મંત્ર (૪૦) ૐ શ્રી નિર્દોષાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, પ્રભુ ! તમે નિર્દોષ છો, નિર્ગુણ છો, અને નિષ્કામી છો, તમારામાં કોઈ દોષ નથી, માણસ ગમે તેટલો મહાન હોય તો પણ સંભવ છે, એમાં કોઈ ને કોઈ બે દોષ હોય જ, પૂર્ણ નિર્દોષ ન હોય, ભગવાન પૂર્ણ નિર્દોષ છે. ગમે તેવા વિકાર ઊત્પન્ન થાય તેવો પ્રસંગ હોય છતાંય પણ એને દોષ અડે નહિ. અંતઃકરણ કયારેય મલિન થાય નહિ, મલિન દોષ અડે નહિ, દોષ તો શું પણ માયા ભગવાન પાસે આવે તો માયા પણ નિર્દોષ થઈ જાય છે.
જીવાત્મા માયામાં ફસાય, ઈશ્વર માયામાં આવે તો માયા બ્રહ્મરૂપ થઈ જાય, પ્રભુ કેવા છે ? પારસમણી જેવા છે. પારસમણી લોઢાંને અડે તો લોઢું સોનું બની જાય. લોઢાં જેવા પાપી જીવન જીવનારા, અનેક દોષથી ખદબદતા જો પ્રભુને શરણે જાય, તો તે નિર્દોષ બની જાય. દોષ ન આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, અદેખાઈ, અભિમાન આ બધા દોષો પ્રભુમાં એકેય નથી, એવા એ નિર્દોષ છે, એના યોગમાં જે કોઈ આવે એના હૃદયમાંથી દોષ નીકળી જાય છે.
સંતના યોગમાં આવે તો પણ દોષ દૂર થઈ જાય છે. કોઈના દોષ દૂર થયા ખરા ? દોષ એટલે અધર્મ સર્ગ, દુર્ગુણો કોઈના દૂર થયા ? હા ઘણાયના થયા છે, ઊપલેટાનો વેરો લૂટારો ધોળે દહાડે જાન લૂંટે, ન ખાવાનું ખાય અને હિંસક વૃત્તિવાળો માણસ જે સાવ કટાયેલા લોઢા જેવો પણ સંતના સંગથી પારસમણી જેવો પવિત્ર થઈ ગયો.
ભગવાનના યોગમાં આવ્યો તો ભાલાને બદલે માળા ઝાલનારો થઈ ગયો, એક વખત કોઈના ઘરમાંથી દાતણ લીધું, તો પણ ખૂબ પસ્તાવો થયો. અને રજા લેવા ગયો, માફી માગી. આવો નિર્દોષ બની ગયો.
આવા દોષથી દટાયેલાને શ્રીજી મહારાજે ઉભા કરી નિર્દોષ બનાવ્યા. રૂડિયો રખડું, વાલિયા લૂંટારા જેવો જંગલમાં ભટકનારો, જાનવરોને મારનારો, કપડા વગર રખડનારો, કાંટો ભાંગે પણ એને વાગે નહિ, એવો લોઢા જેવો, જનાવર જેવા પગ સાવ છેલ્લી કક્ષાનો તે. પણ સ્વામી બ્રહ્માનંદજીના યોગથી ખરેખરો સત્સંગી થઇ ગયો. રૂડિયો રખડુમાંથી રૂડા ભગત થઇ ગયા. ભગવાન આવા દોષે ભરેલાઓને નિર્દોષ બનાવે છે.
દોષીને નિર્દોષ કરે છે એવા ભગવાન છે. દોષી કોને કહેવાય ? જેણે ગુહ્નો કર્યો હોય તેને દોષી કહેવાય, ગુહ્નો કર્યો હોય તેને રાજા જેલમાં પૂરે, રાજા જેલની સંભાળ લેવા જાય, ત્યારે જેલર હોય તે રાજાને બતાવે કે, "હે અન્નદાતા ! આ માણસે ચોરી કરેલી છે. આ માણસે ખૂન કરેલું છે. આ માણસે ગામમાં આગ લગાડી છે. આ માણસે સ્ત્રી ઊપર બળાત્કાર કર્યો છે. આ ત્રાસવાદી છે." આવું સાંભળી રાજાને એવા માણસ ઊપર ખીજ ચડે.
