૪૯ પુરુષોત્તમગીતા અધ્યાય ૯: રાજા તથા દેવાદિકના વૈભવનું નાશવંતપણું તથા વૈરાગ્યના ગુણો.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:45pm

અધ્યાય-૪૯

આ અધ્યાયમાં શ્રીહરિએ રાજા તથા દેવાદિકના ભોગવૈભવનું નાશવંતપણું તથા વૈરાગ્યના ગુણો એ આદિક વાત કહી છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! સંધિ ને વિગ્રહ તેની ચિંતાએ કરીને અને પુત્રાદિક થકી પણ વ્યાકુળ થયો છે, મરવાનો ભય છે જેમને એવા રાજાઓ તેમને રાજ્ય હોય છતાં પણ સુખ ક્યાંથી હોય ? અને તમે કહેશો જે અનેક પ્રકારના વૈભવનો અધિપતિ તેને કેમ સુખ ન હોય ? તો ત્યાં કહીએ છીએ જે, રાજાને પણ અન્ન, વસ્ત્ર, વાહન, આસન એ આદિક સર્વે પદાર્થ જેટલો ખપ હોય તેટલાં જ ભોગવાય છે. અને પોતાના ખપમાં ન આવ્યું તે તો કેવળ કલેશને અર્થે જ છે.

અને સાત માળની હવેલી છે તો પણ મહીપતિને પોતાને બેસવા-સૂવામાં ખપ આવી એટલી જ પોતાની છે. અને જળના ભરેલા હજારો ઘડા હોય તો પણ જળ પોતાના ખપમાં આવ્યું તેટલું જ પોતાનું છે, તેમ અન્નાદિક પણ જે પોતાના ખપમાં આવ્યું તેટલું જ પોતાનું, રાજાને રાત્રિ-દિવસ ચોઘડીયાં સાંભળવાં તે સુખ અધિક છે એમ જો કહેતા હો તો ત્યાં કહીએ છીએ જે રાજા પ્રાતઃકાળને વિષે વાજીંત્રના શબ્દોને પ્રવાસીજન તેણે સહિત જ સાંભળે છે. એ હેતુ માટે મારા ઘરને વિષે આ વાજીંત્ર વાગે છે એ તો કેવળ અભિમાન માત્ર જ છે. એ પ્રકારે રાજને વિષે પણ કેવળ અભિમાન માત્ર છે. તમે કહેશો જે કોઇને ન મળે એવાં ઘણાંક મૂલ્યવાન વસ્ત્ર, ઘરેણાં કરવાં એ આદિક સુખ રાજાને છે તોય ત્યાં કહીએ છીએ જે, નાના પ્રકારનાં બહુ મૂલ્યવાળાં વસ્ત્ર ઘરેણાં ધારણ કરવાં તથા સુગંધીમાન પુષ્પ-તૈલાદિક પદાર્થને અંગમાં લેપન કરવાં, તથા નૃત્ય જોવાં તથા ઉન્મત્તની પેઠે આચરણ કરવું એ આદિક રાજાને ભોગવવાના યોગ્ય ભોગે કરીને પણ એકબીજાને જીતવાને ઇચ્છતા અને પૃથ્વીને વિષે વેરને કરનારા એવા રાજાઓને સુખ નથી જ. અને શત્રુ થકી જે પરાભવ તેણે કરીને નિત્યે ઉદ્વેગચિત્તવાળા અને દ્વેષ-અમર્ષ એ આદિકે કરીને વ્યાપ્ત એવા રાજાને ક્યારેય પણ સુખ નથી જ.

હે સન્મતે ! પૂર્વે રણ સંગ્રામને વિષે રાજાનો રાજા એવો કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન તેના હજાર હસ્તોને મહાપરાક્રમી પરશુરામે છેદી નાખ્યા હતા. કોઇથી જીતાય નહીં એવા જે પરશુરામ તેમનો શ્રેષ્ઠ અને શુરવીર પુરુષોએ વખાણેલો અને સર્વોપરી એવો જે યશ તેને સમર્થ એવા દશરથના પુત્ર રામચંદ્રજીએ હરી લીધો હતો અને હનુમાનજી પણ ઇંદ્રે વજ્રે કરીને પરાભવ કર્યા સતા પૃથ્વી પર પડ્યા હતા. અને તે સૂર્યાત્મક જે ઇંદ્ર તેને નીવાતકવચ નામે દૈત્યે જીતી લીધો હતો. ને તે દૈત્યને પાંડુ રાજાના પુત્ર અર્જુને જીતી લીધો હતો. સૂર્યશબ્દે કરીને ઇંદ્રને જાણવા કેમ જે રામાયણને વિષે ઇંદ્રને સૂર્ય કહ્યા છે. અને મહાશોભાયમાન અને મહાપરાક્રમી અર્જુનને પણ ગોવાળીયા કાઠીઓએ જીતી લીધા હતા અને તે ગોવાળને વરસાદ ન વરસવો અને બહુ વરસવો તેણે કરીને પીડા છે. મેઘને વાયુ તે ચારે બાજુ દોડાવે છે. અને વાયુના પરાક્રમને પર્વતે જીતી લીધું છે કેમ જે પર્વતાસ્ત્રે કરીને વાય્વાસ્ત્ર પરાભવને પામે છે.

