૩૨ અન્નકૂટોત્સવની પૂર્ણાહૂતિ.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:23pm

અધ્યાય-૩૨

શ્રીહરિ બે ઘડી વિશ્રામ કરીને જાગ્યા અને સુંદર સુગંધીમાન જળે કરીને કોગળા કરીને જળપાન કર્યું અને હીરજીભાઇને પોતાની પાસે બોલાવ્યા. હીરજીભાઇ મહારાજ પાસે આવીને નમસ્કાર કરી હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! શી આજ્ઞા છે ? પછી મહારાજ બોલ્યા જે, દેશાંતરના હરિભક્તો ઘણાક આવશે. માટે તેમની ઉતારાની સગવડ સારી રીતે કરી રાખજ્યો. એમ કહીને શ્રીહરિએ સુતાર ભગવાનજી તથા દેવરામભાઇ તથા નારાયણભાઇ તથા કુંવરજીભાઇ તથા ધનજીભાઇ એ પાંચને બોલાવ્યા ને કહ્યું જે, દેશાંતરના હરિભક્તોને ઉતારા જેમ ઘટે તેમ આપવા એ કામ તમોને સોંપીએ છીએ. તે માટે તેની તજવીજ તમારે બરાબર રાખવી, પછી શ્રીહરિએ સુંદરજીભાઇને ઘેર કૂવાના થાળામાં બેસીને સ્નાન કર્યું. પછી સાંજે સભા થઇ ત્યારે મહારાજ સભા મધ્યે સિંહાસન ઉપર વિરાજમાન થયા. દેશાંતરના હરિભક્તો પણ આવીને તે સભામાં બેઠા. ઘરડો, માઘપટ, ધ્રંગદેશ, કંઠી, નાની વાગડ, મોટી વાગડ, અંજાર ચોવીશી, ભુવડ ચોવીસી, હાલાર ચોવીસી ઇત્યાદિક દેશના હરિભક્તો આવ્યા. નનામો પર્વત, કાળો પર્વત, ધીણોધર પર્વત, તેની તળાટીના રહેવાસી હરિભક્તો આવ્યા. રૂકમાવતી નદીને કાંઠે રહેનારા હરિભક્તો તથા નાગમતી નદીને કાંઠે રહેનારા હરિભક્તો ભુજનગર પ્રત્યે આવ્યા.

ગુજરાત, મારવાડ, ચડોતર, કાનમ, દંઢાવ્ય, મહીકાંઠો, હાલાર, કાઠિયાવાડ, ઝાલાવાડ, મચ્છુકાંઠો, અંગવંગ ને કલિંગાદિક અનેક દેશના હરિભક્તો આવ્યા. તે સર્વ શ્રીહરિનાં દર્શન કરવા આવ્યા. તેમને સુતાર ભગવાનજી આદિક પાંચ હરિભક્તોએ જેમ ઘટે તેમ ઉતારા કરાવ્યા. મહારાજે પણ સભામાં આરતી, નારાયણ ધૂન્ય કરીને ઘણીક વાતો કરી. પછી વાતોની સમાપ્તિ કરીને પોતાના પાર્ષદોને સાથે લઇને સર્વે હરિભક્તોને ઉતારે પધાર્યા. અને સુંદર જળે કરીને હસ્ત-ચરણ ધોઇને કોગળા કર્યા. પછી દૂધ સાકર ને પૂરી જમીને જળપાન કરીને પોઢી ગયા. દિવાળીને દિવસે પ્રાતઃકાળમાં ઊઠીને સર્વે સંતો-પાર્ષદો તથા હરિભક્તોને સાથે લઇને નારાયણ બાગમાં વડવાળે આરે સ્નાન કરવા સારુ પધાર્યા. તે હમીર સરોવરને કાંઠે વસ્ત્ર ઉતારીને સખા સહિત જળમાં પ્રવેશ કર્યો અને ઘણીક વાર જળક્રીડા કરીને પછીથી બહાર નીકળ્યા. ને સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કરીને વડ પાસે સુંદર પાટ ઉપર વિરાજમાન થયા. ને સર્વે સંતો હરિ ભક્તોની સભા થઇ અને મહારાજ પોતાના ભક્તજનો ઉપર રાજી થયા.

