મંત્ર (૫૧) ૐ શ્રી કાલદોષનિવારાકાય નમઃ
કાલ એટલે સમય. શતાનંદજી કહે છે. ‘‘પ્રભુ ! તમે કાળના દોષને નીવારો છો એટલે દૂર કરો છો, અત્યારે કયો કાળ ચાલે છે ? કલીયુગ; અત્યારે વ્યસન અને ફેશન વ્યક્તિ વ્યક્તિમાં ઘર કરી ગયાં છે. વાસના અને વિષયમાં માણસ રમે છે. માયાએ માયાવી જીવાત્માને બરોબર જેવા ઘેરી લીધા છે. તેથી સાચી સમજણ આવતી નથી, ને સાચું સુખ કયાં છે એની એને ખબર નથી.
મોક્ષ માર્ગનો ખરો વિરોધી કરાળ કલિકાળ છે, ગમે તેવા યોગી, યતિ, મુનિ, મહાત્મા કે મોટા સિધ્ધ હોય પણ જો કલિકાળના સહવાસમાં આવી જાય તો જરૂર પોતાના ધ્યેયથી પતન પામી ભાન સાન વિનાનો બની જાય છે. ચારેય યુગમાં કલિયુગ તામસી છે.
યાદવો વિચારવાળા હતા, સત્યપ્રિય અને સમજુ હતા, પણ જો દારૂનું પાન કર્યું તો તરત તેમાંથી કલિ જાગ્યો ને સંતની મશ્કરી કરીને અરસ પરસ યુધ્ધ થયું તેમાં વગર મોતે મરી ગયા. લંકાપતિ રાવણ દશ માથાવાળો, મહાયોદ્ધો હતો, પણ જગતની મા સીતાજીનું અપહરણ કર્યું તો તેમાંથી કલિ પ્રગટ્યો અને આખા પરિવારનો નાશ કરી નાખ્યો.
કલિયુગમાં યજ્ઞ યાગાદિક કોઈ કરે એવા ધર્મિષ્ટ જલદી જડે નહિ, પણ કલિયુગના દોષને સ્વામિનારાયણ ભગવાને દૂર કર્યો, કાલદોષનિવારણ કરનારા છે. તે આપણે જોઈએ જ છીએ, યજ્ઞ યાગાદિક ચાલુ જ છે, ગામો ગામ અને દેશ વિદેશમાં જ્ઞાન યજ્ઞ ચાલુ જ છે. કયાંક ભાગવતની કથા, કયાંક રામાયણની કથા, કયાંક સત્સંગિજીવનની કથા, કયાંક ગીતાજીની કથા, સતત જ્ઞાનયજ્ઞનો પ્રવાહ ચાલુ જ છે. ગંગાજી જેમ સતત વહતાં જ રહે છે તેમ જ્ઞાનગંગા વહતી જ છે. તેમાં સ્નાન કરવા અને જળપાન કરવા પહોંચી જવું જોઈએ.
કલિયુગમાં પિતા-પુત્ર વચ્ચે કલેશ, પતિ-પત્ની વચ્ચે કલેશ, મા-દીકરી વચ્ચે કલેશ, સાસુ-વહુ વચ્ચે કલેશ, ગુરુ-શિષ્ય વચ્ચે કલેશ, મિત્ર મિત્ર વચ્ચે કલેશ, આવી અખંડ કલેશની હોળી બળ્યા કરે છે પણ
-: સાચા ભક્ત જનને કલિયુગ બાધક નથી :-
જેનામાં કલિયુગ નથી, તેને વેર, ઝેર બાધક થતા નથી, કાળ દોષ નડતાં નથી. વ્યસન અને ફેશનમાં લોભાતા નથી, વિષય અને વાસનામાં ખેંર્ચાતા નથી, એવા ભક્તને મંત્ર તંત્ર કે મૂઠ પણ અડી શકતાં નથી.
ભાવનગરના ખીમજીભાઈ બહુ સારા સત્સંગી હતા. નાળિયરે ની કાચલીમાંથી સારી કંઠી બનાવીને શ્રીજીમહારાજને ગઢપુરમાં અર્પણ કરવા આવ્યા. શ્રીજીના ચરણે કંઠી મૂકી, દંડવત પ્રણામ કર્યા. પ્રભુએ પૂછ્યું ‘‘આ કંઠી તમે બનાવી છે?’’ ‘‘હા મહારાજ ! મેં બનાવી છે.’’ ‘‘શેમાંથી બનાવી છે ?’’ ખીમજીભાઈએ કહ્યું, ‘‘નાળિયેરની કાચલીમાંથી બનાવી છે.’’
શ્રીજીએ કહ્યું ‘‘ખીમજી ભક્ત ! હવે તમે કંઠી તુલસીમાંથી અને સુખડમાંથી બનાવજો. તમારી પાસેથી ઘણા બધા ભકતો કંઠી લેવા આવશે.’’
થોડા દિવસ ખીમજીભાઈ ગઢપુરમાં રહ્યા, પછી પાછા ભાવનગરમાં પોતાને ઘેર આવ્યા, ત્યાં તુલસીનું અને સુખડનું લાકડું મળ્યું નહિ. તેથી જામનગર જવા માટે તૈયાર થયા, વહાણમાં બેઠા.
