૧૭ ભુજમાં અન્નકૂટની સામગ્રી તૈયાર થઈ અને વિદ્વાનોને ચમત્કાર બતાવ્યો.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:53pm

અધ્યાય-૧૭

શ્રીહરિ કોઇક દિવસ સંત-હરિભક્તોને સાથે લઇને રઘુનાથજીને આરે હમીર સરોવરને વિષે સ્નાન કરવા જતા ને સરોવરને વિષે ઘણીક જળક્રીડા કરીને ભક્તોને સુખ આપતા. ને કોઇક દિવસ રા. લાખાની છત્રીએ જઇને ત્યાં સભા કરીને જ્ઞાનવાર્તા કરે. ને કોઇ દિવસ શિવરામંડપમાં જઇને ત્યાં હરિભક્તોની સભા થાય ને નાના પ્રકારના પ્રશ્ન ઉત્તર કરાવીને શાસ્ત્રના રહસ્ય-અભિપ્રાયને સમજાવે. એવી રીતે નિત્ય નવી લીલા કરતા થકા હરિભક્તોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા ને આનંદ પમાડતા.

પછી લાધીબા શ્રીહરિ પાસે આવ્યાં ને દર્શન કરીને પાસે બેઠાં. ત્યારે શ્રીજીએ તેમને પૂછ્યું જે, કેટલી સામગ્રી તૈયાર થઇ છે ? ત્યારે તેમણે કહ્યું જે, હે મહારાજ ! ઘણાં ખરાં પકવાન તૈયાર થઇ ગયાં છે, ને બાકીનાં કરે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, અમારે આવતી કાલે પાક જોવા માટે આવવું છે. ત્યારે લાધીબા કહે, બહુ સારું મહારાજ, સુખેથી પધારજો.

પછી બીજે દિવસે શ્રીહરિ પ્રાતઃકાળમાં હમીર સરોવરમાં સ્નાન કરીને ઉતારે આવીને પોતાનું નિત્યકર્મ કરીને પોતાની સાથે પોતાના સખા જેઠી ગંગારામભાઇ તથા સુંદરજીભાઇ તથા હીરજીભાઇ આદિક હરિભક્તોને સાથે લઇ પાકશાળા જોવા પધારવા જ્યારે તૈયાર થયા ત્યારે તે વખતે મુળજી બ્રહ્મચારીએ મહારાજ આગળ ચંદનની ચાખડીઓ લાવીને મૂકી. તે સમયે શ્રીજીમહારાજે સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં હતાં. ને જમણા હસ્તને વિષે સુંદર રેશમના ફૂમકાંવાળી સોટી ધારણ કરી હતી. એવી રીતેની શોભાયે યુક્ત થકા પોતાને ઉતારેથી ચાલીને પાકશાળાની સમીપે પધાર્યા. તે સમયે લાધીબા આવ્યાં. ને શ્રીહરિને સુંદર સુગંધીમાન પુષ્પના હાર કંઠમાં ધારણ કરાવ્યા. ને પાઘમાં પુષ્પના તોરા ધારણ કરાવ્યા.

