રાગ ધોળ
પદ - ૧
સખી અક્ષરધામથી આવીને.
આજ પ્રગટ થયા અલબેલ છોગાંવાળો છેલ;
કૃપા કરી શ્રી હરિ.
દેશ પૂરવમાં પોતે પ્રગટ્યા, રૂડું કહીએ છપૈયા ગામ;
ધરમને ધામ. કૃપા.૨
ત્યાં લીલા કરી બહુ ભાતની, પછી લીધો વાલે વનવાસ;
થઈને ઊદાસ. કૃપા. ૩
બહુ દિન વન વાલો વિચર્યા, કર્યા પતિત જન પાવન;
દઈ દરશન. કૃપા. ૪
ગિરધારી ગામ લોજ આવિયા, વાવ્ય તિરે બેઠા વ્રજ ચંદ;
મળ્યા સુખાનંદ. કૃપા. ૫
સુખાનંદજીની સુંણી વિનંતી, ગયા જગ્યા માંહી ગોવિંદ;
દિઠા મુક્તાનંદ. કૃપા. ૬
બદ્રિનાથ કહે વરણી જોઈને, ઊઠી સામા આવ્યા સંત સાથ;
નમ્યા જોડી હાથ. કૃપા. ૭
પદ - ૨
નિલકંઠે પૂછયું મુક્તાનંદને, જીવ ઈશ્વર માયાનું રૂપ,
કહો મુની ભુપ; સર્વે હિત કારણે. ૧
નિરમાની થઈ મુક્તાનંદજી, આપ્યો ઊત્તર શાસ્ત્ર પ્રમાણ;
જોડી બેઊ પાંણ. સર્વે. ૨
ગુણવાન સંત સહુ જોઈને, રહ્યા લોજમાંહી જગવૃંદ;
પામ્યા સૌ આનંદ. સર્વે. ૩
મુક્તાનંદજીએ પત્ર લખીયો, સ્વામી રામાનંદજી ઊપર;
અતિશે સુંદર. સર્વે. ૪
નિલકંઠજીએ પણ લખીયો, પછી તેડયા ભટ્ટ મયારામ;
લખ્યાં શિરનામ. સર્વે. ૫
પત્ર લઈ મયારામજી ચાલીયા, ગયા ભુજમાં કરી હુલાસ;
રામાનંદ પાસ. સર્વે. ૬
ગંગારામ ઘેર સ્વામી શોભતા, નામી શિષ્ય આપ્યા પત્ર હાથ;
કહે બદ્રિનાથ. સર્વે. ૭
પદ - ૩
પત્ર વાંચી સ્વામી એમ બોલીયા, સરવે જાણી લેજો મારા દાસ;
આવ્યા અવિનાશ, સરવે જન સાંભળો. ૧
અમે ડુગડુગીને રે વગાડીયે, વાંસે આવે રમત કરનાર;
કરવા ભવપાર. સરવે. ૨
એવું કહ્યું હતું પહેલું તમને, તેહ વાત સાચી થઈ આજ;
પધાર્યા મહારાજ. સરવે. ૩
પછી ભુજથી સ્વામી સીધાવીયા, આવ્યા મહેતા નરસિંહને ધામ;
પિપલાણે ગામ. સરવે. ૪
ત્યાં સરવે સંતને તેડાવીયા, સંત સંગે આવ્યા દિનાનાથ;
મળ્યા ભરી બાથ. સરવે. ૫
પૂછ્યા શુભ સમાચાર સ્વામીએ, હેતે કરતાં પરસ્પર વાત;
થયું પ્રભાત. સરવે. ૬
દઈ દીક્ષા ધાર્યું રૂડું નામને, બદ્રિનાથ કહે સહજાનંદ;
જન સુખકંદ. સરવે. ૭
પદ - ૪
ધર્મધુર સાપી ધર્મ સુતને, રામાનંદજીએ ત્યાગ્યું તન,
થઈ પ્રસન્ન; અધમ ઊધારીયા. ૧
પછી શ્રી સહજાનંદ સ્વામીએ, પ્રગટાવ્યો પ્રતાપ અપાર;
સુંણી વાધે પ્યાર. અધમ. ૨
કરાવે સમાધિ સર્વે જનને, જાય ધામમાંહી તતખેવ;
દેખે ઈષ્ટ દેવ. અધમ. ૩
જાણી સર્વેના કારણ શ્યામને, થાય શિષ્ય જોડીને બે હાથ;
નામે ચરણે માથ. અધમ. ૪
એવો પ્રગટ પ્રતાપ દેખાડીયો, કેતાં પાર પામે નહી શેષ;
શારદા ગણેશ. અધમ. ૫
જેહ જન પ્રિતે શીખે સાંભળે, વળી ગાશે કરી અતિ પ્યાર;
તરસે સંસાર. અધમ. ૬
સુખકારી શ્યામ છબી ઊપરે, દાસ બદ્રિનાથ વારી જાય;
હેતે ગુણ ગાય. અધમ૦ ૭