તે જ વહાણમાં કામણ ટૂમણ વાળો માણસ પણ બેઠો, સાંજનો સમય થયો. એટલે ખીમજી ભકતે ભજન શરૂ કર્યાં... ગોડી બોલે...
ફુલની બની રે શોભા ફુલની બની, સખી શામળિયાને સંગે શોભા ફુલની બની;
પછી આરતી કરી, ધૂન બોલી, વચનામૃત બોલી, પછી નિયમ ચેષ્ટા ચાલુ કર્યાં.
પ્રથમ શ્રીહરિને રે ચરણે શીશ નમાવું, નૌતમ લીલા રે નારાયણને ગાવું.
ભગવાનમાં તલ્લીન બની જે મધુર સ્વરે ભજન ગાય છે, તે કામણ ટૂમણિયાને ગમ્યું નહિ. જગતની અને ભગતની રીતભાત જુદી હોય છે તેથી કામણિયાએ કહ્યું : ‘‘અલ્યા ભગતડા, ખોટો બકવાસ ન કર, ચૂપ રહી જા.’’ ખીમજી ભક્ત તો ભગવાનના સ્વરૂપમાં મસ્ત છે, તેથી કાંઈ સાંભળ્યું નહિ, જેમ ગાતા હતા તેમ ગાવાનું ચાલું રાખ્યું,પેલા અસુરનો મગજ છટક્યોઃ ‘‘મારું માનતો નથી, બકબક કરે છે.’’ ગુસ્સે થઈને મંત્રેલા અડદ ખીમજીભાઈ ઉપર નાખ્યાં, હવે ખબર પડશે કે કેમ બોલાય છે ! હમણાંજ મરી જાશે, પણ રામ રાખે તેને કોણ ચાખે ! ખીમજી ભક્તને કાંઇ ન થયું, તેથી ફરીને મૂઠ નાખી, તોય કાંઈ ન થયું,’’ આખી રાત અડદ મંત્રી મંત્રીને નાખ્યા પણ ખીમજી ભગતને કાંઈ ન થયું.
ઓલ્યો વિચાર કરે.... આ શું થયું ? એક વખત મૂઠ નાખું તો બેભાન થઈને ચકકરી ખાત પડી જાય. અને આને કાંઈ કેમ થતું નથી ? સવાર પડી આંખ ખુલ્લી તો ખીમજીભાઈની પછેડી ઉપર અડદ, ખીમજી ભકતે અડદ બધા વીણી લીધા અને ચૂલો સળગાવી ખીચડી ભેગા અડદ ઓરી દીધા, ખીચડી ચડી ગઈ, ભગવાનને જમાડીને બેઠા જમવા. ‘‘કીમીયાવાળો જોતો જ રહી ગયો.’’ કમાલ છે આ ભગતડાને કાંઈ ન થયું ? તેથી તેના પાસે ચોકકસ મારા કરતા મોટો મંત્ર હોવો જોઈએ.
પછી કીમિયાવાળાએ ખીમજી ભગતને કહ્યું : ‘‘મેં મંત્રના પ્રયોગથી કેટલાયને મારી નાખ્યાં છે. પણ તમને કાંઈ ન થયું, એવો તમારી પાસે કયો જોરદાર મંત્ર છે ?
ત્યારે ખીમજીભાઈએ કહ્યું ‘‘અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એમના અમે આશ્રિત છીએ. સ્વામિનારાયણ મંત્ર એવો જોરદાર છે કે, કાળા સર્પનું ઝેર પણ ઉતરી જાય, તો આ તમારા મેલા મંત્રની શું અસર થાય ? કાંઈ ન થયું.’’
ત્યારે કીમિયાવાળાના હૃદયે કબૂલ કર્યું કે, વાત સાચી છે, મારો મંત્ર આની આગળ કોઈ હિસાબમાં નહિ. ખીમજી ભગત કીમિયાવાળાને સમજાવ્યો કે, તમે બ્રાહ્મણ થઈને આવા ધંધા શુકામ કરો છો ? બિચારા નિર્દોષ માણસને શું કામ મારી નાખો છો ? આ ક્રૂર કર્મ તમને યમપુરીમાં ભોગવવું પડશે. ભગતના શબ્દથી કામણિયાની બુધ્ધિમાં જાગૃતિ આવી. ભગતનાં દર્શનથી એના આચરણ જોવાથી એના ભજન કીર્તન સાંભળવાથી આસુરી બુધ્ધિ નષ્ટ થઈ અને દૈવી બુધ્ધિ જાગૃત થઈ, તેથી બે હાથ જોડીને કહ્યું : ‘‘ભગત, મને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરાવો, આજથી હું એ ખોટો ધંધો મૂકી દઉં છું.’’
પ્રસ્તુત કથા તો એ છે કે, સાચા ભક્તજનને કલિયુગના પ્રલોભનો કોઈ નડતાં નથી, જીવનમાં ભગવાન ભજવાનું બળ હોવું જોઈએ. શતાનંદસ્વામી કહે છે ? હે પ્રભુ! “તમે કાલદોષ નિવારક છો.’’