૨૭ બળદીયા થઈ માનકૂવા, માંડવી, ભુજ થઈ કારીયાણી પધાર્યા, એક છોકરો તેની માના કહેવાથી ભગવાનને શાધેતો શોધતો આવ્યો તેના ખપની વાર્તા.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:19pm

અધ્યાય-૨૭

પછી રાજાના કારભારી સુતાર હીરજીભાઇ તથા સુંદરજીભાઇ તેમને ઘેર રહ્યા થકા શ્રીજીમહારાજ દવે પ્રાગજી પાસે શ્રીમદ્‌ ભાગવતની કથા કરાવવા લાગ્યા. પછી સુતાર હીરજીભાઇએ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીહરિને પાર્ષદે સહિત જમાડ્યા. ને સુતાર ભગવાનજીએ પણ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીજી મહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. ને મહેતા શિવરામે તથા મહેતા હરજીવનભાઇએ તથા લાધીબાઇએ પણ પોતપોતાને ઘેર થાળ કરીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત વારંવાર જમાડ્યા. અને કેસર, ચંદન, હાર, વસ્ત્રે કરીને શ્રીજી મહારાજની પૂજા કરી. શ્રીજીમહારાજ એ સર્વે સેવાને અંગીકાર કરીને પોતાના ઉતારે પધાર્યા. ને કથા વંચાવવાનો પ્રારંભ કર્યો. સાધુ-સત્સંગી સર્વે કથા સાંભળતા. અને સાધુ ભિક્ષા માગીને ગોળા વાળીને નિત્ય પ્રત્યે જમે તે કોઇક દિવસે શ્રીહરિએ સાધુ પાસેથી ગોળો માગ્યો, ત્યારે સાધુઓએ ન આપ્યો ને કહ્યું જે, મહારાજ પેટમાં દુઃખે, ત્યારે મહારાજે કહ્યું જે, પેટમાં કાંઇ પણ દુઃખે નહિ. એમ કહીને પોતે ઊઠીને સંતના હાથમાંથી ગોળો લીધો અને જમવા માંડ્યું, ને કહ્યું જે, આ ગોળા તો ચુરણ જેવા છે. ને સર્વે ઔષધિરૂપ છે. ને રોગ માત્રને નાશ કરે એવા છે.

એમ કહીને જલપાન કરીને કથા વંચાવવા લાગ્યા, ને સુતાર દેવરામે તથા સુતાર નારાયણજીએ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીહરિને પાર્ષદે સહિત રૂડે પ્રકારે જમાડ્યા. જેઠી ગંગારામે પણ પોતાને ઘેર થાળ કરાવીને પાર્ષદે સહિત શ્રીજી મહારાજને જમાડ્યા. અને ભટ્ટ મહીદાસ આદિક ભક્તજનોએ પણ શ્રીજી મહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. બીજા સત્સંગી હતા તેઓએ પણ શ્રીહરિને પોતપોતાને ઘેર થાળ કરીને રૂડી રીતે પધરાવીને પાર્ષદે સહિત જમાડ્યા. ત્યાં ભુજમાં કેટલાક માસ પર્યંત શ્રીહરિ રહ્યા હતા. શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને  કામરુદેશને વિષે સદ્‌ગુરુનો અવતાર જે દલુજી તેમને મળીને ફરી વિસનગરમાં આવેલા સમાધિનિષ્ઠ સાધુ સંતદાસજી સહિત વિસનગરથી સંતમંડળ શ્રી ભુજનગરમાં આવ્યું. અને શ્રીજી મહારાજનાં દર્શન કર્યા. તેમજ સર્વે દેશમાંથી પણ સાધુનાં મંડળ આવ્યાં અને શ્રીહરિનાં દર્શન કર્યાં. શ્રીજીમહારાજે તેમને કથા સંભળાવીને ત્યાગ-વૈરાગ્યની વાર્તા કરી. ત્યાં કેટલાક દિવસ રાખીને સાધુનાં બે મંડળો કર્યાં. તેમાં એક ત્રીશ સાધુનું મંડળ, ને બીજું ચાલીસ સાધુનું મંડળ કરીને એક મંડળને ગામ બળદીએ જવાની આજ્ઞા કરી. અને બીજા મંડળને ગામ માનકૂવે જાવાની આજ્ઞા કરી. ને સંતમંડળને માંડવી બંદર જવાની આજ્ઞા કરી. ને પોતે ભુજનગરમાં કેટલાક દિવસ રહ્યા. પછી શ્રીજી મહારાજે સર્વે સંતમંડળને કહેવડાવ્યું જે, તમે સર્વે સાધુ કારિયાણી કથા સાંભળવા માટે ભેળા થજો, અમો પણ ત્યાં આવીશું. એમ કહેવડાવીને પ્રાગજી દવેને ત્યાં મોકલ્યા. અને પોતે પણ ત્યાં પધાર્યા, અને આનંદાનંદ સ્વામીને ચૈત્રી પૂર્ણમાસીનો ઉત્સવ કરવા જીરણગઢ મોકલીને સામગ્રી ભેગી કરાવી ને કંકોતરીઓ લખીને દેશોદેશ પ્રત્યે મોકલાવી અને હરિભક્તો સર્વેને તેડાવ્યા. તે વખતે ભુજનગરના સુતાર ભગવાનજીએ કિનખાબની ડગલી તથા સુરવાળ તથા માથે બાંધવાનું શેલું એટલાં વસ્ત્રો શ્રીજીમહારાજને ધરાવ્યાં.

તે વખતે એક છોકરો મહારાજને દર્શને આવ્યો. તેની હકીકત એમ છે જે, જ્યારે શ્રીજીમહારાજ વનમાં વિચરણ કરતા હતા ત્યારે તે વનમાં એક ડોસી ને તે છોકરો રહેતાં હતાં ને ગાયો, ભેંશો રાખતાં. ને નેહડો કરીને વનમાં રહેલાં હતાં. તેને ત્યાં મહારાજ સવારમાં આવીને ઊભા રહ્યા. ત્યારે એક ઝુંપડીમાં તે ડોસી અને તેમની દીકરી બેઠાં હતાં. તેનો છોકરો ગાયો તથા ભેંશો વગડામાં ચરતી હતી ત્યાં દોવરાવવા માટે ગયો હતો. તે ડોસી પોતાની ઝુંપડીમાંથી તત્કાળ બહાર આવીને મહારાજને જોઇને પોતાના મનમાં આશ્ચર્ય પામીને એમ બોલી જે, હે મહારાજ ! તમે કોણ છો ? ત્યારે મહારાજે કહ્યું જે, અમે તો સાધુ છીએ. ત્યારે બાઇ બોલી જે, હે મહારાજ ! તમે ભૂખ્યા થયા હશો, તે કાંઇ જમશો ? ત્યારે મહારાજ બોલ્યા જે, હા તૈયાર હોય તો લાવો, જમીએ. ત્યારે તે બાઇ બોલી જે, દહીંનાં ગોરસાં તૈયાર છે, ને દૂધ તો છોકરો ગાયો, ભેંશો વગડામાં દોવરાવવા ગયો છે તે લાવશે ત્યારે દૂધ આવશે. ત્યારે મહારાજે કહ્યું જે, દહીં હોય તો દહીં જ લાવો, જમીએ. ત્યારે બાઇએ દહીંનાં ગોરસાં જે પોતાના ઉતારામાં જમાવ્યાં હતાં, તે સર્વે ઉપાડીને મહારાજની આગળ મૂક્યા.

