અધ્યાય-૫૦
હવે આ પ્રકારે સંસારરૂપી તીવ્ર રોગનું પરમ ઔષધરૂપ એવા તીવ્ર વૈરાગ્યે યુક્ત અને દુઃખને નાશ કરનારું અને અમૃત થકી પણ અતિ શ્રેષ્ઠ એવું શ્રીહરિનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા મુકુંદવર્ણિએ શ્રીહરિને નમસ્કાર કર્યા. અને સભામાં બેઠેલા સમગ્ર ભક્તો પણ સાંભળીને અતિશય પ્રસન્ન થયા. અને શ્રીહરિને નમસ્કાર કર્યા. તે સમયમાં મુકુંદવર્ણિએ પુનઃ પૂછ્યું જે, હે મહારાજ ! હવે ભક્તિનું રૂપ કહો. ત્યારે શ્રીહરિ કહેવા લાગ્યા જે, હે વર્ણિ ! ભજ ધાતુનો સેવારૂપ અર્થ છે. અને તીન પ્રત્યયનો પ્રેમરૂપ અર્થ છે. માટે સ્નેહે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને જ્ઞાની પુરુષો ભક્તિ કહે છે.
અને જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને અનન્યભાવે કરીને સેવે છે તેમ મુમુક્ષુજન તે અનન્ય ભાવે કરીને શ્રીહરિને નિરંતર સેવે છે. એક પોતાના સ્વામીને વિષે જ ભાવ હોય પણ બીજા કોઇને વિષે એવો ભાવ ન હોય તેને અનન્ય ભાવ કહેવાય. અને વિષ્ણુ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું શ્રવણ કરવું અને કીર્તન તથા સ્મરણ કરવું તથા ચરણસેવન કરવું અને પૂજન કરવું તથા વંદન કરવું અને દાસપણું કરવું તથા સખાપણું કરવું અને આત્મનિવેદન કરવું એ શ્રવણાદિક નવ નવધા ભક્તિનાં લક્ષણ છે. અને ભક્તિનાં એ નવ લક્ષણમાંથી એક લક્ષણને પણ આશરે તો તે જન ભુક્તિ અને મુક્તિને પામે છે. હવે એ નવ લક્ષણને વિસ્તારે સહિત કહું છું.
હે વર્ણિ ! તે નવને વિષે પ્રથમનું જે શ્રવણ છે તેને કહું છું. સ્વધર્મે યુક્ત એવા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તના મુખ થકી શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્મ અને ચરિત્ર તેનું શ્રવણ કરવું અને શ્રીકૃષ્ણ ભગવાનના વારાહાદિક અવતાર તેમનાં જે ચરિત્રોને મુમુક્ષુએ આદર થકી સાંભળવાં તથા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત એવા જે પ્રહ્લાદજી, ધ્રુવજી, પ્રિયવ્રત, અંબરીષ ને ઉધ્ધવજી આદિક ભક્તોની કથાને સાંભળવી. હવે કીર્તન ભક્તિને કહું છું જે, હે વર્ણિ ! રાધિકાજીના સ્વામી શ્રીકૃષ્ણ ભગવાન તેનાં જે ચરિત્ર તેમનું કીર્તન કરવું. તથા ભગવાનના જે સાધુ તેમનાં ચરિત્રનું કીર્તન કરવું અને તે ભગવાન અને ભગવાનના સાધુનાં ચરિત્રની કથા અને વાર્તા નિરંતર આદર થકી કરવી અને પોતાના હિતને ઇચ્છતા એવા જનોએ શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તને સંબંધવાળા ગ્રંથો ભણાવવા તથા ભણવા તથા તે ગ્રંથનો નિત્યે પાઠ કરવો.
અને વ્રજના સ્વામી એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના ગુણચરિત્રે યુક્ત છંદે કરીને બાંધ્યા જે શ્લોક તેનું કીર્તન અને ગદ્ય તે સંસ્કૃત હોય અથવા પ્રાકૃત હોય તો તેમનું હર્ષે કરીને ગાન કરવું. અને તે જો પોતાને વાજીંત્ર વગાડવામાં કુશળપણું હોય તો વિણા, મૃદંગ, આદિક વાજીંત્રના શબ્દે યુક્ત ગાન કરવું અથવા તાળીઓના શબ્દે યુક્ત ગાન કરવું. અથવા ક્યારેક તો તાળીઓ વગાડ્યા વિના પણ ગાન કરવું. અને હે મુકુંદવર્ણિ ! મહાસમર્થ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સ્તુતિ, પ્રાર્થના ને નામ કીર્તનના શ્લોક આદિકનો પાઠ કરવો. અથવા પ્રીતિયે યુક્ત મનોહર વચનો બોલીને સ્તુતિ-પ્રાર્થના ને નામકીર્તન કરવાં. હવે સ્મરણ ભક્તિ કહું છું. હે મુકુંદવર્ણિ ! અંગ જે હસ્તમુખાદિક અને ઉપાંગ જે માળા, મુરલી, આયુધ આદિકે સહિત જે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ તેનું પોતાના હૃદયકમળને વિષે ચિંતવન કરવું. અથવા તે ભગવાનના ચરણારવિંદ આદિક અંગથી લઇને એક એક અંગનું ધ્યાન કરવું.
