંગભીનો રે રંગભીનો, એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે - રંગ૦ ૧

જાનુ જુગલ જોઈને સુખી થાયે, નિત્ય કમલા ચાંપે છે ચતુરાયે રે- રં૦૨

દીલ હરખ વાધે છે ઊરૂ દીઠે,  તે  તો શોભે ગરુડ કેરી પીઠે રે - રંગ૦ ૩

કટિ નવલ પીતાંબર ભારી, કંદોરો જડિત સુખકારી રે - રંગ૦ ૪

નાભી અજને થયાનું ઠેકાણું, બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું રે - રંગ૦ ૫

 

પદ - ૩

અલબેલો રે અલબેલો, છોગાવાંળો  તે છેલછબીલો રે - અ૦ ૧

દુંદ ત્રિવળી અધિક રૂપાળી, જોઈ મગન રહેછે મહીવાળી રે - અ૦ ૨

પેટ નરમ પોયણ કેરૂં પાનું, માંહી રહેછે બ્રહ્માંડજુથ છાનું રે - અ૦ ૩

છબીદાર ઊપડતી પહોળી છાતી, રહે લક્ષ્મી અખંડ રંગરાતી રે - અ૦૪

કંઠ શંખ સરીખો કાજુ શોભે, બ્રહ્માનંદનું  તે મનડું લોભે રે - અ૦ ૫

 

પદ - ૪

ગિરધારી રે ગિરધારી, એની મૂર્તિ લાગે છે મને પ્યારી રે - ગિ૦ ૧

ભુજદંડ પ્રચંડ શોભે ભારી, કંઠ નાખી ડોલેછે વ્રજનારી રે - ગિ૦ ૨

રૂડાં કુંડળ જડાઊ કાને રાજે, મુખ જોઈ કમળ શશી લાજે રે - ગિ૦ ૩

તિલ ત્રાજું છે ગૌર કપોળે, સુખ અનંત રહ્યાં છે એને ઓળે રે - ગિ૦ ૪

નાસા નેણ તિલક છબી જોઈને, બ્રહ્માનંદ કહે રાખું છું ચિત્ત પ્રોઈને રે.

Facebook Comments