૪૫ પુરુષોત્તમગીતા અધ્યાય પઃ ભગવાનનું કર્મફળ પ્રદાતાપણું તથા સ્વતંત્રપણું તથા લોભાદિ દોષો કહ્યા.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:41pm

અધ્યાય-૪પ

હે મુકુંદવર્ણિ ! એવી રીતે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્મારૂપે કરીને આ વિશ્વને સર્જે છે. અને વિષ્ણુરૂપે પાલન કરે છે. અને શિવરૂપે તે પ્રજાનો સંહાર કરે છે. પછી એ શ્રીકૃષ્ણ ભગવાન તે સર્વે જીવોને વિષે અક્ષરપુરુષરૂપે પ્રવેશ કરીને સમભાવને આશરીને જીવોનાં જેવી રિત્યનાં કર્મ હોય તેને અનુસારે તેમને યથાયોગ્ય ફળને આપે છે. પણ અધિક ન્યૂન કરતા નથી અને શ્રીહરિ પોતાનું ધામરૂપ જે અક્ષર તેના એક નિયંતા છે. તથા મૂળ પ્રકૃતિ તેના અધિષ્ઠાતા પુરુષ તથા અનંત એવા જે પ્રધાન પુરુષ તથા મહત્તત્ત્વાદિક એ સર્વેના પોતે નિયંતા છે.

અને બ્રહ્માંડની અંદર ને બ્રહ્માંડની બહાર ગતિ કરનાર સ્થૂળ ને સૂક્ષ્મ એવો જે કાળ તથા મહત્તત્ત્વાદિકનું કાર્યરૂપ એવા જે વૈરાજ પુરુષ એ સર્વેના પરબ્રહ્મ ભગવાન નિયંતા છે. અને વૈરાજ પુરુષ થકી થયા જે બ્રહ્માદિક સર્વે પ્રજાપતિઓ તેમના પણ પોતે નિયંતા છે. અને જેમ પૃથ્વીનો ચક્રવર્તી રાજા તે ખંડ ખંડ પ્રત્યેના નાના મોટા રાજાના પોતે એક જ નિયંતા છે. તેવી રીતે શ્રીહરિ અક્ષરબ્રહ્મ એ આદિકના નિયંતા છે અને મહારાજાધિરાજ છે. ને બ્રહ્માંડના અધિપતિ જે બ્રહ્માદિક દેવતાઓને જ્યાં જેને અધિકારના અનુસારે રાખ્યા છે ત્યાં તેઓ સાવધાન થકા ભગવાન થકી ભયને પામતા થકા નિરંતર ભગવાનની આજ્ઞાને વિષે રહ્યા છે.

હે મુકુંદવર્ણિ ! આવી રીતે એ સર્વે પરતંત્ર છે પણ એમાં કોઇ સ્વતંત્ર નથી. અને સ્વતંત્ર તો એક તમને મળી જે મૂર્તિ તે જ છે, એટલા માટે સર્વને સેવવા યોગ્ય ને સર્વના સ્વામી તો તે પરબ્રહ્મ ભગવાન જ છે. અને બીજા અક્ષરાદિક સર્વે ભગવાનના દાસ છે. એવી રીતે પરમાત્મા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમના સ્વરૂપનું જે જ્ઞાન તે મેં તમારા પ્રત્યે કહ્યું. એવી રીતે આત્માના સ્વામી એવા જે પરમાત્મા ભગવાન તેમના સંતોના સમાગમે કરીને સારી રીતે જાણીને પછી   સંસારના બંધનને નાશ કરનારા એવા શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિ કરે છે તે પુરુષને મુક્ત કહ્યા છે.

તેઓ સંસારના બંધનથી મુકાઇને તે ભગવાનના ધામને પામે છે અને વળી હે મુકુંદ બ્રહ્મચારી ! અને અન્ય ભક્તજનો ! તમોને હિતકારક વચન કહું છું તેને તમો સ્વસ્થ ચિત્તે સાંભળો. આ લોકમાં સર્વે મનુષ્યને લોભ, તે મોટામાં મોટો શત્રુ છે. અને તે શત્રુને જીતવા દેવ, દૈત્ય ને મનુષ્યોએ પણ અશક્ય છે. અને લોભરૂપી દોષ તે હિંસા આદિક દોષનો મૂળ છે અને નાના પ્રકારના કલેશનો સ્થાનભૂત છે. અને જેમ વૃધ્ધાવસ્થા ઉત્તમ રૂપને નાશ કરે છે તેમ લોભ ઉત્તમ જ્ઞાનનો નાશ કરે છે.

