રાગ : હાલરડું
પદ-૧
અયોધ્યા સરયુતટે સંભળાય, મધુર જળ તરંગ હાલરડું,
છપૈયા ગામ સીમાડે ગવાય, મીઠે સૂર પક્ષીનું હાલરડું-અયોધ્યા૦૧
સરવરિયા બ્રાહ્મણ કુળ એ, ધર્મ-ભક્તિને ગૃહ મંદિરિયે,
ઈશ્વરનો અવતાર થાય, ચોઘડિયાં ચલવે હાલરડું-અયોધ્યા૦૨
સંવત અઢાર સાડત્રીશ, ચૈત્ર સુદિ નમવીની રાત્રિ,
જનમ્યા રામ રૂપે ભગવાન, ફેલાયું આનંદ હાલરડું-અયોધ્યા૦૩
અપ્સરા ગંધર્વો ત્યાં આવે, નંદનવન-ફૂલડે વધાવે,
શ્રીજીને પારણિયે પધરાવે, કિન્નર ગણ ગાયે હાલરડું-અયોધ્યા૦૪
દેવ દેવી જાહ્નવી જળની, ભરી લાવી સુવર્ણ ગાગરડી,
કેસરિયાં સ્નાન કરાવે, ગાયે ગરવે હાલરડું-અયોધ્યા૦૫
નરનારી બાળ ઉભરાયે, હીરા મોતીની માળા ધરાવે,
ઝરિયાની પોશાક પેરાવે, સુણાવે સૂરીલું હાલરડું-અયોધ્યા૦૬
માતા પ્રેમવતી હુલસાવે, નવરત્ન હીંડોળે હીંચાવે,
સોહે ગાવે સકલ સંસાર, સહજાનંદનું હાલરડું-અયોધ્યા૦૭
રાજા રાણી સંત મહંત, દર્શન આવે છે અનંત,
તે તો તરે છે ભવસાગર, સહજાનંદનું હાલરડું-અયોધ્યા૦૮