૨૬ ભુજમાં સુરજબાને ઘેર ફુલડોલનો ઉત્સવ કર્યો.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:18pm

અધ્યાય-૨૬ 

જ્યારે શ્રીહરિએ ભુજનગરમાં પ્રવેશ કર્યો ત્યારે રાઓશ્રી ભારમલજીએ ઘણિક તોપોના અવાજ કરાવ્યા. તે સમયમાં રાજમાર્ગની બે બાજુએ નગરનાં સર્વે જનોએ શ્રીજીનાં દર્શન કરીને પોતાનો મનુષ્ય જન્મ સફળ કર્યો. શ્રીજીમહારાજ પણ સર્વેને દર્શન આપતા ને સર્વેના ઉપર કૃપાદૃષ્ટિ કરીને જોતા સતા માર્ગમાં ધીરે ધીરે પોતાનો હસ્તી ચલાવતા હતા. તે વખતે અન્નને તોળતા હસ્તમાં છે ત્રાજવાં જેના એવા કેટલાક વેપારીઓ શ્રીજીમહારાજની મૂર્તિ જોઇને સ્થિર થઇ ગયા. અને પુસ્તકને લખતા એવા લહિયા પુરુષો તે શ્રીહરિનાં દર્શન કરીને હસ્તમાં છે કલમ જેમને એવા સતા સ્થિર થઇ ગયા. ને શ્રીહરિ પધાર્યા એ શબ્દને સાંભળીને તત્કાળ ત્યાગ કર્યા છે ઘર સંબંધી કામ જેમણે એવી કેટલીક સ્ત્રીઓ તત્કાળ મહારાજનાં દર્શન કરવા આવી. ને ભોજન કરતી એવી કેટલીક સ્ત્રીઓ ભોજનનો ત્યાગ કરીને તત્કાળ આવી. કેટલીક સ્ત્રીઓએ તો પોતાની હવેલી ઉપર ચડીને રાજમાર્ગમાં જતા જે સહજાનંદ સ્વામી તેમને સોનારૂપાના ફૂલોથી વધાવ્યા. ને કેટલીક સ્ત્રીઓએ તો ધર્મદેવના પુત્ર શ્રીહરિનાં દર્શન કરીને નેત્ર દ્વારા એ મૂર્તિને અંતરમાં ઉતારીને અતિશય આનંદ પામીને પોતાનો જન્મ સફળ કર્યો.

શ્રીહરિએ પણ રાજમાર્ગને વિષે પોતાનાં દર્શન કરવાને અર્થે પૂજાની સામગ્રી હાથમાં લઇને ઊભા રહેલા જનો ઉપર પોતાની અમૃતમય દયાદૃષ્ટી કરીને ત્રિવિધ તાપોને ટાળી નાખ્યા. શ્રીજીમહારાજ જમણા હાથમાં સુંદર રેશમી રૂમાલ લઇને મુખારવિંદ પર ધારણ કરીને મંદ મંદ હસતા થકા ચાલ્યા. તે વખતે માર્ગમાં અતિશય સંકડાશ થયેલી હતી. તે સમયે યવન લોકોએ મહારાજને મહમ્મદાદિક પેગંબરરૂપે જોયા. જૈન મતવાળા હતા તેમણે તીર્થંકરરૂપે જોયા. વૈષ્ણવો હતા તેમણે શ્રીકૃષ્ણરૂપે જોયા. રામાનંદી હતા તેમણે શ્રીરામચંદ્રજી રૂપે જોયા. શૈવ હતા તેમણે શ્રીશંકરરૂપે જોયા. શક્તિપંથી હતા તેમણે શ્રીશક્તિરૂપે જોયા. એવી રીતે જેમના જે જે ઉપાસક હતા તેમણે પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજી મહારાજને જોઇને શ્રીહરિના સ્વરૂપનો નિશ્ચય કર્યો.

