રાગ - પીલું
લોજની વાવ ઊપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી. ટેક.
નારીનગરની આવી જળભરવા, તેણે નિરખ્યા ત્યાં નવલવિહારી. ૧
દુર્બળ દેહ દેખી દયા ઊપજી, નાથજી પ્રત્યે બોલી સહુ નારી. ૨
બટુક તમે કીયે દેશ વસો છો, કોણ પિતા કોણ માતા તમારી. ૩
કેમ તજયું ઘરબાર કહોજી, રીસથી કે વૈરાગ્યે વિચારી. ૪
કોમળ કમળ સમાન તનુ છે, દેખી દયા ઊપજે ઊર ભારી. ૫
વિચર્યા હશો કેમ કરી મહાવનમાં, જેમાં વાઘ વરુ ભયંકારી. ૬
ભૂખડીમાં કોણ સુખડી દેતું, વિમળ કોણ પાતું હશે વારી. ૭
ઝડીઓ પડે વરસાદની જયારે, કોણ ધરતું હશે છત્ર સંભારી. ૮
આ તનને ઘટે શાલ દુશાલા, તે તમે વલ્કલ લીધાં છે ધારી. ૯
કંચન ઝારી ઘટે જળ પીવા, તે તમે કરમાં ધરી છે કઠારી. ૧૦
જે શીર ઊપર મુગટ શોભે, તે શીર પર જટા આપે વધારી. ૧૧
વાહન હાથી ઘોડા ઘટેછે, મોજડી પણ તમે મેલી વિસારી. ૧૨
વર્ણીજી વહાલા વિશેષ લાગો છો, જોઈ મૂર્તિ ઠરે વૃત્તિ અમારી.૧૩
બોલોબોલો બાળા બ્રહ્મચારી, આપ તણી છબી વિશ્વથી ન્યારી. ૧૪
સૂરજ છો કે સદાશિવ છોજી, કે અક્ષરપતિ આવ્યા મોરારી. ૧૫
જે પિતામાતા થકી તમે પ્રગટ્યા, ધન્યધન્ય તે જગમાં જયકારી. ૧૬
ચાલો બટુક તમે ભુવન અમારે, જુગતે રસોઈ જમાડીશું સારી. ૧૭
શોભા જોઈ તમારા શરીરની, કોટિક કામ તણી છબી હારી. ૧૮
શાલીગ્રામનો બટવો ગળામાં, કર જપમાળા ધરી અઘહારી. ૧૯
વિશ્વવિહારીલાલ અમારું, રક્ષણ કરજો સદા સુખકારી. ૨૦