મંત્ર (૪૩) ૐ શ્રી ઊદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ
શતાનંદ સ્વામી કહે છે, "હે પ્રભુ! તમે ઊધ્ધવ સંપ્રદાયના પ્રવર્તાવનારા છો." આ સંપ્રદાય ઊધ્ધવાવતાર રામાનંદસ્વામીએ સ્થાપ્યો છે. સ્થાપ્યો ઊધ્ધવજીએ અને પુષ્ટ કર્યો સ્વામિનારાયણ ભગવાને.
ભગવાન કૃષ્ણચંદ્રે જયારે સ્વધામ પધારવાની તૈયારી કરી, ત્યારે ઊધ્ધવજી વારંવાર ચરણમાં વંદન કરી કહે છે, "હે પ્રભુ! તમે ભલે સ્વધામ જાઓ, પણ મને એકને સાથે લઇ જાઓ, મારાથી તમારો વિયોગ સહેવાશે નહિ." ત્યારે પ્રભુએ કહ્યું, "હે ઊદ્ધધ્વ! કોઇ કોઇની સાથે જતા નથી અને કોઇ કોઇની સાથે આવતા નથી. એક એક થઇને જાય છે અને એક એક થઇને આવે છે. તમે ચિંતા ન કરો હું તમને જ્ઞાન આપું છું તે તમે લઇ લ્યો અને આ દુનિયામાં તેનો વિસ્તાર કરજો." આ કથા મને અને તમને સમજવા જેવી છે.
-: મનને સાચવે તે સંત :-
ઊદ્ધવજી રડતા હૃદયે બેઠા, પ્રભુ સુંદર જ્ઞાન આપે છે. આપણે અહિ સંક્ષિપ્તમાં કહીશું. ભગવાન કહે છે, "ઊદ્ધધ્વ ! જીવ એકલો આવે છે અને એકલો જાય છે. મેં તારી ઊપર કૃપા કરી છે હવે તું જ તારા ઊપર કૃપા કરજે. ઇશકૃપા, સંતકૃપા, શાસ્ત્રકૃપા, ચોથી છે આત્મકૃપા. ઊધ્ધવ તારી લાગણી તને જ થવી જોઇએ. ઊધ્ધવ, આ જીવ ઘણીવાર પતિ થયો છે, પત્ની થયો છે, ઘણાં છોકરાં ગોદમાં રમાડ્યાં છે, ઘણા પરણાવ્યા છે. પૂર્વ જન્મના પતિ-પત્ની કયાં હશે ? એ કોઇને ખબર નથી."
જીવ અનાદિ કાળથી સંસાર કરતો આવ્યો છે. પશુ-પક્ષીઓમાં પણ પતિ-પત્ની હોય છે, "ઊધ્ધવ, તું જ તારો ઊધ્ધાર કર, તું જ નક્કી કર. હવે મારે પતિ થવું નથી, પત્ની થવું નથી. મારે કોઇ માના પેટમાં જવું નથી મારે પરમાત્માના ચરણમાં જવું છે." ભગવાન કહે છે "ઊધ્ધવ, મનમાં રહેલો સંસાર બહુ રડાવે છે. તું તારા મનમાંથી સંસાર કાઢી નાખજે,." ભગવાન કહે છે તન અને ધનને સાચવે તે સંસારી જીવ અને મનને સાચવે તે સંત. સંતો તન અને ધન કરતાં મનની કાળજી વધારે રાખે છે. ઊધ્ધવ તુ મનને સાચવજે, ભગવાન કહે છે, "ઊધ્ધવ, તને ધ્યાન યોગ શીખવું છું તે સાંભળ. એક આસને બેસીને આંખને સ્થિર કરીને પછી દેહને સ્થિર કરવું. દેહ અને આંખ સ્થિર થઇ જાય પછી મનને સ્થિર કરવું, આડું અવળું કયાંય જવા દેવું નહિ. એકએક અંગનું ચતવન કરવું તેને ધ્યાન કહેવાય. સર્વાંગનું ચિંતન કરવું તેને ધારણા કહેવાય.
ભગવાન કહે છે, "ઊધ્ધવ, જેમ જેમ જગત ભૂલાશે, તેમ તેમ આનંદ વધશે. જગત ભૂલાય તો જ નિદ્રા આવે છે અને શાંતિ થાય છે. તેમ જાગૃત અવસ્થામાં મન જગતને ભૂલી જાય તો તેને પરમાત્માના સ્વરૂપનો આનંદ મળે છે. ભગવાને ઊધ્ધવજીને ખૂબ જ્ઞાન આપ્યું. ઊધ્ધવજી વારંવાર વંદન કરે છે. ત્યારે પ્રભુ બોલ્યા, "ઊધ્ધવ, મને આપવા લાયક એક પરમાત્મા છે. તું સર્વાંતર્યામી નારાયણને શરણે જા. થોડા સમયમાં દ્વારિકા દરિયામાં ડૂબી જશે, માટે જલદી બદ્રિકાશ્રમમાં જાઓ અને સ્થિર થઇને ભગવાનનું ધ્યાન કરજો."
ઊધ્ધવજી રડી પડ્યા, "મને તમારા વિના ગમશે નહિ."
ભગવાને કહ્યું "ઊધ્ધવ, હું તમારી સાથે જ છું. તમને મૂકીને જતો નથી, પણ માનવ દેહે હવે મને નહિ જોઇ શકો, હું દિવ્ય સ્વરૂપે તમોને સદાય દર્શન દઇશ. તમે ચિંતા ન કરો. જયારે તમે યાદ કરશો ત્યારે હું હજાર થઇશ".