એવી રીતે શ્રીજી મહારાજ પોતાનો પ્રતાપ પ્રગટ કરતા સતા શહેરમાં ફરીને ગંગારામભાઇને ઘેર ઉતર્યા. ને રાઓશ્રી ભારમલજી પણ મહારાજને નમસ્કાર કરીને પોતાની સવારી સહિત દરબારમાં ગયા. ને ગંગારામભાઇએ શ્રીજી મહારાજને પોતાની મેડી ઉપર ઉતારો કરાવ્યો. અને સંતો, બ્રહ્મચારી, પાર્ષદો તથા હરિભક્તોને જેમ ઘટે તેમ ઉતારો આપ્યો. મુળજી બ્રહ્મચારી નાહી ધોઇને રસોઇ કરવા લાગ્યા, સુંદર મેંદાના લોટની પૂરી ને શીખંડ તથા દાળ-ભાત ને કઢી તે તત્કાળ કર્યાં. પછી શ્રીહરિને જમાડવા માટે બોલાવવા આવ્યા. મહારાજ તેમની સાથે જમવા પધાર્યા. સુંદર જળે સ્નાન કરીને શ્વેત ખેસ પહેર્યો. ને બીજો શ્વેત ખેસ ઓઢ્યો. ને બાજોઠ ઉપર વિરાજમાન થયા. ત્યાં મુળજી બ્રહ્મચારી થાળ લઇને આવ્યા. ને મહારાજ આગળ બાજોઠ ઉપર ધારણ કર્યો. તેને મહારાજ જમ્યા. જમીને જલપાન કરી મુખવાસ લઇને પ્રસાદીનો થાળ ગંગારામભાઇને આપ્યો. ને સંતો પાર્ષદોને શ્રીજીમહારાજે જમાડ્યા. પછી જળપાન કરીને શ્રીજીમહારાજ ભક્તજનનું હિતચિંતન કરતા થકા પોઢી ગયા. સાંજે જાગ્યા ત્યારે મુળજી બ્રહ્મચારીએ શુધ્ધ જળથી કોગળા કરાવ્યા. ને મહારાજ જળપાન કરીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા.

તે વખતે વિશ્વેશ્વર ભટ્ટનાં દીકરી સુરજબાઇએ મહારાજ પાસે આવીને દૂરથી પ્રાર્થના કરી જે, હે મહારાજ ! તમોએ ભુજનગરને વિષે સુંદરજીભાઇ તથા હીરજીભાઇ તથા ગંગારામભાઇ તથા શિવરામ મહેતા તથા લાધીબાઇ તેમને ઘેર મોટા મોટા ઉત્સવો કરીને બહુ સુખ આપ્યું છે. ને તે દ્વારા લક્ષાવધિ જીવોનું કલ્યાણ કર્યું છે. માટે મારી પણ એજ વિનંતિ છે જે, હરિભક્તો તથા સંતોને તેડાવીને મારે ઘેર ઉત્સવ કરો. ત્યારે શ્રીહરિ બોલ્યા જે, તમો તો સાંખ્યયોગી છો. તે તમારાથી ઉત્સવનું ખર્ચ પૂરું પડશે ? ત્યારે સુરજબાઇ બોલ્યાં જે, હે મહારાજ ! તમારા પ્રતાપથી મારે ઘેર કોઇ પ્રકારની ખોટ નથી. માટે તમે આજ્ઞા કરો તો હું ફૂલદોલના ઉત્સવની સામગ્રી મંગાવું. તમો પણ હરિભક્તો ઉપર કંકોતરીઓ લખાવીને મોકલાવો. ત્યારે મહારાજ કહે બહુ સારું.

