અધ્યાય-૪૧ -:- પુરુષોત્તમગીતા
શ્રીજીમહારાજે મુકુંદાનંદ વર્ણીને જે પુરુષોત્તમ ગીતા કહેલી છે તેના પાંચ ત્રિક છે. તેમાં પ્રથમ ત્રિકમાં ધર્મની વાત કહી છે. શ્રીહરિ બોલ્યા જે, હે બુદ્ધિમાન્ મુકુંદ બ્રહ્મચારી! પ્રાણીના શ્રેયને કરે એવો ધર્મ તે વેદના જાણનારા ડાહ્યા પુરુષોએ વર્ણધર્માદિકના ભેદે કરીને છ પ્રકારનો કહ્યો છે. તે છ પ્રકારનો ધર્મ તે વેદ, પુરાણ, ધર્મશાસ્ત્ર અને શ્રીમહાભારત તેમને વિષે વિસ્તાર કરીને જેમ સમજાય તેમ કહ્યો છે. તે વેદ આદિક થકી સાર સાર કાઢીને સંક્ષેપે કરીને છ પ્રકારનો ધર્મ તમને હું કહું છું તેને તમો એકાગ્ર ચિત્તે કરીને સાંભળો અને સમગ્ર સભાનાં જનો પણ સાંભળો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણના ધર્મ તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.
એ ચાર આશ્રમનો ધર્મ તથા વર્ણાશ્રમનો મિશ્રિત ધર્મ તથા ગૌણધર્મ તથા નૈમિત્તિક ધર્મ તથા સાધારણ ધર્મ એમ છ પ્રકારનો ધર્મ કહ્યો છે. તે વર્ણાશ્રમ આદિક છ પ્રકારના ધર્મને જાણવાને ઈચ્છતા તમોને હું સંક્ષેપે કરીને કહું છું. પ્રથમ ચાર વર્ણના ધર્મને સંક્ષેપે કરીને કહું છું.
શમ જે અંતઃકરણને નિયમમાં કરવું, અને દમ જે ઈન્દ્રિયોને નિયમમાં રાખવી, અને જ્ઞાન જે દેહાત્મા ને પરમાત્માના સ્વરૂપને જાણવું, અને સત્ય વચન બોલવું. અને ક્ષમા જે સહનશક્તિ આદિક બ્રાહ્મણના ધર્મ કહ્યા છે. શૂરવીરપણું આદિ ક્ષત્રિય જાતિના ધર્મ કહ્યા છે. અને દાન દેવાને વિષે કુશળપણું અને ગુરુ, બ્રાહ્મણ, સાધુ એ આદિકને વિષે ભક્તિ કહેતાં એમની સેવા કરવી, અને આસ્તિકપણું, એ આદિક વૈશ્યના ધર્મ કહ્યા છે. અને દ્વિજ જે ત્રણ વર્ણ તેની સેવા કરવી એ આદિક શૂદ્રના ધર્મ કહ્યા છે, અને સંકર જાતિના ધર્મ ડાહ્યા પુરુષોએ તેના તેના કુળને ઘટિત અને તેમનું હિત કરે એવા ચોરી, હિંસા આદિક તેણે રહિત કહ્યા છે. ધીમાન્ કહેતાં બુદ્ધિશાળી એવા હે મુકુંદ બ્રહ્મચારી ! યુગ યુગ પ્રત્યે બહુધા મનષ્યના સ્વભાવને અનુસરતો એવો મનુષ્ય ધર્મ વેદના જાણનારા પુરુષોએ પરલોકને વિષે તથા આ લોકને વિષે સુખને દેનારો કહ્યો છે.
હવે સુવાસિની સ્ત્રીયોના ધર્મને કહું છું જે, નિત્યે પોતાના પતિની સેવા કરવી, તથા પરપુરુષનો પ્રસંગ ન કરવો તથા પવિત્રપણે રહેવું, એ આદિક સુવાસિની સ્ત્રિયોના ધર્મ કહ્યા છે.