ઊધ્ધવજીએ કહ્યું, "પ્રભુ ! મને કોઇ આધાર આપો." તરત પ્રભુએ પોતાની ચરણ પાદુકા આપી,"લો આ પાદુકા." ઊધ્ધવજીએ નમસ્કાર કરી પાદુકા લઇ આંખે અડાડીને માથા ઊપર મૂકી ખૂબ રાજીપો વ્યકત કર્યો. હવે પ્રેમ શકિતથી પાદુકામાં ભગવાનનાં દર્શન થાય છે.
પ્રભુ બોલ્યા, "ઊધ્ધવજી, બીજી વખત મારે આ ભૂમિ પર પધારવાનું થશેને ત્યારે તમને સાથે લઇ આવીશ આ જ્ઞાનનો તમો જગતમાં ફેલાવો કરજો".
પૂર્વે કહ્યું તું ઊધ્ધવને રે, લઇશ બીજો અવતાર રે. મોહનવર દયા કરીને દર્શન આપજો રે.
તે તમે ભક્તિ ધર્મથી રે, ભૂપર લીધો અવતાર રે. મોહનવર ....
તે ઊધ્ધવજી બીજા જન્મે રામાનંદસ્વામી થયા, રામાનંદસ્વામીનો પ્રવર્તાવેલો આ સત્સંગ છે. તેથી ઊધ્ધવ સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયને પ્રવર્તાવ્યો રામાનંદ સ્વામીએ અને પુષ્ટ કર્યો સ્વામિનારાયણ ભગવાને. આ સંપ્રદાય સનાતન ધર્મની મર્યાદામાં રહીને પુષ્ટ થયેલ છે. હજારો હજાર વંદન છે જગદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીને.
વધારેમાં વધારે સ્વામી ભુજમાં બહુ રહેતા. ભુજ છે તે ઊધ્ધવ સંપ્રદાયનો સ્થંભ છે. આ રામાનંદસ્વામીએ એવા ઊચ્ચ કોટીના ભકતો તૈયાર કર્યા કે, ભગવાન સિવાય કયાંય હેત નહિ, એક જ નિષ્ઠા. રામાનંદસ્વામી ભુજમાં વધારે રહેતા, ત્યાં આપણને જન્મ મળ્યો છે, તેથી આપણે ખૂબ ભાગ્યશાળી છીએ.
-: ખેલ બજાવનારા આવી ગયા છે. :-
આ સંપ્રદાય જેવો બીજો કોઇ સંપ્રદાય નથી. એનું કારણ તમને બતાવું. ભગવાને વેદ પ્રગટ કર્યા, પછી જુદા જુદા આચાર્યોએ પોતપોતાના મત પ્રમાણે સ્થાપના કરી. એના પ્રવર્તક અને સ્થાપક આચાર્ય હતા, મહાપુરુષો હતા, પણ ભગવાન નહોતા. આચાર્યો અને મહાપુરુષો બધા જ સારાં કાર્ય કરે, એનું કાર્ય નિર્દોષ હોય, પણ જેટલું ભગવાનનું કાર્ય પૂર્ણ હોય એટલું મહાપુરુષનું કાર્ય પૂર્ણ હોતું નથી.
વેદ નારાયણની વાણી છે, ગીતાજી નારાયણની વાણી છે. મહાપુરુષોમાં કોઇ કમી નથી પણ પરમાત્મા તુલ્ય ન થાય. લાલજી સુથાર ભુજ આવ્યા, રામાનંદસ્વામીનાં દર્શન કર્યાં ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, "લાલજી ભગત ભુજ આવ્યા તે લોજમાં ન ગયા ? મયારામ ભટ્ટે વાત નથી કરી કે લોજમાં વર્ણીરાજ આવ્યા છે" લાલજીભાઇએ કહ્યું "વાત તો કરી છે પણ મારા માટે ભુજ બરાબર છે." કોઇના ડગાવ્યા ડગે નહિ, એવા નિષ્ઠાર્થી છે.
લાલજી ભગતે કહ્યું "મહારાજ; લોજમાં શું છે ?" રામાનંદ સ્વામી કહ્યું, "લોજમાં વર્ણીરાજ આવ્યા છે, તે દર્શન કરવા જેવા છે". હું જે તમને વરસોથી વાત કરતો હતો તે આજે સાકાર થયો છે, ખેલ બજાવનારા આવી ગયા છે બહુ મોટા છે. "સ્વામી, એ કેવા મોટા છે ? મુકતાનંદસ્વામી જેવા ?" રામાનંદસ્વામી કહ્યું, "મુકતાનંદસ્વામી જેવા નહિ, એથીયે મોટા." "તો ભાઇ રામદાસ જેવા?" "એના જેવા પણ નહિ, એથીયે મોટા." "તો સ્વામી તમારા જેવા?" "નહિ નહિ અમે એના આગળ કાંઇ નહિ. એ તો અતિ સમર્થ છે. સાક્ષાત નારાયણ છે. મારા ઇષ્ટદેવ છે, મારા ઊપાસ્ય દેવ છે. ત્યાં જાઓ જેના થકી નિશ્ચય થયો હોય તે કહે તો જ સત્ય મનાય, નહિતર મનાય નહિ." આ સંપ્રદાય રામાનંદસ્વામીનો સ્થાપેલો છે, તેથી ઊધ્ધવાધ્વ પ્રવર્તકાય નમઃ