અધ્યાય-૩૯
સરલીની વડુવાડીએ એક મોટું વિશાળ આંબાનું વૃક્ષ હતું તેની શીતળ છાયા જોઇને વિરાજમાન થયા. ત્યાં ચારે બાજુથી હરિભક્તો દર્શને આવ્યા તે સભામાં ચારે બાજુ બેઠા. તે સભામાં બેઠેલા હરિભક્તોને મહારાજે વાર્તા કરી જે :- હે ભક્તજનો ! આ જીવને બે પ્રકારની માયાએ આવર્યા છે, તેણે કરીને કોઇ જીવ સુખીયો થાતો નથી. તે બે પ્રકારની માયા કઇ તો એક જડ ને બીજી ચૈતન્ય. તેમાં જડ તે પૃથ્વી આદિક રૂપે થઇ છે. અને ચૈતન્ય જે સ્ત્રી-પુત્ર આદિક સંબંધી રૂપે છે. તેમાં જીવ પ્રાણીમાત્ર મોહ પામીને આવર્યા થકા તે ગર્ભવાસના નવ માસ સુધી દુઃખ ભોગવે છે. ને માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટકે છે અને ઉદરને વિષે કરમિયા આદિક કરડીને દુઃખ પમાડે છે. ત્યાર પછી જન્મીને બાળ અવસ્થામાં બોલાય નહિ ને માંકડ, ચાંચડ તથા મચ્છર તથા જૂ વિગેરે જંતું કરડે તે સંબંધી દુઃખ ભોગવે છે. તથા આધિ, વ્યાધિ આદિક અનેક દુઃખો ભોગવવાં પડે છે.
ત્યાર પછી યૌવન અવસ્થામાં સ્ત્રી, છોકરાં વિગેરેનું ભરણ પોષણ કરવું, ને તેને અર્થે દેશ વિદેશ વેઠવાં પડે, તે સંબંધી દુઃખ ભોગવવાં પડે છે. જ્યારે વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તેણે કરીને નેત્રથી દેખાય નહિ અને કાને સંભળાય નહિ ને મુખે કરીને સ્પષ્ટ બોલાય નહિ તેથી સ્ત્રી, પુત્ર તથા પૌત્રાદિક તિરસ્કાર કરે છે. ત્યાર પછી મૃત્યુ અવસ્થાને પામીને ચોરાશી લાખ યોનિમાં અવતાર લઇને અનેક પ્રકારનાં જન્મ તથા મરણનાં વારંવાર અનંત દુઃખો ભોગવવાં પડે છે. તે દુઃખ તો ત્યારે ટળે જ્યારે પ્રગટ ભગવાનના એકાંતિક સંતનો સમાગમ કરીને જીવ મારો આશ્રય કરે ત્યારે તે સર્વે દુઃખથી રહિત થઇને મારા ચરણારવિંદની સેવામાં રહે છે. તે હું કેવો છું તો આ અગણિત કોટી બ્રહ્માંડો છે તેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા હર્તા તથા તેનો નિયંતા તે હું છું. જે જીવ મારો એવો મહિમા સમજે ત્યારે તે મને પામે છે. એવી રીતે શ્રીજીમહારાજે તે સભામાં બેઠા થકા વાર્તા કરી. તે વખતે સભામાં બેઠેલા સર્વે હરિભક્તોને મહારાજનાં તેજોમય દર્શન થયાં તે જોઇને ઘણાંક મનુષ્યો આશ્ચર્ય પામ્યાં. શ્રીજીમહારાજને સાક્ષાત્ ભગવાન જાણીને ઘણાંક જનો આશ્રિત થયા.
તે વખતે શિવજી પોતાના ગણ જે નંદીશ્વર આદિક તેણે સહિત આવીને શ્રીજીમહારાજને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને એક પગે ઊભા રહીને પાંચ મુખે સ્તુતિ કરીને પોતાનાં પંદર નેત્રે કરીને શ્રીજીમહારાજનાં દર્શન કર્યા. અને તે સમયને વિષે પોતાની જટાને વિષે બેઠેલાં એવાં જે ગંગાજી તે પણ મહારાજનાં દર્શન કરીને પોતાને મુખે મહારાજની ગદ્ગદ્ કંઠે સ્તુતિ કરતાં બોલ્યાં જે, હે મહારાજ ! અહીંથી નજીક બે સ્થાનમાં હું બે સ્વરૂપે રહું છું. તમે મને પવિત્ર કરવા પધારો. એવી રીતે બોલ્યાં. એમ કહીને ત્યાંથી શંકરે સહિત ચાલી નીકળ્યાં.
