મંત્ર (૫૮) ૐ શ્રી નિર્દંભાય નમઃ
શતાનંદસ્વામી કહે છે ‘‘ પ્રભુ ! તમે દંભ રહિત છો, નિર્દંભ છો. દંભીના દંભને ઉઘાડા કરો છો.’’
દંભ એટલે શું ? બોલવાનું બીજું ને કરવાનું બીજું એને દંભ કહેવાય.
નીલકંઠવર્ણી ફરતા ફરતા એક વનમાં આવ્યા. ત્યાંનો રાજા બહુ દયાળુ તેથી જેટલા યાત્રાળુઓ આવે તેને મનગમતા ભોજન આપે. યાત્રાળુને જે કોઈ જમાડે છે તેને યાત્રાનું ફળ મળે. આવી ભાવનાથી રાજાએ યાત્રાળુ માટે એક ધર્મશાળા બનાવેલી, ને તેમાં ભોજનમાં દૂધપાકને માલપુઆ જમાડે અને વૈરાગી બાવાઓને દૂધપાક માલપુઆ બહુ વહાલું ભોજન કહેવાય. રાજાનો હુકમ હતો, જેટલા વૈરાગી આવે તેને બધાને માલપુઆ ને દૂધપાક જમાડવા.
તેમાં એક દંભી બાવો હતો. તેણે કહ્યું :- ભલે અન્નદાતા અમે બધાને દૂધપાક ને માલપુઆ જમાડશું. આવું ઉત્તમ ભોજન કોઈને જમવા દે નહિ પણ કોરો લોટ દઈને યાત્રાળુને કાઢી મૂકે. ને પોતે યાત્રાળુના ભાગનું અનાજ પચાવી જાય. પાછા દંભી કેવા ! રાજા પૂછે તો એમ કહે કે, છૂટે હાથે ભરપેટ દૂધપાક જમાડીએ છીએ. આવો દંભી. ભગવાન તો બધું જાણે.
ફરતા ફરતા આ દંભને ઉઘાડો કરવા પહોંચી આવ્યા. સદાવ્રત માગ્યું તો આ દંભીએ કોરો લોટ દીધો. ભગવાનને થયું કેવો કપટીને દંભી છે, કહેવાનું બીજું ને કરવાનું બીજું. ભગવાને કહ્યું :- ‘‘કોરા લોટને અમે શું કરીએ ? તૈયાર ભોજન હોય તો દ્યો ?’’ તૈયાર નહિ હૈ, ચલે જાવ.’’
ભગવાને કહ્યું :- ‘‘ તો એમ કરો, તમે જમશો ત્યારે તમારી સાથે અમે જમશું. આમ કહીને એક બાજુ બેસી ગયા.’’
બરોબર બપોરનું ટાણું થયું ને બાવા મંડ્યા જમવા. ભગવાન ભૂખ્યા બેઠા છે. છતાંય બોલાવ્યા નહિ. શાંતિથી બેઠા છે. બાવાએ જાણે ભોજન માટે જ ભેખ લીધો હોયને શું ! પંક્તિ થઈ, દૂધપાક, માલપુઆ અને મજાનું શાક પીરસાયું બધા જમે છે પણ યાત્રાળુને જમાડતાં નથી. ભગવાને શું કર્યું ખબર છે ? જયાં બાવા જમવા મંડ્યા ત્યાં દૂધપાકમાં ચોખાને બદલે તયળ દેખાય છે. માલપુઆમાં લોહી દેખાય છે. બધા નવાત પામી ગયા. આ શું હશે ? ધમકાવા મંડ્યા રસોયાને ! તમે અકકલ વગરના છો. ચોખા બરાબર સાફ નથી કરતા, બાવા મંડ્યા જેમ તેમ રસોયા બ્રાહ્મણને ગાળો દેવા, મારવા ઉઠ્યા.
રસોયા બ્રાહ્મણોએ કહ્યું : ‘‘ તમે બધા પેટભરા છો ! રાજાએ સદાવ્રત તીર્થવાસીઓ માટે બાંધ્યું છે. પણ તમે યાત્રાળુને જમાડતાં નથી અને તમારું જ પેટ ભરો છો અને યાત્રાળુને કોરો લોટ દઈ રવાના કરો છો. પંક્તિ ભેદનું આ પાપ છે. બિચારા બાલા યોગીને જમવા નથી દેતા, ને અપમાન કરીને રવાના કર્યા છે. તેનું આ પરિણામ છે. અને અમને ધમકાવો છો ? દંભી આ તમારા દંભનું ફળ છે.
જો સરખી રીતે જમવાની તચ્છા હોય તો જાઓ પેલા બાલાયોગીની માફી માગો. દંભી બાવા આવ્યા પ્રભુ પાસે. ત્યાં પ્રભુએ રામચંદ્રજી રૂપે દર્શન દીધાં. બાવાઓ બે હાથ જોડી કહે છે :-
હે બાલા બ્રહ્મચારી યોગીન્દ્ર, તમે છો પોતે રામચંદ્ર; ઘણા દિવસથી મહારાજ, કરીએ છીએ આવા કુડાં કાજ.
ત્યાગી થઈને કર્યો છે અન્યાય, આવા દંભ કર્યા છે સદાય. હવે નહિ કરીએ કોઈ દિન, ક્ષમા કરો કૃપાનિધાન.
બાવા કહે છે : પ્રભુ અમને માફ કરો. હવેથી આવો દંભ નહિ કરીએ. તમો પ્રેમથી જમો, બહુ આગ્રહ કરીને પ્રભુને જમાડ્યા. પ્રભુએ બે દિવસ ત્યાં રોકાઈને ખૂબ ઉપદેશ દીધો. ત્યાગી થઈને પાપ કરે તો બેવડું પાપ લાગે છે. યાત્રાળુના ભાગનું ખાશો તો દારીદ્રયપણું આવશે. માટે આવો દંભ મૂકી દો ! બધા વૈરાગી સમજી ગયા કે સાચી વાત છે. પ્રભુ સ્વામિનારાયણ નિર્દંભી છે. દંભીના દંભને દૂર કરાવે છે.
શ્રીજીમહારાજ એક વખત ધોલેરા જાય છે. સાથે સંતો ને પાર્ષદો છે. તે બધા આગળ નીકળી ગયા. રસ્તામાં એક તપસ્વી આંખ બંધ કરી, પલાંઠી વાળી ને બેઠો છે. બધા કહે :- ‘‘આ મૌન વ્રતવાળા યોગી છે. પૈસાને અડતાં નથી કાંઈ જમતા નથી. કેવળ વાયુ ભક્ષણ કરે છે.’’
સુરાખાચરને થયું આ કેવા તપસ્વી છે તે જોઈએ ! ખીસ્સામાંથી રૂપિયો કાઢ્યો ને બોલ્યા, ‘‘આ તપસ્વી કેવા મજાના બેઠા છે. મને ભેટ દેવી છે. પણ કેમ દેવી એ કોઈને જોતો નથી. આંખો ખોલતા નથી. બાજુમાં રાખું તો કોઈક ઉપાડી જાય, કપડાં કોઈ પહેર્યાં નથી. જો કપડું હોય તો તેના છેડે બાંધી દઉં.’’ તપસ્વીને થયું, ભેટ હાથમાંથી જશે. તેથી મોઢું ખોલ્યું, સુરાખાચરે ધૂળની ચપટી ભરીને મોઢામાં નાખી દીધી. ને બાવો જાગ્યો, મગજ છટક્યો. છે કોણ ? એને જીવતો ન મૂકું, મંડ્યો ગાળો દેવા ને જેમ તેમ બોલવા.
સુરાખાચરે તો ઘોડી ઉપર બેસીને એવી ઘોડી દોડાવી, પ્રભુને આંબી ગયા. પ્રભુએ કહ્યું, ‘‘સુરાખાચર ! વાંસે કેમ રહી ગયા ? મહારાજ, તપસ્વીની પરીક્ષા કરતો હતો. એ સાચો કે ખોટો, પણ બાવો તો સાવ દંભી નીકળ્યો. તેથી ધૂળની ચપટી મોઢામાં નાખીને હું આવતો રહ્યો.’’ આવી રીતે જેને ચાવવાનું બીજું ને ખાવાનું બીજું હોય એને દંભી કહેવાય.
-: લસ લસતો શીરો બનાવ્યો :-
પ્રભુ નીલકંઠવર્ણી ફરતા ફરતા એક ગામમાં આવ્યા. ગામના માણસોના ટોળે ટોળાની અવર જવર ચાલુ છે. તે જોતને પ્રભુએ પૂછ્યું, ‘‘આ બધા માણસો કત બાજુ જાય છે ?’’ ત્યારે કોઈકે કહ્યું, ‘‘બાલાયોગી, તમને ખબર નથી ? આંહી બાજુમાં એક સિધ્ધ મહાત્મા રહે છે. બહુ તપસ્વી છે !’’ પ્રભુએ કહ્યું, કેવું તપ કરે છે ? ‘‘અરે એતો બહુ કઠીન તપ કરે છે. એના જેવું તપ કોઈથી ન થાય. તેવા તપસ્વી છે.’’
એ સિધ્ધ કાંઈ ખાતા નથી. ને ઝૂંપડીમાં કાંઈ ખાવાની વસ્તુ રાખતા નથી. કોઈ ભક્ત કાંઈ જમવાનું લાવે, આગ્રહ કરે તો ના પાડી દે છે. ખાધા પીધા વિના જીવે છે. ભગવાને કહ્યું, ‘તે તો સાવ સુકાઈ ગયા હશે.... ના..ના.. બાવાજી તમે આ વાતથી અજાણ લાગો છો. ખાતા પીતા નથી છતાં તાજા માજા ફરે છે. અમે તો બધી ખાત્રી કરી છે. હવે તમે જાવ અને તપસ્વી સિધ્ધનાં દર્શન કરો, દર્શન કરવા જેવા છે.’’
