૪૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૪: પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અપરિમિત બ્રહ્માંડની ઉત્પતિ.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:39pm

અધ્યાય-૪૪

ત્યાર પછી સભાને વિષે બિરાજમાન એવા શ્રીહરિ દયાએ કરીને ભક્તજનો સામું જોઇને અમૃતમય વચન કહેવા લાગ્યા જે, હે મુકુંદ બ્રહ્મચારી ! મારે તમોને જ્ઞાનનું સ્વરૂપ કહેવું છે, તે જ્ઞાન કેવું છે તો સર્વે અમંગળને નાશ કરનાર અને મુક્તિના માર્ગમાં વિઘ્નરૂપ એવા કામાદિક શત્રુઓને નાશ કરનાર છે. અને જ્ઞાનને સાંભળનારા જીવાત્માઓને નિરંતર જ્ઞાનસુખને દેનારું છે. અને માયા, જીવ, ઇશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ તેમના સ્વરૂપને યથાર્થ જણાવનારું છે અને તત્વાદિક સર્વ વસ્તુના રૂપની વિગતિને જણાવનારું છે, કાળરૂપી મોટા અજગરને ગળી જનારું છે અને જન્મ, મૃત્યુ, વૃધ્ધાવસ્થા, આધિ, વ્યાધિ આદિક થકી થનારો જે કલેશ તેને નાશ કરવાને વિષે તે જ્ઞાન સહાયભૂત છે કહેતાં ત્રિકાળમાં પણ નાશ ન પામે એવા જીવાત્માને પરબ્રહ્મનું જે સુખ તેને પ્રગટ કરનારું છે. અને પરમાત્માના સુખનો ઘણોક જે આનંદ તેને જ્ઞાન દેનારું છે. અને હે મુકુંદવર્ણિ ! આ પ્રકરણને વિષે આત્મા તો જીવને કહ્યો છે. તે આત્મા કેવો છે તો નખથી શિખા પર્યંત સર્વ દેહને વિષે વ્યાપીને રહ્યો છે અને નેત્ર-શ્રોત્રાદિક જે બાહ્ય ઇંદ્રિયો તથા મન આદિક અંદરની ઇંદ્રિયો તે સર્વેનો પ્રકાશક છે.

વળી તે આત્મા કેવો છે તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તેમને વિષે તદાત્મકપણે બંધાણો છે, કહેતાં તેને પોતાનું રૂપ માનતો થકો અનાદિ કાળથી બંધાણો છે. પરંતુ પોતાને સ્વરૂપે કરીને તો સર્વથી વિલક્ષણ છે અને જેમ અગ્નિ તે લોઢાના ગોળાને વિષે તદાત્મકપણે વ્યાપીને રહ્યો છે તો પણ ગોળાથી ભિન્ન છે ને દાહકપણે અને પ્રકાશપણે જુદો છે.

તેવી રીતે આત્મા તે દેહાદિકરૂપે જણાય છે તો પણ દેહાદિક થકી જાણપણે અને પ્રકાશપણે ભિન્ન છે, અને આ દેહ નાના પ્રકારના વિકારને પામે છે પણ દેહને વિષે રહ્યો જે આત્મા તે વિકારને નથી પામતો. તથા આ દેહ નાશ પામે છે છતાં પણ દેહને વિષે રહ્યો જે જીવાત્મા તે નાશ નથી પામતો. અને તે આત્મા સત્યરૂપ છે, ચૈતન્યરૂપ છે ને અક્ષર છે, સૂક્ષ્મરૂપ છે, અને કોઇથી તત્કાળ જાણી શકાય તેવો નથી એવો જે આત્મા તે દેહાદિક સર્વથી વિલક્ષણ થકો દેહાદિકને વિષે વર્તે છે. માટે હે મુકુંદવર્ણિ ! એવી રીતે જે આત્માનું જ્ઞાન તેને જ આત્મજ્ઞાન કહ્યું છે.