અને પર્વતને અગ્નિ બાળે છે. અને અગ્નિને જળ પરાભવ કરે છે. અને જળને પ્રલયકાલનો સૂર્ય શોષી લે છે. આ પ્રકારે દેવ, અસુર અને મનુષ્યો એકબીજાને જીતવાને ઇચ્છતા થકા કલેશને પામે છે અને એકબીજાથી અધિક થવાને ઇચ્છતા અને ઉજળી એવી બીજાની સંપત્તિ જોઇને સહન કરી શકતા નથી. એવા દેવને સ્વર્ગને વિષે પણ સુખ નથી. અને છેદાઇ ગયાં છે મૂળ જેમનાં એવાં વૃક્ષ પરવશપણાને પામીને જેમ પૃથ્વી ઉપર પડે છે. તેમ પોતાના પુણ્યનો નાશ થયા થકી દેવ તત્કાળ નીચે પડે છે. અને સુખ પામવાના મનોરથવાળા દેવોને અચાનક થયો જે ભોગાદિકનો નાશ તેણે કરીને સ્વર્ગને વિષે પણ તીવ્ર દુઃખ થાય છે.

અને બળીયા જે યક્ષ, રાક્ષસ, દૈત્ય તથા દાનવ તેમની સંગાથે દેવને પણ નિરંતર યુધ્ધ કરવા રૂપી કલેશ છે. હે મહામતે ! આ પ્રકારે સ્વર્ગને વિષે પણ વિષયે કરીને વ્યાકુળ છે ચિત્ત જેમનાં અને રાગ-દ્વેષાદિકે યુક્ત દેવો તેમને સુખ નથી. સ્વર્ગને વિષે રહ્યા જે દેવ તેમને પુણ્યનો નાશ થવાનો ભય રહેલો છે. માટે તેથી દુઃખ પ્રાપ્ત થાય છે. અને જ્યારે ત્યાંથી પડે છે ત્યારે નાના પ્રકારની હજારો યોનિઓને વિષે વારંવાર જન્મ થાય છે. અને દેવલોકને વિષે પણ દેવ તેમને મનુષ્યની પેઠે નાના પ્રકારના રોગ રહ્યા છે. સૂર્યને કુષ્ઠનો રોગ છે, અને વરુણને જલોદરનો રોગ છે, અને પુષા નામે દેવ તેમના દાંત પડી ગયા છે, અને ઇન્દ્રનો ભુજ સજ્જડ રહી ગયો છે, તથા ચંદ્રમાને પણ સહન થઇ શકે નહીં એવો મોટો ક્ષય રોગ છે, અને દક્ષ પ્રજાપતિને પણ તાવનું મોટું દુઃખ છે.

અને અશ્નિનીકુમાર જે દેવતાના વૈદ્ય તેમને મસ્તકનો રોગ છે, એમ પદ્મપુરાણમાં કહ્યું છે તે થકી જાણવું. આવી રીતે દેવો પણ નાના પ્રકારના રોગે કરીને પીડાને પામે છે. અને બ્રહ્માના દિવસ દિવસ પ્રત્યે કાળે કરીને અધિકારી દેવોનો પણ નાશ થાય છે, અને દ્વિપરાર્ધ કાળે કહેતાં બ્રહ્માનાં સો વર્ષે કરીને તે બ્રહ્માનો પણ નાશ થાય છે. અને લોભ-કામાદિકે યુક્ત અને મત્સરે કરીને વ્યાકુળ મનવાળા અને વિષયને વિષે આસક્ત ચિત્તવાળા દેવોને સુખ ક્યાંથી હોય? ન જ હોય. અને જ્યાં લોભ-કામાદિક દુઃખને દેનારા દોષો હોય ત્યાં નિરંતર સમગ્ર દુઃખ જ હોય એમ જાણવું. અને સર્વે લોકને વિષે પ્રાણીને આધ્યાત્મિક કહેતાં અંતઃકરણ સંબંધી અને આધિભૌતિક કહેતાં દેહ સંબંધી અને આધિદૈવિક કહેતાં દેવ સંબંધી જે દુઃખ તે બહુ ઉપજે છે. તે દુઃખનું મૂળ માયિક વિષય છે. એમ હવે કહું છું.

