રાગ - ગરબી
પદ - ૧
શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલાં પણ દૂર રે કેસરીયા;
એકવાર ગઢડે પધારજો રે. ટેક.
શેરીએ આવતા શોભતા રે, ઘોડલીએ અસવાર રે. કેસરિયા૦ ૧
માણેકચોકમાં મલપતા રે, ઊડે છે અબીલ ગુલાલ રે. કેસરિયા૦ ૨
ઓશરીએ ઢોલિયો ઢળાવતા રે, બેસતા બહુવાર રે. કેસરિયા૦ ૩
ગોપીનાથનાં મંદિરીયાં રે, તમ વિના સૂનાં દેખાય રે. કેસરિયા૦ ૪
સહજાનંદજી સુજાણ છો રે, બ્રહ્માનંદના રાય રે. કેસરિયા૦ ૫
પદ - ૨
સૂનું મુકયું તમે ગઢડું રે, કયાં ગયા ધર્મકુમાર રે શામળિયા;
સુણો કહું એક વિનતી રે....... ટેક.
ઊન્મત્ત ગંગાના નીરમાં રે, લીલા કરતા અપાર રે. શામળિયા૦ ૧
તમ વિના પુરના જનને રે, અન્ન તે વિષતુલ્ય થાય રે. શામળિયા૦ ૨
અક્ષરઓરડીમાં પોઢતા રે, તમ વિના સુની દેખાય રે. શામળિયા૦ ૩
રાજ માર્ગમાં ચાલતા રે, સર્વે મુનિ ચારે પાસ રે. શામળિયા૦ ૪
બ્રહ્માનંદના નાથજી રે, આવો વહેલા અવિનાશ રે. શામળિયા૦ ૫
પદ - ૩
સહજાનંદજી સુખરૂપ છો રે, શોભા તણા શણગાર રે;
મોહનવર દયા કરી દર્શન આપજો રે. ટેક.
પૂર્વે કહ્યું તું ઊદ્ધવને રે, લઈશ બીજો અવતાર રે. મોહનવર૦ ૧
પુરુષોત્તમ તમે પ્રગટીરે, કર્યાં તે સહુનાં કાજ રે. મોહનવર૦ ૨
સુખસાગર ઘનશ્યામજી રે, દેતા સુખ જહાજ રે. મોહનવર૦ ૩
શ્રીજી તમે ભક્તિધર્મથી રે, ભૂપર ધર્યો અવતાર રે. મોહનવર૦ ૪
બ્રહ્માનંદ કહે મારે તમથકી રે, અંતરે સુખ અપાર રે. મોહનવર૦ ૫
પદ - ૪
સ્વામિનારાયણ સત્ય છો રે, પ્રગટ થયા પરબ્રહ્મ રે;
પુરુષોત્તમ અક્ષરપતિ અલબેલડા રે. ટેક.
કૌશલદેશથી આવિયા રે, આંહી રહ્યા પુરણકામ રે. પુરુ૦ ૧
સહજાનંદજી હું તમ વિના રે, ઘેલી ફરું જગમાંય રે. પુરુ૦ ૨
મુજને સંભાળજો શામળા રે, રહેજો મારા અંતરમાંય રે. પુરુ૦ ૩
તમ વિના મારા નાથજી રે, કોઈનો નહિ મારે ભાર રે. પુરુ૦ ૪
બ્રહ્માનંદના શામળા રે, મેલોમાં ઘડી દૂર રે. પુરુ૦ ૫