પછી પોતે આગળથી પાકશાળામાં ગયાં ને ત્યાં બાઇઓને મહારાજ પધારે છે એવા સમાચાર આપ્યા. મહારાજ પણ પોતાના ભક્તજને વીંટાણા થકા ત્યાંથી ચાલ્યા. ને મહારાજની ચાખડીઓના ચટ્‌ ચટ્‌ શબ્દ થાય તેને સાંભળીને કેટલાક જનોને સમાધિ થઇ ગઇ. એવી રીતે પોતાનો પ્રતાપ દેખાડતા થકા પ્રથમ બાઇઓની પાકશાળામાં પધાર્યા. ત્યાં તો સુરજબાઇએ મહારાજને સુંદર ચાકળો પાથરી આપ્યો તે ઉપર મહારાજ હસતે મુખે વિરાજમાન થયા. ને પાકશાળામાં પાક કરતી એવી જે બાઇઓ તે પોતપોતાના કાર્યનો ત્યાગ કરીને મહારાજને પગે લાગીને પાકશાળામાં એકબાજુ ઊભી રહી, ત્યારે મહારાજે સુરજબાઇને પૂછ્યું જે, તમોએ કયા કયા પાક તૈયાર કરાવ્યા છે ? ત્યારે સુરજબા બોલ્યાં જે, હે મહારાજ ! સાટા, ઘેબર, સક્કરપારા, સુતરફેણી, જલેબી, મોતીચુર, બરફી, પેંડા, ગુંદવડાં આદિક પાક તૈયાર કરીને તે મોટા મોટા પટારામાં ભર્યા છે. ને બાકીનાં બીજાં પકવાન થોડા દિવસમાં તૈયાર થશે. તે પ્રાતઃકાળમાંથી જ કરશે. એમ કહીને પછી પકવાન મહારાજને બતાવ્યાં. તેને જોઇને મહારાજ બહુ રાજી થયા. ને પૂછવા લાગ્યા જે, આ પાક કોણે કર્યા છે ? ત્યારે સુરજબાએ તો જેણે જેણે જે જે પાક કર્યા હતા તેનાં તેનાં નામ લઇને બતાવ્યાં. ત્યારે મહારાજે પણ તે તે બાઇઓના બહુ વખાણ કર્યા. ને પાકશાસ્ત્રને ભણેલા રસોઇયા કરતાં પણ બાઇઓની પાક કરવામાં અતિશય ચાતુરી જોઇને વિસ્મય પામ્યા. ને બાઇઓને દર્શન આપીને ત્યાંથી પોતાને ઉતારે પધાર્યા.

પછી પ્રાગજી પુરાણી શ્રીજીમહારાજનાં દર્શન કરીને પાસે બેઠા. ત્યારે મહારાજે પૂછ્યું જે, કેમ પ્રાગજી પુરાણી ! તમારી પાકશાળામાં અમારે જોવા આવવું છે, તે કયે દિવસે આવીએ ? ત્યારે પ્રાગજી પુરાણી બોલ્યા જે, હે મહારાજ ! હે કૃપાનાથ ! દયા કરીને કાલે પ્રાતઃકાળમાં જોવા પધારજો, એમ કહીને મહારાજને ઘણાક રાજી કર્યા. પછી શ્રીહરિને મુળજી બ્રહ્મચારી જમવા બોલાવવા આવ્યા, તે ભેળા લાધીબાની ઓરડીમાં મહારાજ જમવા પધાર્યા, ને જમીને પોઢી ગયા. પછી બીજે દિવસે મહારાજ સખા સહિત ભોઇવાળે આરે હમીર સરોવરમાં સ્નાન કરીને પોતાને ઉતારે આવ્યા ને પોતાનું દેવાર્ચનાદિક નિત્ય કર્મ કરીને પોતાના ભક્તે આપ્યાં જે સર્વે શ્વેત વસ્ત્રો તેને ધારણ કરીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા. તે વખતે પ્રાગજી દવે મહારાજને દર્શને આવ્યા ને દર્શન કરીને તેમણે શ્રીહરિને સુંદર કેસર યુક્ત ચંદનની અર્ચા કરીને સુગંધીમાન પુષ્પના હાર કંઠમાં ધારણ કરાવ્યા. ને મહારાજને કહ્યું જે, હે કૃપાનાથ ! પાકશાળામાં જોવા સારુ પધારો. પછી મહારાજ આગળ જેઠી ગંગારામે ચાખડીઓ ધરી તેને ચરણારવિંદમાં પહેરી, ને સર્વે સખાને સાથે લઇને ભટ્ટ વલ્લભજી તથા ભટ્ટ માધવજી આદિક પાક કરતા હતા તે પાકશાળામાં પધાર્યા. ને મહારાજને આવ્યા સાંભળીને રસોઇયા તત્કાળ પોતપોતાની ક્રિયાનો ત્યાગ કરીને મહારાજને પગે લાગીને સમીપે ઊભા રહ્યા. ને મહારાજ તો પ્રાગજી પુરાણીએ આગળથી સ્થાપન કરેલું જે સિંહાસન તે ઉપર વિરાજમાન થયા. ને રસોઇયાને પૂછવા લાગ્યા જે, તમોએ બહુ પરિશ્રમ કર્યો છે ને પકવાન બહુ સારાં કર્યાં છે. ત્યારે રસોઇયા બોલ્યા જે, હે મહારાજ ! તમો રાજી થયા તે અમારો પરિશ્રમ સફળ થયો. અને તમારી પ્રાપ્તિ અમોને થઇ છે તે અમારાં મોટાં ભાગ્ય છે. એમ કહીને રસોઇયા બોલ્યા જે, હે મહારાજ ! ભાત, દાળ, શાક આદિક સામગ્રીઓ આવતે દિવસે સાંજથી શરૂ કરશું.

