૮૪ કુરુક્ષેત્રમાં વસુદેવજીએ કરેલો યજ્ઞ.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 8:34pm

અધ્યાય ૮૪

કુરુક્ષેત્રમાં વસુદેવજીએ કરેલો યજ્ઞ.

શુકદેવજી કહે છે હે રાજા ! કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, રાજાઓની સ્ત્રીઓ અને શ્રીકૃષ્ણની ભક્ત ગોપીઓ, આ પ્રમાણે ભગવાનની સ્ત્રીઓની સર્વના આત્મા શ્રીકૃષ્ણ ભગવાનમાં સ્નેહ સંબંધની વાત સાંભળી, સર્વે બહુ જ વિસ્મય પામી ગઇ અને સર્વનાં નેત્ર પ્રેમનાં આંસુઓથી છલકાઇ ગયાં.૧ આ પ્રમાણે સ્ત્રીઓની સાથે સ્ત્રીઓ અને પુરુષોની સાથે પુરુષો વાતો કરતા હતા, ત્યાં શ્રીકૃષ્ણ અને બળદેવજીનાં દર્શન કરવાની ઇચ્છાથી વેદવ્યાસ, નારદ, ચ્યવન, દેવલ, અસિત, વિશ્વામિત્ર, શતાનંદ, ભરદ્વાજ, ગૌતમ, શિષ્યો સહિત મહાત્મા પરશુરામ, વસિષ્ઠ, ગાલવ, ભૃગુ, પુલસ્ત્ય, કશ્યપ, અત્રિ, માર્કંડેય, બૃહસ્પતિ, દ્વિત, ત્રિત, એકત, સનક, સનન્દનાદિક બ્રહ્માના પુત્રો, અંગિરા, અગસ્ત્ય, યાજ્ઞવલ્ક્ય અને બીજા વામદેવાદિ ઋષિઓ પણ કુરુક્ષેત્રમાં આવ્યા.૨-૫ પ્રથમથી બેઠેલા પાંડવો, બળદેવજી અને બીજા રાજાઓ આદિ લોકો પણ જેઓને જગત નમે છે એવા તે ઋષિઓને જોઇ તરત ઊભા થઇને પગે લાગ્યા.૬ સર્વે લોકોએ તથા ભગવાને સ્વાગત, આસન, પાદ્ય, અર્ઘ્ય, પુષ્પ, ધૂપ અને ચંદનથી તેઓની યથાયોગ્ય પૂજા કરી.૭ ધર્મનું રક્ષણ કરવા માટે જેણે દેહ ધર્યો હતો, એવા ભગવાને તે મોટી સભામાં મૌન રાખીને સર્વના સાંભળતાં સુખેથી બેઠેલા તે મુનિઓને આ પ્રમાણે કહ્યું.૮

ભગવાન કહે છે અહો ! દેવતાઓને પણ ન મળે એવું યોગેશ્વરોનું દર્શન થયું, તેથી અમારો જન્મ સફળ થયો, અને જન્મ ધારણ કરવાનું પૂરેપૂરું ફળ આજે અમોને મળી ગયું.૯ માત્ર તીર્થસ્નાનાદિકને તપ માનનારા અને મૂર્તિને દેવરૂપ માનનારા મનુષ્યોને, આપ લોકોનાં દર્શન, સ્પર્શ, કુશલ પ્રશ્ન, નમસ્કાર અને ચરણપૂજન આદિની પ્રાપ્તિ ક્યાંથી જ હોય ?૧૦ જલમય તીર્થો મનુષ્યોને પવિત્ર કરવામાં સમર્થ નથી એમ નહિ. અને માટી તથા પથ્થરની પ્રતિમારૂપ દેવો પવિત્ર નથી કરતા એમ નહિ, પણ તેઓ ઘણે કાળે પવિત્ર કરે છે, અને સાધુલોકો તો દર્શનથી જ પવિત્ર કરે છે.૧૧ અગ્નિ, સૂર્ય, ચંદ્ર, અને તારા, તથા પૃથ્વી, જળ, આકાશ, વાયુ, વાણી અને મન તેઓના અભિમાની દેવતાઓ જો ઉપાસેલા હોય, તો એ અગ્નિ સૂર્યાદિક દેવતાઓ જન્મ મરણ આપનાર અજ્ઞાનનો નાશ કરી શકતા નથી, પણ પ્રાકૃત ફળ વિશેષને આપે છે. પરંતુ ભગવાનના જે એકાંતિક ભક્તો છે એ તો ક્ષણમાત્રના સેવનથી પાપ માત્રને નાશ કરી નાખનારા છે.૧૨ જે માણસ વાત, પિત્ત અને કફમય શરીરને વિષે જેવી આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ તત્ત્વવેત્તા પુરુષોને વિષે કરતો નથી. અને જે પુરુષ સ્ત્રી પુત્રાદિકને વિષે જેવી આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ તત્ત્વવેત્તા પુરુષોને વિષે કરતો નથી. તથા જલમયતીર્થને વિષે જેવી પૂજ્યબુદ્ધિ છે એવી પૂજ્યબુદ્ધિ જે પુરુષતત્ત્વવેત્તાપુરુષોને વિષે કરતો નથી. તે પુરુષ મનુષ્ય હોવા છતાં બળદ અને ગર્દભ જેવો કહેલો છે.૧૩