હવે હું તમોને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું. તે પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાન તે જ પરમાત્મા કહ્યા છે અને તે શ્રીકૃષ્ણ પરમાત્મા કેવા છે તો પ્રકૃતિ જે માયા તેના ત્રણ ગુણથી રહિત છે. માટે તેમને નિર્ગુણ એવી રીતે કહ્યા છે, અને ઇશ્વરના પણ ઇશ્વર છે, અને પરમેશ્વર છે, અને વિષ્ણુ નારાયણ ભગવાન અને વાસુદેવ એવે નામે જેને કહે છે એવા પરમાત્મા તેના સંબંધને પામ્યાં જે પુરુષ તથા શ્રધ્ધા તથા કર્મ તથા જ્ઞાન ને સ્થાન તથા વસ્ત્રાદિક સર્વે પદાર્થ ત્રિગુણાત્મક છે, છતાં પણ એમના સંબંધથી નિર્ગુણ થઇ જાય છે. એટલે સત્વ, રજ, તમ એ માયાના ત્રણ ગુણથી રહિત થઇ જાય છે. અને વળી પરબ્રહ્મ કેવા છે તો સ્વતંત્ર છે ને સર્વપ્રકાશમાન છે ; એટલે પોતાવડે જ પોતે પ્રકાશયુક્ત છે અને સર્વ કારણના પણ કારણ છે, અને બ્રહ્મરૂપ થયા એવા જે મુક્તો તેમને પણ ઉપાસના કરવા યોગ્ય છે, અને કોટાનકોટી જે સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ તેમને પણ લજ્જા પમાડે એવા પ્રકાશેયુક્ત છે અને પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ અને વાયુ, તેજ, જળ ને પૃથ્વી એ જે આઠ આવરણથી વીંટાયેલાં એવાં અનેક બ્રહ્માંડો જેને વિષે અણુંની પેઠે ઉડતાં ફરે છે એવું જે અક્ષરબ્રહ્મ તે પરબ્રહ્મ ભગવાનનું ધામ છે. પોતે તો અક્ષરધામના નિવાસી અને મહાસમર્થ છે.

અને વળી તે ભગવાન કેવા છે તો મહાદિવ્ય અલૌકિક છે સ્વરૂપ જેનું એવા અને અક્ષરના પણ આત્મા છે. સર્વજીવના અંતર્યામી છે. એવી રીતે જેમનું વેદને વિષે પ્રતિપાદન કર્યું છે એ જ પરબ્રહ્મ અચ્યુત સાક્ષાત્‌ શ્રીહરિ છે. અને કાળ, માયા, પુરુષ ને મહત્તત્ત્વાદિક જે ચોવીસ તત્ત્વ અને વિરાટ પુરુષ એ સર્વેને વિષે ભગવાનની શક્તિઓ રહી છે.

અને સર્વ શક્તિઓના પતિ પોતે જ છે. અને સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્યે કરીને કોઇની ઉપમા આપી ન શકાય એવા છે. અને પોતે અપાર મહિમાએ યુક્ત છે. અને વેદને વિષે અદ્વિતીય બ્રહ્મ એવી રીતે નિરુપ્યા છે. અને પ્રભુ કે’તાં મહાસમર્થ છે. એવા શ્રીકૃષ્ણ ભગવાન તે પૃથ્વીને વિષે જીવોના કલ્યાણને અર્થે અનંત અવતારોને ધારણ કરે છે અને કલ્યાણકારી ગુણોએ યુક્ત એવા અને પુરુષોત્તમ કે’તાં ક્ષર અક્ષરથી અતિ ઉત્તમ છે. એવી રીતે પરબ્રહ્મ પરમાત્માને જાણવા. હે મુકુંદવર્ણિ ! એવા જે ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડને સૃજવાને ઇચ્છતા થકા અક્ષરપુરુષરૂપે પોતાની શક્તિ જે મૂળ પ્રકૃતિ તેના સામું જોયું ને પછી તો મૂળ પ્રકૃતિએ જોવા રૂપ ગર્ભને ધારણ કર્યો. પછી તે પ્રકૃતિ થકી કોટાનકોટી પ્રધાન અને પુરુષનાં જોડલાં ઉત્પન્ન થયાં. પછી પુરુષાત્મક વાસુદેવ ભગવાને જોયેલા પ્રધાન થકી બ્રહ્માંડોના કારણ એવાં તત્ત્વો ઉત્પન્ન થયાં.