અને પ્રગટ પ્રમાણ પોતાના પુરુષોત્તમપણાની વાતો કરી. તે સાંભળીને સર્વે હરિભક્તો અત્યંત રાજી થયા. ને જેઠી ગંગારામે સોનેરી પલાણ નાખીને તૈયાર કરેલ હરડી ઘોડી ઉપર મહારાજ વિરાજમાન થયા. તેટલામાં સુતાર સુંદરજીભાઇ તથા હીરજીભાઇ સુંદર બેન્ડ વાજાં લાવ્યા. અને છત્રી, ચામર, અબ્દાગિરિ ઇત્યાદિક સદોપચાર લાવ્યા. અને સુંદરજીભાઇ સ્વારીની રચના કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો વાજિંત્રોના વગાડનારા ચાલવા લાગ્યા. તે પછી ઉઘાડાં હથિયારવાળા સ્વાર ચાલવા લાગ્યા. પછી ઉત્સવિયાની મંડળીઓ ચાલવા લાગી. તે પછી હથિયારબંધ પાર્ષદો ચાલતા હતા. અને હરડી ઘોડી ઉપર શ્રીજીમહારાજ સુંદર રીતે શોભતા થકા ઘોડીને મંદમંદ ચલાવતા હતા. શ્રીહરિની પાછળ સંતો, બ્રહ્મચારીઓ ચાલતા હતા. સંતોની પાછળ હરિજનો ચાલ્યા. જોવા આવેલાં હજારો જનો ઊભેલાં હતાં તેને પોતાનાં દર્શન આપીને સુખ શાન્તિને પમાડતા થકા પોતાને ઉતારે પધાર્યા. ત્યાં ઘોડીએથી હેઠે ઉતરીને સભામાં પાટ ઉપર વિરાજમાન થયા.

હરિભક્તો મહારાજને નમસ્કાર કરીને પોતપોતાને સ્થાનકે ગયા, અને સંતો-પાર્ષદોને પણ મહારાજે ઉતારે મોકલ્યા. ને મુળજી બ્રહ્મચારી તેડવા આવ્યા. તે ભેળા મહારાજ જમવા પધાર્યા. બ્રહ્મચારીએ સુંદર બાજોઠ ઢાળી આપ્યો તેના ઉપર શ્રીજીમહારાજ વસ્ત્ર ઉતારીને સુંદર જળે કોગળા કરીને વિરાજમાન થયા. પછી મુળજી બ્રહ્મચારીએ સુંદર ચાર પ્રકારનાં ભોજનનો થાળ ભરીને મહારાજ આગળ ધરાવ્યો, મહારાજ જમ્યા, જમીને જળપાન કરીને મુખવાસ લીધો. પછી સંતોને જમાડીને સુંદર ઢોલિયા ઉપર પોઢી ગયા. સાંજના ઊઠીને જળથી કોગળા કરીને જળપાન કર્યું. અને સાંજના સભામાં પાટ ઉપર વિરાજમાન થયા. તે સમયે હીરજીભાઇ સુંદર જરીયાની વસ્ત્રોની પોટલી લઇને મહારાજને ધારણ કરાવવા માટે આવ્યા. તેટલાકમાં સભા સર્વે ભરાઇ ગઇ. અને હીરજીભાઇએ વસ્ત્રની પોટલી છોડીને મહારાજને સુંદર જરીયાની સુરવાળ તથા ડગલી, પાઘ ને શેલું એ સર્વે વસ્ત્ર ધારણ કરાવીને પછીથી પાઘમાં સુંદર શિરપેચ ધારણ કરાવ્યો. અને સુંદર પોંચી તથા વેઢ વિંટીયો ધારણ કરાવી અને સુગંધીમાન પુષ્પના હાર ધારણ કરાવ્યા. જ્યારે સાયંકાળ થયો ત્યારે હીરજીભાઇએ સુંદર દીપમાળા પુરાવી અને હજારો દીવાઓની અધોઉર્ધ્વ પંક્તિઓ કરાવી. અને અનેક પ્રકારના કાચયંત્રમાં મીણબત્તીઓના દીવા કરાવ્યા. તે વખતે અદ્‌ભુત શોભા થઇ. તે મધ્યે પાટ ઉપર મહારાજને વિરાજમાન કર્યા અને હરિજનો સર્વેએ ઉત્સવ કર્યો. અને મહારાજની આરતી ઉતારીને ઘણીક પ્રાર્થના કરી. તે સમયે મુળજી બ્રહ્મચારી તેડવા આવ્યા. એટલે શ્રીહરિ સભામાંથી ઉઠીને ભોજન કરવા પધાર્યા. તે સુંદર દૂધ, સાકર, પુરી જમીને જળપાન કરીને મુખવાસ લીધો. ત્યાર પછી પોતાના ભક્તજનોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવા શ્રીહરિએ યોગનિદ્રાને અંગીકાર કરી.