હવે વિધવા સ્ત્રીયોના ધર્મ કહું છું. જે પતિભાવે કરીને વિષ્ણુ ભગવાનની સેવા કરવી, તથા અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ રાખવો. તથા અલ્પ આહાર કરવો. એ આદિક વિધવા સ્ત્રીયોના ધર્મ કહ્યા છે.
હવે આશ્રમના ધર્મને કહું છું. તેમાં પ્રથમ બ્રહ્મચારીના ધર્મને કહું છું જે, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. તથા તૈલ મર્દન આદિક ન કરવું. તથા આચાર્યની સેવા કરવી. એ આદિક બ્રહ્મચારીના ધર્મ કહ્યા છે.
હવે ગૃહસ્થના ધર્મને કહું છું જે, દેવ,ઋષિ, પિત્રી અને ભૂત સંજ્ઞિત બલીદાનને લેનારા દેવો એ આદિકનું યજન કરવું તથા નિરંતર પરસ્ત્રીનો ત્યાગ રાખવો. એ આદિક ગૃહસ્થના ધર્મ કહ્યા છે.
હવે વાનપ્રસ્થના ધર્મ કહું છું જે, વનને વિષે વસવું તથા તપ કરવું તથા અમાસ એ આદિક તિથિયોને વિષે ફળાદિકે કરીને હિંસાયે રહિત એવા યજ્ઞ કરવા તથા ફળનો આહાર કરવો, એ આદિક વાનપ્રસ્થના ધર્મ કહ્યા છે.
હવે સંન્યાસીના ધર્મને કહું છું જે, ઈંદ્રિયોને તેમના વિષય થકી પાછી વાળવી તથા જ્ઞાન એટલે આત્મા-પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણવું તથા ઈક્ષા એટલે યોગ્યાયોગ્યનો વિચાર કરવો તથા આ લોકના અને સ્વર્ગાદિક લોકના વિષયને વિષે વૈરાગ્ય રાખવો. તથા શમાદિક સાધને યુકત વર્તવું, એ આદિક સંન્યાસીના ધર્મ કહ્યા છે.
હવે અચ્યુત ગોત્રી જે ત્યાગી સાધુ તેમનું લક્ષણ કહું છું જે, તીવ્ર વૈરાગ્યવાળા અને પ્રત્યક્ષ નારાયણના આશયવાળા તથા રાત્રિ દિવસ તે નારાયણની શ્રવણાદિક નવ પ્રકારે જે સેવા કરવી તેમાં આસક્ત એવા જે ભક્ત તેને ત્યાગી એટલે અચ્યુતગોત્રી સાધુ કહ્યા છે.
હવે વર્ણાશ્રમનો મિશ્રિત ધર્મ કહું છું જે, મુંજની મેખલા ધારણ કરવી એ આદિક વેદમાં કહ્યો જે ધર્મ તે જે તે વેદના જાણનારા તેમણે વર્ણાશ્રમ ધર્મ માન્યો છે કહેતાં બ્રાહ્મણને મુંજની મેખલા અને ક્ષત્રિયને ધનુષ્યની પણછની મેખલા અને વૈશ્યને મુરુ નામે તૃણની મેખલા અને બ્રાહ્મણને મસ્તક સુધી લાંબો પલાશનો દંડ અને ક્ષત્રિયને લલાટ સુધી લાંબો બીલીના વૃક્ષનો દંડ, અને વૈશ્યને નાસિકા સુધી લાંબો ઉદંબરના વૃક્ષનો દંડ કહ્યો છે.
હવે ગૌણધર્મને કહું છું. જેને માથે રાજગાદીનો અભિષેક થયો હોય એવા જે રાજા તેને પ્રજાનું રક્ષણ કરવું, એ છે લક્ષણ જેનું એવો રાજયાભિષેક થવા રૂપી ગુણે કરીને પામ્યો જે ધર્મ તે વેદના જાણનારા તેમણે ગૌણધર્મ કહ્યો છે.