અને લોભે કરીને પોતાના ઇષ્ટદેવનું દ્રવ્ય, રત્ન, મણિ, આદિક તેને હરી લેવાની વૃત્તિ થાય છે. તે હેતુ માટે સમગ્ર પાપ તથા અનેક પ્રકારના અનર્થ તે લોભને આશરીને વર્તે છે. કેની પેઠે તો જેમ સરોવરને આશરીને પક્ષીના સમૂહ રહે છે તેમ. લોભરૂપી દાવાનળની જ્વાળાએ કરીને બળ્યા અને ધનની પ્રાપ્તિને અર્થે પાપકર્મને કરતા એવા જે મનુષ્ય તેમને આ લોકમાં ક્યારેય પણ શાન્તિ નથી થતી. અને જેમ કાળ પ્રાણીના પ્રાણને હરી લે છે તેમ લગાર પણ લોભ તે નાના પ્રકારના ગુણવાળા પુરુષોના સદ્‌ગુણોને અને કીર્તિવાળા પુરુષની કીર્તિને હણે છે.

અને લોભ તે ઝેરી વૃક્ષ છે. તે મોહરૂપી મૂળ તેણે વ્યાપ્ત છે, અને અસત્ય બોલવારૂપી જે મોટાં ડાળાં તેણે યુક્ત છે, અને કપટરૂપી નાની ડાળીઓથી ઘણા વિસ્તારવાળો લોભ છે. અને ચોરી કરવી તથા કુટિલપણું અને અસત્યપણું તે રૂપી પુષ્પવાળો અને પાપરૂપી પલ્લવ જે નવા અંકુર તેણે યુક્ત અને નાના પ્રકારની દુષ્ટ બુધ્ધિરૂપી પાંદડાંયે યુક્ત અને દ્રવ્ય પામવાની ઇચ્છારૂપી જળ તેણે વૃધ્ધિને પમાડેલ, અને દુષ્ટ વાસનારૂપી ગંધવાળો અને અજ્ઞાનરૂપી ફળના સમૂહે યુક્ત અને અધર્મરૂપી તુચ્છ રસ તેણે સહિત અને નાસ્તિકપણું તે રૂપી ઋતુમાં અધિક અજ્ઞાનરૂપી ફળવાળો અને કઠોર એવો પાખંડી પુરુષ અને ચોર તથા ઠગારા તથા પાપી પુરુષ તે લોભરૂપી વૃક્ષની કપટરૂપી ડાળખીયો ઉપર બેઠેલાં પક્ષી છે. આવા પ્રકારના લોભરૂપી વૃક્ષની છાયાને આશરીને જે મનુષ્ય વર્તે છે તે મનુષ્ય રાત્રિદિવસ પાકાં એવાં અજ્ઞાનરૂપી તે વૃક્ષનાં ફળને ખાય છે. અને તે અજ્ઞાનરૂપી ફળને ખાનારો જન તે, તે ફળના રસરૂપી અધર્મે કરીને પોષણને પામેલો યમપુરીને વિષે બહુ દુઃખને તથા વારંવાર જન્મ-મરણને પામે છે. હું જે તે ઘણુંક ધન કયે પ્રકારે પામું અને સ્ત્રિયો તથા સારી હવેલિયો પુત્ર, વસ્ત્ર, આભૂષણ અને નાના પ્રકારનાં વાહન તેને કયે પ્રકારે પામું આવી રીતે લોભે કરીને પરાભવ પામ્યું છે મન જેનું એવો મૂઢ બુધ્ધિવાળો જે જન તે દિવસ-રાત્રી ચિત્તને વિષે ચિંતવન કરે છે. પણ ક્ષણમાત્ર સુખને નથી પામતો. અને મનુષ્ય પોતાને ઇચ્છિત એવું ધન તેને જેમ જેમ અત્યંત પામે છે તેમ તેમ લોભ વૃધ્ધિને પામે છે. કેની પેઠે તો જેમ ઘીની આહૂતિયે કરીને અગ્નિ વૃધ્ધિ પામે છે તેમ અત્યંત લોભી, ધનની પ્રાપ્તિને અર્થે પાપના કરનારા અને ધનને પામવાના ઘણાક મનોરથે કરીને પીડાને પામતા એવા મનુષ્યો રાત્રીએ નિદ્રાનું સુખ પણ નથી પામતા. અને ધનવાળા મનુષ્યને નિત્યે ચોર થકી, રાજા થકી, માગણ જન થકી, સંબંધીજન થકી અને આશ્રિતજન થકી પણ ભય થાય છે.