એવાં તે રસોઇયાનાં વચન સાંભળીને પછી મહારાજ પોતાને ઉતારે પધાર્યા. ને લાધીબાએ મહારાજને જમવાને અર્થે બોલાવવા મોકલ્યાં જે ભાગબા તે આવ્યાં, તેમના ભેળા જમવા પધાર્યા. ને જમીને પોતાને ઉતારે પધાર્યા, ને ત્યાં પાટ ઉપર વિરાજમાન થયા. પછી દેશાંતરના હરિભક્તો આવવા લાગ્યા તેમાં પ્રથમ તો પાવર દેશના હરિભક્તો આવ્યા અને ખડિર દેશના હરિભક્તો આવ્યા. પચ્છમ દેશના અને બન્નિ દેશના તથા નાની વાગડના તથા મોટી વાગડ ને અંજાર ચોવીશી તથા ભુવડ ચોવીસી તથા હાલાર ચોવીસી ને કંઠી એ સર્વે દેશના હરિભક્તો ભુજનગરમાં આવ્યા. અને મોડાસો તથા અબડાસો તથા ગરડો ને માકપટના તથા ધ્રંગ એ આદિક દેશના હરિભક્તો ભુજનગર મધ્યે અન્નકૂટના ઉત્સવ ઉપર આવ્યા. ને રૂકમાવ નદીને કાંઠે રહેનાર હરિભક્તો પણ આવ્યા અને નનામા ડુંગરમાં રહેનાર હરિભક્તો તથા ધીણોધર પર્વતની તળાટીમાં રહેનાર હરિભક્તો તથા કાળા ડુંગરની તળાટીમાં રહેનાર હરિભક્તો પણ અન્નકૂટના ઉત્સવ ઉપર શ્રીહરિ દર્શન કરવા માટે આવ્યા ને દેશાંતરમાં ફરતાં જે મુનિનાં મંડળો તે પણ ત્યાં આવ્યાં. આવીને શ્રીજીમહારાજને દંડવત્‌ પ્રણામ કરીને દર્શન કર્યાં. શ્રીહરિએ તેમનો સત્કાર કરીને ઉતારો આપ્યો અને દેશાંતરના હરિભક્તોને પણ લાધીબા તથા મહેતા શીવરામ તથા મહેતા હરજીવન તે જેને જેમ ઘટે તેમ ઉતારા અપાવવા લાગ્યા. પછી શ્રીહરિ પોઢી ગયા. ને ત્રીજા પહોરને વખતે જાગ્યા. તે સમયે આનંદાનંદ સ્વામી સુંદર સુગંધીમાન શીતળ જળનો લોટો ભરીને લાવ્યા અને તેમાંથી જળ અબખોરામાં ભરીને આપ્યું, તેણે કરીને શ્રીજીમહારાજે મુખ ધોઈ કોગળા કરીને જળનું પાન કર્યું.

