૩૩ માનકૂવે પધાર્યા, ત્યાંથી દહીંસરા, વડવાળા, કંડરાઈ, મેઘપુર, નારાયણપુર, કેરા, બળદીયા, ગજોડ, ફરાદી થઈ માંડવી પધાર્યા, અન્નકૂટની કંકોતરીઓ લખાવી, ખૈયાની વાત શિવરામની સમજણ વખાણી.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:24pm

અધ્યાય-૩૩

પ્રાતઃકાળે શ્રીહરિ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને હમીર સરોવરમાં સ્નાન કરીને પોતાનું દેવાર્ચનાદિક નિત્યકર્મ કરીને સભામાં પાટ ઉપર આવીને વિરાજમાન થયા. સર્વે જનો પરવારી આવ્યા અને સભામાં બેઠા. ને મહારાજ નિત્યે સદ્‌ગુરુઓ પાસે વાતો કરાવે અને કયારેક કયારેક પોતે વાતો કરે. એવી રીતે પાંચ દિવસ પર્યંત સર્વે જનોને રાખીને મહારાજે સૌને આજ્ઞા કરી જે, પ્રાતઃકાળમાં સૌને પોત પોતાના દેશમાં જવાની અમારી આજ્ઞા છે, માટે જજો. અને સંત મંડળને પણ ફરવાની આજ્ઞા આપી. તેથી પ્રાતઃકાળમાં હરિભક્તો ઊઠીને શ્રીહરિનાં દર્શન કરીને પોત પોતાના દેશમાં ગયા. અને સંતો પણ ફરવા ગયા અને કેટલાક સંતોને મહારાજે પોતાની પાસે રાખ્યા. આવી રીતે અન્નકૂટનો મહોત્સવ કરીને

શ્રીજીમહારાજે હીરજીભાઈ તથા સુંદરજીભાઈનો મનોરથ પૂર્ણ કર્યો. ત્યાં એક માસ રહીને પાર્ષદે સહિત માનકૂવે પધાર્યા. સુતાર નાથાને ઘેર ઉતર્યા. ત્યાં તેમને ઘેર ચાર શેર લીલાં મરચાં પોતે ખાંડીને કઢીમાં નખાવીને જમવા બેઠા. બાઈ પીરસવા લાગ્યાં તો બાઈએ જેટલી કઢી પીરસી તેટલી જમી ગયા. ને પછી મહારાજ જમીને તૈયાર થયા. તે ભાગોળે આવ્યા અને સુતાર બાઈ પણ ભાગોળે આવીને બોલ્યાં જે, હે મહારાજ! રહેવાનું કહેતા હતા ને તરત કેમ તૈયાર થયા? ત્યારે મહારાજ બોલ્યા જે, તમોએ અમને કઢી પૂરી જમાડી નહિ એટલે નહી રહીએ અને જો બધી કઢી જમાડો તો રહીએ, ત્યારે તે સુતારબાઈ બોલ્યાં જે, મેં જાણ્યું જે કઢીમાં મરચાં ઘણાં છે તે મહારાજને બહુજ વસમું લાગશે. એમ જાણીને ભદુડામાં અર્ધી કઢી ભરીને કોઠલામાં મૂકી દીધી. પછી મહારાજ બોલ્યા જે, અમને જમાડો તો અમે પાછા આવીએ. ત્યારે તે બાઈએ કહ્યું જે, બધી કઢી આપને જમાડીશ પાછા આવો. પછી મહારાજ તે સુતારને ઘેર પધાર્યા, અને કઢી જમીને ત્યાં રહ્યા. અને બીજા સત્સંગી સર્વેએ પોત પોતાને ઘેર રસોઈ કરાવીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. ત્યાં શ્રીહરિ પંદર દિવસ રહ્યા.