તે ગોરસાં લઇને મહારાજ સર્વે જમી ગયા. ત્યારે તે ડોશીએ કહ્યું જે, મહારાજ ! હવે જમીને તૃપ્ત થયા ? ત્યારે મહારાજે કહ્યું જે, બીજાં હોય તો લાવો. તે સમયે વગડામાંથી ગાયો, ભેંશો દોવરાવીને દૂધની કાવડ ઉપાડીને છોકરો આવ્યો. તે કાવડ પોતાના ઉતારામાં ઉતારીને, પોતાની માતાજીને પૂછ્યું જે, આ બાવો કોણ છે ? ને ક્યાંથી આવે છે ? ત્યારે ડોસીએ કહ્યું જે, હે પુત્ર ! આ બાવા તો મોટા તપસ્વી છે. ને અખંડ યોગધારણામાં રહે છે અને બહુ ચમત્કારી પણ છે. માટે આપણે ઘેર રાખીને તેમને આપણે દૂધ, દહીં ઘણુંક જમાડીને સેવા કરીને રાજી કરશું તો તેનું અવિનાશી ફળ આપણને મળશે. ત્યારે તે છોકરો બોલ્યો જે, હે માતાજી ! તમે આ બાવાને શું જમાડ્યું ? ત્યારે તે ડોશીએ કહ્યું જે, મેં એકલાં દહીંનાં ગોરસાં હતાં તે જમાડ્યાં. ત્યારે છોકરો કહે જે, હવે દૂધ પણ જમાડો. ત્યારે મહારાજે કહ્યું જે, થોડું ઘણું લાવો તો જમીએ. ત્યારે છોકરો કહે, હે મહારાજ ! થોડું શું કરવા જમશો. ઝાઝું જમોને ! અમારી ગાયો, ભેંશો ઘણીક દૂઝે છે. ત્યારે મહારાજે કહ્યું જે, તમે એકલું દહીં-દૂધ સદા જમો છો ? ત્યારે છોકરો કહે, હે મહારાજ ! ગામ અહીંથી ઘણે દૂર છે. ત્યાં અમે અન્ન લેવા જઇએ છીએ. પણ અત્યારે અન્ન થઇ રહ્યું છે.

ત્યારે મહારાજે કહ્યું જે, હવે થઇ રહ્યું છે, તે તમો કયે દહાડે અન્ન લેવા જાશો ? ત્યારે છોકરાએ તેની માતાજીને પૂછ્યું જે, મા ! આપણે અન્ન લેવા કયે દિવસે જાશું ? ને આપણને આ બાવાને રાખવા છે ! ત્યારે તેની માતાજીએ કહ્યું જે, હા બાવાને આપણે રાખશું ને જાવા નહીં દઇએ. હે પુત્ર ! તું ઘીની કુંડલી ભરીને ગામમાં જઇને, ઘી વેચીને તેના જે પૈસા આવે, તેની ખાંડ, સાકર ને ગોળ, ચોખા લાવ, આપણે નિત્યે આ બાવાને દૂધપાક કરીને જમાડીશું. ત્યારે છોકરે કહ્યું જે, હું કાલ સુધી ખાંડ સાકર લાવીશ. ને તમે બાવાને આપણા ઘેરથી જાવા દેશો નહિ. એમ કહીને છોકરો ગામમાં ગયો. તે ઘી વેંચીને ખાંડ, સાકર ને ચોખા લાવ્યો. તે ડોશી ને છોકરો અતિશય હેતથી દરરોજ દૂધપાક કરીને મહારાજને જમાડે. અને પ્રસાદી બાકી રહે તે પોતે જમે. અને રાત્રિએ તે ડોશી ને તેની દીકરી તે બે જણ પર્ણકુટીમાં સૂવે ને મહારાજને બહાર ઢોલિયો ઢાળીને સુવડાવે. ને છોકરાને કહે જે, તું આ મહારાજને મારી આજ્ઞા વિના જવા દઇશ નહિ. ખ્યાલ રાખીને સૂજે. નહિ તો ઊઠીને ચાલી નીકળશે. એવી રીતે ભલામણ કરી. આ પ્રમાણે નિત્યે મહારાજને દૂધપાક કરીને જમાડતી. રાત્રિએ પોતાના છોકરાને પાસે ખબર રખાવવા સારુ સુવડાવતી. એવી રીતે મહારાજ એક માસ સુધી ત્યાં રહ્યા.

