રાગ - પરજ
સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભુખ્યે આ ભેખ રે;
જનુનીનો જાયો કહું છું, અવશ્ય હતો હું એક રે. સંતો૦ ૧
ગાડું બળદ ગાય ને ઘોડી, ડોબાં હતાં દશ બાર રે;
પાંચ મળીને પુછતા મુને, કરતો હું કારભાર રે. સંતો૦ ૨
અન્ન ધન ધામ ને ધરણી, પરણી હતી ઘેર રે;
છોટાં છોટાં છોકરાં હતાં, હતી માતાજીની મેર રે. સંતો૦ ૩
ખાવા પીવાનું ખૂબ જડતું, વસ્ત્રનો નહિ પાર રે;
જોઈએ તેવા જોડા જડતા, તકે તકે તૈયાર રે. સંતો૦ ૪
એટલું મેલી અહીં આવ્યો છું, ઉર કરી વિચાર રે;
ભૂખે મરતાં ભેખ લીએ છે, ગણશો નહિ એની હાર રે. સંતો૦ ૫
જ્ઞાન વૈરાગ્યે ગળે ઝાલ્યો, કયાંઈ ન ચોટ્યું ચિત્ત રે;
નિષ્કુળાનંદ કહે નહિ કહું તો, જોડશે મારું ગીત રે. સંતો૦ ૬
Disqus
Facebook Comments