વળી આગળ જાય ત્યારે જેલર રાજાને બતાવે કે, આ માણસ બિચારો નિર્દોષ છે, કાંઇ દોષ કર્યો નથી, પણ ખબર નહિં પકડાઇ ગયો છે, ત્યારે રાજાને એના ઊપર દયા આવે અને એને છૂટો કરે.
રાજા આવું બધું જોવા આવે ત્યારે કચેરીમાં કોઇ પૂછે, "રાજા કયાં ગયા છે ? તો બધા શું કહે ? રાજા જેલમાં ગયા છે, જે વાત પણ સાચી રાજા જેલમાં ગયા છે પણ એમ ન કહેકે, રાજા જેલ બહાર છે."
આ બાબત બરાબર ધ્યાન દઇને તમે સાંભળવી, સમજવા જેવો આ મંત્ર છે તેથી સ્પષ્ટીકરણ કરીએ છીએ કે, કેદી જેલમાં છે અને રાજા પણ જેલમાં છે. ગુહ્નેગાર અને બિનગુહ્નેગાર બેય જેલમાં છે, તો શું રાજા અને કેદી બેય સરખા કહેવાય ? ન કહેવાય !
-: પ્રભુ ભકતના દોષને માફ કરે છે. :-
રાજા સ્વતંત્ર છે, રાજા આદેશ આપે કે આને છોડી દો, તો છોડી દે અને રાજા જો મોજમાં આવી જાય કે આજે મારો જન્મ દિવસ છે આજે મારો પટ્ટાભિષેક છે તો કેદીને પણ મુકત કરી દે, જેલમાંથી છૂટા કરી દે, ગમે તેવો ગુન્હો કર્યો હોય તો પણ છૂટો કરી દે. ખુશાલીમાં કેટલાયને છોડી દે.
રાજા કેદીના જેવો બંધનમાં નથી, સ્વતંત્ર છે તે જ રીતે પ્રભુ માયામાં આવે. માયાને સ્વીકારે તોય (એને) એકે પણ દોષ અડે નહિ. માયા પણ બ્રહ્મરૂપ બની જાય. માયાપતિના સંબંધથી અનેકના દોષ ટળી જાય છે. ભગવાન નિર્દોષ છે તેથી કોઇના દોષ જોતા નથી. એક જ વાર પ્રભુના શરણે આવીને જીવાત્મા એમ કહે કે, "હું તમારે શરણે છું." તો પ્રભુ એના બધા દોષ ભૂલી જાય છે.
પ્રભુ મા જેવા છે. દીકરાઓ ગમે તેટલા મા-બાપને પજવે, હેરાન કરે, ફાવે તેવું બોલે પણ પછી જો મા પાસે માફી માગે અને એમ કહે કે, "મા, હું તમારો છું. મારા દોષ ન જોશો" તો મા કહે "ભલે દીકરા, ગમે તેમ તોય અમે માવતર છીએ, આજથી તારા બધા ગુન્હા માફ." તેમ પ્રભુ ભકતના દોષને માફ કરે છે, પોતે નિર્દોષ મા જેવા છે.
જેમ આકાશ નિર્લેપ છે એને કોઇનો સંગ લાગતો નથી, તેમ ભગવાન આકાશ જેવા નિર્દોષ છે. આ જગતમાં ભગવાન ગમે તેવા રૂપ ધરીને આવે તો પણ એને એક પણ દોષ લાગતો નથી, બાળક જેવા નિર્દોષ છે. બાળકમાં વિકાર ન હોય. કામ, ક્રોધ ન હોય. ગમે તેવું અપમાન કરો તો પણ એને કાંઇ દુઃખ થતું નથી. એક પણ દોષ એને અડતો નથી.