ત્યાંથી કરલે (ઊંટ ઉપર) બેસીને દહીંસરે જતાં રસ્તામાં વડવાળા વોકળેથી કમાઈ દિશામાં કંડરાઈ તળાવે રાત્રીએ ખીજડાને ઝાડે કરલો બાંધીને સૂતા. ત્યારે તે વખતે ભેળા ઉકરડા ભક્ત હતા તે ચરણ ચાંપવા લાગ્યા. તેને મહારાજ કહે જે, કોઈક વખતે ભગવાન ગરુડ ઉપર બેસીને ગોલોકમાં જતા હતા ત્યાં માર્ગમાં ગરુડને કદમે બાંધીને પોતે સૂઈ રહ્યા. ત્યારે ભક્તે પૂછ્યું જે, ગોલોક તે શું ? અને કદમ તે શું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દહીંસરા એ ગોલોક અને ખીજડો તે કદમ અને કરલો એ ગરુડ એમ જાણવું. આવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી. તે વખતે નારદજી મહારાજનાં દર્શન કરવા ત્યાં આવ્યા હતા. દર્શન કરીને સત્યલોકમાં ગયા. ત્યાં પોતે સાંભળેલી વાત બ્રહ્મસભામાં કરી જે, પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્‌ ભરતખંડમાં પ્રગટ થયા છે. અને તે ખંડના મનુષ્યોને પોતાનું બ્રહ્મસુખ આપે છે. તે વાર્તાને સાંભળીને ત્યાંથી અનંતકોટી મુક્તો તથા અનંતકોટી બ્રહ્માંડાધિપતિઓ તથા અનંત દેવો, તથા ચાર વેદો સર્વેએ વિપ્રના વેષે આવીને મહારાજની વિનયપૂર્વક જુદી જુદી કેસર-ચંદન તથા પુષ્પના હાર વિગેરે ઉપચારોથી પૂજા કરી. અને જુદી જુદી રીતે મહારાજની સ્તુતિ તથા પ્રાર્થના કરી.

ત્યારે મહારાજે પ્રસન્ન થઈને તે સર્વેને હેતે સહિત કહ્યું જે, તમો સર્વને મારા પદને પમાડીશ. એવી રીતે ઘણીક વાર્તા કરી ને ત્યાંથી ઊઠીને ચાલ્યા તે દહીંસરાના હરિસરોવરમાં જળનું પાન કરવા ગયા. પણ પાણી ન હોવાથી તળાવને કાંઠે ખીજડાના વૃક્ષ તળે ચાર ઘડી વિશ્રામ કરીને ઊઠ્યા તે દહીંસરાની ભાગોળમાં અવાડાની પાળી ઉપર વિરાજમાન થયા. તે વખતે પટેલ કચરો વાડીએથી આવતા હતા. તે આવીને મહારાજની સમીપે ઊભા રહ્યા. અને મહારાજની અલૌકિક મૂર્તિ જોઈને તે ભક્ત બોલ્યા જે, મહારાજ! મારે ઘેર પધારો. ત્યારે મહારાજે કહ્યું જે, અમારે કેરે જવાની ઉતાવળ છે તેથી આ વખતે ઘરે તો નહી આવીએ. પણ અમોને તરસ લાગી છે તે જળ લાવો તો જળપાન કરીએ. પછી તે કચરો ભક્ત પોતે વ્યાસ ગોવર્ધનને ઘેરથી જળનો લોટો લાવ્યા અને મહારાજને આપ્યો તે મહારાજ જળપાન કરીને પછી ત્યાંથી કચરા ભક્તને ઘેર પધાર્યા, ત્યાં થાળ જમીને મેઘપુર પધાર્યા અને ત્યાંથી નારાયણપુરના ઉપલાવાસમાં પધાર્યા અને ત્યાંના ઠાકોરદેરાની રૂપચોકી ઉપર ઉતર્યા. અને માવજી ભક્તને બોલાવીને ત્યાંથી નીચલાવાસમાં ચાલ્યા.

ત્યાં ગામના સમીપમાં વડ ઓટો છે ત્યાં જળપાન કરીને ત્યાંથી કેરે પધાર્યા. ને તે ગામની સમીપે એક સજીવન કુંડ છે તેમાં પાણી સજીવન રહે છે અને પાણી ઉપરથી હંમેશાં વહી જાય છે. તે ગંગામાં પોતે સ્નાન કરીને સદાબાને ઘેર પાર્ષદે સહિત જમવા પધાર્યા. અને બીજે દિવસે તે ગામથી ઉત્તર બાજુ બે નદીઓનો જ્યાં સંગમ ભેળો થાય છે. ત્યાં પાણીનો મોટો ધરો છે. ત્યાં સ્નાન કરવા પધાર્યા. તથા કોઈક દિવસે ગામથી પશ્ચિમ દિશે નદીમાં મોટો પથ્થરનો ગડ પડ્યો છે તેના સમીપે ધરામાં સ્નાન કરીને સદાબાને ઘેર પાર્ષદે સહિત જમવા પધાર્યા. આ પ્રમાણે બે ત્રણ દિવસ રહીને જમીને ત્યાંથી ગામ બળદીયે ગયા. બળદીયામાં ઠાકોરમંદિરમાં તુલસીકયારાને તળે પગથીયાં ઉપર વિરાજમાન થયા અને ત્યાંથી ઊઠીને મંદિરમાં ઉત્તર બાજુની ભીંતમાં ગોખ હતો તેમાં મોટી પથ્થરની શીલા હતી તે ઉપર વિરાજમાન થયા. તે વખતે પટેલ ગંગદાસ ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા.