શુકદેવજી કહે છે અકુંઠિત જ્ઞાનવાળા ભગવાન શ્રીકૃષ્ણનું આવું દીનતા ભરેલું વચન સાંભળી જેઓની બુદ્ધિમાં ભ્રમ થઇ ગયો, એવા મુનિઓ ચુપ થઇ ગયા.૧૪ પછી એ મુનિઓએ ભગવાને દેખાડેલી દીનતા વિષે ઘણીવાર સુધી વિચાર કરીને હસતાં હસતાં ભગવાનને આ પ્રમાણે કહ્યું કે આ દીનતા લોકની મર્યાદા રાખવાને માટે જ આપ કરો છો.૧૫ જે માયા દ્વારા આપ મનુષ્ય લીલા કરવા સારુ ગૂઢ રહીને અનીશ્વરની પેઠે ચેષ્ટા કરો છો, તે માયાથી તત્ત્વવેત્તાઓમાં ઉત્તમ અમો અને પ્રજાપતિઓના અધિપતિઓ પણ મોહ પામેલા છે. આપ તો માયાના અધિપતિ છતાં મોહ પામેલાની પેઠે આચરણ કરો છો તેથી આપની લીલા અતર્ક્ય જણાય છે.૧૬ કર્માધીન ચેષ્ટાથી રહિત, ચેતનતત્ત્વ તથા અચેતનતત્ત્વના એક જ નિયામક એવા આપ, ચેતન તત્ત્વથી વિશિષ્ટ એવી અંતર્યામી શક્તિ વડે જીવોને તેનાં તેનાં કર્મોનાં ફળો આપવાને માટે દેવ મનુષ્યાદિકથી વિશિષ્ટ બહુરૂપે થઇને આ જગતને સ્રજો છો, પાલન કરો છો અને પ્રલય કરો છો, છતાં પણ એ કર્મનો તમોને લેપ લાગતો નથી, કારણ કે તમો જીવોના કર્મોની અપેક્ષા રાખીને જ એ કર્મ કરો છો. જેમ કુંભારે બનાવેલા ઘટાદિક વિકારો વડે પૃથ્વી એક હોવા છતાં બહુ નામ અને રૂપવાળી થાય છે. તેમ ચિત અચિત્‌ થી વિશિષ્ટ એવા તમોએ સર્જેલા, દેવ મનુષ્યાદિક વિકારો વડે એક એવી પણ પ્રકૃતિ જુદા જુદા નામ અને રૂપવાળી થાય છે. આવું જે તમારું મનુષ્યલોકમાં જન્મ ધારણાદિક ચરિત્ર માત્ર અનુકરણરૂપ જ છે.૧૭ આપ આવી રીતે નિરંજન છો, તોપણ સમયસર ભક્ત લોકોનું રક્ષણ કરવા સારુ અને ખળ પુરુષોને શિક્ષા કરવા સારુ શુદ્ધ સત્ત્વમય અવતાર ધરો છો અને પોતાના આચરણથી સનાતન વેદ માર્ગનું પાલન કરો છો. વર્ણ તથા આશ્રમોના આશ્રયરૂપ આપ પરમપુરુષ છો.