મંત્ર (૬૦) ૐ શ્રી ભક્તિસંપોષકાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, ‘‘ હે પ્રભુ ! તમે નવધા ભક્તિનું પોષણ કરનારા છો. ભગવાનને પામવાના બે માર્ગ છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિ માર્ગ બે માર્ગને સમજવા જોઈએ. ભગવાન પોતે ભક્તિ કરીને ભક્તિ કરવાનો ઉપદેશ આપે છે. ભગવાન પોતે માળા ફેરવે, ધ્યાન કરે, કથા સાંભળે, કીર્તન ગાય, પોતે ભક્તિ કરે છે. શિક્ષાપત્રીમાં સૂત્રરૂપે સ્પષ્ટતાથી ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે.
મહાત્મ્યજ્ઞાનયુગ ભુરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે
મહિમા અને જ્ઞાન સહિત ભગવાનને વિશે જે અતિશે સ્નેહ તેને ભક્તિ જાણવી. ભક્તિ કરવાની એટલે શું ? ભગવાનના સ્વરૂપમાં પ્રેમ આસક્તિ તેને કહવે સાય ભક્તિ. સંસારમાં આસક્તિ તેને કહેવાય માયા. ભગવાનમાં આસક્તિ તેને કહેવાય ભક્તિ.
ભક્તિરૂપી છોડને બહુ સાચવવો જોઈએ. નાનો છોડ વાવે રસ્તામાં તો ચારે બાજુ વાડ કરે તો છોડને કોઈ ખાત જાય નહિ અને જો વાડ ન કરે તો જનાવર ખાત જાય. પછી જ્યારે છોડ મોટું ઘેઘૂર વૃક્ષ બની જાય એની પાડ જમીનમાં ઉતરી જાય પછી એને બકરાંઓ હેરાન કરતા નથી. એમ પ્રારંભકાળની ભક્તિ, સાધનદશામાં રહેલો સાધક તેને ધર્મનું અવશ્ય પાલન કરવું જોઈએ. તોજ ભક્તિ લાંબી ટકે, જો ભક્તિ માહત્મ્ય સહિત હોય એવી અચળ ભક્તિમાં કોઈ વિધ્ન આવતું નથી. મહાત્મ્ય વિનાની ભક્તિ વીજળીના જેવી કહેવાય. વીજળી થાય ત્યારે પ્રકાશ જલદીથી થાય અને પાછું અંધારું પણ તરત થઈ જાય. તેમ માહાત્મ્ય વગરની ભક્તિમાં અંધારું તરત થઈ જાય. માહત્મ્ય સહિત ભક્તિ પ્રર્વતપ્રાય લાંબા સુધી ટકે છે. શ્રીજી મહારાજ આવા ભક્તિના પોષક છે.
-: જયાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. :-
પ્રભુના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરી પ્રભુના શ્રી અંગને સારી પેઠે નિરખવાં, તોજ ભક્તિમાં આનંદ આવશે. લોકો ભક્તિ કરે છે પણ આનંદ આવતો નથી એનું કારણ છે. ભક્તિ કરે છે પણ પાપ છોડતાં નથી. ભક્તિ કરે છે પણ એક બીજાની નિંદા કરે છે. સંતની નિંદા કરે છે. તેથી આનંદ આવતો નથી ખોટું બોલે છે અને ન ખાવાનું ખાય છે તેથી ભક્તિમાં આનંદ આવતો નથી. મન સુધરશે તો જ ભક્તિમાં આનંદ આવશે. ભક્તિ ભગવાન માટે કરો, ભક્તિનું ફળ ભોગ નથી. ભક્તિનું ફળ ભગવાન છે. સંસારનું સુખ નથી, સંપત્તિ નથી ભક્તિનું ફળ ભગવાન છે. જ્યાં ભક્તિ છે ત્યાંજ ભગવાન છે.
ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. તેમ ભગવાન પણ ભક્ત વિના રહી શકતા નથી. જેને સંસારનું સુખ મીઠું લાગે. તેની પાસે ભગવાન રહેતા નથી. ભક્તિ જેવો આનંદ મુક્તિમાં નથી. મુક્તિ તો ભક્તિની દાસી છે. ભક્તિ છે તે મનને ભગવાનમાં તરબોળ રાખે છે.
સંસારની વાતો સાંભળવાની જેને મજા આવે. તો સમજવું કે તેની ભક્તિનો રંગ કાચો છે જેને હૃદયની અંદરથી ભક્તિનો રંગ લાગે તેને લૌકિક વાતો સાંભળવાની તચ્છા થતી જ નથી. પ્રભુમાં જેને અતિશય પ્રેમ છે તેજ સાચું ધન છે.
આ લોકનું ધન હોય બંગલા ને ગાડી હોય, નોકર ચાકર હોય, બધુંજ હોય પણ જો એના જીવનમાં ધર્મ અને ભક્તિ નથી તો એ દરિદ્ર છે. સંત-બ્રાહ્મણ પ્રત્યે આદર નથી, માતા-પિતાની સેવા નથી, પૂજા પાઠ નથી, વડીલો પ્રત્યે આદર કે પૂજનીય ભાવ નથી, તો તે દરિદ્ર છે. અને રાંક છે. સાચો ધનવાન તો તે છે, જેની પાસે બ્રહ્મજ્ઞાન છે નિષ્કામ ભક્તિ છે.