શ્રીજીમહારાજની અલૌકિક તેજના સમૂહ સહિત ચમત્કારી મૂર્તિ જોઈને પટેલ બોલ્યા જે, મહારાજ! મારે ઘેર થાળ જમવા આવશો? ત્યારે મહારાજે કહ્યું જે, ચાલો, અમે આવશું. એમ કહીને પટેલ ગંગદાસને ઘેર થાળ જમવા પધાર્યા. થાળ જમીને પછીથી તેના પુત્ર દેવજી તથા કરશન ભક્ત તથા રતના ભક્ત તથા મેઘજી ભક્ત તથા ગોવા ભક્ત તથા બીજા દેવજી ભક્ત આદિક સર્વેને ઘેર પધારી ને ભક્તના સુખ માટે થાળ જમીને તે ભક્તના મનોરથ પૂર્ણ કર્યાં. ને ગામથી ઉત્તર બાજુ કાળું તળાવ છે ત્યાં દરરોજ મહારાજ સ્નાન કરવા પધારતા. અને સ્નાન કરીને વસ્ત્રો પહેરીને તળાવની પાળ ઉપર પાર્ષદો તથા હરિભક્તોએ સહિત વિરાજમાન થયા. કેટલાક દિવસ તે ગામમાં રહીને ત્યાંથી ચાલ્યા તે ગામ ગજોડમાં સુતાર ધનજીને ઘેર પધાર્યા. ને ત્યાં પ્રાતઃકાળે નદીમાં સ્નાન કરીને નિત્યકર્મ કરીને અને થાળ જમીને ચાલ્યા તે ગામ ફરાદીમાં સુતારને ઘેર રાત્રિ રહીને માંડવી બંદર પધાર્યા અને ચાંપસી સુતારને ઘેર નિવાસ કરીને રહ્યા.

ત્યાં રહ્યા થકા કંકોતરીઓ લખાવીને સર્વે પરમહંસોને તેડાવ્યા. તેથી સર્વે પરમહંસો માંડવી આવ્યા. તેમને મહારાજે બીજું સુતારનું ઘર હતું તેમાં ઉતારો કરાવ્યો. અને શ્રીહરિ ત્યાં રહ્યા થકા હરિભક્તોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી તથા પોતાના સ્વરૂપના મહિમાની જે રીતે સમજાવવી ઘટે તેમ ઘણિક વાતો કરી. અને ત્યાં હમેશાં લક્ષ્મીનાથ ભટ્ટ પાસે કથા વંચાવતા. તે સમયે ત્યાં આત્માનંદ સ્વામી આવ્યા. તે મહારાજ અને સંતો રહેતા હતા તે જગ્યામાં મહારાજ બાજોઠ ઉપર બેઠા હતા ત્યાં સ્વામી જઈને પગે લાગ્યા. પછી મહારાજે સ્વામીને કહ્યું જે, તમે ભૂખ્યા છો? ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે , હે મહારાજ! ભૂખ્યો છું. પછી મહારાજે રોટલા મંગાવ્યા ને આત્માનંદ સ્વામીને જમાડ્યા. પછી મહારાજ કહે, સ્વામી ! અમે વેદાંત સાંભળવા જઈએ છીએ તે આજ સાંજના આપણે જશું. એટલામાં એક બાઈ મહારાજને અર્થે પૂજાની સામગ્રી લાવી તેમાં એક મીઠાઈની માટલી તથા ચંદનનો કટોરો તથા ગુલાબ-ચંપાના હાર તથા ગુલાલ એ આદિક સામગ્રી લાવી. પછી મહારાજ કહે હમણાં રે’વા દ્યો. ઘડી એક પછી પૂજા કરાવીશું. ને બાઈ તો પૂજાની સામગ્રી મૂકીને ગઈ. પછી એક મુક્ત ફકીરને વેષે આવ્યો ને આવીને બોલ્યો જે, “ભેજના અલ્લાહ કે નામ, હજાર હોવે તો’ પછી મહારાજ કહે આવો. ત્યારે તે મહારાજની આગળ આવીને બેઠો. પછી મહારાજે કહ્યું, અમારે અર્થે પૂજાનો સામાન હતો તે લાવો. પછી સાધુએ લાવીને આપ્યો અને મહારાજે મીઠાઈની માટલી હતી તે એની ઝોળીમાં ઠાલવી દીધી, ને તે જમવા મંડ્યો. મહારાજે તેને બે હાર પહેરાવ્યા. અને ચંદનનો કટોરો હતો તે તેના માથા ઉપર ઊંધો વાળ્યો અને ગુલાલનો લોટકો હતો તે પણ તેના માથા ઉપર ઊંધો વાળ્યો તે બધે શરીરે અને ઝોળીમાં ગુલાલ ગુલાલ થઈ રહ્યો. પછી મહારાજે કહ્યું જે, જાઓ, હવે ફરી આવશો નહિ. અમે રમતા રામ છીએ.