૧૮ જે વેદ તમારું શુદ્ધ હૃદય છે અને જે વેદમાં તપ, સ્વાધ્યાય અને સંયમદ્વારા શરીર અને આત્મ તત્ત્વથી વિલક્ષણ એવું આપનું પરબ્રહ્મ પરમાત્મ સ્વરૂપ જાણવામાં આવે છે.૧૯ હે મહારાજ ! એટલા માટે જ વેદને પ્રવર્તાવનારા બ્રાહ્મણોનું કુળ, જે વેદથી જણાતા આપને જાણવાના એક સાધનરૂપ છે, તે બ્રાહ્મણોને આપ પૂજો છો, અને તેને લીધે આપ બ્રાહ્મણ ભક્તોમાં અગ્રગણ્ય થઇને કર્મ કરો છો.૨૦ સત્પુરુષોની ગતિરૂપ આપનો સમાગમ થવાથી આજ અમારા જન્મ, વિદ્યા, તપ અને જ્ઞાનની સફળતા થઇ; કેમકે આપ કલ્યાણોના પરમ અવધિરૂપ છો.૨૧ જે આપ અકુંઠિત જ્ઞાનવાળા અને પોતાની યોગમાયાથી ગૂઢ મહિમાવાળા પરમાત્મા છો. તે આપને પ્રણામ કરીએ છીએ.૨૨ આ આપની સાથે રહેનારા રાજાઓ અને યાદવો પણ માયારૂપી પડદાથી ઢંકાયેલા, ઇશ્વર, પરમાત્મા અને કાળરૂપ આપને જાણતા નથી.૨૩ જેમ સ્વપ્ન અવસ્થામાં તે અવસ્થાના વિષયોને સાચા માનતો સૂતેલો પુરુષ, પોતાને નામ માત્ર અને મનથી જ જણાએલા સિંહાદિકરૂપ માને છે, પણ તે સિંહાદિક રૂપોથી રહિત પોતાના જાગ્રત અવસ્થાના રૂપને જાણતો નથી, તેમજ નામ માત્ર અને મનથી જ જણાએલા જાગ્રત અવસ્થાના વિષયોમાં ઇંદ્રિયોની પ્રવૃત્તિરૂપ માયાથી ભમી ગયેલા ચિત્તવાળો પુરુષ, વિવેકનો નાશ થવાને લીધે તમારા વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી.૨૪-૨૫ પાપના સમૂહને દૂર કરનાર, ગંગાજીના આશ્રયરૂપ અને પરિપક્વ યોગવાળા પુરુષોએ પણ માત્ર હૃદયમાં જ ધારેલાં આપનાં ચરણારવિંદને ઘણાં પુણ્યોના યોગથી આજ અમે પ્રત્યક્ષ દીઠાં છે, માટે અમોને ભક્ત માનીને અમારા ઉપર અનુગ્રહ કરો. વિૃદ્ધ પામેલી ભક્તિથી જેઓનું લીંગ શરીર નષ્ટ થઇ ગયું હતું એવા લોકો જ આપને પામ્યા છે, પણ કોઇ બીજા પામ્યા નથી.૨૬