પારધિ જેમ મૃગલાંને હણે છે અને ઢીમર જેમ માછલાંને હણે છે તેમ ધનના ખપવાળા જનો ધનાઢ્ય પુરુષને નિશ્ચે હણવાને ઇચ્છે છે. અર્થ જે દ્રવ્યાદિક પદાર્થ તે અનર્થનો ભરેલો છે. માટે બુધ્ધિવાળા પુરુષે અર્થને પ્રાણનો ક્ષય કરનારો માન્યો છે. પ્રેતના જન્મ આદિક દુર્ગતિનું કારણ કહેલ છે. સંપત તો તોડતાં પણ ન તુટે અને દુઃખને દેનારી એવી સંસારમાં બાંધી રાખનારી જાળ છે. તે જાળને વિષે પડ્યો એવો પ્રાણી તે મોક્ષને કેમ પામે ? ન જ પામે. લોભને વિષે આવા દોષ રહ્યા છે. માટે હે મુકુંદ બ્રહ્મચારી ! નિર્લોભી એવા પુરુષના સમાગમ થકી શત્રુ જે લોભ તેનું આ પ્રકારે દુષ્ટપણું મનમાં જાણીને ત્યાગ કરે છે તે જન શાન્તિને પામે છે. અને મુક્ત તથા બધ્ધ એવા સર્વક્ષેત્રજ્ઞ તેમનો સ્વામી એવા મારે વિષે પ્રીતિને પામે છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! સાંભળવા માત્રે કરીને ઉત્પન્ન થનારો કામ નામે જે શત્રુ છે તે પાતાળ જેમ જળે કરીને ભરાય નહીં તેમ વિષય ભોગે કરીને પૂર્ણ થાય તેમ નથી. અને તેને દુઃખે કરીને પણ જીતવો શક્ય નથી. તે અનેક પ્રકારના દુઃખનો સ્થાનભૂત છે.

જેમ પારધી બાણે કરીને મૃગલાંને વિંધે છે તેમ અતિક્રૂર એવો જે કામ તે છિદ્રને ખોળતો ખોળતો વિષયરૂપી બાણે કરીને નિત્યે મનુષ્યને વિંધે છે. અને પોતાના દાસરૂપ કરે છે. મહાબળીયા દેવ, દૈત્ય ને મનુષ્ય અને પ્રાણીને મોહ પમાડવાને દુષ્ટ બુધ્ધિ વાળી સ્વૈરિણી સ્ત્રીને પ્રેરતો અને જ્ઞાનનિષ્ઠ એવા જન ઉપર અતિ અમર્ષે યુક્ત અને જ્ઞાની પુરુષમાં પેસવાનું છિદ્ર તેને ખોળતો એવો દુષ્ટમતવાળો કામ તે જ્ઞાની જનને ભગવાનના ધ્યાનરૂપ યોગ થકી પાડવાને ઇચ્છે છે. અને સર્પ જેમ હળાહળ ઝેરમય એવી પોતાની લાળ નાખીને દૂધને દૂષિત કરે છે તેમ કામ તે સ્ત્રીમાં આસક્તિરૂપ દુષ્ટ ઝેર નાખીને નિર્મળ ચિત્તને અતિ દૂષિત કરે છે.