સાંજના મહારાજ સાધુએ સહિત માર્ગમાં ચાલ્યા જતા હતા ત્યાં ગુંસાઇજીનું મંદિર આવ્યું. ત્યાં સંધ્યા આરતી થઈ ત્યાં સુધી ઠાકોર સામા ઊભા રહ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે વેદાંતની કથા થતી હતી ત્યાં ગયા અને મહારાજને જોઈને કથા વાંચતા ઊભા રહી ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, વાંચો. ત્યારે તે બોલ્યા જે, પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મહારાજે કહ્યું જે, સર્ગ પૂરો કરો. પછી પ્રશ્ન-ઉત્તર કરશું.

પછી વસિષ્ઠ સારનો સર્ગ પૂરો થયો એટલે વેદાંતીએ પ્રશ્ન કર્યો. તે પ્રશ્નમાં મહારાજે દોષ દેખાડ્યો. પછી વેદાંતીઓ એકબીજાને કહેવા લાગ્યા જે, આપણને પૂછતાં ન આવડ્યું. પછી મહારાજે જાણ્યું જે, એ તો દબાઈ ગયા તે હવે નહિ બોલે. એમ જાણીને રાણસુર ભક્તને કહ્યું જે, કીર્તન બોલો. ત્યારે ભક્ત બોલ્યા જે, ‘એક વાર આવો રે હરિ મારે નેહડે રે, નહિ આવો તો નંદ બાવાની આણ છે.’ એ કીર્તન બોલ્યા. પછી ખૈયે પૂછ્યું જે, હે મહારાજ! કોણ કહે છે જે, “ આવો મારે નેહડે’? ત્યારે મહારાજે કહ્યું જે, ગોવાળ ને ગોપીયું શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે જે, અમારે નેહડે આવો. ત્યારે ખૈયો બોલ્યો જે, એ તો મો’રની વાત છે, પણ હમણાં કોણ કહે છે જે, અમારે નેહડે આવો? ત્યારે મહારાજ બોલ્યા જે આજ ભગવાનનો અવતાર હશે તેના ભક્ત હશે તે જે ગામમાં રહેતા હશે તે નેહડો. તે કહેતા હશે જે, અમારે ગામ આવો. ત્યારે ખૈયો બોલ્યો જે, તે દિવસ તો ભગવાન નંદજીના પુત્ર હતા. અને આજ ભગવાન કોના દીકરા છે? ત્યારે મહારાજે કહ્યું જે, ભક્તિ-ધર્મના દીકરા છે. ત્યારે ખૈયો બોલ્યો જે, શ્રીકૃષ્ણે ગોવર્ધન તોળ્યો હતો તે શું ? તથા ઇન્દ્ર કોપ્યો અને બહુ વરસાદ કર્યો તે શું ? ને વરસાદના પાણીને સૂકવી દીધું તે ચક્ર શું ? ત્યારે મહારાજ બોલ્યા જે, ગોવર્ધન તે કામ, અને તે જે ભગવાનને આશરે આવ્યો તે ભગવાન એને સહાય છે, તેથી તેને કામ નથી પીડતો. ઈંદ્ર તે મતપંથરૂપ છે. ને ઈંદ્ર કોપ્યો અને વરસાદ વરસ્યો. તે મતપંથી હજારો વચન કહે છે, ત્યારે ભગવાનનો ભક્ત એક વચન બોલે તે એનાં બધાં વચન ખોટાં થઈ જાય, એ ચક્ર છે.

