મંત્ર (૩૯) ૐ શ્રી પ્રશાંતમૂર્તયે નમ :

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 7:19pm

મંત્ર (૩૯) ૐ શ્રી પ્રશાંતમૂર્તયે નમ :

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ! તમે અતિશાંત મૂર્તિ છો, પ્રશાંત છો. તમારું ધામ પ્રશાંત છે, તમારા સ્વરૂપમાંથી નીકળતો પ્રકાશ પણ પ્રશાંત છે, શીતળ અને શાંત છે.

શીતળ શાંત છે રે, તેજની ઊપમા નવ દેવાય.

ભગવાન શાંત સ્વભાવવાળા છે, ક્ષીર સાગરમાં શેષનાગ પર સૂવે તોય શાંત. નાગનો સ્વભાવે ઝેરીલો અને ક્રોધીલો છે, પણ શાંતમૂર્તિના સ્પર્શથી શેષનાગ પણ શાંત થઇને બેઠા હોય છે.

જેમ નદીઓનો પ્રવાહ સમુદ્રમાં લીન થાય છે, તેમ પ્રભુના અંતઃકરણની વૃત્તિ પ્રભુમાં જ લીન થઇ જાય છે. કોઇ માર માર કરતો આવે તેને પ્રભુ સમાધિ કરાવી શાંત કરે. પ્રભુ અતિ શાંત સ્વભાવવાળા છે. પરશુરામજી એટલું બધું બોલ્યા છતાંય ભગવાનના ચિત્તમાં જરાય ક્ષોભ નહિ કે ક્રોધ નહિ, પૂર્ણ શાંતિ. લક્ષ્મણજી ઊગ્ર થયા તેને પણ ભગવાને ઠારી દીધા. મારામાર કરતો મગ્નીરામ આવ્યો હતો એને ઠારી દીધો. અમદાવાદના રાજા પેશ્વાએ ટાંકામાં નાખવાનું કાવતરું કર્યું તોપણ પ્રભુ શાંત રહ્યા, પ્રભુનો મૂળ સ્વભાવ શાંત છે.

જેમ પાણીનો સ્વભાવ શીતળ છે, ગમે તેટલું તમે પાણી ગરમ કરશો પણ પછી તે ઠરી જશે. પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે. તેવી રીતે પ્રુભને ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય પણ તે સદાય શાંત જ રહે છે, કોઈ ઊદ્વેગ નહિ, આધિ નહિ, વ્યાધિ નહિ.

-: આત્માને વિશ્રાંતિ પામવાનું સ્થાન પરમાત્મા :-

પ્રભુ તો પ્રશાંત છે, પણ જે સ્થળમાં પ્રભુ બિરાજતા હોય ત્યાંનું વાતાવરણ પણ શાંત હોય છે, જુઓ આપણા ધર્મગ્રંથોમાં બનેલી સત્ય ઘટના. લાડુદાનજી ભગવાન સ્વામિનારાયણને પહેલી જ વખત મળવા માટે આવતા હતા. ત્યારે રાધાવાડીએ આવ્યા. ત્યાંથી વિચારોની હારમાળા ચાલતી હતી, હું સ્વામિનારાયણને આમ પૂછીશ ને તેમ પૂછીશ, એની જે ભગવાનપણાની પ્રશંસા જગતમાં છે તે ભગવાનપણાની બરાબર ચકાસણી કરીશ. પણ જયાં દાદાના દરબારમાં પ્રવેશ કર્યો, ત્યાં બધા વિચારો શાંત થઈ ગયા. હૃદયમાં ઠંડક વળી ગઈ. શું પૂછવું તે બધું ભૂલાઈ ગયું. પરમ શાંતિ થઈ ગઈ. પછી લાડુદાનજીએ સમગ્ર જીવન

સહજાનંદના ચરણમાં સર્મિપત કરી દીધું.

આધિ, વ્યાધિથી ઘેરાએલો માનવ જો ભાવથી હરિ સ્મરણ અને હરિધ્યાન કરે, તો મનની શાંતિમાં એનો પ્રવેશ થઈ જાય, કેમ કે શાંત મૂર્તિ સહજાનંદના ચતવનથી એ ભકતમાં પ્રભુના ગુણ સ્વાભાવિક આવવા માંડે છે. આત્માને વિશ્રાંતિ પામવાનું સ્થાન પરમાત્મા છે અને મનની શાંતિ પામવાનું સાધન ભજન છે.

ભગવાનનાં ભજનથી, સ્મરણથી, કીર્તનથી દેહ ભાન ભૂલાઈ જાય, ભૂખ તરસ ભૂલાઈ જાય, સગાં સંબંધી ભૂલાઈ જાય, ત્યારે એને શાંતિમાં પ્રવેશ મળે છે. મુકતાનંદ સ્વામીને શાંતિ થઈ શ્રીહરિની લીલા સ્મરણથી. પરિક્ષિત રાજાને શાંતિ થઈ શ્રીકૃષ્ણના લીલા ચરિત્રની કથા સ્મરણથી. તેથી તે ભાન ભૂલી ગયા. અને જમવાનું પણ ભૂલી ગયા. હરિ સ્મરણથી જગતના ભાવ ભૂલાઈ જાય છે.

નારદજીએ પણ વ્યાસ ભગવાનને કહ્યું છે કે, હે વ્યાસ નારાયણ ! સાંભળો, જો શાંતિ જોઈતી હોય તો.

શ્રીકૃષ્ણનાં બાલચરિત્ર, જયારે ગાશો તમે મારા મિત્ર ।

શાંતિ પામશો ત્યારે સદાય, તે વિના નથી બીજો ઊપાય ।।

સદગુરુને એના શિષ્યે પૂછ્યું, "હે ગુરુદેવ ! ભગવાન તો શાંત મૂર્તિ છે જ પણ આપણને હૃદયમાં શાંતિ જોઈતી હોય તો શું કરવું ? શાંતિ કયાંથી મળે ? વિદ્વતાથી શાંતિ મળે છે ? કે યોગ સાધવાથી શાંતિ મળે ? તપ તપવાથી શાંતિ મળે ? કે જંગલમાં જવાથી શાંતિ મળે ? આ મને સમજાવો."

ગુરુએ કહ્યું, "જંગલમાં રહો કે શહેરમાં રહો, તપશ્ચર્યા કરવા હિમાલયની ટાચે ચાલ્યા જાઓ કે ઘરમાં બેસીને ભજન કરો, શાંતિની પ્રાપ્તિ એક જ વસ્તુમાંથી મળે છે. પરમાત્માના દિવ્ય લીલાનાં ચિંતન થી અને શ્રવણથી મળે છે. કીર્તન, ભજન ગાવાથી શાંતિ મળે છે." શાંતમાં શાંત એવા પ્રશાંત મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરી શતાનંદસ્વામી ચાલીસમા મંત્રનો ઊચ્ચાર કરે છે.