પછી શ્રીહરિ પ્રાતઃકાળમાં ઊઠીને સંતો-પાર્ષદોને સાથે લઇને હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. તે સરોવરને કાંઠે પોતાનાં વસ્ત્ર ઉતારીને સખા સહિત જળમાં પ્રવેશ કર્યો. અને તરતા તરતા અગાધ જળમાં ગયા અને સંતો પાર્ષદોને જોતે સતે ડૂબકી મારીને જળને વિષે સિધ્ધાસન વાળીને બેસી રહ્યા. સંતો તથા પાર્ષદો મહારાજને ખોળવા લાગ્યા પણ મલ્યા નહિ. ત્યારે સહુ નિરાશ થઇને જળથી બહાર નીકળ્યા અને કાંઠે બેસીને સૌ મનમાં ઘણોક શોક કરવા લાગ્યા જે, આ તે શું થયું ? આ વાતની સર્વે હરિભક્તોને ખબર પડશે તો તે બધા ઉદાસ થઇ જશે. એમ શોકાતુર થઇને વિલાપ કરવા લાગ્યા. એટલામાં જળમાં અકસ્માત શીતળ, શાન્ત, અધઃઉર્ધ્વ પ્રમાણે રહિત મોટો તેજનો સમૂહ દેખાણો અને બે ઘડી પછી તે તેજમાં શ્રીજી મહારાજે અનંત દિવ્ય મુક્તે વિંટાણા થકા અદ્‌ભુત આશ્ચર્યકારી દિવ્યરૂપે દર્શન આપ્યાં. શ્રીહરિની મૂર્તિ જોઇને કિનારે બેઠેલા સંતો તથા સખાઓ ચિતરામણમાં ચિતરેલા ચિત્રની માફક સ્થિર થઇ ગયા. પછી સહુ પ્રતિ શ્રીહરિ બોલ્યા જે, અમો તો નિરંતર માયા થકી પર જે અક્ષર તે થકી પણ પર છીએ. માટે અમારા સ્વરૂપમાં મનુષ્યભાવ ન લાવશો. અમારે વિષે જે મનુષ્યભાવ લાવે છે તેને અમારો મહિમા જાણવામાં ખામી છે. તમે સર્વે મને જળમાં ડૂબી ગયો જાણીને શોક કરવા બેઠા, તો મારો મહિમા તમને ક્યાં જણાયો છે ? જો મને દિવ્યરૂપે નહિ સમજો તો ક્ષણે ક્ષણે મારાં ચરિત્ર જોઇને તમારા મનમાં સંશય થશે. માટે આજથી હવે મને સદાય દિવ્ય સાકાર જાણીને મારો નિશ્ચય કરજો. પણ મનુષ્યભાવ પરઠશો નહિં. એવી રીતે મહારાજે દિવ્યરૂપે દર્શન આપીને સર્વેનો શોક નિવારણ કર્યો અને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી શ્રીહરિ સર્વે તેજને પોતાની મૂર્તિમાં લીન કરીને પ્રથમ જે સ્વરૂપે જળમાં તરતા હતા તે રૂપે દેખાણા એટલે સર્વે સંતો તથા પાર્ષદો તત્કાળ જળમાં પડ્યા અને શ્રીહરિની સમીપે જઇને જળમાં તરવા લાગ્યા. પછી શ્રીહરિએ મંદમંદ હસતા હસતા જળથી બહાર નીકળીને પોતાનાં વસ્ત્રો ધારણ કર્યાં ને સંતો પાર્ષદો પણ વસ્ત્ર ધારણ કરીને તૈયાર થયા અને શ્રીહરિ હરડી ઘોડી ઉપર વિરાજમાન થયા. ને સંતો-પાર્ષદો કીર્તન ગાતા ગાતા આગળ ચાલ્યા, મધ્યે શ્રીહરિ ચાલ્યા, પાછળ સર્વે હરિભક્તો ચાલતા હતા; એવી રીતની શોભાયે યુક્ત શ્રીહરિએ ગાજતે વાજતે મહાદેવવાળા દરવાજે થઇને ભુજનગરમાં પ્રવેશ કર્યો. તે વખતે શહેરનાં જનો શ્રીહરિનાં દર્શન કરવા માટે રાજમાર્ગની બે બાજુ પંક્તિઓ કરીને ઊભાં રહ્યાં. અને શ્રીહરિની મૂર્તિનું ચિંતવન કરતાં હતાં. તેટલામાં મહારાજને પોતાની પાસે આવ્યા દેખીને મહારાજની સ્તુતિ કરીને તથા પૂજા કરીને નમસ્કાર કર્યા.