જેમ હડકાયાં કુતરાંની લાળ જેને અડે તે જન જીવે નહિ, તેમ કામી પુરુષ અને કામી પુરુષનો સહવાસકરનારો કલેશને પામતા સતા નિશ્ચય મૃત્યુને પામે છે. અને જેમ વનનો અગ્નિ વનમાં રહેલા પ્રાણીના સમૂહને બાળે છે, તેમજ અતિ નિર્દય અને પ્રાણધારીના મનને અતિશય પાપને પમાડતો કામ પ્રાણધારીને બાળે છે.

મધનો સમૂહ આકાશને જેમ આવરે છે, અને ઘાટો ધુમાડો જેમ અગ્નિને આવરી રહેલો છે તેમ કામરૂપી શત્રુ દેહધારીના સમગ્ર જ્ઞાન ને આવરી રહે છે, અને બ્રહ્મા ને ઇન્દ્રાદિક તેમને જીતવાને લીધે ઘણા ગર્વને પામે છે. અને મહાદુષ્ટ એવો જે કામ તે આહૂતિએ કરીને અગ્નિ જેમ વૃદ્ધિ પામે છે તેમ સંકલ્પે કરીને વૃધ્ધિ પામે છે.

અને જે મનુષ્ય દુર્જન પુરુષના પ્રસંગે કરીને કામના વશપણાને પામ્યો હોય, તેમજ તે નિરંતર નાના પ્રકારનાં દુઃખને પામે છે. પગે ખોડો, નેત્રે કાણો, જેને ઘા વાગ્યો છે, વૃધ્ધ અને બહુ કૃમિયોએ ડસ્યું છે અંગ જેનું એ પાંચે કરીને વ્યાપ્ત અને ભૂખે કરીને બહુ જ દુર્બળ અને ઊઠવાને સમર્થ નહિ એવો જે શ્વાન જેમ કૂતરીને પાછળ જાય છે તેમ તે કામની પાછળ જાય છે.

અહો, એવા કષ્ટરૂપ કામનું બહુ દુરાત્માપણું છે. કામને વિષે ઘણાક દોષો રહ્યા છે. તે માટે આ લોકને વિષે મનુષ્યો આત્મનિષ્ઠા, વૈરાગ્ય આદિક ભગવાનની પ્રસન્નતાનાં સાધને કરીને કામરૂપી શત્રુનો નાશ કરે છે. પછી તે પુરુષ જેમ ગ્રીષ્મઋતુને વિષે ઠંડો જળનો ધરો તેને વિષે પ્રવેશીને સુખ શાન્તિને પામે છે, તેમ કામથી રહિત મનુષ્યો સુખને પામે છે.

અને તે કામરૂપી દોષ તેની પેઠે જ રસાસ્વાદરૂપી દોષ પણ ડાહ્યા પુરુષોએ દુઃખના કારણરૂપ માન્યો છે. એ હેતુ માટે રસાસ્વાદને વિષે જે પ્રવૃત્તિ તે કેવળ દુઃખને અર્થે છે. હવે તે રસાસ્વાદની પ્રવૃત્તિને વિષે જે દોષ રહ્યા છે, તેને અમો કહીએ છીએ. નાના પ્રકારના રસાસ્વાદ થકી મનુષ્યોને સર્વ પ્રકારે કામની વૃધ્ધિ થાય છે. કેમ જે ક્ષુધાએ કરીને અતિ દુર્બળ પ્રાણીને વિષે કામનું ઓછાપણું છે એમ અનુમાન કરીએ છીએ. એ હેતુ માટે મનુષ્ય પોતાને ઘટિત હોય તેમ સંકોચપૂર્વક રસાસ્વાદને સેવે કેમ જે રસને વિષે આસક્તિએ કરીને મૃત્યુ થાય છે, એમ ડાહ્યા પુરુષો કહે છે.

અને જેમ ગંધફલીકા નામે ઔષધીને સૂંઘીને મદોન્મત એવા ભમરા નાશ પામે છે, તેમ રસને વિષે આસક્ત એવા મનુષ્યો નાશને પામે છે. અને મચ્છ જેમ રસના લોભે કરીને કાંટા ઉપર રહ્યું જે માંસ તેને ખાવાની ઇચ્છાએ કરીને મરણ પામે છે તેમ રસાસ્વાદને વિષે આસક્ત એવા મનુષ્યો મરણ પામે છે.