પછી સુરજબાઇ શ્રીજીમહારાજને પગે લાગીને પોતાને ઘેર ગયાં ને પોતાના ભાઇ ઉમેદરામને આ વાત કરી. ત્યારે તેમના ભાઇ ઉમેદરામ તથા તેમનાં બહેન અમૃતબાઇ ને ખુશાલબાઇ તથા બીજાં કુટુંબીઓ સર્વે અતિશય રાજી થયાં ને પરસ્પર એમ બોલ્યાં જે, શ્રીજીમહારાજે આપણા ઉપર બહુ દયા કરીને આપણને કૃતાર્થ કર્યાં. હવે મહારાજ આપણે ઘેર સંત, બ્રહ્મચારી ને પાર્ષદે સહિત પધારે તો બહુ સારું. ત્રાંસા, ઢોલ, નગારાં, શરણાઇઓ તથા બેન્ડવાજાં વગડાવતાં થકાં અને ‘મારે આજ પ્રીતમ ઘેર આવશે’ એ કીર્તનને ઝીલીને ગાતાં ગાતાં ગંગારામભાઇને ઘેર આવ્યાં. ને મહારાજને બેસવા માટે સુંદર તાવદાન લાવ્યા. ને મહારાજની પ્રાર્થના કરી જે, હે મહારાજ ! તમો આ તાવદાને વિરાજમાન થાઓ. ત્યારે મહારાજ તાવદાન ઉપર વિરાજ્યા ને સંતોને ગાડીઓમાં બેસાર્યા. ને હરિજનો કીર્તનો ગાવા લાગ્યા. આવી રીતે હજારો જનોએ વિંટાણા થકા વાજતે ગાજતે મહારાજ સુરજબાઇને ઘેર પધાર્યા. તે વખતે હજારોહજાર ભક્તજનો બોલ્યા જે, સુરજબાઇ તે સુરજબાઇ. એ તો સુરજને તુલ્ય થયાં. જેમ સૂર્યનો પ્રકાશ ત્રિલોકીમાં વ્યાપ્યો છે તેમ સુરજબાઇની કીર્તિ પણ ત્રિલોકમાં વ્યાપી છે; માટે એ તો ધન્ય છે. આવી લોકોની વાણી સાંભળીને મહારાજ મુખારવિંદ આડો રૂમાલ દઇને મંદ મંદ હસતા થકા અને જનોને દર્શન આપતા થકા સુરજબાઇને ઘરે પધાર્યા. ત્યારે સુરજબાઇની બહેનો તથા બીજાં બાઇઓ ‘‘મારે આજ પ્રીતમ ઘેર આવીયા’’ એ કીર્તન બોલ્યાં ને સુરજબાઇએ સુંદર ગજમોતીનો થાળ ભરી પૂજાની સામગ્રી લઇને શ્રીજીમહારાજની સન્મુખ આવીને મહારાજને વધાવ્યા. અને મહારાજને પોંખીને તાવદાનમાંથી નીચે ઉતાર્યા ને પોતાના ઘરમાં સુંદર ઢોલિયા ઉપર પધરાવ્યા. ને સંતો, હરિજનોને પણ બીજા ઘરોમાં ઉતારો આપ્યો. પછી મહારાજના સુંદર જળેથી હસ્તકમળ ને ચરણકમળ ધોવરાવીને થાળ જમવા બાજોઠ ઉપર બેસાર્યા. સુંદર ચતુર્વિધ ભોજનનો થાળ ભરીને મહારાજ આગળ બાજોઠ ઉપર મેલ્યો. ને સુંદર સોનાનો લોટો અબખોરાએ સહિત જળનો ભરીને મૂક્યો.

મહારાજ આચમન કરીને થાળ જમ્યા. તૃપ્ત થઇને જળે કરીને મુખ શુદ્ધિ કરીને મુખવાસ લઇને પાછા ઢોલિયે વિરાજમાન થયા. પછી સંતો હરિભક્તોને જમાડ્યા. તે વખતે સુરજબાઇએ કહ્યું જે, હે મહારાજ ! આપ અહીં હુતાશનીનો ઉત્સવ કરો. ત્યારે મહારાજે પ્રાગજી દવે પાસે કંકોતરીઓ લખાવીને દેશાંતરના હરિભક્તો ઉપર મોકલાવી.

સુરજબાઇએ પણ ઉત્સવનો સામાન કેસર તથા કેસૂડાં, કસુંબો, પતંગ તથા સોરંગ આદિક રંગ તથા અબીલ તથા ગુલાલના કેટલાક કોથળા મંગાવ્યા. ને હીરજીભાઇને ત્યાંથી સોના-રૂપાની, તથા પિત્તળની પિચકારીઓ લાવ્યાં. ને રંગ ભરવાની મોટી મોટી કોઠીઓ તથા ઘડા આદિ નાના પ્રકારનાં પાત્ર મંગાવ્યાં. ને મહારાજની પૂજા કરવા માટે સુંદર પોષાક કરાવ્યો. શ્રીજીમહારાજ પણ તેમને ઘેર રહ્યા ને કથા વાર્તા કરીને પોતાના ભક્તજનોને ઘણોક આનંદ આપ્યો. ને ત્યાં દેશદેશાંતરના હરિભક્તો પણ આવ્યા. તેમને સુરજબાઇએ જેમ ઘટે તેમ ઉતારા આપ્યા. શ્રીજીમહારાજ પૂનમને દિવસે પ્રાતઃકાળમાં રામકુંડને વિષે સ્નાન કરવા પધાર્યા. સંતો તથા હરિભક્તો સહિત સ્નાન કરીને સુરજબાઇને ઘેર પધાર્યા અને પોતાનું દેવાર્ચનાદિક નિત્યકર્મ કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને સુંદર પાટ ઢાળ્યો હતો તે ઉપર વિરાજમાન થયા. ત્યાં તો ઉદેરામ ભટ્ટ તથા વલ્લભરામ ભટ્ટ તથા મહેતા ગણપતરામ તથા મહીદાસ ભટ્ટાદિક હરિભક્તોએ રંગનાં માટલાં ઘડા વિગેરે ભરીને મહારાજ આગળ લાવીને મૂક્યાં. ને ગુલાલના ટોપલા ભરીને લાવ્યા.  ત્યાં તો મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંતો તથા સુંદરજીભાઇ તથા હીરજીભાઇ તથા ગંગારામભાઇ આદિ સર્વે જનો આવ્યા.