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે સ્તુતિ કરી તથા શ્રીકૃષ્ણ, ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિરની આજ્ઞા લઇ, મુનિઓએ પોતપોતાના આશ્રમોમાં જવાનું મન કર્યું.૨૭ મોટી કીર્તિવાળા વસુદેવે તે ઋષિઓને આશ્રમોમાં જતા જોઇ તેઓની પાસે આવી, પ્રણામ કરી, પગ પકડી સાવધાનપણાથી આ પ્રમાણે કહ્યું.૨૮

વસુદેવ કહે છે હે ઋષિઓ ! સર્વે દેવતાઓના નિવાસરૂપ આપ લોકોને પ્રણામ કરું છું. મારી વિજ્ઞપ્તિ સાંભળવાને યોગ્ય છો. જે જે કર્મ જેવી રીતે કરવાથી કર્મોનો નાશ થાય તે અમોને કહો.૨૯

નારદજી કહે છે હે બ્રાહ્મણો ! શ્રીકૃષ્ણને પોતાના બાળક માનીને વસુદેવ પોતાના કલ્યાણનું સાધન જાણવાની ઇચ્છાથી આપણને પૂછે છે, એ મોટું આશ્ચર્ય નથી.૩૦ આ જગતમાં પાસે રહેવું એ અનાદરનું કારણ થાય છે. ગંગાજીને કાંઠે રહેનારો માણસ ગંગાજીનાં જળને મૂકીને પોતાની શુદ્ધિને માટે બીજા તીર્થમાં જાય છે.૩૧ જેનું જ્ઞાન કોઇ કાળે કરીને, આ જગતની ઉત્પત્તિ લયાદિકથી, પોતાથી, બીજાથી કે રૂપાર્ંંઈરાદિક થવાથી પણ નાશ પામતુ નથી, તે શ્રીકૃષ્ણ કે જે અદ્વિતીય, ઇશ્વર અને અખંડિત જ્ઞાનસ્વરૂપ છે તેને બીજા લોકો, જેમ સૂર્યને વાદળાં, હિમ અને રાહુથી ઢંકાએલો માને, તેમ કલેશ, કર્મ, સુખ-દુઃખ, ગુણના પ્રવાહ અને પોતાનાં કાર્યરૂપ પ્રાણાદિકથી ઢંકાએલા માને, એ કાંઇ આશ્ચર્ય નથી.૩૨-૩૩

શુકદેવજી કહે છે હે રાજા ! પછી એ મુનિઓએ સર્વે રાજાઓ તથા શ્રીકૃષ્ણ અને બળદેવજીના સાંભળતાં વસુદેવને સંબોધન આપીને આ પ્રમાણે કહ્યું.૩૪

બ્રાહ્મણો કહે છે સર્વજ્ઞાનોના ઇશ્વર વિષ્ણુનું યજ્ઞોથી શ્રદ્ધાપૂર્વક યજન કરવું, એ જ સૌથી સારો કર્મથી કર્મ દૂર કરવાનો ઉપાય વિદ્વાનોએ કહેલો છે.૩૫ વિષ્ણુની આરાધનારૂપ આ ધર્મ, ચિત્તની શાન્તિને આપનારો છે, મોક્ષ સુખને આપનારો છે. એટલા જ માટે આજ સુગમ ઉપાય વિદ્વાનોએ શાસ્ત્રરૂપ દૃષ્ટિથી બતાવેલો છે.૩૬ ન્યાય માર્ગે મેળવેલા ધનથી શ્રદ્ધાપૂર્વક ઇશ્વરનું યજન કરવું, એજ ગૃહસ્થાશ્રમવાળા દ્વિજલોકોને કલ્યાણ આપનારો માર્ગ છે.૩૭ હે વસુદેવ ! સમજુ પુરુષે ધનના ફળરૂપ યજ્ઞો અને દાનો કરીને ધનની ઇચ્છા છોડી દેવી, ઘરના ભોગ ભોગવીને સ્ત્રી અને પુત્રની તૃષ્ણા છોડી દેવી અને જગતને નાશ પામનારું જાણીને પોતાને પ્રતિષ્ઠાની તથા સ્વર્ગાદિક લોકની તૃષ્ણા પણ છોડી દેવી.૩૮ સઘળા ધીર પુરુષો ગામની તથા રાજ્યની સર્વે તૃષ્ણા છોડી દઇને તપોવનમાં ગયા છે. હે વસુદેવ ! દેવ, ઋષિ અને પિતૃના ત્રણ ઋણ સાથે લઇને દ્વિજ લોકો જન્મે છે. માટે યજ્ઞથી દેવના ઋણને, વેદાધ્યયનથી ઋષિઓના ઋણને અને પુત્ર ઉત્પન્ન કરવાથી પિતૃના ઋણને દૂર કર્યા વિના જે સંસારનો ત્યાગ કરે તે પતિત થાય.૩૯-૪૦ હે મોટી બુદ્ધિવાળા ! તમે તો હમણાં ઋષિ અને પિતૃના બે ઋણથી મુક્ત થયા છો અને હવે યજ્ઞો કરવાથી દેવનું ઋણ દૂર કરીને ઋણ મુક્ત થઇ ઘરમાંથી ચાલી નીકળો.૪૧

