રાગ લાવણી સાખી
હરતાં ફરતાં પ્રાણી પુરુષોત્તમ સંભારીયે રે,
ભુપર પ્રગટ્યા પોતે પુરુષોત્તમ મહારાજ,
સાચે ભાવે શરણુ લેને, સહજાનંદનું રે,
મેલી માન મત્સરને, લોક કુટુંબની લાજ,
ડહાપણ દૂર કરીને, સંત તણી શીખ ધારીયે રે. હરતાં.
દુર્લભ નર તન દેવને, ન મળે ખરચે દામ,
પલમાં તે જાશે પડી, પુરી નહિ થાય હામ,
ઓચિંતાનું જાવું પડશે, મનમાં જાણજે રે,
રહેશે અધવચ તારું સરવે ઘરનું કામ. ડહાપણ. ૧
જોબન ધનના જોરમાં, ફુલ્યો રહે નિશદિન,
મરડી ચાલે મુછને, નારી આગળ દિન,
નારી રુપાળી જોઈને, પામે મોહને રે,
તે તો જમપુરી જાવાનું, જાણે ચિન્હ. ડહાપણ. ૨
ટેડી બાંધે પાઘડી, વળી વઘારે કેશ,
હાંસી કરે પરનારની, લજજાનો નહિ લેશ,
લાંબી ધોતી પહેરી, રૂડી પાડે પાટલી રે,
સુંદીર છેડાવાળો, નાખે ખભે ખેસ. ડહાપણ. ૩
બાલ જોબન વીતી ગયું, ને વૃદ્ધ પણું થયું તૈયાર,
રગ રગમાં રોગે ગ્રહ્યો, સામું ન જુએ નારય,
છોરા છોરી કોઈ સેવા, ન કરે તેહની રે,
ગંદી ગોદડીમાં લોટે, ઘરને બહાર. ડહાપણ. ૪
ખાંસી આવે અતિ ઘણીને, શ્વાસે આવે શુલ,
હૈયે આવે હેડકી, પામે પીડા અતુલ,
દુઃખના ડુંગર તુટ્યા, માથા ઊપર આ સમે રે,
કરે પસ્તાવો, ખાધી છે ભારે ભૂલ. ડહાપણ. ૫
પાણી ન પીવાય મુખથી, તરશે કંઠ સુકાય,
શ્વાસ વધે સહુ દેખતાં, દુઃખ વર્ણવ્યું ન જાય,
તનની નાડી તુટે, આંખો બારી નીસરે રે,
જીવને બોત્તેર કોઠામાં, લાગે લાહ્ય. ડહાપણ. ૬
જમડા જોરે જીવને, લઈ જાવે જમ દ્વાર,
પાપ તપાસી પ્રાણીનાં, દેવે બહુ બહુ માર,
બદ્રિનાથ કહે છે, રૂડી રીતે ચાલજો રે,
જેથી આવે વેલો, ભવસાગરનો પાર. ડહાપણ. ૭