ત્યારે ખૈયો બોલ્યો જે, તે દિવસે કૃષ્ણનું ભજન કરતા. ને આજે શું નામ લઇને ભજન કરતા હશે ? ત્યારે મહારાજ બોલ્યા જે, નારાયણ, નારાયણ, નારાયણ, ભજન કરતા હશે કે સ્વામિનારાયણનું ભજન કરતા હશે. ત્યારે ખૈયે કહ્યું જે, સ્વામિનારાયણ વાત કરે છે તે કાંઇ સમજ્યા ? ત્યારે બીજા બેઠા હતા તે બોલ્યા જે, સ્વામિનારાયણ બ્રહ્મની વાત કરે છે તે આપણને મળતી આવે તેને માનવી. ત્યારે ખૈયો કહે જે, મને તમે કેવો જાણો છો ? ત્યારે તે કહે, તું તો પર્વત જેવો. કોઇનો ડગાવ્યો ડગે નહિ. ત્યારે ખૈયે કહ્યું જે, પર્વત ડગ્યો. ને આજથી મારે તો હવે હેકડો સહજાનંદ સહજાનંદ કર્યા કરવો. ત્યારે એક વાંઝો બોલ્યો જે, મને પણ જણાય છે જે, કોઇ મોટા તો ખરા. ત્યારે ખૈયો બોલ્યો જે, આ એક બીજો પાણો પણ ડગ્યો. પછી મહારાજ તો ત્યાંથી ચાલી નીકળ્યા. ને ઊભી શેરીએ હસતા હસતા ઉતારે આવીને ઢોલિયા ઉપર આડે પડખે થઇને સુતાર ભગવાનજી આગળ વાત કરવા લાગ્યા જે, આજ તો ભારે રાક્ષસને પાડ્યો અને બહુ થયું, ને બહુ તો કાલ થાશે. ત્યારે ભગવાનજીએ કહ્યું જે, એમાં તમારે શું આશ્ચર્ય છે ? તમે એવા અનંત રાક્ષસને પાડો. પછી શ્રીજીમહારાજ હસતા હસતા પોતાને ઉતારે પધાર્યા, અને ઢોલિયા ઉપર પોઢી ને વળી સવારમાં દિવસ ઊગ્યા પહેલાં જ સાધુને ઉતારે આવ્યા, તે સાધુઓએ ઓસરીએ આસન બિછાવ્યું તેના ઉપર દાતણ કરવા બેઠા. ત્યાં ઓસરી હેઠે ઊંટ ઘાણીયે ફરતો હતો. ત્યારે મહારાજે ઘાંચીને કહ્યું જે, તારો ઊંટ ભૂખ્યો દેખાય છે. ત્યારે ઘાંચી બોલ્યો જે, હે મહારાજ ! હું ચાર નીરવી ભૂલી ગયો છું. દરરોજ નીરું છું. ત્યારે મહારાજે કહ્યું જે, એ રોટલા ખાય છે કે નહિ ? ત્યારે ઘાંચીએ કહ્યું જે, રોટલા તો અમે નથી ખીલાયા. ને ખાણ તો ખાય છે. પછી મહારાજે રોટલા મંગાવ્યા. ને એક રોટલો બેવડ ચોવડ કરી દીધો તે ઝટ ખાઇ ગયો. ત્યારે મહારાજે કહ્યું જે, આ રોટલા તો ખાય છે. પછી એક ઝોળી રોટલાની હતી તે ઘાંચીને આપી તે ઘાંચીએ રોટલા ખવડાવ્યા. અને મહારાજે કહ્યું જે, એને મધ્યાન સુધી નિરાંત થઇ. પછી મહારાજે તે ઘાંચીને કહ્યું જે, તમે નિત્યે સાંજના ક્યાં જાઓ છો ? ત્યારે તેણે કહ્યું જે, કાજી પાસે જાઉં છું. પછી મહારાજે કહ્યું જે, કાજી તમને શું કહે છે ? ત્યારે તેણે કહ્યું જે, અમને કલમા સંભળાવે છે. ત્યારે મહારાજ સાધુ સામું જોઇને બોલ્યા જે, કોઇને કલમા આવડે છે ? ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા જે, મને આવડે છે. ત્યારે મહારાજે ઘાંચીને કહ્યું જે, આવો ! અમે તમને કલમા સંભળાવીએ. ત્યારે ઘાંચી, તેની સ્ત્રી ને તેની દીકરી એ ત્રણે આવીને આગળ બેઠાં.

