મંત્ર (૭૯) ૐ શ્રી પ્રગલ્ભાય નમઃ
શતાનંદસ્વામી કહે છે : “હે પ્રભુ ! તમે પ્રગલ્ભ છો, પ્રગલ્ભ એટલે પ્રતિભાવાન અને પ્રજ્ઞાવાન કોને કહેવાય ? જે અનુભવેલું બોલે. માયાથી મુક્ત થઈને બોલે તેને પ્રતિભા અને પ્રજ્ઞાવાન કહેવાય. શીખેલું, ગોખેલું ને માયામાં રહીને ન બોલે તેને પ્રગલ્ભવાન કહેવાય.”
ઘણાં માણસો મેધાવાન હોય, સંતો અને શાસ્ત્ર જે વાત કહે તે વાર્તા વાંચે, સાંભળે ખરા પણ એનું એને સ્મરણ ન રહે, યાદ ન રહે, ચારણીની જેમ ચરાતને નીકળી જાય. બુદ્ધિ તો છે, સમજાય પણ છે, પણ બુદ્ધિમાં ટકે નહિ. વિસરાત જાય તેને મેધાવાન ન કહેવાય !
નવા નવા ભાવ ભગવાન સબંધી પ્રગટ્યા કરે, તેને પ્રગલ્ભાવાન કહેવાય. પ્રભુ પ્રજ્ઞાવાન છે, અનુભવેલું જ બોલે છે.ઘણા પંડતો અને વિદ્વાનો આ જગતમાં હોય છે, એ બધા અનુભવેલું બોલતાં નથી. એના ઘરમાં અને હૃદયમાં લગભગ અહંકાર અને અંધારું ઘૂંમતું હોય છે. ખૂમારીમાં ફરતાં હોય છે. હજારો સાધુ સંન્યાસીને ભણાવે અને અંધારુ ને અહંકાર ગયા ન હોય તેને પ્રગલ્ભ ન કહેવાય અને મેધા ન કહેવાય. એની બુદ્ધિ છે ખરી પણ બરાબર ઉપયોગ કરતા આવડતું નથી. અહંમમાં ડૂબી જાય છે એવા માણસો માયામાં રહીને બોલે એને માયાનો કીડો કહેવાય.
-: કોરી વાત કરતા નહિ :-
ભગવાન અનભુવેલું બોલે છે, ભગવાન પંડિતોની સભામાં પ્રભાવ પાડનાર છે. ભગવાન કહે છે અમને બધું દેખાય છે, ધામ દેખાય છે અને ધામના ધણી પણ દેખાય છે.
શ્રીજીમહારાજ સંતોને ભલામણ કરતા કહે છે. ‘‘હે સંતો ! તમે સત્સંગ પ્રચારાર્થે દેશ, વિદેશ, ગામો-ગામ ફરજો, પણ વાત પ્રગલ્ભ મને કરીને કરજો, અનુભવ કરેલી હોય તેવી વાત કરજો. તમે ભજન કરજો ને બીજાને કરાવજો. કોરી વાત કરતા નહિ.’’
કોરી વાત એટલે શું ? કથા એકાગ્રમને કરીને સાવધાનતાથી સાંભળવી જોઇએ. આવી વાત કરે, પણ પોતે આડું આવળું જોયા કરે, વાતો કર્યા કરે તેને કોરી વાત કહેવાય. લક્ષ્યાર્થ ન હોય કેવળ વાચ્યાર્થ જ હોય તેને કોરો કહેવાય. વળી, કેવી વાત કરે ? એકાદશીના ઉપવાસ કરવો જોઇએ, ન કરે તો પાપી કહેવાય, તે જીવતા જ નરકમાં પડેલો છે. પોતે ફરાળ નથી કરતો ને એકાદશીને દિવસે દાળ, ભાત, રોટલી, અનાજ ખાઇ લેતો હોય તેને અનુભવેલી વાત કરી ન કહેવાય. તેને કોરો કહેવાય, ભગવાન એવા નથી. ભગવાન તો પ્રગલ્ભ છે, વર્તનમાં ઉતારીને અનુભવીને જ બીજાને વર્તાવે છે.
ભગવાન પોતે પોતાના જીવનમાં ઉતારેલી વાત કરે છે, શ્રીજી મહારાજ વચનામૃતમાં વારંવાર કહે છે, ‘‘અમે અમારી અનુભવેલી વાત કરીએ છીએ’’ ગીતાજીમાં ભગવાન જે કાંઇ બોલ્યા છે તે પ્રતિભાવન થઇને જ બોલ્યા છે, અનુભવની ભૂમિકાથી જે પોતે સિદ્ધ કરેલું છે, તેવું જ પોતે બોલે છે. બોલે બીજું ને કરે બીજું એવો સ્વભાવ ભગવાનનો નથી. તેથી તેમનું નામ પ્રગલ્ભા છે.