એવી રીતે શ્રીહરિ ભુજનગરમાં સર્વે જનોને દર્શન આપીને તેમની પૂજા તથા સ્તુતિ અંગીકાર કરીને પોતાને ઉતારે પધાર્યા અને હરડી ઘોડીથી નીચે ઉતરીને પોતાની નિત્યવિધિ કર્યાનું સ્થાન જે ભગવાનજીભાઇનું ઘર, તેમાં વિરાજમાન થયા અને સંતો-પાર્ષદો પણ સભામાં આવીને બેઠા. તે વખતે પ્રાગજી પુરાણીએ આવીને પ્રાર્થના કરીને જે, હે કૃપાનાથ ! અન્નકૂટ પૂરવાનો સમય થઇ ગયો છે. તેથી આપ પધારો અને સૌને અન્નકૂટ પૂરવાની યુક્તિ બતાવો. પછી શ્રીહરિ સભામાંથી ઊઠીને હીરજીભાઈને ઘેર જે સ્થળે અન્નકૂટ પૂરવાનો ઠરાવ કરેલો હતો તે સ્થળે આવીને સુંદર સિંહાસન ઉપર હરિકૃષ્ણ મહારાજરૂપે પોતાની મૂર્તિ સ્થાપન કરાવી. તેમની આગળ અન્નકૂટ પૂરવાની રચના મહારાજે બતાવી.

