પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૦ ગઢપુરમાં મંદિર બનાવ્યું અને તેનો મહિમા

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:21pm

 

દોહા

વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક ।

માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક ।।૧।।

ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન ।

માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન ।।૨।।

મૂરતિ દ્વારે મનુષ્યનું, થાશે કોટિનું કલ્યાણ ।

એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ ।।૩।।

સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન ।

પછી મોટું મંદિર કરાવવા, અતિ ઉતાવળું ભગવન ।।૪।।

 

ચોપાઇ

કર્યું ખાત મુહૂર્ત હરિ હાથેરે, તિયાં હું પણ હતો સંગાથેરે ।

નાખી નાથે પાયો નકિ કર્યુંરે, એમ આપે મંદિર આદર્યુંરે ।।૫।।

હાં હાં કરતાં થયું તૈયારરે, વળી ઘણી લાગી નહિ વારરે ।

કર્યું મોટું મંદિર બે માળરે, કરાવિયું હેતેશું દયાળરે ।।૬।।

થયું મંદિર પુરું જે વારરે, માંહિ મૂરતિ પધરાવી તે વારરે ।

ગુણ સાગર જે ગોપીનાથરે, તે તો પધરાવ્યા પોતાને હાથરે ।।૭।।

રાધા સહિત શોભે અતિ સારારે, જે જુવે તેને લાગે છે પ્યારારે ।

એ તો વાસુદેવ ભગવાનરે, જે જુવે તે થાય ગુલતાનરે ।।૮।।

એ જે ગોપીનાથની મૂરતિરે, એ તો સુંદર શોભે છે અતિરે ।

એવી મૂરતિ એમ પધરાવીરે, સુંદર મંદિર સારું બનાવીરે ।।૯।।

બાંધ્યું ધામ શ્યામે સહુ કાજરે, મે’ર કરીને પોતે મહારાજરે ।

કંક દેશનું કરવા કલ્યાણરે, કર્યું કામ એ શ્યામ સુજાણરે ।।૧૦।।

જેજે જન કરે દરશનરે, મૂરતિ જોઇ થાયે મગનરે ।

કરે દંડવત પરણામરે, તે તો પો’ત્યા છે પરમ ધામરે ।।૧૧।।

વળી મન કર્મ ને વચનેરે, નિરખ્યા ગોપીનાથ જે જનેરે ।

તે તો પામશે અક્ષરધામરે, થાશે જન તે પૂરણકામરે ।।૧૨।।

એમ દયા કરીને દયાળેરે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળેરે ।

કોઈ ભાવ અભાવે આજ ભજેરે, આવે હરિ તેડવા તન તજેરે ।।૧૩।।

ભાવે કરી કરે જે ભગતિરે, તે તો પામે પરમ પ્રાપતિરે ।

અન્ન ધન વાહન વસનેરે, વાસણ ભૂષણાદિ પૂજ્યા જનેરે ।।૧૪।।

ફળ ફુલ આદિક જેહરે, હેતે કરી આપે જન તેહરે ।

કુસુમ હાર તોરા ને ગજરારે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરારે ।।૧૫।।

આપી નાથને જોડીયા હાથરે, તે તો થઈ ચુક્યા છે સનાથરે ।

થાય સેવા તે સર્વે જો રીતેરે, કર્યું જન હેતે પોતે પ્રીતેરે ।।૧૬।।

કર્યું કામ એ મોટું મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।

એમ બહુ બહુ કર્યા ઉપાયરે, જીવ લઇ જાવા ધામમાંયરે ।।૧૭।।

તેનો આગ્રહ છે આઠુ જામરે, નથી પામતાં પળ વિશરામરે ।

જાણે બાંધી ધામ ઘણાં ઘણાંરે, કરું બાર અપાર મોણાંરે ।।૧૮।।

ચાર વર્ણ ને આશ્રમ ચારરે, સહુ પામે ભવજળ પારરે ।

મારો આવવાનો અર્થ શિયોરે, જ્યારે જીવને સંકટ રિયોરે ।।૧૯।।

ગઢપુર મંદિરથી અપારરે, કૈંક જીવનો કર્યો ઉદ્ધારરે ।

ખાયે પીયે રહે ખુશી રમેરે, આવે નાથ તેડવા અંત સમેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિંશત્તમઃ પ્રકારઃ ।।૩૦।।