રાગ ધોળ
પદ - ૧
છોટી ઊમરમાં માવજી રે, મેલી ચાલ્યા ઘરબારરે,
શામળીયા છેલછપૈયે પધારજો રે,
પ્રભાતે પ્રભુ પધારીયા રે, અધમનો કરવા ઊદ્ધાર રે. શામળીયા.
વનની વાટે વાલો ચાલીયા રે, આણી અંતરમાં ઊમંગ રે. શામળીયા.
પગમાં પેરી નહિ મોજડી રે, અંગરખી નહિ અંગ રે. શામળીયા.
એકાએકી ચાલી નીસર્યા રે, જોવા રહ્યા નહી જોડ રે. શામળીયા.
સુતાં સંબંધીને મેલીયાં રે, પુરા કર્યા નહિ કોડ રે. શામળીયા.
સખા શોધે ઘનશ્યામને રે, દિલમાં થઈ દિલગીર રે. શામળીયા.
કયાંય મળ્યા નહિ માવજી રે, નેણે વહે સૌને નિર રે. શામળીયા.
રામપ્રતાપ રુવે ઘણું રે, ભાભી રુવે ઘરમાંહી રે. શામળીયા.
છોટા બંધુ ઈચ્છારામજી રે, રુવે કહી કહી ભાઈ રે. શામળીયા.
શ્યામને શહેરમાં શોધીયા રે, શોધીયાં હાટ બજાર રે. શામળી.
વનમાં વસે ઘણા દીપડા રે, સિંહ સૂવર શિયાળ સાપ રે. શામળી.
તેથી બીશો મારા વાલમા રે, પાછા વળી આવો બાપ રે. શામળીયા.
તમ રે વિના સહુ દુઃખીયાં રે, સગાં કુટુંબ પરિવાર રે. શામળીયા.
પહેલાં પ્રિતમ સુખ આપીયાં રે,આ સમે દુઃખનો નહિ પાર રે. શામળીયા.
માતા વિના દુઃખી બાળકાં રે, નીર વિના જેમ મીન રે. શામળીયા.
આંખો વિના દુઃખી આંધળો રે, તમ વિના સૌ એમ દીન રે. શામળીયા.
રાત દિવસ ન આવે નદરા રે, દિલમાં દુઃખ બહુ થાય રે. શામળીયા.
બદ્રિનાથ કહે તમ વિના રે, પળ તે કલપ સમ જાય રે. શામળીયા.