લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 10:56pm

રાગ - ગરબી

પદ- ૧

લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં  તો શિર નાખ્યો છેડો રે .લાગ્યો૦

કે સહુ મળીને મુજને વારી, કે અટકી મનવૃત્તિ મારી;

કે ધણી મેં તો ધાર્યા ગિરધારી રે. લાગ્યો૦ ૧

કે શું મતલબ મારે કોઈ સાથે, કે મેણું મારે મોહનનું માથે;

કે હરિવરે મને ઝાલી હાથે રે. લાગ્યો૦ ૨

કે મોડું વેલું સૌ જાવાનું, કે  તેને ખીજયે  તે શું થાવાનું;

કે મેણું મારે અવિચળ માવાનું રે. લાગ્યો૦ ૩

કે કોઈ કહી મુજને શું કરશે, કે ગજ ચડી શંકા કોણ ધરશે;

કે શ્વાન ભસી ભસીને મરશે રે. લાગ્યો૦ ૪

કે સમજીને મેં તો પગ ભરીયા, કે સરવે વિષયરસ વીસરિયા;

કે બ્રહ્માનંદનો વહાલો વરિયા રે. લાગ્યો૦ ૫

 

પદ - ૨

લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે લાગી૦

કે એક ટેક અંતર ધારી, કે સગાં કુટુંબ સહુ વિસારી;

કે મન કર્મ વરીયા મોરારી રે. લાગી૦ ૧

કે કર્યું મેં તો  તનમન કુરબાણી, કે હરિવિના ન વદું અન્ય વાણી;

કે કાન કુંવરથી અટકાણી રે. લાગી૦ ૨

કે સુખ મેં તો સંસારી છોડયું, કે સહુ સાથે સગપણ  તોડયું;

કે જગ જીવન સાથે જોડ્યું રે. લાગી૦ ૩

કે મેણાં જગકેરાં સહીને, કે સ્થિર મન મતવાલી થઈને;

કે ચાલી હું  તો શિર કરમાં લઈને રે. લાગી૦ ૪

કે બેઠી હું  તો ભય જગનો ખોઈને, કે મન નિશદિન રહ્યું છે મોહીને;

કે બ્રહ્માનંદનો વહાલો જોઈને રે. લાગી૦ ૫

 

પદ - ૩

મોહી હું  તો નટવરને વાને, કે કીધી વશ ડોલરીયે કાને રે. મોહી૦

કે ચિત્તડામાં લાગી ચટકી, કે લોક્તણીલજજા પટકી;

કે નંદના નંદન સાથે અટકી રે. મોહી૦ ૧

કે જીવ જીવને શું પરણું, કે જેના શિર ઊપર મરણું;

કે સમરથનું લીધું શરણું રે. મોહી૦ ૨

કે થઈ પુરુષોત્તમથી પ્રીતિ, કે નથી હું  તો લોક થકી બીતી;

કે જગપતિ વરી હું  તો જગજીતી રે. મોહી૦ ૩

કે અચલ વાત મને ઓળખાણી, કે થઈ મારે સર્વે દુઃખની હાણી;

કે  પ્રીતમ મુખ રાખ્યું પાણી રે. મોહી૦ ૪

કે સ્થિર થઈ અંતરમાં ધરીયું, કે કા’ને મારું મન ગમતું કરીયું;

કે બ્રહ્માનંદનું કારજ સરીયું રે. મોહી૦ ૫

 

પદ - ૪

કે વર્યા મેં તો રંગભર વાલાને, કે લટકાળા નંદલાલાને રે. વર્યા૦

કે કીધું મેં તો નિશ્ચય વિચારી, કે દુરિજન થાકયાં મુને વારી;

કે ધર્યા વર એક ગિરધારી રે. વર્યા૦ ૧

કે જેમ રણશૂરાની લગની, કે ઊડે જેમ  તોપ બાણ અગ્નિ;

કે પાની ન ધરે પાછી પગની રે. વર્યા૦ ૨

કે સતી જેમ પાછું નવ ભાળે, કે  તન કેરાં સુખને ટાળે;

કે અગ્નિમાં અંગ પરજાળે રે. વર્યા૦ ૩

કે શૂરો કાયર થાય ડરી, કે સતી ઘેર આવે પાછી ફરી;

કે માત પિતામાં ખોટ ખરી રે. વર્યા૦ ૪

કે બ્રહ્માનંદ એમ જોવું પહેલું, કે દેખીને નવ થાવું ઘેલું;

કે કામ કઠણ છે નથી સહેલું રે. વર્યા૦ ૫

Facebook Comments