શુકદેવજી કહે છે મોટા મનવાળા વસુદેવે આ પ્રમાણે તેઓનું વચન સાંભળી, તે ઋષિઓને મસ્તકથી પ્રણામ કરી તથા રાજી કરીને ઋત્વિજનું કામ કરવા સારુ વરાવ્યા. ૪૨ હે રાજા ! ધર્મની રીતે વરાવેલા તે ઋષિઓએ કુરુક્ષેત્રમાં ધર્માત્મા વસુદેવને ઉત્તમ રચનાવાળા યજ્ઞોથી યજન કરાવવા લાગ્યા.૪૩ વસુદેવે યજ્ઞની દીક્ષા લેતાં યાદવો અને રાજાઓએ સ્નાન કરી, સારાં વસ્ત્ર અને કમળની માળાઓ પહેરીને ઉત્તમ શણગાર ધરી લીધા.૪૪ રાજી થયેલી ચંદનાદિકના લેપનવાળી, કંઠમાં આભૂષણવાળી અને સારાં વસ્ત્ર ધરનારી વસુદેવની સ્ત્રીઓ પૂજનના પદાર્થ લઇને દીક્ષાની શાળામાં આવી.૪૫ મૃદંગ, પટહ, શંખ, ભેરી અને આનક આદિ વાજાં વાગવા લાગ્યાં, નટ અને નર્તકીઓ નાચવા લાગી, સૂત અને માગધો સ્તુતિ કરવા લાગ્યા, સારા સ્વરવાળી ગાંધર્વની સ્ત્રીઓ પોતાના પતિઓની સાથે ગાયન કરવા લાગી.૪૬ ચંદ્રમાનો જેમ રોહિણી આદિ સ્ત્રીઓની સાથે અભિષેક કર્યો હતો, તેમ વસુદેવનો પણ તેમના નેત્રમાં આંજણ અંજાવી તથા શરીરમાં માખણનું લેપન કરાવી, તેમની અઢાર સ્ત્રીઓ સાથે ઋત્વિજોએ અભિષેક કર્યો.૪૭ દીક્ષા પામેલા અને મૃગચર્મ જેણે ઓઢ્યું હતું, એવા વસુદેવ વસ્ત્ર, કંકણ, હાર, ઝાંઝર અને કુંડળોથી સારી રીતે શણગારેલી સ્ત્રીઓથી શોભતા હતા.૪૮ હે રાજા ! ઇંદ્રના યજ્ઞમાં જેમ ઋત્વિજો અને સભાસદો શોભ્યા હતા, તેમ વસુદેવના યજ્ઞમાં પણ ઋત્વિજો અને સભાસદો શોભતા હતા, અને તેઓએ રત્ન તથા રેશમી વસ્ત્ર ધાર્યાં હતાં.૪૯ તે સમયમાં સર્વજીવોના સ્વામી શ્રીકૃષ્ણ અને બળદેવ પણ પોતપોતાના બંધુઓની સાથે પુત્રો, સ્ત્રીઓ અને પોતાની વિભૂતિઓથી શોભતા હતા.૫૦ વસુદેવે પ્રત્યેક યજ્ઞમાં વિધિ સહિત અગ્નિહોત્રાદિક પ્રકૃતિ અને વિકૃતિરૂપ યજ્ઞોથી દ્રવ્ય, મંત્ર અને કર્મોના ઇશ્વર વિષ્ણુનું યજન કર્યું.૫૧ પછી સમયસર શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે સારી રીતે શણગારેલા ઋત્વિજ બ્રાહ્મણોને ગાય, પૃથ્વી, ઉત્તમ કન્યા અને ધનની દક્ષિણાઓ આપી.૫૨ ‘પત્નીસંયાજ’ અને અવભૃથ્ય નામની ક્રિયાઓ કરાવીને પછી મોટા ઋષિઓ અને બ્રાહ્મણો યજમાનને આગળ કરી, પરશુરામના ધરામાં નાહ્યા.૫૩ ત્યારપછી સારા શણગાર ધરીને વસુદેવે તથા તેમની સ્ત્રીઓએ બંદિજનોને અલંકાર તથા વસ્ત્રો આપ્યાં અને સર્વે વર્ણોને તથા કુતરાં પર્યંત સર્વે પ્રાણીઓને પણ અન્નથી પ્રસન્ન કર્યાં.૫૪ બંધુઓ અને તેની સ્ત્રીઓ, તેઓના પુત્રો, સભાસદો, ઋત્વિજો, દેવના ગણ, મનુષ્ય, ભૂત, પિતૃ, ચારણ અને વિદર્ભ, કૌસલ, કુરુ, કાશી, કેક્ય તથા સૃંજય વંશના ક્ષત્રિઓનું ઘણી ઘણી પહેરામણીથી પૂજન કર્યું. પછી એ સર્વે લોકો ભગવાનની આજ્ઞા લઇ, યજ્ઞના વખાણ કરતા કરતા ત્યાંથી ગયા.૫૫-૫૬ ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ, દ્રોણ, કુંતી, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, મહાત્મા નારદજી, વ્યાસ, મિત્રો, સંબંધીઓ અને બાંધવો કે જેઓનાં ચિત્ત સ્નેહથી પલળી ગયાં હતાં, તેઓ પોતાના સંબંધી યાદવોનું આલિંગન કરી, વિરહના કષ્ટથી માંડમાંડ સ્વદેશમાં ગયા, અને બીજા લોકો પણ ગયા.૫૭-૫૮ શ્રીકૃષ્ણ બળદેવજી અને ઉગ્રસેન આદિ યાદવોએ મોટી પૂજાથી પૂજેલા અને બંધુઓ પર પ્રીતિ ધરાવનાર નંદરાય તો, ગોવાળોની સાથે કેટલાક દિવસ સુધી ત્યાં જ રહ્યા.૫૯ અનાયાસથી મનોરથરૂપી મહાસાગરનો પાર પામી રાજી થયેલા અને સંબંધીઓથી વીંટાએલા વસુદેવે હાથ ઝાલીને નંદરાયને આ પ્રમાણે કહ્યું.૬૦