અને તે ભગવાનના હસ્ત પર્યંત અંગનું જુદું જુદું ધ્યાન કરવું. અને વૃંદાવનને વિષે ચંદ્રમાની પેઠે શોભતા એવા શ્રીકૃષ્ણ ભગવાનના નામનું મને કરીને સ્મરણ કરવું. અને તે ભગવાનનાં ચરિત્ર અને ગુણ તેનું મને કરીને સ્મરણ કરવું. તથા તે ભગવાનનો મંત્ર મને કરીને જપવો. હે મુકુંદ બ્રહ્મચારી ! જગતના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનાં ગૌલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ ને બ્રહ્મપુર આદિક ધામમાં રહેલા ભગવાનના પાર્ષદ, શક્તિઓ, ઐશ્વર્ય, વૈભવ આદિક સર્વેનું મનમાં સ્મરણ કરવું. હવે ચરણસેવન ભક્તિને કહું છું.
હે મુકુંદવર્ણિ ! સત્પુરુષના પતિ એવા જે સાક્ષાત્ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણારવિંદનું સંવાહન કરવું કહેતાં રૂડી રીતે પ્રેમથી ચરણ ચાંપવા અને ભગવાન પ્રત્યક્ષ ન હોય ત્યારે મને કરીને ભગવાનના ચરણારવિંદનું સંવાહન કરવું. અને તે ભગવાનની પ્રતિમા હોય તો તે પ્રતિમાના ચરણનો સ્પર્શ કરવો. હવે તે ભગવાનના ચરણારવિંદનું જે મહાત્મ્ય તે બે શ્લોકે કરીને કહું છું.
હે મુકુંદવર્ણિ ! બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, એ ત્રણ મોટા દેવોને પણ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરણકમળની સેવાએ કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું છે. અને સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, એ ત્રણે લોકને વિષે ગતિ કરનારાં જે ગંગાજી એ ભગવાનના ચરણકમળને સ્પર્શે કરીને જ સમગ્ર બ્રહ્માંડને પવિત્ર કરે છે. અને એ ભગવાનના ચરણકમળના આશ્રયને કરનારા મનુષ્યોનો માયા અને કાળ થકી જે ભય તે નાશ પામે છે. અને રાધા અને લક્ષ્મી આદિક જે મોટા મોટા ભક્તજનો તે ચરણકમળનું નિરંતર સેવન કરે છે. હે મુકુંદવર્ણિ ! તે ભગવાનનું ચરણકમળ તેને કોણ ન સેવે ? એ તો સર્વેને સેવવું. અને વ્રજની ગોપીઓ તો એ ભગવાનના ચરણકમળને સેવવાથી લક્ષ્મીજી અને બ્રહ્માદિકથી પણ અતિશય મોટી કીર્તિને પામી છે. તે કીર્તિ વ્યાસજી આદિક કવિઓએ ગાયેલી છે. અને લીલાએ કરીને નરનાટકને કરતા, કહેતાં નરની પેઠે નરના વેષને અનુસરીને ચરિત્રને કરતા અને વૃંદાવનને વિષે ચંદ્રમાની પેઠે શોભતા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમનું ચરણકમળ સંસાર થકી મુક્ત થવાને ઇચ્છતા જનોએ સેવવું. ભગવાનના ચરણકમળને સેવનારા જનોને બીજી ગતિ નથી થતી. તેમને તો ચરણારવિંદની જ પ્રાપ્તિ થાય છે.
