દોહા
એમ આચારજનું અધિકપણું, શ્રી મુખે કહ્યું ઘનશ્યામ ।
એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ।।૧।।
ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઉદ્ધારવા છે આ વાર ।
નરનારી જે જક્તમાં, તે સહુના એ તારનાર ।।૨।।
એહ વિના વળી ત્યાગીથી, આજ ઉદ્ધારવા છે અનેક ।
એમાં પણ અમે રહી, ભવપાર કરવા છે છેક ।।૩।।
ત્યાગી તે સમઝો સંતને, એમાં અમે કરી પરવેશ ।
બહુ જીવને તારશું, આપી ઉજ્જવળ ઉપદેશ ।।૪।।
ચોપાઇ
ધર્મકુળમાં કરી રહ્યા ધામરે, તેમ સંતમાં છઉં કહે શ્યામરે
સર્વે રીતે સંતમાં રહુછુંરે, એમાં રહી ઉપદેશ દઉંછુંરે ।।૫।।
સંત બોલે તે ભેળો હું બોલુંરે, સંત ન ભુલે હુંયે ન ભુલુંરે ।
સંત વાત ભેળી કરું વાતરે, એમ સંતમાં છઉં સાક્ષાતરે ।।૬।।
સંત જુવે તે ભેળો હું જોઉંરે, સંત સુતા પછી હું સોઉંરે ।
સંત જાગે તે ભેળો હું જાગુંરે, સંત જોઇ અતિ અનુરાગુંરે ।।૭।।
સંત જમે તે ભેળો હું જમુંરે, સંત ભમે તે કેડ્યે હું ભમુંરે ।
સંત દુઃખાણે હું દુઃખાણોરે, એહ વાત સત્ય જન જાણોરે ।।૮।।
સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રીમુખે કહે ભગવંતરે ।
સંત માનજો મારી મૂરતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૯।।
અંતરજામીપણે રહું એમાંરે, માટે નથી બંધાતા એ કેમાંરે ।
સંકલ્પ સ્વપન ઉપવાસરે, તે તો કરેછે જાણી મને પાસરે ।।૧૦।।
માટે અખંડ એમાં રહુંછુંરે, સારી સત્ય સુબુદ્ધિ દઉંછુંરે ।
વળી જે જે મેં નિ’મ રખાવ્યાંરે, તેમાં રહી એણે તન તાવ્યાંરે ।।૧૧।।
માટે સંત વા’લા મને બહુરે, ઘણિ ઘણિ વાત શું કહુંરે ।
એને અન્ન જળ અંબર આપેરે, તે તો તપશે નહિ ત્રય તાપેરે ।।૧૨।।
લાગી પાય ને જોડિયા હાથરે, તે તો સહુ થાય છે સનાથરે ।
જોઇ રીત ને રાજી થાશેરે, વળી ગુણ તે સંતના ગાશેરે ।।૧૩।।
કે’શે સંત તો એ બહુ સારારે, ખરા કલ્યાણના કરનારારે ।
એટલોજ ગુણ કોઇ ગ્રે’શેરે, તે તો બ્રહ્મમો’લે વાસ લેશેરે ।।૧૪।।
એવા સંતની કરે પ્રસંશારે, નિર્ખિ હર્ખિ હૈયામાં હુલસ્યારે ।
વળી વિનતિ વારમવારરે, કરે સ્તુતિ તેહ અપારરે ।।૧૫।।
તે તો પામશે પરમ ધામરે, વળી થાશે તે પૂરણકામરે ।
કાંજે એ સંતમાં અમે છીએરે, સાચા સંતથી દૂર ન રહીએરે ।।૧૬।।
માટે સંત એ કલ્યાણકારીરે, યાંથી બહુને લેવા છે ઉદ્ધારીરે ।
મોટો માર્ગ જે મોક્ષતણોરે, આજ કર્યો છે ચાલતો ઘણોરે ।।૧૭।।
એમ માંડ્યો છે મોટો અખાડોરે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડોરે ।
એવો અભાગી કોઇ ન કે’વાયરે, જે કોઇ આસમામાં રહી જાયરે ।।૧૮।।
સંત દેશ પરદેશ ફરેછેરે, સહુ જીવનાં અઘ હરેછેરે ।
એનાં દર્શન સ્પર્શ જે કરશેરે, તે તો ભવજળ પાર ઉતરશેરે ।।૧૯।।
એ તો વિશ વસાની છે વાતરે, સહુ સમઝજો સાક્ષાતરે ।
કહ્યું શ્રીમુખે એમ મહારાજરે, સાકટમ નોતરું છે આજરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૧।।