પર્વતપ્રાય ભક્તિ કરવી. વરસાદ વરસે ત્યારે ઢેફાં હોય તે પલડીને પાણી ભેળાં પાણી થઇ જાય. નાના નાના પથ્થરના ટુકડા ખેંચાઇ જાય, પણ પર્વતને કાંઇ ન થાય. એ ખેંચાય નહિ. તેમ જેની પર્વતપ્રાય ભક્તિ થઇ જાય તેને કામ, ક્રોધ અને માયા ખેંચી શકે નહિ, કોઇ ગાળો દે તો મૂંઝાઇ જાય નહિ, હાર પહેરાવે તો ફૂલાઇ જાય નહિ.
વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે, મીણનો દોરો ઊનાળામાં ઢીલો ઢસ થઇ જાય, શિયાળો આવે ત્યારે અક્કડ થઇ જાય, પણ સોનાનો દોરો જેવો હોય તેવો ને તેવો જ રહે, ઢીલો ન થાય ને કડક પણ ન થાય. તેમ ભક્તને સોનાના દોરા જેવું થવું, માન, અપમાન, સુખ, દુઃખ, હાનિ-લાભમાં જીવનને પરિવર્તન કરવું નહિ. ખોટી ચિંતા કરવી નહિ પણ તલ્લીન થઇને ખમૂ સારી પૂર્વક ભક્તિ કરવી. ભક્તિ કરવાથી જ ભવસાગર તરી શકાય છે, કવિ ગાય છે.
ભવસાગરમાં ભક્તિ હરિની ઉતરવાનો આરોજી; એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી . ભવસાગર..
માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટોજી; દાસ નારાયણ હરિ ભજીને, લાભ કરી લ્યો મોટોજી . ભવસાગર .
જેમ શરીર માટે દરરોજ ભોજન અનિવાર્ય છે, એમ આત્મા માટે ભજન અનિવાર્ય છે. શ્રાવણ મહિનો આવે એટલે વિશેષ ભક્તિ થાય એ બરાબર પણ એટલેથી અટકી જવું નહિ, ભક્તિ તે તો નિત્યની સાધના અને આરાધના છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ભક્તિ ચાલુ રાખો. નિરાશ ન થાઓ ભક્તિ શિર સાટે કરો, ને બીજાને કરાવો. અતરશત્રુ થકી લડી શકે તે ભક્તિના માર્ગે ચડી શકે.
-: તમે અમારા હૃદયમાં નિવાસ કરો :-
સત્સંગિજીવનમાં કથા છે. લાડુબા, જીવુબા વગેરે સ્ત્રીભક્તજનોએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું ‘‘પ્રભુ ! તમને રાજી કરવા માટે શાસ્ત્રમાં દાન,યજ્ઞ,તપ, યોગ, વેદાભ્યાસ, વ્રત આદિ બહુ બહુ ઉપાય બતાવ્યા છે, એ બધા ઉપાયોમાં એવો મુખ્ય ઉપાય કયો છે જે સર્વગુણો એકમાં સમાઇ જાય ?’’
ભગવાને સરસ જવાબ આપ્યો; ‘‘સારી રીતે કરેલાં દાન, પુણ્ય, યજ્ઞ, યોગ, વ્રત, જપ વગેરેથી હું પ્રસન્ન થાઉં છું, પરંતુ જેવો ભક્તિ વડે પ્રસન્ન થાઉં છું એવો બીજાથી નહિ. મને પ્રસન્ન કરવાનું સર્વોત્તમ શ્રેષ્ઠ સાધન મહિમા સહિત ભક્તિ છે.’’ લાડુબા જીવુબાની એટલી ભક્તિ વધી કે સ્વયં મૂર્તિમાન ભક્તિ સ્ત્રીના રૂપમાં દર્શન દીધાં, તેજના પુંજ છવાઇ ગયા, લાડુબા અને જીવુબા વગેરે બાઇઓએ બે હાથ જોડી પ્રણામ કર્યા, બોલ્યાં છે; ‘‘આપ આવાં તેજસ્વી સ્વરૂપે કોણ છો ?’’ ત્યારે સ્ત્રીએ કહ્યું, હું ભક્તિ છું, આપની ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થઇ છું, માંગો આપને શું જોઇએ ? સ્ત્રી ભક્તજનો બોલ્યાં, ‘‘હે ભક્તિદેવી ! તમે અમારાં હૃદયમાં નિવાસ કરો,’’ ત્યારે તથાસ્તુ કહ્યું, સદાય નિવાસ કરીને રહીશ, પણ એક શરત ! શું ? ‘‘મારા પતિ ધર્મ છે તેથી જ્યાં ધર્મ હોય ત્યાં જ હું રહું છું, જ્યાં ધર્મ નથી ત્યાં હું રહતી નથી.’’
ભગવાન સ્વામિનારાયણ ભક્તિના પોષક પણ છે અને ભક્તિના પુત્ર પણ છે.