વસુદેવ કહે છે હે ભાઇ ! મનુષ્યોને સ્નેહ નામનો જે પાશ ઇશ્વરે નાખેલો છે, તે પાશ શૂરપુરુષોથી અને યોગીઓથી પણ છોડાવો કઠણ છે એમ હું માનું છું.૬૧ કર્યા ઉપકારને નહીં જાણનારા અમલોકોની સાથે તમો મહાત્મા લોકોએ કરેલી અનુપમ મૈત્રી જો કે પ્રત્યુપકાર વગરની છે, તોપણ કદી મર્ટંઈી જ નથી, તેથી એ તમોને ઇશ્વરે નાખેલો પાશ છે એમ જણાય છે.૬૨ હે ભાઇ ! આગળ અમો અશક્ત હોવાથી તમારું કાંઇ ભલું કરી શક્યા નથી, અને હમણાં લક્ષ્મીના મદથી આંધળા થઇ જવાને લીધે આગળ ઊભેલા મહાત્માઓને પણ દેખતા નથી.૬૩ હે માન આપનારા ! કલ્યાણને ઇચ્છનારા પુરુષને રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થશો મા; કેમકે એથી આંધળો થએલો પુરુષ પોતાના આશ્રિતો અને બંધુઓને પણ દેખતો નથી.૬૪

શુકદેવજી કહે છે આ પ્રમાણે સ્નેહથી ચિત્ત શિથિલ થઇ જતાં, જેનાં નેત્રોમાં અશ્રુ આવી ગયાં એવા વસુદેવ, નંદરાયે કરેલા ઉપકારને સંભારીને રોઇ પડ્યા.૬૫ યાદવોએ માન આપેલા અને પોતાના મિત્ર વસુદેવને રાજી કરતા નંદરાય શ્રીકૃષ્ણ અને બળભદ્રના પ્રેમથી આજકાલ કરતાં ત્રણ મહિના સુધી ત્યાં રહ્યા.૬૬ પછી અમૂલ્ય આભરણ, રેશમી વસ્ત્ર અને અનેક પ્રકારના અમૂલ્ય સામાનોથી જેની ઇચ્છા પરિપૂર્ણ કરવામાં આવતી હતી એવા નંદરાય, વસુદેવ, ઉગ્રસેન, શ્રીકૃષ્ણ, ઉદ્ધવ અને બળદેવાદિ યાદવોએ આપેલી પહેરામણી લઇને બાંધવોની સાથે ત્યાંથી ચાલ્યા. યાદવોએ તેમને પહોંચાડવા સારુ મોટું સૈન્ય સાથે મોકલ્યું.૬૭-૬૮ શ્રીકૃષ્ણના ચરણારવિંદમાં પરોવાએલા મનને પાછું નહિ ખેંચી શકતા નંદરાય, ગોવાળો અને ગોપીઓ મથુરામાં ગયા.૬૯ બંધુઓ ગયા પછી શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ માનનારા યાદવો વર્ષાઋતુને પાસે આવેલી જોઇ પાછા દ્વારકામાં ગયા.૭૦ તેઓએ તીર્થયાત્રામાં વસુદેવના યજ્ઞનો મહોત્સવ અને સંબંધીઓના સમાગમ આદિ જે કાંઇ થયું હતું, તે સર્વે વાત લોકોની પાસે કહી દેખાડી.૭૧

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચોરાશીમો અધ્યાય સંપૂર્ણ.