અને રસને વિષે લોભ તેણે કરીને બહુ મિષ્ટાન્ન જમવાને અર્થે મનુષ્ય માજમનું ભક્ષણ કરે છે. તથા રસને વિષે આસક્તિ તેણે કરીને માંસના ભક્ષણને વિષે પણ પ્રવૃત્તિ થાય છે, ઇત્યાદિક રસને વિષે ઘણાક દોષ રહ્યા છે. એ હેતુ માટે રસને વિષે આસક્તિ તે નાના પ્રકારના દુઃખના સ્થાનભૂત છે.

અને સ્નેહ પણ મનને દુઃખનું મૂળરૂપ છે. એ પ્રકારે વિચાર કરીએ છીએ. કેમ જે પ્રાણી સ્નેહ થકી સ્ત્રી પુત્રાદિકને વિષે આસક્ત થાય છે. અને તે થકી નાના પ્રકારના દુઃખના સંબંધને પામે છે. અને સર્વ દુઃખ માત્ર સ્નેહને આશરીને જ પ્રવર્તે છે. અને ભય તે પણ સ્નેહ થકી થાય છે. અને સૌહૃદ પ્રયાસ ઇત્યાદિક સર્વે સ્નેહ થકી પ્રવર્તે છે. માટે હે મુકુંદ બ્રહ્મચારી ! સ્નેહનો ત્યાગ કરવો.

સ્નેહની પેઠે મનુષ્યોને માનનો દોષ પણ મહા અનર્થને કરનારો છે. જે માન થકી ક્રોધ થાય છે તેણે કરીને વ્રત, દાન, તપ ઇત્યાદિક સદ્‌ગુણો નાશ પામે છે. અને એવા પુરુષને આ બોલવાને યોગ્ય છે કે આ યોગ્ય નથી, એમ જાણપણું નથી રહેતું, અને માન થકી પોતાનું કલ્યાણ કરનારા એવા સત્પુરુષોની પણ અવજ્ઞા કરે છે. અને માન થકી મોટા પુરુષે બાંધી જે ધર્મ મર્યાદા તેનો ભંગ થાય છે. અને અવિવેક પણ માન થકી જ થાય છે. નાશ કરવા યોગ્ય નહીં એવી સ્ત્રીનો નાશ તથા આત્મઘાત તથા ગુરુનો નાશ તથા નહીં કરવા યોગ્ય ક્રિયા તથા નહીં બોલવા યોગ્ય બોલવું એ સર્વ માન થકી જ થાય છે.

અને નિર્દયપણું તથા કઠોરપણું, દંડ, મત્સર એ સર્વ માન થકી જ મનુષ્યને થાય છે. અને માનથી અન્યાયને વિષે ન્યાયપણાની બુધ્ધિ થાય છે. ઇત્યાદિક ઘણાક માનને વિષે દોષ રહ્યા છે. એટલા માટે રસાસ્વાદ, સ્નેહ, માન એ ત્રણ દોષો અધર્મ સર્ગના દોષો સાથે રહી મોટા દુઃખને આપનારા છે અને દુઃખે કરીને પણ જીતવાને અશક્ય છે. એ હેતુ માટે એકાંતિક એવી મુક્તિને ઇચ્છતા એવા મારા આશ્રિત તમોએ નાના પ્રકારના દોષો અને દુઃખના કારણરૂપ એવા લોભાદિક જે પાંચ શત્રુ તેમને વિશેષપણે કરીને જીતવા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા, તેમાં શ્રીકૃષ્ણ ભગવાન અક્ષરપુરુષપણે પ્રવેશ કરીને જીવોને યથાયોગ્ય કર્મફળને આપે છે તે તથા પોતાનું સ્વતંત્રપણું કહ્યું તથા લોભાદિક પાંચ દોષો કહ્યા એ નામે પાંચમો અધ્યાય. ૫ સળંગ અધ્યાય. ૪૫