પછી શ્રીહરિ સભામાં વિરાજમાન થયા. અને સંતો પાર્ષદો પણ સર્વે સભામાં આવીને બેઠા. પછી દેશાંતરના હરિભક્તો પણ આવીને શ્રીહરિ અને સંતોનાં દર્શન કરીને સભામાં બેઠા. શ્રીહરિએ દેશાંતરના હરિભક્તો આગળ પોતાના પ્રગટ પ્રતાપની વાતો કરી. તે વખતે પ્રાગજી પુરાણી મહારાજ પાસે આવીને ઊંચે સ્વરે કરીને બોલ્યા જે, હે કૃપાનાથ ! પધારો, પધારો, ઠાકોરજીની આરતી કરવાનો સમય થયો છે. ને અન્નકૂટ ભરાઇ ગયો છે. પછી શ્રીહરિ તત્કાળ ઊઠ્યા. ને અનેક દીવેટો પ્રગટ કરીને શ્રીહરિ પોતે ધર્મ સ્થાપનને અર્થે પ્રગટ થયા છે, માટે પોતાના ભક્તોને ધર્મની રીતિ શિખવાડવા, પોતે આરતી ઉતારીને શ્રીહરિએ અન્નકૂટનાં દર્શન કર્યાં. તેમાં અનેક પ્રકારનાં પકવાન તથા અનેક પ્રકારનાં શાક, અથાણાં આદિક અનેક સામગ્રી અન્નકૂટમાં ધરેલી હતી તેનાં દર્શન કર્યાં. અને લક્ષાવધિ જનોને દેખતાં શ્રીહરિ પ્રગટ રૂપે મૂર્તિમાં પ્રવેશ કરીને તે ભોજન જમ્યા અને સૌને આનંદ ઉપજાવ્યો. શ્રીહરિ મુકુંદ બ્રહ્મચારીએ ઢાળી આપ્યો જે બાજોઠ તેના ઉપર બેઠા. બીજા બાજોઠ ઉપર અનેક ભોજનની સામગ્રી ભરીને જે થાળ ધરાવ્યો હતો તેમાંથી અનેક પ્રકારનાં ભોજનો જમ્યા. ત્યાર પછી સંતોની પંક્તિ કરાવીને તેમને વારંવાર પીરસીને જમાડ્યા. અને હરિભક્તોને પણ જમાડ્યા. પછી શ્રીહરિ જળે કરીને હસ્ત તથા ચરણારવિંદ ધોઇને ઢોલિયા ઉપર વિરાજમાન થયા. પોતાની પાસે આવીને બેઠા એવા સંતો-પાર્ષદો અને કેટલાક હરિભક્તોની આગળ પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. પછી શ્રીહરિ પોતાના ભક્તજનોનું હિત ચિંતવન કરતા પોઢી ગયા. અને સંતો હરિજનો પોતપોતાને ઉતારે ગયા. શ્રીજીમહારાજ બે મુહૂર્ત પછી જાગ્યા અને મુળજી બ્રહ્મચારી સુંદર સુગંધીમાન શીતળ જળનો લોટો ગાળીને ભરી લાવ્યા. તેમાંથી જળનો અબખોરો ભરીને આપ્યો, તે લઇને શ્રીહરિએ કોગળા કર્યા. પછી સભામાં આવીને પાટ ઉપર વિરાજમાન થયા.

શ્રીહરિ સભામાં પાટ ઉપર આવીને વિરાજમાન થયા છે તે જેને પૂજા કરવી હોય તે ચાલો. એવા સમાચાર સાંભળીને સર્વે હરિભક્તો મહારાજની પૂજા કરવાનો જે પોતપોતાના દેશમાંથી પોશાક લાવેલા હતા તેનાં પાત્ર હસ્તમાં લઇને સભા પ્રત્યે આવ્યા. પછી અનુક્રમે એક એક ગામના હરિભક્તો ભેળા થઇને શ્રીહરિની પૂજા કરવા સમીપે આવ્યા, અને શ્રીહરિને પોતપોતાનાં દેશનાં સુંદર વસ્ત્રો પહેરાવીને કેસરે યુક્ત ચંદનની અર્ચા કરીને પુષ્પના હાર પહેરાવ્યા. ને સોના મહોર તથા રૂપામહોરના થાળ ભરી મહારાજની આગળ ધરાવ્યા, ને આરતી ઉતારીને સ્તુતિ કરીને સભામાં બેઠા. પછી બીજા ગામના હરિભક્તોએ તત્કાળ શ્રીહરિની સમીપે આવીને પૂજા કરી અને પોતે જે જે વસ્ત્રો આભૂષણો લાવેલા હતા તે મહારાજને પહેરાવ્યાં. ચંદન પુષ્પના હાર, તોરા તેણે કરીને મહારાજની પૂજા કરીને આરતી ઉતારીને સ્તુતિ કરીને પછી સભામાં બેઠા. એવી રીતે અનુક્રમે સર્વે દેશના હરિભક્તોએ મહારાજની પૂજા કરી. પછી શ્રીહરિએ સુંદરજીભાઇ તથા હીરજીભાઇને કહ્યું જે, તમો આવતીકાલે પૂજા કરજો.

