રાગ - ગરબી
પદ - ૧
જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે. જાવા.એ ટેક.
અમે કંસ તણા મૈયારાં, તે માટે ન રહીએ રોકયાં તારાં રે. જાવા૦ ૧
વાટે દુધ દહીંનું દાણ કેવું, જોજે થાશે એમાંથી જોયા જેવું રે. જાવા૦ ૨
તારે લુંટી લીધાનો પડ્યો હેવા, સારી પેઠે કરીશ તારી સેવા રે. જા૦ ૩
બ્રહ્માનંદ કહે ઘણા દિ’અમે સાંખ્યું, નથી બીતી જોઈને તારી આંખ્યું રે. જા૦
પદ - ૨
દાણ દેને રે દાણ દેને, તારો રાજા હોયતો લાવ તેને રે. દાણ૦
આ વાટે અમારું દાણ લાગે, જુની રીત હશે તે નહીં ભાંગે રે. દાણ૦ ૧
દાડી ચોરીચોરીને દાણ જાતી, આજ શીતલ કરીશ તારી છાતી રે. દાણ૦૨
હવે ઝાઝે દા’ડે તે હાથ આવી, એલી ચોરી થઈ છે તારી ચાવીરે રે દાણ૦૩
બ્રહ્માનંદ કહે મહી દઈ જાને વુંઢી, શીદ ચુંદડી ફડાવીશ ગુઢી રે. દાણ.૪
પદ - ૩
તુંને જાણું રે તુંને જાણું, શાને કાજે કરે છે ધગાણું રે. તુંને૦
તું તો નંદ મહરનો છોરો, ઠાલો રાજા થયાનો હિંસોરો રે. તુંને૦ ૧
આપણ વાંસે રાજાને સર્વે રહીએ, તેમાં નાનું મોટું કેને કહીએ રે. તુંને૦૨
કોણે રાજગાદીનું ટીલું કીધું, તારે બાપે કે દા’ડે દાણ લીધું રે. તુંને૦ ૩
બ્રહ્માનંદ કહે લક્ષણ તારાં આવાં, થાશે જશોદા નંદ જગ ચાવાં રે. તું.૪
પદ - ૪
મહીવાળી રે મહીવાળી, મૂખે બોલ તું વેણ સંભાળી રે . . મહી૦
તારી બોલી જણાય છે બહુ તીખી, તું તો રીત રાજાઓની કે’દી શીખી રે. મ૦
અમે ગોકુળ ગામના રાજા, તારા બાપ જેવા તે લોક ઝાઝા રે. મહી૦ ૨
અમે આદ્ય જગતના દાણી, આવું હલકું બોલે છે શું જાણી રે. મહી૦ ૩
બ્રહ્માનંદ કહે તું થઈ મદમાતી, ત્યારે મુંઘી થાયે છે મરડાતી રે. મહી૦૪
પદ - ૫
દૂર રહીએ રે દૂર રહીએ, એવી વાતે ફજેત કાના થઈએ રે. દૂર૦
અમે રાજાપણું તમારું ભાળ્યું, ગાયો વાંસે ફરે ખાયછે ગાળ્યું રે. દૂર૦૧
કે’દી બાપે તમારે લોક ધાર્યાં, આજ સુધી પરાયાં ઢોર ચાર્યાં રે. દૂર૦૨
હમણે થયું છે દુઝાણું ઘેર ભારી, તે જોઈને ફાટીછે આંખ તારી રે. દૂ૦
બ્રહ્માનંદ કહે આમથાં ખોટી થાશો, ખુબ દાણ સાટેતે ગાળ્યું ખાશોરે.દૂ૦
પદ - ૬
કજિયાળી રે કજિયાળી, કેવાં વેણ લાવે છે ટાળી ટાળી રે. કજી૦
વઢવેડ કર્યાની વાત લાવે, એવે વેણે તે રીસ કેને નાવે રે. કજી૦ ૧
અમે રાજા આહીરની તું છોડી, સામું બોલે નાખીશ માટ ફોડી રે. ક૦
મસ્તાની થઈ છે છાશ પીને, ત્યારે દે છે તુંકારા નંદજીને રે. કજી૦ ૩
બ્રહ્માનંદ કહે ધીરી રહે સારું થાશે, તું સોતી મટુકી તારી જાશે રે. કજી૦૪
પદ - ૭
ખોટી થામાં રે ખોટી થામાં, કાના મગને ભરોસે મરી ખામાં રે. ખોટી૦
મુને છાશ પીતાં તે કયારે ભાળી, તારે કે’દીઆવે સોનાની થાળી રે. ખો૦
તારા ડારા થકી હું નથી ડરતી, નથી જાત અમારી તુંથી નરસી રે. ખોટી૦
પરનારીને કેડે નવ પડીએ, એમાંથી તે ચોવટે ચડીએ રે. ખોટી ૦
બ્રહ્માનંદ કહે કરીએ ઠાલી વાતું, હોય રીત જુની તો કાઢ ખાતું રે. ખોટી૦
પદ - ૮
હરિ રીઝ્યા રે હરિરીઝ્યા, ભાળી ભાવ ગોપીનો પ્રેમે ભજયારે. હરિ૦
હસી બોલ્યા સલુણો ગોપી સાથે, હેતે મટુકી ઉતારી લીધી હાથેરે. હ૦૧
જેને યજ્ઞનું હોમ્યું નવ ભાવે, તેને ગોપી પુરણ મહી પાવેરે. હરિ૦૨
પોતે પીધું બીજાને પાયું પ્રીતે, રાજી કીધી ગોપીને રૂડી રીતેરે. હરિ૦૩
બ્રહ્માનંદના વા’લાની લીલા એવી, હરિજનને અમૃતરસ જેવીરે. હ૦૪