મંત્ર (૫૯) ૐ શ્રી સર્વજીવહિતાવહાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, ‘‘ પ્રભુ ! તમો સર્વજીવ પ્રાણી માત્રના હિતકારી છો. પ્રભુનું પ્રાગટ્ય જ સર્વના હિત માટે જ છે. દયાનંદજી ગાય છે.
હિતકારી હરિ રે સખી હિતકારી હરિ, છપૈયામાં પ્રીતે પ્રગટ્યા હિતકારી . હરિ..
અક્ષરવાસી અલબેલાજી કરુણા કરી, ધર્મ ને ભક્તિ થકી, દુર્લભ દેહ ધરી. હિતકારી...
પ્રભુ વનમાં શા માટે ગયા ? અનેક ઋષિ, મુનિઓ, નદી, પર્વતો અને ઝાડવા વાટ જોતાં હતાં, તેમના ઉધ્ધાર માટે પ્રભુ વનમાં ગયા છે. પ્રભુ નદીઓમાં સ્નાન શા માટે કરે છે ? મગર, માછલાં, જીવ-જંતુ આદિકનું હિત થાય. કલ્યાણ થાય તે માટે જળાશયોમાં સ્નાન કરે, પશુ-પક્ષી પ્રાણી માત્ર જે કોઈ હરિના યોગમાં આવ્યા તેનું પ્રભુએ હિત કર્યું છે, શું હિત કર્યું ?
વિના તપે, વિના જપે એને પોતાના ધામનું સુખ આપ્યું છે, જેતલપુરની વેશ્યાએ કોઈ તપ કે જપ નહોતા કર્યાં, કેવળ પાપ કરનારી, તેનું પણ પ્રભુએ હિત કર્યું.
ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા મેઉ પધાર્યા. ત્યાં ભુખણ ભાવસાર બહુ ધર્મિષ્ઠ, તેને ત્યાં ઉતારો કર્યો. ત્યાં કોઈકનો રડવાનો અવાજ આવ્યો. પ્રભુએ પૂછ્યું, ‘‘ભુખણભાઈ ! આવું હૈયાફાટ રૂદન કોણ કરે છે ?’’ મહારાજ એક બાત રડે છે ! ‘‘શા માટે રડે છે ?’’ પ્રભુ ! તે બાતનું બાળક હાથ પગ આદિ કોઈ આકાર વિનાનું છે. કેવળ ધડ ને માથું છે. આવું વિચિત્ર અપંગ બાળક દેખીને તેની માતા રડે છે. શ્રીજીમહારાજ સર્વજીવહિતાવહ છે તરત કહ્યું કે, તે બાળકને મારી પાસે લઈ આવો.’’ ભગવાને તે બાળકના શરીર ઉપર હાથ ફેરવ્યો, ત્યાંતો સુંદર મજાના હાથ પગ થઈ ગયા. બાળક મરક મરક હસવા લાગ્યું, એની માને આપ્યું તેથી આનંદથી ધાવવા લાગી ગયું.
જનેતા માવડી અકારણ પોતાના બાળક ઉપર હિત કરે છે, ગુરુ શિષ્યનું હિત કરે છે. અનત કોટિ બ્રહ્માંડનો નાયક પરમાત્મા સર્વજીવનું હિત થાય તેમ સદૈવ પ્રયત્નશીલ રહે છે.
ભગવાન સર્વજીવહિતાવહાય છે અને સંતો છે તે પણ સર્વનું હીત કરનારા છે સંતો ધર્મના પ્રચાર માટે દેશો દેશ ફરવા ગયા. ત્યાં રૂઢીચુસ્તોએ ખૂબ જુલમ કર્યો. તે ત્રાસ સહન ન થતાં કેટલાક નાના સંતોએ પોતાના ગુરુજી પાસે કહ્યું, ‘‘ગુરુજી હવે હદ થાય છે. ત્રાસનો કોઈ પાર નથી.’’