પછી સભા મધ્યે સુંદર સિંહાસન ઉપર મહારાજ વિરાજમાન થયા. તે વખતે સંતો સર્વે આવીને મહારાજનાં દર્શન કરીને સભામાં શ્રીજીમહારાજને જમણે પડખે બેઠા. ને જેઠી ગંગારામભાઇ તથા અદોભાઇ શ્રીહરિના સખા તે મહારાજને પડખે તથા પછવાડે ઊભા રહ્યા. ને બીજા હરિભક્તો પણ જેમ ઘટે તેમ બેઠા. તે વખતે કેટલાક વિદ્વાન શાસ્ત્રીઓ પણ શ્રીહરિનો પ્રતાપ સાંભળીને ત્યાં આવ્યા હતા. ને શ્રીહરિએ તેમના સંકલ્પો કહીને સર્વેને ઘણોક ચમત્કાર બતાવ્યો. પછી તે સર્વેને  શ્રીજીમહારાજના સ્વરૂપનો નિશ્ચય થયો. પણ નાતની ઉપાધિને લીધે કંઠી બાંધી શક્યા નહિ, ને શ્રીહરિને નમસ્કાર કરીને શ્રીહરિને સંભારતા સંભારતા પોતપોતાને ઘેર ગયા.

તે વખતે દેશાંતરના હરિભક્તો શ્રીજીમહારાજની કેસર-ચંદનથી પૂજા કરીને પછી સભામાં બેઠા. આ ભક્તજનો ચકોરની પેઠે મહારાજના મુખારવિંદ સામું જોઇ રહ્યા હતા તેના સામું મહારાજે અમૃતની દૃષ્ટિ કરીને જોયું ત્યારે તે હરિભક્તોના હૃદયમાં અતિશય શાંતિ થઇ ગઇ, ને સર્વેના ઘાટ સંકલ્પ બંધ થઇ ગયા. એમને એમ સાંજ સુધી સર્વે સભામાં બેસી રહ્યા, પછી મહારાજે તે સર્વેને એમ કહ્યું જે, પોતપોતાને ઉતારે કોઇ અજાણ્યા મનુષ્યને આવવા દેશો નહિ.

એમ ભલામણ કરી. પછી આરતી વખત થયો એટલે સભામાં શ્રીજીમહારાજ આરતી તથા નારાયણ ધૂન્ય કરીને પાછા પાટ ઉપર વિરાજમાન થયા. ને હરિભક્તો સૌ મહારાજનાં દર્શન કરીને પોતપોતાને ઘેર ઉતારે ગયા. ને શ્રીહરિને પણ મુળજી બ્રહ્મચારી તેડવા આવ્યા તેથી તે ભેળા જમવા પધાર્યા ને ત્યાં જઇને સુંદર જળે સ્નાન કરીને શ્વેત ખેસ પહેર્યો ને શ્વેત ખેસ ઓઢ્યો. પછી મુળજી બ્રહ્મચારીએ મહારાજને બાજોઠ આપ્યો તેના ઉપર મહારાજ વિરાજમાન થયા. ને બીજા બાજોઠ ઉપર સુંદર દૂધપાક પૂરીનો થાળ ભરીને મૂક્યો તેને જમ્યા, ને જમીને જળપાન કર્યું. પછી મુખવાસ લઇને પોતાના સખાને કહ્યું જે, આ વખતે અમારે હરિભક્તોને ઉતારે જવું છે, માટે તૈયાર થાઓ. ત્યાં તો જેઠી ગંગારામભાઇ તથા સુંદરજીભાઇ તથા હીરજીભાઇ તથા અદોભાઇ આદિક સખા તૈયાર થયા. ને વાળંદ મશાલ પ્રગટાવીને ચાલ્યો. ને મહારાજ ચાખડી પહેરીને ચાલ્યા ને કેડે સર્વે સખા ચાલ્યા. પછી સર્વે હરિભક્તોને ઉતારે મહારાજ પધાર્યા ને સૌને જોઇતી વસ્તુના સમાચાર પૂછીને આનંદ પમાડ્યા. પછી મધ્ય રાત્રીયે પાછા પોતાને ઉતારે આવીને જળપાન કરીને ઢોલિયા ઉપર પોઢી ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે લાધીબાઇને પૂછ્યું જે અન્નકૂટની કેટલી સામગ્રી તૈયાર થઇ છે, ને કેટલાક વિદ્વાનોને ચમત્કાર બતાવ્યો ને સર્વે હરિભક્તોને ઉતારે પધાર્યા ને ત્યાંથી આસને આવીને પોઢ્યા એ નામે સત્તરમો અધ્યાય. ૧૭