મંત્ર (૪૨) ૐ શ્રી અતિકારુણ્યનયનાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, "પ્રભુ ! તમારા નેત્રોમાંથી કરુણા વરસે છે. તમે કરુણામય દૃષ્ટિવાળા છો. ભગવાનના નેત્રોમાં લોભ નથી, કામ, ક્રોધ નથી, રાગ કે દ્વેષ નથી, કેવળ કરુણા ભરી છે.
ભગવાન સ્વામિનારાયણના નેત્રોમાં કરુણા ભરી છે, કોઇ સ્વાર્થ ભર્યો નથી, આખું જગત ભગવાનને બ્રહ્મરૂપ ભાસે છે. બ્રહ્માકાર દૃષ્ટિ છે અને સદાય સ્થિર છે. ભગવાનના નેત્રોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ રહેલાં છે. ભગવાન કરુણામય નેત્રથી જેને જુએ તેની બુધ્ધિમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સ્ફૂરે છે. પરમાત્મા કરુણામય નેત્રથી ભકતના મનને પોતામાં આર્કિષત કરે છે. પ્રભુની આંખમાં આંખ મેળવી જપ કરશો તો તમારા ચિત્તને પ્રભુ કરુણારસથી ભરી દેશે.
-: આંખમાં રાખવા જેવા ભગવાન છે. :-
ગોપીઓ કહે છે, "હે ઊદ્ધવ ! મન તો એક જ છે, અને તે મારા કૃષ્ણ પાસે છે. બે-ચાર મન હોય તો એક મન સમાધિમાં રાખીએ. ઊદ્ધવજી! અમને ઊઘાડી આંખે ભગવાન દેખાય છે, જેની દિવ્ય દૃષ્ટિ થાય તેને આંખ બંધ કરે તો જ ભગવન દેખાય એવું નથી, એ ઊઘાડી આંખે પણ ભગવાનનાં દર્શન કરે છે.
આંખમાં રાખવા જેવા ભગવાન છે, જેને પહાડમાં, ઝાડમાં, પાણીમાં, બાળકમાં તમામ પાદર્થમાં પરમાત્મા જ દેખાય તે ગોપી શા માટે આંખ બંધ કરે ! કેટલાક જ્ઞાનીને આંખ બંધ કર્યા પછી પરમાત્મા દેખાય, પણ આંખ ઊઘાડે ત્યારે જગત દેખાય એનું જ્ઞાન કાચું છે. જ્ઞાન જેણે પચાવ્યું છે તેને માટે જગત છે જ નહિ.
કરુણામય દૃષ્ટિવાળા ભગવાનને સદાય નેત્રોમાં રાખે છે તો તેની દૃષ્ટિ જગત જોવા માટે નથી, પણ અલૌકિક ભાવ જોવા માટે છે. જગતના ખોટા દૃશ્ય જોવાથી દૃષ્ટિ ચંચળ બને છે. તો શું જગત ન જોવું ? જોવું પણ ઊપેક્ષાથી જુઓ, લૌકિક દૃષ્ટિથી નહિ, અલૌકિક દૃષ્ટિ રાખીને જુઓ.
ધન્યવાદ છે પંચાળાના ઝીણાભાઇને ! ઝીણાભાઇ જૂનાગઢમાં દીવાનગીરી કરે, રાજાના માનીતા પાત્ર. એક વખત રાજાએ મહેફીલ કરી તેમાં ઝીણાભાઇને બોલાવ્યા. ઝીણાભાઇને ખબર નથી કે ત્યાં મહેફીલ હશે એને એમ કે કોઇ અગત્યનું કામ હશે. તે બધાની સાથે કચેરીમાં બેઠા, ત્યાં દારૂની પ્યાલી બધાને આપવામાં આવી, ત્યારે ઝીણાભાઇએ કહ્યું કે, "અમારાથી દારૂ પીવાય નહિ, ચોખ્ખી ના પાડી દીધી, પણ માન મોભામાં લોભાણા નહિ. દારૂ પીધા પછી વેશ્યાનું નૃત્ય ચાલુ થયું. શરણાઇના સૂર સાથે વેશ્યાઓ મંડી જેમ તેમ નાચવા. બધા તાકી-તાકીને જુએ, રાજી થાય, હસે અને કયારેક તાળીઓ પણ પાડે.