પછી શ્રીજીમહારાજે સોનાની પિચકારી હાથમાં લઇને રંગ ભરીને સંતો હરિ ભક્તો ઉપર રંગ નાખ્યો અને ગુલાલની ઝોળી ભરીને સૌના ઉપર ગુલાલ નાખ્યો. પછી રમવાની છૂટ થઇ ત્યારે તો સંતો તથા હરિભક્તો સર્વેએ પિચકારી લઇને મહારાજ ઉપર રંગ છાંટ્યો ને ગુલાલ પણ નાખ્યો. પછી મહારાજની આજ્ઞાએ કરીને સંતો તથા હરિભક્તો પરસ્પર જોડ કરીને રંગે રમ્યા. ગુલાલ પણ નાખ્યો. જેવી રીતે હીરજીભાઇને ત્યાં રંગક્રીડા કરી હતી તેવી જ રીતે ઘણીક વખત સુધી રંગલીલા કરીને મહારાજ તાળી વગાડીને હોળીનાં પદો બોલ્યા, ને સર્વે સંતો તથા હરિજનોએ ઝીલ્યાં. મહારાજ રંગમાં રસબસ થયા, ને અશ્વે સવાર થઇને હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. કાંઠે જઇ અશ્વેથી નીચે ઉતરીને વસ્ત્રે સહિત જળમાં પ્રવેશ કર્યો ને સંતો-હરિજનોએ પણ જળમાં પ્રવેશ કર્યો, ઘણીક વખત જળલીલા કરીને મહારાજ બહાર નીકળ્યા. ને સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કરીને અશ્વે સવાર થયા અને સંતો-પાર્ષદો તથા હરિભક્તોને સાથે લઇને ગાજતે વાજતે પાટવાડીને દરવાજે થઇને પુરમાં પ્રવેશ કર્યો. ને સુરજબાને ઘેર પધાર્યા, અશ્વેથી નીચા ઉતરીને સુંદર ઢોલિયા ઉપર વિરાજમાન થયા. સુરજબાએ થાળ કર્યો તેથી મહારાજ જમવા ઊઠ્યા. અને નગરના હરિભક્તો પણ પોતપોતાને ઘેર ગયા.