હે વર્ણિ ! પ્રાણીને શબ્દાદિક વિષયો અતિશય અશાન્તિને આપનારા છે. અને કલેશ ને દોષાદિકના સ્થાનભૂત છે. અને વારંવાર જન્મ-મૃત્યુના પમાડનારા છે. તે વિષયના દોષને સ્પષ્ટપણે કરીને કહું છું. જેમ હળાહળ ઝેરે યુક્ત એવા સ્વાદુ મોદક પણ તે જમનારા મનુષ્યને હણે છે, તેમજ દુઃખના કારણ એવા વિષયો પણ ભોગવ્યા છતાં પણ જનને મોક્ષના માર્ગ થકી પાડે છે, અને જેમ દૂધ પાઇને પાળ્યા એવા સર્પો તે પાળનારાને હણે છે, તેમ સ્વભાવે કરીને જ શત્રુ અને દુષ્ટપણે યુક્ત જે વિષય તે પોતાને સેવનારાને હણે છે.

અને લીલાં એવાં ઘણાં ઘાસે કરીને ઢંકાયા એટલે જ ઉપરથી સારા જણાતા એવા કૂવા જેમ તૃણના લોભે કરીને આવ્યાં જે પશુ તેમને મૃત્યુના હેતુ છે તેમ ઉપરથી સારા અને પ્રિયની પેઠે જણાતા પણ પ્રિય નહીં કરનારા એવા વિષયો પોતાના સમીપને પામ્યા એવા પ્રાણીને નિશ્ચય મારે છે, કહેતાં જન્મ-મરણનો પમાડે છે. અને ઉપરથી રમણીયની પેઠે જણાતા અને પોતાને અંગિકાર કરનારાને પણ ત્યાગ કરનારા અને તેમાં આસક્ત એવા જીવ તેમણે ત્યાગ થઇ શકે નહિ એવા પણ તે વિષયો જીવના શત્રુ છે. અને નિશ્ચય તે જીવને અંતે તાપને પમાડે છે. અને જેમ ઝેરના વૃક્ષને પામીને અને જેમ સર્પ સંબંધી ફણાને પામીને પ્રાણી તે દુઃખને પામે છે, તેમ વિષયને પામીને નિરંતર દુઃખને પામે છે. અને જેમ મનુષ્ય મનને વહાલા એવા જેટલા વિષયને સેવે છે તે મનુષ્ય તેટલા જ શોકના ખીલાને પોતાના હૃદયને વિષે નિશ્ચય મારે છે.

અને જેમ ઢીમર મોટી જાળે કરીને માછલાંને બાંધે છે, અને જેમ કસાઇ પશુને વિશ્વાસ આપીને હણે છે, તેમ ઠગારા અને દુષ્ટ એવા તે વિષયો મનુષ્યને વિશ્વાસ દઇને હણે છે. જેમ ઝેરના વૃક્ષના ફળને ખાનારા જનો ઘણીક પીડાને પામે છે, તેમ વિષયને ભોગવતા અજ્ઞાનીજનો નિશ્ચય ઘણી પીડાને પામે છે. અને જેમ માજમ આદિક વસ્તુ તે પોતાને ખાનારા પ્રાણીને તત્કાળ ગાંડા કરે છે, તેમ વિષયો પોતાને ભોગવનારા મનુષ્યને વિહ્‌વળ કરે છે. અને જેમ વાયુ વાદળાંને હરે છે, અને જેમ ધુતારોજન પ્રાણીના પ્રાણને હરે છે, તેમ વિષયો પ્રાણીના સમગ્ર વિદ્યા, ધર્મ, આદિક સદ્‌ગુણોનો નાશ કરે છે. અને મૂર્ખ જીવો વિષયને અર્થે પરસ્પર વૈર કરીને મહારોષે કરીને અંધ ચક્ષુવાળા થઇ વહાલા પ્રાણનો પણ ત્યાગ કરે છે.