પછી મહારાજે કહ્યું જે, હવે તમે બોલો, પછી આત્માનંદ સ્વામી પંચકલમા બોલ્યા. ત્યારે ઘાંચી બોલ્યો જે, તમારે ફકીરું કું પંચ કલમા આતે હૈ, ત્યારે તે કલમાની મહારાજે બહુ વાત કરી. પછી તેની દીકરીને તો સમાધિ થઇ. અને મહારાજ ને સાધુ ના’વા ગયા તે કૂવે નાહ્યા. ત્યાં એક શિવજી છે ત્યાં એક બાળક હતો તેણે કહ્યું જે, તમે સૌ નાહ્યા, પણ શિવને કોઇએ ન નવડાવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, લે, તારા શિવને નવડાવીએ. પછી મહારાજે શિવને નવડાવ્યા, પછી મહારાજ ને સાધુ નાહીને ચાલ્યા આવતા હતા ત્યાં દરવાજે સિપાઇએ રોક્યા ને કહ્યું જે, શહેરમાં નહિ જવાય. ત્યારે મહારાજે કહ્યું જે, અમારા સાધુ ધન-સ્ત્રીને અડે નહિ ને લાકડી રાખે નહિ અને લીલું દાતણ પણ તોડે નહિ. ત્યારે સિપાઇએ કહ્યું જે, તમે કયા સો ઠીક હે પણ અહીંયાં નહિ. ત્યારે મહારાજે કહ્યું જે, અમારી પોથી-ઝોળી એ આદિક સામાન માંહે પડ્યો છે. ત્યારે તેણે કહ્યું જે, તે તો મર પડ્યો હોય. પણ શેઠની આજ્ઞા નહિ હે. ત્યારે મહારાજે કહ્યું જે, અમારે માટે ગૃહસ્થને ઘેર રસોઇ કરી છે તે બગડશે. ત્યારે સિપાઇ કહે મર બગડે, પણ અહીંયાં નહિ. પછી મહારાજ ને સાધુ બીજે દરવાજે ગયા.