પછી મહારાજે જમીને સુંદર પાનબીડીનો મુખવાસ લઇને સંતોહરિ ભક્તોને જમાડ્યા ને જળપાન કરીને પોઢી ગયા. ત્રીજા પહોરના સમયમાં સભા થઇ ને સર્વે હરિભક્તો પૂજાની સામગ્રી લઇને રાહ જોઇને બેસી રહ્યા. ત્યાં તો મહારાજ તે ભક્તજનોનો સંકલ્પ જાણીને ઊઠ્યા ને જળે કરીને મુખારવિંદ ધોઇને જળપાન કરીને સભા પ્રત્યે આવ્યા. ત્યારે સર્વે સંતો તથા હરિભક્તો ઊભા થયા; ‘‘જય જય-નમોનમઃ- સાધુ સાધુ’’ શબ્દો ઉચ્ચારવા લાગ્યા. પછી મહારાજ સભામાં પાટ ઉપર વિરાજમાન થયા. તેમણે સુંદર જરીઆની વસ્ત્રો ધારણ કરાવ્યાં, અને ચંદનપુષ્પે કરીને હરિભક્તો પૂજા કરવા આવ્યા, પૂજા કરીને મહારાજની સ્તુતિ કરી. તે સાયંકાળ પર્યંત મહારાજની પૂજા ચાલી. પછી આરતી, નારાયણધૂન કરીને મહારાજે સભામાં જ્ઞાનવાર્તા કરીને હરિભક્તોને આનંદ પમાડ્યા ને સર્વેને ઊઠવાની આજ્ઞા કરી તે સર્વે ઊઠીને પોતપોતાને ઉતારે ગયા ને મહારાજ પણ સભામાંથી ઉતારે પધાર્યા, ને જળપાન કરીને પોઢી ગયા. પછી બીજે દિવસ સુરજબાઇએ સર્વે વાડીઓમાંથી ફૂલ મંગાવીને ફૂલદોલ બંધાવ્યો. ને મહારાજને હીંડોળામાં પધરાવીને હરિભક્તોએ ઝુલાવ્યા. સુરજબાઇએ પ્રથમ દિવસે પહેરાવેલો પોષાક તે બીજે દિવસે પણ મહારાજે ધારણ કર્યો અને હરિભક્તોને ઘણુંક સુખ આપ્યું. પછી મહારાજની આગળ સર્વે હરિભક્તો હીંડોળાનાં પદો બોલ્યા. અને ઝાંઝ મૃદંગ વગાડીને ઉત્સવ કર્યો.

પછી મહારાજે હીંડોળામાંથી ઉતરીને ઉત્સવની સમાપ્તિ કરાવી. ને પોતે થાળ જમવા પધાર્યા ને હરિભક્તો પણ પોતપોતાને ઘેર ગયા. અને શ્રીહરિએ સંતોને જમાડ્યા. ત્યાર પછી સત્સંગીઓને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા કરી. ત્યારે કંથકોટના કચરો ભક્ત તથા ધમડકાના અદોજી ને માંડવીના સુંદરજી શેઠ તથા બળદીઆના કૃષ્ણ ભક્ત તથા રતનો ભક્ત અને રામપુરના રવજી ભક્ત, માનકુવાના કણબી શિયાણી વિશ્રામ તથા કણબી વિશ્રામ ભક્ત એ આદિક સર્વે ગામડાંના હરિભક્તો ચાલવાને સમયે શ્રીજી મહારાજનાં દર્શન કરીને બોલ્યા જે, મહારાજ ! દયા રાખજો. ત્યારે મહારાજ બોલ્યા જે, તમે પણ દયા રાખજો. પછી હરિભક્તો ત્યાંથી ચાલ્યા તે બહાર જઇને એમ વિચાર કર્યો જે, આપણે મહારાજને કહ્યું જે, દયા રાખજો, એ તો ઠીક, પણ મહારાજે કહ્યું જે, તમે પણ દયા રાખજો, તે શું ? એ કંઇ સમજાણું નહિ. પછીથી ફરી વાર આવીને મહારાજને એ વાત પૂછી, ત્યારે મહારાજ બોલ્યા જે, આ દેહ સાડા ત્રણ હાથનો છે. તેમાં ત્રણ આંગળનું હૃદય છે. ત્યાં અમે રહીએ છીએ. એ અમારું સ્થાન ચોખ્ખું રાખજો. ત્યાં જો સ્ત્રીદ્રવ્યાદિક માયિક પદાર્થ રાખશો તો અમારાથી નહિ રહેવાય. એટલી દયા તમે પણ રાખજો. એમ મહારાજે પોતાનો સિધ્ધાંત કહ્યો. પછી સર્વે સત્સંગીઓ નમસ્કાર કરીને ચાલ્યા. અને સંતો પણ નમસ્કાર કરીને ફરવા ગયા. એવી રીતે મહારાજે સુરજબાઇને ઘરે ફૂલડોલનો ઉત્સવ કર્યો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજીમહારાજે ભુજનગરમાં રાજમાર્ગે અનેક જીવોનાં ચિત્ત પોતાની મૂર્તિને વિષે ખેંચ્યાં ને સુરજબાઇને ઘેર ફૂલડોલનો ઉત્સવ કર્યો એ નામે છવીસમો અધ્યાય. ૨૬