આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા (૪) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 9:26pm

 

રાગ - ગરબી

 

પદ ૧

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા;

નેણાં રોકયાં નથી રહતાં રે બેની. આજ૦ ટેક.

પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી;

ધીરજ રહેતી નથી મારી રે બેની. આજ૦ ૧

ચોળ રંગીલો રૂડો મોલીડાનો છેડો;

ભૂલી ભાળીને જળબેડો રે બેની. આજ૦ ૨

ટુણાં ભર્યાં છે એના ફુલડાંને  તોરે;

મનને  તાણે છે જોરે જોરે રે બેની. આજ૦ ૩

બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિલાસી;

હૈડે વસી છે એની હાંસી રે બેની. આજ૦ ૪

૧. હસમુખ પાટડીયા

પદ - ૨

આજ વહાલો ઉભા છે જમુનાને આરે;

મૂર્તિ વસી છે મન મારે રે હેલી. આજ૦ ટેક.

કેસરની આડ રૂડી નલવટ કીધી;

આંખ્યું વેચાતી કરી લીધી રે હેલી. આજ૦ ૧

વાંકડી ભ્રકુટિ મને લાગે અતિ વહાલી;

સર્વે મેલીને જાઉં ચાલી રે હેલી. આજ૦ ૨

લોચન રંગીલાં તીખાં બાણ જેમ લાગ્યાં;

ઊંડાં ગરી ગયાં આઘાં રે હેલી. આજ૦ ૩

બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિહારી;

છબીપર જાઉં બલીહારી રે હેલી. આજ૦ ૪

 

પદ - ૩

આજ મુને સામો મળ્યો છે અલબેલો ;

છોગાંવાળો રંગ છેલો રે આલી. આજ૦ ટેક.

મોંઘા મૂલી રે પહેરી મોતીડાંની માળા;

ભાલ કપોળ કેસરાળા રે આલી. આજ૦ ૧

ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી;

શોભા ત્રિલોક કેરી દાબી રે આલી. આજ૦ ૨

બાજુ કાજુ રે લીધા ફુલડાના બાંધી;

ભ્રમર ભમે છે  તાર સાંધી રે આલી. આજ૦ ૩

બ્રહ્માનંદનો વહાલો રંગડાનો ભરીયો;

લઈને હૈયામાં ધરીયો રે આલી. આજ૦ ૪

 

 

પદ - ૪

આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા;

મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે સૈયરો. આજ૦ ટેક.

હસીને બોલાવી મુને હેતમાંઈ હેરી;

રેંટો બાંધેલ સોનેરી રે સૈયરો. આજ૦ ૧

સોનેરી કોરનું નાખેલ ખભે શેલું;

રસિયે કીધેલ રંગરેલું રે સૈયરો. આજ૦ ૨

ફુલડાંનાં મેલ્યાં માથે છોગલાં રે ફરતાં;

મુને નથી વિસરતાં રે સૈયરો. આજ૦ ૩

બ્રહ્માનંદના વહાલાથી  પ્રીતડી બંધાણી;

મહેણું લીધું છે માથે  તાણી રે સૈયરો. આજ૦ ૪

Facebook Comments