જેમાં ચરિત્ર મહારાજનાં, વડી વર્ણવ્યાં વારંવાર;
વણ સંભારે સાંભરે, હરિ મૂર્તિ હૈયા મોઝાર.
શ્રીજી મહારાજે ‘વચનામૃત’માં સ્વમુખે કહ્યું છે કે, ‘હે મુક્તાનંદસ્વામી ! આ જગતમાં મુમુક્ષુઓને પોતાના ઇષ્ટદેવમાં ચરિત્રો ગાવામાંજ પરમ શાન્તિ પ્રાપ્ત થાય છે.
નવધા ભક્તિમાં પણ એનું સ્થાન મુખ્ય છે. કારણ કે ‘‘કથા વાર્તા’’ એ કલ્યાણકારી ગુણોને આવવાનું મુખ્ય દ્વાર છે. કળીયુગમાં કલ્પવૃક્ષ સમાન કીર્તન તથા શ્રવણ ભક્તિ સહુને સરળગામી હોવાથી તત્કાળ શ્રીજીમહારાજના પરમ દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે.
મૂહુર્તં વા તદર્ધં વા ક્ષણં પાવિનીં કથામ્ । મે શૃણ્વન્તિ નરા ભક્ત્યા ન તેષામસ્તિ દુર્ગતિ: ।।
મનુષ્યો એકાગ્રતાથી ભક્તિભાવે એક ઘડી, કે અર્ધી ઘડી જો ભગવાનની કથા વાર્તા સાંભળે તો તે મુનુષ્યોની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી, અને સંસાર સાગરને સહેજમાં તરી જાય છે. એટલે તો સ્વયં શ્રીજીમહારાજ સ્વમુખે કહે છે. કે ‘અમારે તો કથા, કીર્તન, ભગવદ્ વાર્તા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન એમાંથી કોઇ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. અને તમારે પણ સર્વેને એવી રીતે કરવું.
વ્હાલા ભક્તો ! ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર અથવા અખંડ સ્મૃતિ રહે એ સર્વ સાધનનો અંત છે. અખંડ સ્મૃતિ રાખવા માટે ભગવાનનાં ચરિત્રો અખંડ સંભારવાં તે એક અમોઘ સાધન છે. એવા હેતુથી મહાનુભાવ સંતોએ રાત્રી દિવસ પરિશ્રમ વેઠી, ત્રિવિધ તાપમાં ઉકળતા અસંખ્ય જીવાત્મા માટે પરમ શાન્તિના હિમાલય સમા શ્રીજીમહારાજનાં દિવ્ય અને માનુસિક ચરિત્રો ગદ્ય અને પદ્યમાં રચિ સંપ્રદાયની સેવામાં મૂક્યાં છે. જેનું ઋણ કદિ ચૂકવી શકાય તેમ નથી. તેમ છતાં આપણે ગદ્ય પદ્યાત્મક ચરિત્રો જીવનમાં ઉતારી પુરુષોત્તમલીલામૃતસુખસાગરનું (કચ્છલીલા) ગ્રંથ પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. જેની આજ સુધીની પ્રથમ, દ્વિતીય એમ ‘બે’ આવૃત્તિ પ્રત :-૬૦૦૦, પ્રગટ થઇ ચૂકી છે. સમય જતાં પ્રતો પૂર્ણ થઇ હોવાથી આ તૃતીય આવૃત્તિ ભુજ મંદિર દ્વારા છપાવી પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.
આ પુસ્તકમાં પ્રુફ રીડીંગ ઘણું ચોકસાઇથી કર્યું છે. છતાં પણ કોઇ ક્ષતિ રહી ગઇ હશે, તો વાચક ભક્તજનોએ નિરક્ષિર ન્યાયે સુધારી વાંચવા પ્રયત્ન કરવો.
કારણ કે :- હસન્તિ દૂર્જનાસ્તત્ર સમાદધતિ સાધવઃ ।
લી. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ભુજ-કચ્છ.