પ્રાણી પ્રભુનું ભજન કરે આજ રે.અવસર આવ્યો છે (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:16pm

રાગ ગરબી

પદ - ૧

પ્રાણી પ્રભુનું ભજન કરે આજ રે.અવસર આવ્યો છે.

સરે સર્વે તારું કાજ રે. અવસર. ૧

રૂડો મનુષ્યનો અવતાર રે. અવસર.

ભવજળ ઉતરવા પાર રે. અવસર. ૨

કર સંત સમાગમ નિત્ય રે. અવસર.

તજી દેને તું સર્વે અનિત રે. અવસર. ૩

બદ્રિનાથ કહે તારું હિત રે. અવસર.

હજી ચેતી શકે તો ચેત રે. અવસર. ૪

 

પદ - ૨

પ્રાણી કરને વિચાર તું મન રે. સર્વે ખોટું છે.

દામ દારા ને તારું તન રે. સર્વે ખોટું છે. ૧

ખેતી વાડી ઘોડી દરબાર રે. સર્વે ખોટું છે.

અંતે કામ ન આવે લગાર રે. સર્વે ખોટું છે. ૨

ગાદી તકીયા ને ગાલમસુર રે. સર્વે ખોટું છે.

ઊડી જાશે તે આકને તુર રે. સર્વે ખોટું છે. ૩

નહી આવે કોડી તારી સાથ રે. સર્વે ખોટું છે.

સત્ય કહે છે બદ્રિનાથ રે. સર્વે ખોટું છે. ૪

 

પદ - ૩

પાપી પ્રાણીને પડે બહુ દુઃખ રે. જીવડો જાવે નહી.

અન્ન ભાવે નહિ પેટમાં ભૂખ રે. જીવડો જાવે. ૧

થાય શ્વાસને કંઠ સુકાય રે. જીવડો જાવે.

સહુ પૂંમડે પાણી પાય રે. જીવડો જાવે. ૨

બંધ છૂટે નાડી તૂટી જાય રે. જીવડો જાવે.

લાગે બોતેર કોઠામાં લાય રે. જીવડો જાવે. ૩

શુળ આવે ન શ્વાસ લેવાય રે. જીવડો જાવે.

બદ્રિનાથ કહે જોયું નવ જાય રે. જીવડો જાવે. ૪

 

પદ - ૪

જોરે ઝાલે ગલે જમદૂત રે. પાપી પ્રાણીને.

કર્યાં કર્મ ભૂંડાં કપુત રે. પાપી પ્રાણીને. ૧

માથે મારે મુદ્ગરના માર રે. પાપી પ્રાણીને.

કરે હાય હાય પોકાર રે. પાપી પ્રાણીને. ૨

મોટા દોડી સામા આવે શ્વાન રે. પાપી પ્રાણીને.

ખાય કરડી કરે બેભાન રે. પાપી પ્રાણીને. ૩

પાય સીસાં ઊનાં કરી હાથ રે. પાપી પ્રાણીને.

સત્ય કહે છે બદ્રિનાથ રે. પાપી પ્રાણીને. ૪

Facebook Comments