ત્યારે ડોશીને તથા તેના દીકરાને તથા તેની દીકરીને પોતાના જીવમાં એમ નિશ્ચય થયો જે, હવે મહારાજને આપણે જમાડીને તથા બીજી સેવા કરીને રાજી કર્યા છે એટલે મહારાજ જશે નહિં એમ જાણીને તે છોકરો એક રાત્રે નિર્ભય થઇને સૂઇ રહ્યો. ત્યારે મહારાજ તે છોકરાને સૂતો મૂકીને અર્ધી રાત્રે ઊઠીને એકલા ચાલી નીકળ્યા. ને તે ડોશી સવાર થયું ત્યારે ઊઠીને પર્ણકુટીરથી બહાર નીકળીને જોયું ત્યાં તો મહારાજને ઢોલિયા ઉપર સૂતેલા ન જોયા. ત્યારે તે ડોશીએ પોતાના છોકરાને જગાડીને કહ્યું જે, તેં મહારાજની ખબર બરાબર રાખી નહિ, તે રાત્રિના ઉઠીને એકલા ચાલી નીકળ્યા છે. તું મહારાજનાં ચરણારવિંદનાં પગલાં માર્ગમાં જોતો જોતો જા. ને જ્યાં હોય ત્યાંથી શોધીને મહારાજને તેડી આવજે. ને ન મળે તો તું મને તારું મોઢું ન દેખાડજે. એવી રીતે કહ્યું. ત્યારે છોકરે કહ્યું જે, લ્યો મા! હું જાઉં. ને મહારાજ જ્યાં હશે ત્યાંથી તેડી આવીશ. ત્યારે ડોશીએ કહ્યું જે, તું જરૂર મહારાજને તેડીને આવજે. એમ કહ્યું ત્યારે, છોકરો જે દિશામાં મહારાજ ગયા હતા તે માર્ગમાં પગલાં જોતો જોતો ચાલ્યો ; તે દશ ગાઉ ચાલ્યો ગયો, ત્યાં એક નદી આવી. ત્યારે મહારાજ પણ નાહીને તે નદીના તટ ઉપર શાલગ્રામ ને બાલમુકુંદની પૂજા કરતા હતા. તેને જોઇને છોકરો પોતાના બે હાથ જોડીને કહેવા લાગ્યો જે, હે મહારાજ ! મને તમે અર્ધી રાત્રિએ સૂતો મૂકીને ચાલી નીકળ્યા. ને પાછળ તમારા વિયોગે કરીને મારી માતા તથા મારી બહેન ઘણોક શોક અને રુદન કરે છે. તે માટે આપ દયા કરીને ચાલો. મારી માએ, મને એમ કહ્યું છે જે, તું મહારાજને તેડીને પાછો અહીં આવજે, જો ન તેડી આવે તો મને જીવતાં તારું મોઢું દેખાડીશ નહીં એમ કહ્યું છે. ત્યારે મહારાજે કહ્યું જે, તારી માતાજી તથા તારી બહેન એ બે જીવ સારું તારે નેહડે અમે કેટલા દિવસ બેસી રહીએ ? અમારે તો આ પૃથ્વી ઉપર વિચરીને સ્થાવર તથા જંગમ એમ અનેક જીવોનો ઉદ્ધાર કરવો છે. તે માટે હું છપૈયા ગામને વિષે ધર્મ-ભક્તિ થકી પૃથ્વી ઉપર પ્રગટ થયો છું.

ત્યારે તે છોકરે કહ્યું જે, મહારાજ ! તેતો વાત સાચી પણ, મારી માએ મને એમ કહ્યું જે, મહારાજ જ્યાં મળે ત્યાંથી તેડી આવ્યા વિના તું મને તારું મોઢું ન દેખાડજે. તે હું તમને તેડી ગયા વિના મારી માને મોઢું કેમ દેખાડું ? ત્યારે મહારાજે કહ્યું જે, અહીંથી છોકરા તું ચાલ્યો જા. ત્યારે તે છોકરો બહુ જ દિલગીર થઇ ગયો. ને મહારાજ ત્યાંથી એમને એમ ઊઠીને પોતાનો સામાન લઇને ચાલ્યા. ત્યારે તે વાંસે રોતો રોતો ચાલ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, છોકરા ! તું પાછો વળી જા. તો પણ તે પાછો વળ્યો નહિ. ત્યારે મહારાજે તેને કહ્યું જે, અમે સઘન વનમાં જાશું. ત્યાં ઝાડીમાં સિંહ તથા અરણાપાડા, હાથી આદિક જાનવરની તથા સઘન ઘાટા વનની બહુજ બીક લાગશે. અને તે જનાવર તને ખાઇ જશે. માટે હું તને દયા કરીને કહું છું જે, તું પાછો તારે ઘેર ચાલ્યો જા. ત્યારે તેણે કહ્યું જે, હે મહારાજ ! ઘાટા વનમાં તમને સિંહ આદિક જાનવર ખાશે તો મને ખાશે. ને તમને સિંહ આદિક જાનવર જો નહિ ખાય તો મને પણ નહિ ખાય, કેમ જે હું તમારો શરણાગત છું. મારી તમે રક્ષા કરશો. એમ કરતા કરતા ચાલ્યા ત્યાં માર્ગમાં