પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૨

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:20pm

 

દોહા

વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન ।

તેના અંતરથી ઊંચલિ, વળી જાશે જાણો અજ્ઞાન ।।૧।।

સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ ।

પરમ ધામને પામિયે, તેપણ સંત પ્રતાપ ।।૨।।

તે સંત શ્રીહરિ તણા, પ્રભુ પ્રગટના મળેલ ।

શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ ।।૩।।

પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ ।

એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ ।।૪।।

 

ચોપાઇ

આપે જ્ઞાન દાન જનનેરે, કહી વા’લપનાં વચનનેરે ।

હિતકારી છે સહુના સનેહિરે, જાણો પર ઉપકારી એહિરે ।।૫।।

સાચા સંત સગા સૌ જનનારે, ઉદાર છે અપાર મનનારે ।

જેને શત્રુ મિત્ર સમતોલરે, સુખે દુઃખે દિલમાં ન ડોલેરે ।।૬।।

હાનિ વૃદ્ધિ ને સમ વિસમરે, નથી આપ અર્થે ઉદ્યમરે ।

હર્ષ શોક ને નૈ હાર્ય જીતરે, માન અપમાને સમ ચિત્તરે ।।૭।।

અહં મમત ને મારું તારુંરે, એહ નથી લાગતુ જેને સારુંરે ।

જક્તદોષ નથી જેમાં જરારે, એવા સંત તે સંત મારા ખરારે ।।૮।।

એમાં રહુંછું હું રાત્ય દિનરે, સત્ય માનજો મારું વચનરે ।

અતિ પવિત્ર અંતર પેખિરે, સદા રહ્યો છું શુદ્ધ લેખિરે ।।૯।।

એવા સંતને હૃદિયે રઇરે, કરું જીવનાં કલ્યાણ કઇરે ।

એહ સંત મળે જે જનનેરે, કરે પળમાંહિ પાવન તેનેરે ।।૧૦।।

એવા સંત છે સગા સહુનારે, સુખદાયક જન બહુનારે ।

જેવી એ સંત કરેછે સા’યરે, તેવી કોઇ થકી કેમ થાયરે ।।૧૧।।

માત તાત ને સગાં સંબંધિરે, કરે હિત એહ બહુવિધિરે ।

એનું હિત રહે યાંનું યાંહિરે, ના’વે કલ્યાણનાં કામ માંહિરે ।।૧૨।।

દેવ ગુરુ કુળ ને કુટુંબરે, એહ નહિ સાચા સંત સમરે ।

સાચા સંત તેમાં અમે રૈ’યેરે, મળી જીવને અભયદાન દૈયેરે ।।૧૩।।

અભયદાન તો એવું કે’વાયરે, કાળ માયાથી નાશ ન થાયરે ।

એવું કોઇ વિઘન ન કા’વેરે, જે કોઇ નિર્ભયને ભય ઉપજાવેરે ।।૧૪।।

એવું નિર્ભય પદ નિર્વાણરે, તેના દેનારા સંત સુજાણરે ।

એવા સંતનો જેને આશરોરે, તે તો સંશે પરો પરહરોરે ।।૧૫।।

જાણો જનમ મરણ ભય ટાળીરે, જાશું ધામે વજાડતા તાળીરે ।

સંત સમાગમ પરતાપેરે, જાશું બ્રહ્મમો’લ માંહિ આપેરે ।।૧૬।।

એમ સહુને કહે શ્રીહરિરે, સત્સંગ મહિમા ભાવ ભરિરે ।

મોટું દ્વાર છે એ મોક્ષતણુંરે, આજ ઉઘાડ્યું છે અતિ ઘણુંરે ।।૧૭।।

કહ્યું બહુ પ્રકારે કલ્યાણરે, અતિ અગણિત અપ્રમાણરે ।

પણ સહુથી સરસ સંતમાંરે, રાખ્યું વાલમે એની વાતમાંરે ।।૧૮।।

એમ ઉઘાડ્યાં અનંત બારરે, વાલે કલ્યાણનાં આ વારરે ।

જેજે ધારી આવ્યા હતા વાતરે, તે તો પુરી થઇ સાક્ષાતરે ।।૧૯।।

જ્યારે થયું છે પુરુ એ કામરે, ત્યારે રાજી થયા ઘનશ્યામરે ।

કર્યો જેજેકાર જીવ તારીરે, વળતિ વાલમે વાત વિચારીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૨।।