મંત્ર (૫૦) ૐ શ્રી સ્વામિને નમઃ
સ્વામિ એટલે શું ? ભગવાં કપડાંવાળા જે હોય તેવા સાધુની વાત નથી, સ્વામી ઘણાને કહેવાય. સ્ત્રીનો પતિ હોય તેને પણ સ્વામી કહેવાય. નોકરનો જે શેઠ હોય તેને પણ સ્વામી કહેવાય, રાજા હોય તે પણ પ્રજાનો સ્વામી કહેવાય, સ્વર્ગના દેવતાનો રાજા ઈંદ્ર છે તે સ્વામી કહેવાય, બ્રહ્માને પણ સ્વામી કહેવાય, અક્ષરને પણ સ્વામી કહેવાય, આ સ્વામી છે તે..... સંપત્તિવાચ્ય શબ્દ છે.
આપણે સ્વામિનારાયણ મંત્ર તો બરાબર સમજી ગયા, પણ હવે શતાનંદજી કોને (સ્વામિ) કહે છે ? આખા જગતનો પતિ હોય એને સ્વામી કહેવાય, આખા જગતનો ધણી હોય તેને સ્વામી કહેવાય. આ મંત્ર બહુ સમજવા જેવો છે.
-: અનંત કોટિ બ્રહ્માંડના એ સ્વામી છે :-
ઇંદ્ર ત્રિલોકીનો સ્વામી કહેવાય, પણ બ્રહ્માજીનો દાસ કહેવાય. બ્રહ્માજી બ્રહ્માંડના સ્વામી કહેવાય, પણ પ્રકૃત્તિપુરુષના દાસ કહેવાય. પ્રકૃતિપુરુષ અનંત કોટિ બ્રહ્માંડના સ્વામી કહેવાય પણ મૂળ અક્ષરના દાસ કહેવાય. મૂળ અક્ષરમાં સંપૂર્ણ શકિત અને ઐશ્વર્ય રહેલું છે પણ એ મૂળ અક્ષર.... પુરુષોત્તમ નારાયણના દાસ કહેવાય. પુરુષોત્તમ નારાયણ છે, તેના કોઇ સ્વામી નથી. એ સર્વેના સ્વામી છે, એનો કોઇ ઊપરી નથી, અનંત કોટિ બ્રહ્માંડના એ સ્વામી છે.
પુરુષોત્તમ ભગવાન સર્વના સ્વામી છે, એમ કેમ ખબર પડે ? તે તમને સરખી રીતે સમજાવું છું.. તમે બધા બેઠા છો, તમે કેવા ધનવાળા છો, તેની ખબર કેમ પડે ? તો કે તમારાં કપડાં પરથી, દાગીના પરથી, બંગલા પરથી, ફેકટરી પરથી, ઓફિસ વગેરે ગામ ગરાસ અને સાહેબી પરથી ખબર પડે કે, આની આટલી સાહેબી છે, એની રહેણી કહેણી ઊપરથી એની સંપત્તિનો ખ્યાલ આવી જાય.
પુરુષોત્તમ નારાયણની આ દુનિયા જોઇએ ત્યારે ખબર પડે કે, આખી લંકા સોનાની, આખી દ્વારિકા સોનાની, અમેરિકા, આફ્રિકા વગેરે ઘણા દેશોમાં અનેક હીરા-માણેક અને અને સમૃધ્ધિ છે. જગતમાં જેટલી રિધ્ધિ સિધ્ધિ અને ધન દેખાય છે. અહીંના ઐશ્વર્યો આવાં દેખાય છે. તો જે એના ધણી છે અનેક બ્રહ્માંડના સ્વામી છે, એનું જે રહેવાનું ધામ તે કેવું દિવ્ય અને તેજોમય હોય ! એનું અનુમાન તો મુકતાત્મા જ કરી શકે આવા શ્રીહરિ છે. આવા પુરુષોત્તમ નારાયણ છે, તે દરેક જીવ પ્રાણી માત્રના સ્વામી છે, અનંતકોટિ બ્રહ્માંડના એ રાજા છે. એવા સ્વામી પુરુષોત્તમ નારાયણને અમે નમસ્કાર કરીએ છીએ.
ભગવાન છે તે આપણા સ્વામી છે, અને આપણે બધા એના દાસ છીએ અને પત્નીઓ છીએ. પુરુષ હોય તોય ભલે અને સ્ત્રી હોય તોય ભલે, આ જગતમાં બધી અબળાઓ જ છે, પુરુષ તો એક પુરુષોત્તમ નારાયણ છે. આપણા બ્રહ્માનંદ સ્વામી સરસ મજાનું કીર્તન ગાય છે, આપણે પણ ગાઇએ.....
ચૌદે લોકમાં સર્વે અબળા, તેને વરીને ખોટી થાવું રે. સમજી છું આવું૦
વરીએ તો નટનાગર વરીએ, અખંડ એવા તન છાવું રે. સમજી છું આવું૦
બ્રહ્માનંદ કહે અવર પુરુષને, વરવાથી રૂડું વિષ ખાવું રે. સમજી છું આવું૦
આપણે બધા સાધુને પણ સ્વામી કહીએ છીએ, એ તો લોક વ્યવહાર છે. ભગવાનના થઇને રહ્યા છે, એટલે સ્વામી કહીએ છીએ, ભગવાનનો સંબંધને લઇને સ્વામી કહીએ છીએ. આખી જીંદગી ભગવાનને સર્મિપત કરીને રહ્યા છે તેથી સાધુને સ્વામી કહીએ છીએ, સાધુના જીવનમાં સમર્પણભાવ છે. સાધુ સદાય ભગવાનને સાથે જ રાખે છે. તેથી સ્વામી કહીએ છીએ, બાકી સાધુ છે એ સ્વામી નથી... એ (લક્ષ્મીના પતિ નથી) લક્ષ્મીના દીકરા છે. અને સ્વામિનારાયણના દાસ છે, આખા જગતના સ્વામી તો ભગવાન છે.