એક સિંહ સામો દેખાણો. તેને જોઇને મહારાજ મનુષ્ય ચરિત્ર કરવા લાગ્યા અને ભય પામીને માર્ગમાં ઊભા થઇ રહ્યા. ત્યારે તે છોકરો પણ મહારાજની પાછળ સંતાઇને ઊભો થઇ રહ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, છોકરા ! તેં મારું કહ્યું ન કર્યું, ને સિંહ તો સામો માર્ગમાં આવ્યો. તે આપણ બે જણને ખાઇ જશે તો મારું તો રોનારું વાંસે કોઇ નથી પણ તને ખાઇ જશે તો તારી માતાજી તથા તારી બહેન તારી વાંસે રોઇ મરશે, ને તારી વાટ જોશે.માટે તું અહીંથી નાસી જા, હું આડો ઊભો છું તે સિંહ નહિ આવે. એમ કહ્યું તો પણ છોકરો પાછો ન વળ્યો ત્યારે તે સિંહને મહારાજે સમાધિ કરાવી દીધી તેથી સિંહ નેત્ર ફાડીને સામો ઊભો રહ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, છોકરા ! હવે આપણે કેમ કરશું ? સિંહ તો સામો ઊભો થઇ રહ્યો છે. ત્યારે તેણે કહ્યું જે, હે મહારાજ ! તમે તો મોટા ઇશ્વરના ઇશ્વર છો. હું તો આ સિંહને તમે સમાધિ કરાવી છે તે જોઇને તમને ભગવાન જાણું છું, એમ છોકરે કહ્યું. ત્યારે સિંહ ખસીને છેટે ઊભો રહ્યો. તે જોઇને મહારાજે છોકરાને કહ્યું જે, તું મને ખરેખરા ભગવાન જાણે છે ? ત્યારે તેણે કહ્યું જે, હે મહારાજ ! હું તમને ખરેખરા ભગવાન જાણું છું, તમે આ સિંહને સમાધિ કરાવીને ઊભો રાખ્યો તે ભગવાન વિના બીજાથી સમાધિ કરાવીને ઊભો રખાય જ નહિં. ત્યારે મહારાજે કહ્યું જે, તું મને ભગવાન જાણે છે, ત્યારે હું તને કહું તેમ તું કરીશ ? ત્યારે તેણે કહ્યું જે, હા મહારાજ, જેમ કહો તેમ કરું.

ત્યારે મહારાજે કહ્યું જે, જો તું મને ભગવાન જાણતો હોય તો આ સિંહ ઊભો છે તેને તું તારા હાથની આંગળી અડાડી આવ. ત્યારે તે બોલ્યો જે, હું સિંહને આંગળી અડાડવા જાઉં ને કદાપિ સિંહ મને ખાઇ જાય તો ? ત્યારે મહારાજે કહ્યું જે, તું કહે છે હું તમને ભગવાન જાણું છું. જો તું મને ભગવાન જાણતો હોય તો જાતો કેમ નથી ? ને જો જાણતો હોય તો હવે જા. ત્યારે છોકરે કહ્યું જે, હવે જાઉં છું. એમ કહીને બીતો બીતો ચાલ્યો ગયો ને સિંહને હાથની આંગળી અડાડીને તત્કાળ પાછો આવ્યો. આવીને મહારાજને કહ્યું જે, હું સિંહને આંગળી અડાડી આવ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, એમ તો નહિ ચાલે. તું તારો કોણી સુધી હાથ સિંહના મોઢામાં મૂકીને આવતો રહે. ત્યારે તે કહે, જો હું સિંહના મોઢામાં હાથ મૂકું તો સહેજે સિંહ તત્કાળ મને ખાઇ જાય. ત્યારે મહારાજે કહ્યું જે અમારે વચને તું જા ને તને સિંહ નહીં ખાય. ત્યારે વળી પાછો બીતો બીતો સિંહ પાસે ગયો ને પોતાનો હાથ સિંહના મોઢામાં મૂકીને મહારાજ પાસે આવ્યો. ત્યારે મહારાજે કહ્યું જે એમ નહીં ચાલે, તું સિંહની આંખમાં આંગળી ઘાલીને આવતો રહે. ત્યારે તે કહે આંખમાં આંગળી ઘાલીશ તો સિંહ મને કરડશે નહિ મહારાજ ? ત્યારે મહારાજે કહ્યું જે, અમારે વચને બે વખત જઇ આવ્યો તો પણ સિંહ તને ન કરડ્યો તે આ વખતે પણ નહીં કરડે, તું જા. એમ મહારાજે કહ્યું એટલે તે સિંહને અડકવા ગયો. ને તે સિંહની આંખમાં હાથની આંગળી મૂકી ને ફરી મહારાજ પાસે આવ્યો. ત્યારે મહારાજે વળી છોકરાને કહ્યું જે, તું મને ભગવાન જાણે છે? અને તું જો મને ભગવાન જાણતો હોય તો અહીંથી તું જતો રહે.