પણ ઝીણાભાઇ આંખ બંધ કરી પ્રભુનું ધ્યાન કરવા લાગી ગયા. અમને જગતના નાચ-ગાનના પ્રલોભનો લોભાવી શકયા નહિ, બધું પૂરું થઇ ગયું પછી રાજાએ પૂછ્યું, "ઝીણાભાઇ, તમે આંખ બંધ કરીને શું કરતા હતા ? કેમ નૃત્ય જોતા નહોતા ? તમને જોઇને મને નવાઇ લાગે છે." ત્યારે ઝીણાભાઇએ સરસ જવાબ આપ્યો કે, "હે અન્નદાતા ! અમે સ્વામિનારાયણના આશ્રિત છીએ. અમને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે પરસ્ત્રી સામે જોવું નહિ, તાકી તાકીને કોઇ સ્ત્રીને જોવી નહિ, મર્યાદા રાખવી, તો પછી આ વેશ્યાને નાચતી કેમ જોવાય ? ભગવાનના ખરેખરા ભકત નાચગાનને જુએ નહિ, આંખને નિયમમાં રાખે." આ સાંભળી રાજા ખૂબ રાજી થયા અને પછી ભરી કચેરીમાં ઝીણાભાઇના ખૂબ વખાણ કર્યા કે આવા ઝીણાભાઇ છે કે, એમને કોઇ પણ દોષો લોભાવી શકતા નથી.
આવી રીતે જેની અચળ ટેક હોય, સ્થિર દૃષ્ટિ હોય તેને જ પરમ એકાંતિક ભકત કહેવાય. ઝીણાભાઇએ રાજા નવાબને કહ્યું, "રાજન્! આંખમાં રાખ્યા જેવા તો એક ભગવાન છે."
બહુ સમજણ માંગી લે એવી આ જનમંગળની કથા છે. આ જગતને દિવ્ય દૃષ્ટિથી જોવી, સમજીને જોવી જગતમાં અત્યારે જે સારું દેખાય છે તે એક બે દિવસ પછી એવું નહિ દેખાય. ફૂલ હમણાં સુંદર છે, તાજું દેખાય છે, એક બે દિવસ પછી કરમાઇ જાય છે, તેમ આખું જગત કરમાય છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે, કૃત્રિમ છે, તમને જે સારું લાગે છે તે બીજાને સારું લાગતું નથી, તમે જેને ખરાબ સમજો છો તે બીજા કોઇકને સારું લાગે છે. સંસારનું સૌંદર્ય એ મનની કલ્પના છે, મનના વિકાર છે.
ઘણા માણસો કહે છે કે, "કાશ્મીર બહુ સારું છે" અરે ! કાશ્મીર સરસ હશે, તો કાશ્મીરને જેણે બનાવ્યું તે ભગવાન કેવા સરસ હશે ? આવી રીતે જે વિચારે તેને કહેવાય દિવ્ય દૃષ્ટિ. આવી દૃષ્ટિથી જગતને જુઓ તો કયારેય મનમાં ખોટી અસર થશે નહિ.
ભગવાનની દૃષ્ટિ કરુણામય અને દિવ્ય છે. ભગવાનની દેહ દૃષ્ટિ નથી, બ્રહ્મદૃષ્ટિ છે. પ્રહલાદજીની બ્રહ્માકારે દૃષ્ટિ થઇ તો થાંભલામાં પણ ભગવાનનાં દર્શન થયાં. ગોપીઓની બ્રહ્માકારે દૃષ્ટિ થઇ તો મટુકીમાં મોહનનાં દર્શન થયા, કરણીબાની બ્રહ્માકારે દૃષ્ટિ થઇ તો યજ્ઞ થાય ડભાણમાં ને, દર્શન થાય ધમળકામાં.
બહાર જગતનું રૂપ બહુ સારું નથી, જગતના નાથ જગદીશનું રૂપ દિવ્ય છે. પ્રભુને આંખમાં રાખશો તો મન શુધ્દ્ય થશે, મન શુધ્દ્ય થશે તો વિચાર સારા થશે, મૃત્યુ સારું થશે તો જીવાત્માને અપાર સુખનો ખજાનો હાથ આવશે.
વારંવાર પરમાત્માને જોવાની ટેવ પાડો તો મન બગડશે નહિ. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. આ જગતને કોઇ સુધારી શકયો નથી, પરંતુ જેણે દૃષ્ટિ સુધારી છે, તેની સૃષ્ટિ દિવ્ય બને છે. જેની દૃષ્ટિ દિવ્ય તેની સૃષ્ટિ દિવ્ય. પ્રત્યેકમાં પછી એને ભગવાન જ દેખાય. કરુણાથી છલકાતા નેત્રોવાળા સ્વામિનારાયણ ભગવાનને વારંવાર નમસ્કાર કરીએ છીએ.