જેમ બાળક મધુલવ ખાખરાના વૃક્ષના પાંદડાના ડીંટાને અતિશય ચાટીને તુચ્છ આનંદ માની તૃપ્તિને નથી પામતા, તેમ પ્રાણી મધુલવ જેવા વિષયોને વારંવાર ભોગવીને પણ નિશ્ચય તૃપ્તિને નથી પામતા. ને જેમ ધંતૂરાનાં બીજ તથા ભિલામાને ખાનારા જનને તે ઘણુંક દુઃખ દે છે, તેમ ભોગવ્યા એવા વિષયો જનને નિશ્ચય બહુ પીડાને પમાડે છે અને શરદઋતુનાં વાદળાં ને વીજળી પેઠે ચંચળ અને તાપ, શોક ને દુઃખ તેના કારણ એવા વિષયો તે પોતાને સેવનારા જનોને શ્વાન, ગર્દભ ને બકરાની પેઠે નિર્લજ અને નિંદા કરવા યોગ્ય કરે છે. અને તે વિષયો ત્યાગી તથા ગૃહસ્થ અને બીજા પણ જનોને મોક્ષના માર્ગ થકી ભ્રષ્ટ કરે છે, અને નિંદા અને દુર્દશાને પમાડે છે. ભોગવવાને પ્રારંભ કર્યો એવો એક મનોરથ તે પૂર્ણપણાને નથી પામતો તેટલામાં બીજો મનોરથ ઉદય પામે છે.

માટે હે મુકુંદ બ્રહ્મચારી ! તે નવા ઉત્પન્ન થતા જે સકલ મનોરથો તેનું પૂર્ણપણું કેમ થાય ? ન જ થાય. અને કામનું જે ભોગવવું તેણે કરીને ક્યારેય કામ શાંત થતો નથી. સામો વૃધ્ધિને પામે છે, કેમ જે ઘીને જમવાથી તાવ જેમ શાંત નથી થતો તથા વાયુએ કરીને અગ્નિ જેમ શાંત નથી થતો સામે વૃધ્ધિને પામે છે. અને કામને સેવનારા જન અંતરને વિષે સુખને નથી પામતા, સ્યેન પક્ષીના નિવાસભૂત વૃક્ષની છાયામાં કપિંજલ પક્ષી જેમ સુખ નથી પામતો અને ચંદ્રને સૂર્યનું સમગ્ર તેજ તેને રાહુ ઢાંકી દે છે, તેમ વિષય તત્કાળ જનની બુધ્ધિના પ્રકાશને ઢાંકી દે છે. જેમ વાયુએ ઉડાડેલા રજના સમૂહ જનની દૃષ્ટિને આવરી લે છે, અને જેમ મેઘ આકાશને આવરી લે છે, તેમ વિષયો જ્ઞાનદૃષ્ટિને આવરી લે છે.

આ પ્રકારે વિષયો અત્યંત કલેશ અને દોષના કારણ છે, અને મનુષ્યને વારંવાર સંસાર અને નરકને નિશ્ચય પમાડનારા છે, અથવા વિષયો પોતેજ બંધન બનીને પોતાને સેવનારાને બાંધે છે. જેમ ઉર્વશીએ પોતાનું દુષ્ટપણું ઐલરાજાને કહ્યું હતું તેમ. માટે વિષયનો શો અપરાધ છે ? તેમને ભોગવનારાનો જ અપરાધ છે, કેમ જે પોતાને સેવે તેમને બાંધે, એવો વિષયરૂપ શબ્દોનો અર્થ છે. આ પ્રકારે દોષ દેખાડવાપૂર્વક વિષયનું અપરાધે રહિત પણું છે. અને તેમને ભોગવનારાને અપરાધે સહિતપણું છે. તે કહીને હવે કાળે કર્યું જે સર્વનું વિનાશપણું તેને કહું છું.