અને તારી માતાજી તથા તારી બહેન પાસેથી રજા લઇને આવ. અને હું અહીંથી પશ્ચિમ દેશમાં જાઉં છું. ત્યારે તે છોકરે કહ્યું જે, મારી મા મને પૂછે તો શું ઉત્તર આપવો ? ત્યારે મહારાજે કહ્યું જે, તારી મા પૂછે તો એમ કહેજે જે, એ બાવાને તેડીને હું પાછો આવીશ. અને મા ! તમે તે બાવાને અંતરમાંથી પળમાત્ર વિસારશો નહીં. એમ તારી માતાજીને કહેજે. ત્યારે તે છોકરો તેની માતાજી પાસે ગયો. ત્યારે તે ડોશીએ પૂછ્યું જે, બાવા ક્યાં ગયા ? ત્યારે તેણે તેની માને કહ્યું જે, મા ! તમે તે બાવાને અંતરથી વિસારશો નહિ. ત્યારે તે ડોશી બોલ્યાં જે, તે બાવાને તું કહે છે તેવી રીતે અંતરમાં નિરંતર સંભાળી રાખીશ. પણ તું તે બાવાને જરૂર પાછા મારી પાસે તેડીને આવજે. પણ તેને તેડ્યા વિના ફરી તું મને તારું મુખ દેખાડીશ નહિ. ત્યારે છોકરે કહ્યું જે, મા ! હું જરૂર તે બાવાને તેડીને આવીશ. પણ તે બાવો કેટલે દિવસે મને પાછા ભેળા થાશે તે મારાથી કહેવાતું નથી. ત્યારે ડોશીએ કહ્યું જે, જ્યારે તે બાવો મળે, ત્યારે તું તેને તેડીને આવજે. ત્યારે તે છોકરે કહ્યું જે, હું તેડવા જાઇશ પણ મને રસ્તામાં જમવા ટીંમણ જોશે, ત્યારે ડોશીએ ટીંમણ કરી આપ્યું, ત્યારે છોકરે કહ્યું જે, આ ટીંમણ થઇ રહે ત્યારે હું રસ્તામાં જમવાનું કેમ કરું ? ત્યારે ડોશીએ કહ્યું જે, રસ્તામાં જે જે ગામ આવે, તે તે ગામમાં એ બાવાની પૂછા કરજે. ને જ્યારે ટીંમણ થઇ રહે ત્યારે એ બાવાને સંભાળીને ગામોગામ ભિક્ષા માગીને જમતો જાજે. તે બાવાને પ્રતાપે ભિક્ષામાં તુંને કોઇ વાતે દુઃખ નહીં આવે. એવી રીતે ડોશીએ કહ્યું.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે સુંદરજીને ઘેર કથા કરાવીને છોકરાને તેની માતાજીએ મહારાજનો મહિમા કહ્યો અને છોકરો મહારાજને શોધવા ગયો એ નામે સત્તાવીશમો અધ્યાય. ૨૭