ત્યારે મુકતાનંદજીએ કરુણામય આંખે તેમની સામે જોયું ત્યારે શિષ્યોએ કહ્યું, ‘‘ ગુરુજી આ જુલમથી અમે ત્રાસી ગયા છીએ. એ લોકો અમને મારવા દોડે છે, કયારેક પથ્થરા ફેકે છે, કયારેક સળગતા લાકડાં પણ નાખે છે. ગુરુજી ચાલોને આપણે દૂર જંગલમાં જતા રહીએ. ત્યાં જતને સુખેથી સારી ભજન કરીશું.’’ ત્યારે સ્વામીએ કહ્યું, ‘‘જંગલમાં ન જવાય પણ જગત વચ્ચે રહેવાય. પ્રભુ !’’
-: બેટા, બધા લોકો સરખા ન હોય. :-
‘‘ભગવાનની કૃપાથી આપણને પ્રકાશ મળ્યો છે. તે આપણે બીજાને આપવાનો છે. બીજાના અંધારાને દૂર કરવાના છે. લોકોથી દૂર કેમ જવાય ?’’
શિષ્યોએ કહ્યું, ‘‘ સ્વામી ! અત્યાર સુધી આપણે ખૂબ ખૂબ હસન કર્યું છે, હવે થોડો વખત જંગલમાં જતને આરામ કરીએ, ને નિરાંતે હરિભજન કરીએ, જંગલમાં આપણને કોઈ હેરાન નહિ કરે, પરેશાન નહિ કરે.’’
‘‘મુકતાનંદસ્વામી એ કહ્યું, ‘‘બેટા, બધા લોકો સરખા ન હોય.’’
શિષ્યોએ કહ્યું,‘‘ તો શું જુલમ સહન કરતા જ રહેવું ? એને ધર્મ માર્ગમાં લેવા કઠીન છે.’’
‘‘બેટા, બધા લોકો જુલ્મી નથી. અને જે જુલમ કરે છે તે બધા પાપી નથી, પણ અજ્ઞાની છે પોતે કેવું ઘોર કર્મ કરી રહ્યા છે, એનો એને ખ્યાલ નથી, આવા લોકો તો દયાને પાત્ર છે.’’
શિષ્યોએ કહ્યું, ‘‘ એવા અજ્ઞાનીને દયા પાત્ર કેમ કહેવાય?’’
સ્વામીએ કહ્યું, ‘‘બેટા, એ જોવાનું કામ આપણું નથી, પણ ભગવાનનું છે. આપણે જેને કઠિન કામ સમજીએ છીએ તે કામ પ્રભુ માટે આસાન છે. આપણે જ્યારે મૂંઝાત જતએ છીએ. કોઈ રસ્તો દેખાતો નથી. ત્યારે પ્રભુને જ શરણે જતએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર મદદ કરવા દોડી આવે છે.’’
‘‘આપણે નમ્રતા રાખીશું, સરળ બનીશું તો પ્રભુ બધું સારું કરશે.’’ મંદ મંદ હસ્તા સ્વામીએ કહ્યું, ‘‘બત્રીસ દાંત વચ્ચે જીભ રહે છે એવી રીતે જે જે દેશમાં જાઓ ત્યારે વર્તજો, આપણે સંત છીએ. સંતનો દેશ કોઈ પોતાનો નથી અને કોઈ પ્રદેશ પારકો નથી. આપણે મન તો સબ ભૂમિ ગોપાલ કી હૈ, જ્યાં જાઓ ત્યાં ધીરજ રાખજો. તમે જ્યાં જશો ત્યાં ભિન્ન ભિન્ન લોકો મળશે. સૌના સ્વભાવ સરખા ન હોય. એટલે કઠોર સમાજ વચ્ચે બત્રીસ દાંત વચ્ચે જીભ રહે છે તેમ રહેશો તોતમારા હૃદયમાં સદાય શાંતિ રહેશે.’’ પ્રભુ સ્વામિનારાયણ જીવપ્રાણી માત્રના સર્વજીવહિતકારી છે.