ભગવાન નીલકંઠવર્ણી માણસોના ટોળાં ભેગા ચાલતા તે સિધ્ધ પાસે આવ્યા. લોકો લળી લળીને પાયે લાગે છે, કોઈ ચરણનો સ્પર્શ કરે. ભગવાન આવું બધું જોતને એક બાજુ બેસી ગયા. બધું શાંતિથી જોયા કરે છે. એમ કરતા સાંજ પડી. બનાવટી સિધ્ધે બધા દર્શનાર્થીઓને પાછા મોકલી દીધા. કોઈને આશ્રમમાં રહેવા દીધા નહિ. એકલા ભગવાન બેઠા છે ત્યારે સિધ્ધે કહ્યું,‘‘બાલાયોગી તમે આંહીથી જતા રહો.’’
પ્રભુએ કહ્યું :- ‘‘અમે આજની રાત આંહી રોકાશું, કાલે ચાલ્યા જતશું.’’ પ્રભુને જોવું છે, કે આ ખાધા પીધા વિના કત રીતે જીવે છે. ઉંઘવાને બાને ત્યાં સૂત ગયા. સિધ્ધને થયું આ નાના બાલાયોગીને શું ખબર પડશે. એ તો સૂત જાશે. બરાબર અંધારી રાતના આ બનાવટી બાવો લાકડાનું ઊંબાડીયું લઈને થયો (વનમાં ચાલતો, વનમાં દીવાબતી કયાંથી કાઢે. લાકડાંને સળગાવી ને પકડીને થયો ચાલતો) આગળ એક બાવળના ઝાડ ઉપરથી સીધું ઉતાર્યું લોટ , ઘી સાકર વગેરે લઈને પોતાની ઝપૂંડીએ આવીને મજાનો લસલસતો શીરો બનાવ્યો જ્યાં જમવાની તૈયારી કરે ત્યાં પ્રભુ થયા બેઠા. હવે શું કરવું, પોલ પાધરી થઈ.
સિધ્ધ ભોંઠો પડી ગયો, પણ જાય કયાં. ભગવાન નજરો નજર આ બધું જોત ગયા છે. બધાંને કહી દેશે તો ! મારું ખરાબ લાગશે. પોતાનો બચાવ કરવા પ્રભુની માફી માગી કે, બાલાયોગી ! એક વિનંતી કરું તમે મહેરબાની કરીને આ વાત કોઈને કહેશો નહિ, નહિતર મારી આબરૂ જશે. દંભ છતો થશે, મને માફ કરો.
ત્યારે ભગવાને કહ્યું, ‘‘આ બધું સીધું કોણ મૂકી જાય છે ?’’ બનાવટી સિધ્ધે કહ્યું, ‘‘એક નગર શેઠને ત્યાં બાળક નહોતો, તેથી તે મારી પાસે આવ્યો. મેં આશીર્વાદ દીધા તેથી તેને ત્યાં દીકરો આવ્યો. દીકરો કોઈ આપી શકે નહિ ભગવાન જ આપી શકે પણ શેઠને મારામાં વિશ્વાસ બેસી ગયો. આ સિધ્ધના આશીર્વાદથી તેને ત્યાં દીકરો આવ્યો છે. તેથી તે રાજી થઈને આ વૃક્ષ ઉપર સિધ્ધું લઈને મૂકી જાય છે.
ને હું કોઈ ન જાણે કોઈ ન દેખે તેમ તે સીધું લાવીને રાત્રે જ રાંધીને જમી લઉં છું. ત્યારે ભગવાને કહ્યું, ‘‘દંભ કરીને ખાવું એ તો મહાપાપ છે. તમે ભેખ લઈને ઘર છોડ્યું, સંસાર છોડ્યો. આ જગતની ઝંઝટ છોડી, કુટુંબ પરિવાર છોડ્યો ને દંભ ન છોડ્યો તો કામનું શું ! તમારો કત રીતે ઉધાર થશે ? આ તો કપટ કહેવાય, બધા તરે પણ કપટી ન તરે. લાકડું તરે પણ લોઢું ન તરે.
પ્રભુએ કહ્યું, તમે ત્યાગી છો, ત્યાગવૃત્તિ એ દેખાડવાનો વિષય નથી. એતો અતરની પવિત્ર બાબત છે. કેવળ પોતાનું જ પેટ ભરવું તે આસક્તિ કહેવાય, બીજાનું કામ કરવું, પરોપકાર કરવો તથા સંસ્કૃતિ, ભગવાનનું કામ કરવું તે ભક્તિ કહેવાય અને કર્મો કરીને અલિપ્ત રહેવું તે વિરક્તિ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, દંભ રહિત વર્તવું એજ આપણી સંસ્કૃતિ છે.