હવે પૂજન ભક્તિને કહું છું. હે મુકુંદવર્ણિ ! શ્રીકૃષ્ણ ભગવાનનું અર્ચન ને પૂજન તે તો પંચરાત્ર શાસ્ત્રને અનુસરેલા મોટા આચાર્યોએ પોતાની શક્તિને અનુસારે અને વિધિને અનુસારે એક આભ્યંતર ને બીજું બાહ્ય એમ બે પ્રકારનું કહ્યું છે. તે જેવી રીતે દીઠેલા અથવા સાંભળેલા એવા શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરીને પછી મને કરીને કલ્પેલાં ચંદન, પુષ્પ, નૈવેદ્ય આદિક મોટા ઉપચારોથી ભગવાનની પૂજા કરવી. બે પ્રકારના પૂજનમાં પ્રથમનું જે આભ્યંતર પૂજન તે કરવું. અને પોતાના સામર્થ્યને અનુસારે મળેલા જે ચંદન પુષ્પાદિક ઉપચારો તેણે કરીને પોતાના અધિકારને અનુસારે વેદોક્ત અથવા પુરાણોક્ત મંત્રાદિકે કરીને શ્રીકૃષ્ણ ભગવાનનું જે બાહેર પૂજન કરવું તેને બાહ્યપૂજન કહ્યું છે. અને પ્રથમનું આભ્યંતર પૂજન જે માનસી પૂજા તેને પ્રથમ કરીને તે પછી બીજું બાહ્યપૂજન કરવું. અને ચલ એવી પ્રતિમાને વિષે તો શ્રીકૃષ્ણ ભગવાનનું આવાહન કરીને પછી પૂજન કરવું. અને અચળ પ્રતિમાને વિષે તો આવાહન ન કરવું.
અને મદ્યમાંસાદિક જે અપવિત્ર વસ્તુ તેના સંસર્ગે રહિત અને અતિશય શુધ્ધ અને શાસ્ત્રને વિષે પ્રસિધ્ધ અને બીજા દેવને અર્પણ ન કર્યા હોય એવાં ચંદન પુષ્પાદિક પૂજાના ઉપચારે કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પૂજવા. અને શ્રીકૃષ્ણ ભગવાનને સ્નાન કરાવીને પછી જેવી રીતે ઘટે તેવી રીતે વસ્ત્ર ધરાવવાં અને નાના પ્રકારના અલંકારોને જે સ્થાનકે જે યોગ્ય હોય તે પ્રમાણે ધરાવવા. અને તે ભગવાનના પૂજનના કરનારા ભક્ત તે કુંકુમ અને કેસર તેણે યુક્ત એવું ચંદનનું અનુલેપન તે ભગવાનને શરીરે પ્રેમ કરીને ઋતુને અનુસારે કરે તથા ભાલને વિષે સુંદર તિલક કરે અને સુગંધીમાન પુષ્પના જે હાર તથા ગુચ્છ તથા તોરા ભગવાનને ધરાવીને પછી ધૂપ અને દીપ અર્પણ કરે. અને તે પછી પૂજનનો કરનારો ભક્ત તે ઋતુને અનુસારે અને પોતાના સામર્થ્યને અનુસારે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરે.
પછી નાના પ્રકારનાં વાજીંત્રને શબ્દે સહિત મોટી આરતી કરે. અને પછી ભગવાનને પ્રદક્ષિણા કરે અને સ્તુતિ તથા પ્રાર્થના કરે અને નમસ્કાર કરે. એવી રીતે દિવસ દિવસ પ્રત્યે જે કરવું તેને શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કહેવાય. અને પ્રાતઃકાળ જે મંગલા આરતીનો સમય ને સંગવકાળ જે શણગાર આરતીનો સમય અને મધ્યાહ્નકાળ જે રાજભોગ આરતીનો સમય અને અપરાહ્વકાળ જે સંધ્યા આરતીનો સમય અને નિશામુખ જે શીતળ આરતીનો સમય એવી રીતે નિત્યે પાંચ વખત જે શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું તે ઉત્તમ પૂજન કહ્યું છે, અને પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાળ એ ત્રણ વખત જે નિત્યે શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું તે મધ્યમ પૂજન કહ્યું છે. અને નિત્યે એક પ્રાતઃકાળે જે ભગવાનનું પૂજન કરવું તે કનિષ્ટ પૂજન કહ્યું છે. અને એ કનિષ્ટ પક્ષ તો પાંચ વખત તથા ત્રણ વખત પૂજન કરવાને જે અસમર્થ હોય તેનો છે.
હે મુકુંદવર્ણિ ! શ્રીકૃષ્ણ ભગવાનના જે સર્વે જન્મ ઉત્સવના દિવસો તથા સર્વે એકાદશીઓના દિવસો તેને વિષે ગીત અને વાજીંત્રના શબ્દે યુક્ત એવી શ્રીકૃષ્ણ ભગવાનની મોટી પૂજા કરવી. અને તે જન્મઉત્સવને દિવસે અને એકાદશીઓને દિવસે ઉપવાસ કરવો, તથા રાત્રિમાં જાગરણ કરવું. અને પારણાના દિવસે તેમજ બીજા અન્નકૂટાદિક ઉત્સવના દિવસે પોતાના સામર્થ્યને અનુસારે બ્રાહ્મણો તથા સાધુઓ જમાડવા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમગીતા તેમાં ભક્તિનું રૂપ કહ્યું તથા જન્મોત્સવ તથા એકાદશીના ઉત્સવ કહ્યા એ નામે દશમો અધ્યાય.૧૦ સળંગ અધ્યાય. ૫૦