ત્યાં પણ સિપાઇ આડો ફર્યો. ત્યારે મહારાજે એની એ વર્તમાનની વાત કરી. ત્યારે તે કહે જે, તમારા એક જણા મૂકો ને તે સામાન લઇને આવે. પણ સબ નહિ. પછી મહારાજે રાણસુર ભક્તને મોકલ્યા ને કહ્યું જે, સામાન લઇને ડોણને દરવાજે આવજ્યો. પછી મહારાજ અને સાધુ ફરતા ફરતા ડોણને દરવાજે આવ્યા. પછી દરવાજાથી દૂર બેઠા અને મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે જાઓ અને જુઓ, કોઇ બોલે છે ? પછી તે થોડેક દૂર જઇને પાછા આવ્યા ને કહ્યું જે, મને તો કોઇ બોલ્યું નહિ ત્યારે મહારાજે કહે ચાલો. ત્યારે સૌ ચાલ્યા. તે બે-ત્રણ હાથ ચાલ્યા ત્યાં રાણસુર ભક્ત સામાન લઇને સામા આવ્યા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ચાર જણનું નોતરું માન્યું છે, માટે આત્માનંદ સ્વામી તથા ચિદ્રૂપાનંદ સ્વામી તથા પરમચૈતન્યાનંદ સ્વામી એ ત્રણ રહે ને બીજા સર્વે ચાલો, શા માટે જે એના ઘેર અમે કોઇ દિવસ જમ્યા નથી, માટે એની રસોઇ બગડી જશે, માટે જમીને આવશું. પછી બીજા સાધુઓ ડોણને માર્ગે ચાલ્યા ને મહારાજ ખૈયાને ઘેર આવ્યા ને ખૈયાની માને કહ્યું જે, ખૈયો ક્યાં ગયો છે ? ત્યારે તેણે કહ્યું જે, શેઠ બજારે ગયા છે. ત્યારે મહારાજે કહ્યું જે, આવે ત્યારે મેઘજીને ઘેર મોકલજો. એમ કહીને મહારાજ મેઘજીને ઘેર પધાર્યા. ત્યાં મહારાજ ઢોલિયા ઉપર બેઠા. ત્યાં ખૈયો આવ્યો. પછી મહારાજે કહ્યું જે, શેઠે ના પાડી તેથી સિપાઇએ શહેરમાં પેસવા ન દીધા. પણ આ ગરીબની રસોઇ બગડી જાય તે સારુ અમે આવ્યા છીએ. ત્યારે ખૈયો કહ્યું જે, મોર્યે તમે કૃષ્ણાવતારમાં દહીં-દૂધ લૂંટી ખાતા તેના ધણી નોતરું મળ્યું હોય તે મેલો ખરા ? તે સાંભળીને મહારાજ બહુ હસીને બોલ્યા જે, મહા હરામજાદો છે. પછી ખૈયે કહ્યું જે, હું શેઠને કહીશ જે દરવાજે રોકે નહિ. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે ન કહેવું. એમ કહીને એક વાણીયાનું નામ લીધું ને કહ્યું જે તે આવશે ત્યારે તેને કહેશું. તેટલાકમાં તે વાણીયો આવ્યો. ત્યારે તેના આગળ મહારાજે સાધુના ધર્મની વાત કરી. પછી વાણીયાએ કહ્યું જે, તમારી ઇચ્છા હોય ત્યાં સુધી રહો. હું શેઠને જઇને કહું જે, તમને કોઇ ના પાડે નહિ. પછી મહારાજે કહ્યું જે, હમણાં ન કહેશો. અને અમે ફરીને આવીએ ત્યારે રોકે તે દિવસે વાત. પછી મહારાજ અને સાધુ જમવા ગયા તે મોતીયા લાડુ ને દાળભાત કર્યાં હતાં તે પીરસ્યાં, તે જમીને મહારાજે થાળ સાધુને આપ્યો તે સાધુ જમ્યા. એવી ઘણીક લીલા કરી.

વળી મહારાજે પોતા પાસે બેઠેલ જે હરિભક્તો તેને એમ પૂછ્યું જે, અમને તમો ભગવાન જાણો છો માટે અમારે અર્થે શું શું તમારાથી થાય તે કહો, ત્યારે કેટલાકે તો એમ કહ્યું જે, તમે કહો તો સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળીએ. કેટલાકે તો એમ કહ્યું જે, તમો કહો તો માથું ઉતારીને આપીએ. ને કેટલાકે તો એમ કહ્યું જે, તમે કહો તો ઘરબાર સર્વે લૂંટાવી દઇએ. પછી મહેતા શિવરામ બોલ્યા જે, આમાં તો મને કાંઇ અધિક જણાતું નથી. અને એ તો ઘરમાં કેટલાક મનુષ્યને ટંટો થાય એટલે સર્વે મૂકીને ચાલી નીકળે છે. ને ભુજથી પાંચ કોરીનો વળાવો લીધો હોય તે માર્ગમાં ચોર લૂંટવા આવે તો તે પણ માથું આપે છે. ને કેટલાક માણસ પોતાનાં વખાણ સારુ ઘરબાર લૂંટાવી દે છે. હું તો તમને અક્ષરધામમાં જેવા નિર્ગુણ અને દિવ્ય મૂર્તિ છો એવા ને એવા જ જાણું છું, ને તમે સુઝે તેવી ઉતરતી ક્રિયાને કરો ને હું પાસે બેઠો હોઉં તો પણ લેશ માત્ર મને સંશય થાય નહિ અને મહાત્મ્યજ્ઞાને સહિત જે તમારા સ્વરૂપનો નિશ્ચય છે તે ડગે નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, શિવરામ મહેતાની સમજણ ભારે, એવી બીજાથી થાય નહિ. એમ કહીને ખૈયાના કારખાનામાં જઇને બેઠા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે કચ્છના વિવિધ ગામોમાં વિચરણ કરતા કરતા શ્રીજીમહારાજ માંડવી પધાર્યાને મહેતા શિવરામની સમજણ વખાણી ને ખૈયાને કારખાને પધાર્યા એ નામે તેત્રીસમો અધ્યાય. ૩૩