ત્યારે હીરજીભાઇએ કહ્યું જે, હે મહારાજ ! અમોએ પણ સર્વ સામગ્રી તૈયાર કરી છે, તે આપની મરજી હોય તો આજે જ પૂજા કરીએ. ત્યારે મહારાજે કહ્યું, બહું સારું, લાવો, ત્યારે તત્કાળ પૂજાપાત્ર હસ્તમાં લઇને આવ્યા. શ્રીહરિએ પ્રથમ પહેરેલાં વસ્ત્રોને ઉતરાવીને સુંદર રાતા અતલસનો સુરવાળ ધારણ કરાવ્યો. તેને મહારાજે પોતાના ભક્તજનોને શિખવાડવા સારુ ધોતિયા ઉપર પહેર્યો અને સુંદર જરિયાની પીળા અતલસની ડગલી પહેરાવી. આસમાની રંગનું જરીયાની શેલું ખભે ધારણ કરાવ્યું અને જરીયાની બુટાદાર કેસરીયા રંગના છેડાવાળી ને જરીયાની લીલી કોરવાળી પાઘ મસ્તકે બંધાવી. ને ગૂઢા રંગનું જરકસી શેલું કટિને વિષે બંધાવ્યું. અને સુંદર શિરપેચ ધારણ કરાવ્યો. હસ્તને વિષે સુંદર નંગજડિત કડાં તથા પોંચીઓ તથા વેઢ વીંટિયો પહેરાવી. કંઠને વિષે ચંદનહાર તથા મોતીઓની માળ પહેરાવી. પછી ચંદનની અર્ચા કરી પુષ્પના હાર પહેરાવીને મહારાજ આગળ સોનામહોરોનો થાળ ભરીને મૂક્યો. પછી આરતી ઉતારી સ્તુતિ કરી. ને મહારાજને બહુ રાજી કર્યા અને સર્વ સંતોની પણ ચંદન તથા પુષ્પના હારે કરીને પૂજા કરીને સર્વેને સુંદર વસ્ત્રો ઓઢાડ્યાં.

પછી શ્રીહરિએ સંતોને પૂજા કરવાની આજ્ઞા કરી જે, તમો પણ પૂજા કરી લ્યો. ત્યારે સંતોએ પણ ઊઠીને ચંદન પુષ્પે કરીને પૂજા કરી ને આરતી ઉતારી અને સર્વેએ મળીને સ્તુતિ કરી. પછીથી સભામાં બેઠા. ને મહારાજે તે દેશાંતરના હરિભક્તો આગળ હીરજીભાઇ તથા સુંદરજીભાઇની ઘણીક પ્રશંસા કરી. પછી મહારાજે પોતાના ભક્તોને જેમ વર્તવું ઘટે, તેમ તેને આજ્ઞા ઉપાસનાની વાતો કરી. એટલામાં ગવૈયા સંતો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિકે આવીને ગાવણું કર્યું. તે સાંભળીને સભામાં બેઠેલા લક્ષાવધિજનો સ્થિર થઇ ગયા. અને પોતાના જીવાત્માને વિષે અનંત દિવ્યમુક્તે યુક્ત એવી મહારાજની મૂર્તિ દેખી. તે જ્યાં સુધી ગાવણું કર્યું ત્યાં સુધી દેખાણી. પછી ગાવણાંની સમાપ્તિ કરી ત્યારે સર્વેજનો સમાધિમાંથી જાગ્યા ને પોતાનું ધન્યભાગ્ય માનવા લાગ્યા. પછી સંતો ગોડી બોલ્યા અને શ્રીહરિએ આરતી-નારાયણ ધૂન્ય કરીને વાતો કરી. પછી સૌને પોતાને ઉતારે જવાની આજ્ઞા કરી. અને ભક્તજનોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવા શ્રીહરિ પોઢી ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે હીરજીભાઇ પાસે અન્નકૂટ કરાવ્યો તથા હરિભક્તોને ઉતારે જવાની આજ્ઞા કરીને પોતે પોઢ્યા એ નામે બત્રીસમો અધ્યાય. ૩૨