ભગવાન કહે છે, તમે પણ દોષ વગરના થાજો. કોઇના દોષને જોવા નહિ આ જગતની અંદર ઘણા પ્રકારના માણસો હોય છે, આ દુનિયા ગુણ દોષથી ભરેલી છે, ભગવાન કહે છે, "હે ભકતજનો ! તમારી દષ્ટિ એવી બનાવો કે કોઇ પણ વ્યકિતમાં દોષ ન દેખાય."
જ્ઞાની ભકતને પોતાના દોષ દેખાય છે, પોતાની ભૂલ દેખાય છે, પોતાનો સ્વભાવ દેખાય છે, પોતાનું પાપ દેખાય છે. પણ અજ્ઞાનીને પોતાની ભૂલ, દોષ કે પાપ દેખાતાં નથી. બીજાના દોષ જોવા કરતાં પોતાનો દોષ જોતા શીખવું.
પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી સૂઝે મારી ભૂલ .... પ્રભુ૦
દોષ બીજાના દેખતા, મને સૂઝે મારી ભૂલ;
સદાય પ્રભુનું સ્મરણ કરીને, રહુ પ્રભુમાં મશગૂલ .... પ્રભુ૦
પોતાની ભૂલ પોતાને સમજાઇ જાય. તો એના જીવનું કલ્યાણ થઇ જાય.
સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ નરેન્દ્ર હતું. તેઓ કોલેજમાં જયારે ભણતા હતા. ત્યારે એક દિવસ બંગલાની અગાસી ઊપર એક પુસ્તક વાંચતા હતા. તે સમયે સામેના બંગલામાં એક રૂપવાન સ્ત્રીને જોઇ, સ્ત્રીમાં મન ખચાઇ ગયું. તાકી તાકીને એક નજરે સ્ત્રીને જોયા જ કરી. પછી મનને વાળીને વાંચવા લાગ્યા પણ વાંચવામાં મન લાગ્યું નહિ. સ્ત્રીના રૂપમાં આસકિત થવાથી વાંચવાનું મૂકીને સ્ત્રીને જોતા જ રહ્યા. પછી હૃદયમાં સાચી સમજણ, જ્ઞાન જાગૃત થયું .... અરરર.... આવું સરસ મજાનું શાસ્ત્ર વાંચન મૂકીને મારું મન એક નાશવંત રૂપમાં ખચાયું ? પોતાની ભૂલ પોતાને સમજાઇ ગઇ. આંખને દંડ દીધા સિવાય આંખની તૃષ્ણા મટશે નહિં, રાત્રીએ દંડરૂપે પોતે જ પોતાની આંખમાં ચટણી આંજી સવારે આંખ સુઝીને દડો થઇ ગઇ. પછીથી આંખ કયારેય પણ ખોટું દૃશ્ય જોવા જતી નહિ.
આવું તો વિવેકાનંદજીએ કર્યું આકરો દંડ દીધો. પણ આપણે એવું ન કરવું પણ ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. જોવાની, ખાવાની, પીવાની, રખડવાની ખોટી ટેવ રાખવી નહિ. ઇંદ્રિયોને કાબૂમાં રાખવી. વિવેકાનંદજી જેવું શૂરવીર થવું પણ ફોશી થવું નહિ. દોષને દૂર કરનારા ભગવાન છે, તેથી તેનું નામ નિર્દોષ છે. શતાનંદ સ્વામી કહે છે, બીજા શું કરે છે તે ભૂલી જાવ. આ આમ કરે છે, ફલાણો તેમ કરે છે આ બધુ ભૂલી જાઓ પણ આપણે શું કરીએ છીએ તેનો વિચાર કરો. પારકા દોષને જુઓ નહિ, તમે તમારું સંભાળો. હું શું કરું છું ? તે જુઓ અને સમજો.