તે વખતે મહારાજને પોતાના ભક્તજનોએ કહ્યું જે, હે મહારાજ ! જમવા વેળા થઇ છે, માટે ગામમાં પધારો. ત્યારે ત્યાંથી મહારાજ ચાલ્યા તે ધાધલ માનજીને ઘેર પધાર્યા. ત્યાંથી જમીને પછી સરલીથી શ્રીજીમહારાજ ચાલ્યા તે રામપુર આવતાં માર્ગમાં ગૌમુખી ગંગા સુંદર સુવર્ણમુખી કમળને પોતાના તરંગીરૂપી હસ્તને વિષે લઇને શ્રીજીમહારાજને પોતાના જળે કરીને અભિસિંચન કરવા સારુ સન્મુખ આવ્યાં અને શ્રીહરિના ચરણકમળમાં કમળ મૂકીને પોતાના જળની ધારા વડે કરીને શ્રીહરિને અભિસિંચન કર્યું. અને મહારાજે મુળજી બ્રહ્મચારી તથા ડુંગરજી આદિક પાર્ષદે સહિત ગૌમુખી ગંગામાં અતિ હેતે સહિત સ્નાન કર્યું.
પછી ગંગાજીએ મૂર્તિમાન પ્રગટ થઇને શ્રીહરિને સુંદર સાચા મોતીનો હાર કંઠમાં પહેરાવ્યો. તથા મહારાજને ગજ મોતીનો હાર કંઠમાં પહેરાવ્યો. અને પુંડરિક, ઇંદિવર, કોકનદ આદિક અનેક જાતિનાં કમળ તેણે કરીને શ્રીહરિની પૂજા કરી અને બે હાથ જોડીને શ્રીહરિની પ્રાર્થના કરી જે, હે મહારાજ ! હું ઘણાક કાળથી તમારી વાટ જોઇને અહીંથી એક કોશ દૂર રુકમાવતી નદીને કાંઠે ઋષિ આશ્રમમાં રહું છું. તે આજ સર્વે અવતારના અવતારી તમે અનેક જીવનું કલ્યાણ કરવા સારુ પ્રગટ થઇને વિચરતા વિચરતા મને પાવન કરવા સારુ તમો અહીં પધાર્યા તે મારા ઉપર બહુ કૃપા કરી. અને હે ભગવાન ! તમો તમારા એકાંતિક ભક્તને સાથે લઇને ઋષિ આશ્રમમાં પધારો. અને અનંત જીવથી તમારી સ્તુતિ થાય તેને અર્થે એ આશ્રમમાં તમો નિવાસ કરીને રહો, અને ભક્તજનોને આનંદ પમાડો.
એવી ગંગાજીની પ્રાર્થના સાંભળીને મેઘના સરખી ગંભીર વાણીએ કરી શ્રીજીમહારાજ બોલ્યા જે, હે ગંગાજી ! હું આવતે દિવસે પ્રાતઃકાળમાં ઋષિ આશ્રમમાં આવીને ત્યાં પંદર દિવસ નિવાસ કરીને રહીશ, અને સર્વેના મનોરથો પૂરા કરીશ. અને અક્ષરધામનો પતિ ને સર્વેનો નિયંતા એવો જે હું તે મારી સાથે તમને આ સ્થાનમાં મિલાપ થયો અને તમે મને જળે કરીને સ્નાન કરાવ્યું, અને મારી પૂજા કરીને પ્રાર્થના કરી તેની સ્મૃતિ અર્થે તમે આ સ્થાનમાં પણ બીજ રૂપે કરીને રહો. એવાં અમૃત સરખાં શ્રીહરિનાં વચન સાંભળીને ગંગાજી તે રૂપે તે સ્થાનકમાં જ પ્રગટ થઇને રહ્યાં. એવી રીતે શ્રીહરિએ ગંગાજીને ત્યાં રહેવાની આજ્ઞા કરીને પોતે પોતાના સખાને સાથે લઇને ગામ રામપુર પધાર્યા અને તે ગામની ઉગમણી ભાગોળે લીંબડાના વૃક્ષ હેઠે હનુમાનજીના ઓટા ઉપર બે ઘડી વિશ્રામ કરીને ગામમાં પટેલ રવજીને ઘેર પધાર્યા ને ત્યાં થાળ જમ્યા. પછી એ રામપુરમાં મહારાજે રાત્રીએ સભા કરી. ત્યારે સભામાં રહેલા હરિભક્તો પ્રત્યે બોલ્યા જે, અમારે પ્રાતઃકાળમાં ગૌમુખી ગંગાએ સ્નાન કરવા જાવું છે. માટે તમો સર્વે વહેલા ઊઠીને આવજો. એવાં શ્રીહરિનાં વચન સાંભળીને સર્વે હરિભક્તો રાજી થયા અને શ્રીહરિને નમસ્કાર કરી પોતપોતાને ઘેર ગયા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ વડુ વાડીએ સભા કરી અને શંકર દર્શને આવ્યા અને ગંગાજીએ સ્તુતિ કરી, ત્યાંથી રામપુર ગયા, એ નામે ઓગણચાલીસમો અધ્યાય. ૩૯