હે મુકુંદવર્ણિ ! એવી રીતે શ્રી હરિની ઇચ્છાએ કરીને કોટાનકોટી બ્રહ્માંડ ઉપજે છે. તે તે બ્રહ્માંડોમાંથી એક બ્રહ્માંડની ઉત્પત્તિને અનુક્રમે કરીને હું કહું છું. અને હે મુકુંદવર્ણિ ! એક બ્રહ્માંડની ઉત્પત્તિને વિસ્તારે સહિત કહેવાને કોઇ સમર્થ ન થાય એટલા માટે સંક્ષેપથી હું તમોને કહું છું. પછી પ્રધાનનો અધિષ્ઠાતા જે પુરુષ તેમણે જેના પર દ્રષ્ટિ કરી છે એવું ત્રિગુણાત્મક જે પ્રધાન તે થકી જગતનું અંકુરરૂપ એવું મહત્તત્વ ઉપજ્યું. પછી પ્રધાન તેણે આવર્યું એવું તે મહત્તત્વ તે થકી વાસુદેવ ભગવાનની ઇચ્છાએ કરીને ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. તે અહંકાર સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો છે.

પછી વાસુદેવ ભગવાનની ઇચ્છાએ કરીને તામસ અહંકાર થકી શબ્દ, ઉત્પન્ન થયો. અને તે શબ્દ થકી આકાશ ઉત્પન્ન થયું. અને તે આકાશ કેવું છે, અને શબ્દ છે માત્રા જેની, એવું જે આકાશ તે થકી સ્પર્શ ઉપજે છે અને સ્પર્શ છે માત્રા જેની એવો જે વાયુ તે સ્પર્શ થકી ઉત્પન્ન થાય છે. અને પછી આકાશ તેણે આવર્યો એવો જે વાયુ તે થકી રૂપ ઉપજે છે. અને તે રૂપ થકી તેજ ઉત્પન્ન થાય છે. તે તેજ કેવું છે તો રૂપ છે માત્રા જેની અને વાયુ તેણે આવર્યો છે. અને તેજ થકી રસ ઉપજે છે. અને તે રસ થકી જળ ઉત્પન્ન થાય છે. તે જળ કેવું છે તો રસ છે માત્રા જેમની એવું છે, અને તેજ તેણે આવર્યું છે. અને તે જળ થકી ગંધ ઉપજે છે. અને તે ગંધ છે માત્રા જેની એવી પૃથ્વી ઉત્પન્ન થાય છે, અને જળ તેણે આશ્રિત એવી જે પૃથ્વી તે વિશેષ એવા નામે કહેવાય છે.

અને હે મુકુંદવર્ણી ! આ પ્રકરણને વિષે આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી એ પાંચ મહાભૂત એવે નામે કહેવાય છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રા એવે નામે કહેવાય છે. પછી રાજસ અહંકાર થકી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઇ. અને પ્રાણ તથા બુધ્ધિ પણ ઉત્પન્ન થયાં. અને શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહ્‌વા અને નાસિકા એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો કહી છે અને વાણી, હસ્ત, પાદ, ઉપસ્થ, પાયુ એ પાંચ કર્મ ઇન્દ્રિયું કહી છે.

અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચ કર્મ ઇન્દ્રિયોના દશ દેવતા અને મન, બુધ્ધિ, ચિત્ત ને અહંકાર એ જે ચાર અંતઃકરણ એ ચારના જે દેવતા તે પણ સાત્વિક અહંકાર થકી ઉપજ્યા છે. હવે તે ચૌદ દેવતાઓનાં નામ કહીએ છીએ.

