લટકાળા તારે લટકેરે, લેરખડા હું લોભાણી (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:30pm

રાગ - ગરબી

પદ - ૧

લટકાળા  તારે લટકેરે, લેરખડા હું લોભાણી ;

વાંસલડી કેરે કટકે રે, ચિત્તડાં ને લીધું  તાણી. ૧

છોગલિયું  તારું છેલા રે, આવી અટકયું અંતરમાં ;

વણદીઠે રંગના રેલા રે, બેઠી અકળાઉં ઘરમાં. ૨

રાતી આંખલડીની રેખું રે, મનડાંમાં ખૂંતી મારે,

ડોલરીયા હું નવ દેખું રે, જંપ નથી થાતો ત્યારે. ૩

મરમાળી મૂરતિ  તારી રે, વાલમ મારે ચિત્ત ચડી ;

બ્રહ્માનંદના હાર હજારી રે, કેમ કરી મેલું એક ઘડી. ૪

 

પદ - ૨

રૂડું ભાલ તિલક રૂપાળું રે, કોડે કીધું કેસરનું ;

ભાવે હું સુંદર ભાળું રે, કામડલું મેલી ઘરનું. ૧

વાંકી ભ્રકુટિ જોઈ વનમાળી રે, મારું લોભાણું મનડું ;

મોહન નાસા મરમાળી રે, દોયલી વેળાનું ધનડું. ૨

તારાં લોચનીયાં નંદ લાલા રે, રંગભીના રંગનાં ભરીયાં ;

વ્રજજીવન નટવર વહાલા રે, ગુણીયલ અંતરમાં ગરીયાં. ૩

લટકાળા મોહની લાગી રે, ભાવે મુખડું ભાળીને ;

બ્રહ્માનંદના શ્યામ સુહાગી રે, બેઠી જગભય ટાળીને. ૪

 

પદ - ૩

માણીગર મોળીડું  તારું રે, સુંદર ફુલડેથી છાયું ;

મોહન  તેમાં મન મારું રે, ઠીક કરીને ઠેરાયું. ૧

રૂપાળું રંગનું ભરીયું રે, શોભે કોર્યું સોનેરી ;

છોગલિયું નૌતમ ધરીયું રે, લાડકળા વાલમ લહેરી. ૨

કાજુનવલ કલંગી નીરખી રે, ચિત્તડામાં લાગી ચટકી ;

થઈ ગઈ દીવાની સરખી રે, લોકલજજા સર્વે પટકી. ૩

બહુ અંતરમાં રસ બસીયું રે, ગરક કસુંબી બોળીડું ;

બ્રહ્માનંદના મનમાં વસીયું રે, મોહન  તારું મોલીડું. ૪

 

પદ - ૪

વ્રજ જીવન શ્યામ વિહારી રે, લાવણમાં હું લેવાણી ;

મેં તો મેલ્યો જગ વિસારી રે, કાનડ  તારી કેવાણી. ૧

સુંદર વર રંગડો ચડીયો રે, મરમાળા મોહન  તારો ;

જગ  તૃણ સરખો ત્રેવડીયો રે, કોણ માને એનો ડારો. ૨

મારે તમથી  પ્રીત બંધાણી રે, કોઈની શંકા કેમ ધરૂં ;

ચિંતામણી સુંદર લાધી રે, રાંક થઈને શીદ ફરૂં. ૩

તમ સાથે રંગના ભીના રે, દિલડું માન્યું ડોલરીયા ;

બ્રહ્માનંદના નાથ નવીના રે, વાલમ મેં તમને  વરીયા. ૪

Facebook Comments