હે વર્ણિ ! પ્રકૃતિમાંથી થયા અને પરિણામને પામનારા સમગ્ર વિષયો આકારો અને પદાર્થો, તેમનો તથા સમગ્ર બ્રહ્માંડનો, હે ધિમન્‌ ! ચાર પ્રકારના પ્રલયે કરીને નિશ્ચય નાશ થાય છે. માટે પ્રાકૃત પદાર્થોનું નાશવંતપણું છે, હે મુકુંદ બ્રહ્મચારી ! આવી રીતે માયિક લોકભોગાદિકને નાશવંત જાણીને અને શોક ને દુઃખ તેના સ્થાનભૂત તથા કાળરૂપી સર્પના ભયથી વ્યાપ્ત જાણીને તે લોકભોગાદિકને વિષે અત્યંત જે અરુચી તેને વૈરાગ્ય કહેવાય છે. આવા વૈરાગ્યને પામીને જનો તત્કાળ કામના બંધન થકી મુકાઇ જાય છે. અને તે વૈરાગ્ય તો મહાભાગ્યની ઉપમા આપવા જેવો શુભ છે. અને સર્વે આભૂષણમાં શ્રેષ્ઠ અલંકારરૂપ છે. જેમ સુવર્ણ અગ્નિના પ્રસંગે કરીને સર્વ માયાનો ત્યાગ કરે છે, તેમ ચિત્ત વૈરાગ્યે કરીને જ સમગ્ર મળનો ત્યાગ કરે છે. અને જેમ વિશલ્યકરણી ઔષધીના સંબંધે કરીને દેહ થકી શલ્ય જાય છે, તેમ વૈરાગ્યે કરીને હૃદય થકી દુઃખો બહાર નીકળી જાય છે.

અને જેમ ચમકપાષાણના સ્પર્શથી લોહ બહાર નીકળે છે, તેમ કામ સંબંધી ઘણીક વિક્રિયા તે વૈરાગ્યે કરીને અંતઃકરણ થકી બહાર નીકળે છે અને જેમ દેહધારીના રોગ ઔષધના સંબંધ થકી સમાઇ જાય છે. તેમ કામને વિષે આસક્તિરૂપી રોગ વૈરાગ્યે કરીને સમાઇ જાય છે, અને જેમ કતક વૃક્ષના ફળના પ્રસંગ થકી મલિન જળ નિર્મળપણાને પામે છે, તેમ સર્વ પીડાને શમાવે એવા શ્રેષ્ઠ વૈરાગ્યરૂપ ઔષધથી મન નિર્મળપણાને પામે છે, તથા અંતઃકરણના રોગ સમાઇ જાય છે, જેમ જન ચિંતામણીને પામીને દીનપણાનો ત્યાગ કરે છે, તેમ વૈરાગ્યને પામીને જ કામની પ્રાપ્તિને અર્થે જે દીનપણું તેનો ત્યાગ કરે છે.

અને જેમ જળની માંહી પ્રવેશ કરાવેલી તુંબડી જળ પર આવે છે, પણ તે તુંબડી જળમાંહી નથી જ રહેતી, તેમ વૈરાગ્ય તેણે યુક્ત એવા વિવેકી પુરુષોની બુધ્ધિની વૃત્તિ તે પોતાના મનની સંગાથે જોડી સતી પણ વિષયમાં નથી રહેતી, પરંતુ વિષય થકી પાછી વળી આવે છે. જેમ માર્ગે ચાલતા ધનવાળા પુરુષોને શસ્ત્રધારીના પ્રસંગે કરીને સર્વે પ્રકારે ચોર સંબંધી વિઘ્ન નાશ પામે છે, તેમ કલ્યાણના માર્ગને વિષે ચાલતા મનુષ્યોને કામાદિક દુષ્ટ ચોર સંબંધી વિઘ્ન વૈરાગ્યે કરીને જ નાશ પામે છે. માટે મારા સમીપની પ્રાપ્તિને કરાવનારા એને વિષય દુઃખને દળી નાખનારા અને પવિત્ર તેમજ સર્વ સાધનોમાં શ્રેષ્ઠ એવો વૈરાગ્ય અતિશય શ્રેયને કરે છે. અને હે મુને ! તીવ્ર વૈરાગ્યે યુક્ત અને મારે વિષે મનને જોડનારા મારા ભક્તોને જોઇને હું ઘણીક પ્રસન્નતાને પામું છું.

હે મુકુંદ બ્રહ્મચારી ! અમોએ તમોને આ પ્રકારે વૈરાગ્યના ઉદયનો હેતુ શાસ્ત્રને અનુસારે સ્પષ્ટપણે કહ્યો છે. અને હે વર્ણિંદ્ર ! અમોએ તમને જે વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે તે તમારે હૃદયમાં ધારવું અને એ જ રીતે મુન્યાદિક મારા આશ્રિતજનોને કહેવું.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે પુરુષોત્તમગીતામાં રાજા તથા દેવાદિકના ભોગ તથા વૈભવ નાશવંત છે તથા જીવે ભોગવ્યા જે વિષય ને તેનાં દુ:ખ કહ્યા, એ નામે નવમો અધ્યાય.૯ સળંગ અધ્યાય. ૪૯