કર્ણના દિગ્પાળ, ત્વચાના વાયુ, નેત્રના સૂર્ય, જીહ્‌વાના વરુણ, નાસિકાના અશ્વિનીકુમાર, વાણીના અગ્નિ, હસ્તના ઇંદ્ર, પગના વિષ્ણુ, ઉપસ્થના પ્રજાપતિ, ગુદાના યમરાજા, મનના ચંદ્રમા, બુધ્ધિના બ્રહ્મા અને ચિત્તના ક્ષેત્રજ્ઞ વિષ્ણુ, અહંકારના રૂદ્ર એ ચૌદે દેવતાનાં નામો કહ્યાં છે. વળી હે બ્રહ્મચારી ! તત્ત્વ છે નામ જેનું એવા સર્વે મહત્તત્ત્વ આદિક દેવતાઓ તે વાસુદેવ ભગવાનની ઇચ્છાએ કરીને ભેળા થઇને પોતાના અંશે કરીને વિરાટદેહને સર્જ્યો અને વિરાટદેહને વિષે રહ્યો જે આત્મા તેને વૈરાજ પુરુષ અને ઇશ્વર એવે નામે કહે છે. અને એ જ વૈરાજ પુરુષે પોતાના અંગથી ઉત્પન્ન થયું જે જળ તેને વિષે શયન કર્યું તેણે કરીને નારાયણ એવે નામે કહ્યા છે, અને વૈરાજ પુરુષની નાભિમાંથી થયું જે કમળ તે થકી રજોગુણાત્મક બ્રહ્મા ઉત્પન્ન થયા.

અને પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે બ્રહ્મારૂપે થઇને સર્વેજીવોને ઉત્પન્ન કર્યા. મરિચી આદિક પ્રજાપતિ અને સ્વયંભૂ મનુ તથા દેવતા, ઋષિઓ, પિતૃ, ગંધર્વ, ચારણ, સિધ્ધ, યક્ષ, વિદ્યાધર અને અસુરો એ સર્વેને પૃથક્‌ પૃથક્‌ ઉત્પન્ન કર્યા. અને કિંપુરુષ, અપ્સરા, કિન્નર, નાગ, માતૃગણ, પિશાચ, રાક્ષસ અને ભૂત, પ્રેત, વિનાયક એ સર્વેને બ્રહ્માએ પોતાના અંગ થકી ઉત્પન્ન કર્યાં.

અને વળી વૈતાળ, ઉન્માદ ગણ, કુર્ષ્માંડ, વૃધ્ધગૃહ, બાલગૃહ, પશુ, મૃગલાં, પક્ષી, વૃક્ષ, પર્વત, સરિતા એ આદિકને પોતાના અંગમાંથી ઉત્પન્ન કર્યાં અને વળી બીજા પણ પૃથ્વી અને જળ તથા આકાશને વિષે રહેલા એવા જીવાત્માઓને જેનાં જેવાં કર્મ અને જેના જેવા ગુણ હતા તેને અનુસારે સર્વે જીવોને ભગવાને બ્રહ્મારૂપે કરીને ઉત્પન્ન કર્યાં. અને એ જીવોને મધ્યે કેટલાક શુધ્ધ સત્ત્વગુણે યુક્ત છે અને કેટલાક તો રજોગુણ તથા તમોગુણ તેથી મિશ્ર એવો જે સત્ત્વગુણ તેણે યુક્ત છે.

અને કેટલાક તો કેવળ રજોગુણે યુક્ત છે અને કેટલાક તો તમોગુણે યુક્ત છે. અને કેટલાક તો સત્ત્વગુણ અથવા રજોગુણ તેથી મિશ્ર એવા તમોગુણે યુક્ત છે. અને કેટલાક તો નિર્ગુણ છે. એટલે એ ત્રણ ગુણોથી રહિત થકા વર્તે છે. અને એ ત્રણ ગુણે યુક્ત એવો જીવ તે પોતાના ગુણને મળતો જે સ્વભાવ તેને યોગ્ય એવું પુણ્યકર્મ અથવા પાપે મિશ્રિત કર્મ કરે છે. અને નિર્ગુણ એવો જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જ કરે છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખ સાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતામાં આત્મા તથા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહ્યું તથા અપરિમિત બ્રહ્માંડની ઉત્પત્તિ કહી એ નામે ચોથો અધ્યાય. ૪ સળંગ અધ્યાય. ૪૪