હવે નૈમિત્તિક ધર્મને કહું છું. જે, હે ધીમન્ મુકુંદ બ્રહ્મચારી! પ્રાયશ્ચિત વિષય કહેતાં પાપની શુદ્ધિને અર્થે કર્યાં જે ચાંદ્રાયણ આદિક વ્રત તે રૂપ જે ધર્મ તેને ડાહ્યા પુરુષોએ નૈમિત્તિક ધર્મ કહ્યો છે, એ ધર્મ પોતાના હિતને કરનારો છે. અને તે પાપને ટાળવારૂપ નિમિત્તને ઉદ્દેશીને કહ્યો છે.
હવે સાધારણ ધર્મ કહું છું. પોતાની ને બીજાની હિંસાએ રહિત એવું સત્ય વચન બોલવું. તથા માંહી ને બહાર પવિત્ર પણે રહેવું. તથા પોતાને બંધન થાય નહિ એવી દયા રાખવી. તથા દેહ, વાણી ને મને કરીને કોઈનો દ્રોહ ન કરવો. તથા પ્રારબ્ધ દુઃખ અને કોઈ અપરાધ કરે એ બેને સહન કરવું. તથા પ્રારબ્ધ અનુસારે જે મળ્યું તેણે કરીને સંતોષ રાખવો. તથા મન આદિક અંતઃકરણને નિયમમાં રાખવાં. તથા સત્શાસ્ત્ર ભણવાં-ભણાવવાં, તેની આવૃતિ કરવી અને સાંભળવાં તથા સંભળાવવાં. તથા પોતપોતાના આશ્રમને અનુસારે બ્રહ્મચર્ય વ્રત પાળવું. તથા પ્રયોજન વિનાનું વ્યર્થ ન બોલવું. તથા યુક્ત અયુક્તનો વિચાર કરવો. તથા તપ કરવું તથા વિષ્ણુની ભક્તિ કરવી.
તથા સાધુ પુરુષની સેવા કરવી. તથા પોતાને વહાલા સત્પાત્રને પદાર્થનું દાન કરવું. તથા આત્મા-પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવો. એ આદિક અતિ શુભ એવાં ત્રીસ લક્ષણે યુક્ત અને શ્રીમદ્ભાગવતના સપ્તમ સ્કંધને વિષે યુધિષ્ઠિર રાજા પ્રત્યે નારદમુનિએ કહ્યો અને સર્વેનું હિત કરનારો એવો મનુષ્યનો સાધારણ ધર્મ જાણવો.
આ છ પ્રકારનો ક્રિયારૂપ ધર્મ તે જ પ્રવૃત્ત તથા નિવૃત્ત તથા ભાગવત એ પ્રકારે વેદના જાણનારા પુરુષોએ ત્રણ પ્રકારનો કહ્યો છે. તેમાં પ્રવૃત ધર્મમાં જે કંઇ વિશેષ છે તેને કહું છું. ત્રણ પ્રકારના ધર્મને મધ્યે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પોતાને ઘટિત એવા વિષયનો સંગ્રહ અને પદાર્થનો સંગ્રહ તથા ન્યાયે કરીને દ્રવ્યનું સંપાદન કરવું તથા દ્રવ્યે કરીને સકામ યજ્ઞો કરવા, તથા ગ્રામને વિષે અથવા પુરને વિષે વસવું, તથા ઇષ્ટ જે દર્શાદિક યજ્ઞ તથા સદાવ્રતાદિક અને પૂર્ત જે દેવાલય, વાવ, કૂવા, સરોવરાદિક કરાવવું એ આદિક સમગ્ર પ્રવૃત કર્મ છે અને તે અશાંતિને કરનારું છે.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા તેમાં ચાર વર્ણના તથા ચાર આશ્રમના ધર્મ કહ્યા એ નામે પ્રથમો અધ્યાયઃ ૧ સળંગ અધ્યાય. ૪૧