૪૮ પુરુષોત્તમગીતા અધ્યાય ૮: ગર્ભવાસ, બાલ્યાવસ્થા ને વૃદ્ધાવસ્થાનાં દુઃખો, કાળાતળાવ પધાર્યા.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:45pm

અધ્યાય-૪૮

હે મુકુંદ બ્રહ્મચારી! ગર્ભવાસને વિષે વ્યાકુળ મનવાળા પ્રાણીને કુંભીપાક નર્ક થકી પણ ઘણું અતિ તીવ્ર દુઃખ નિશ્ચય થાય છે. અને કોઈ પ્રાણી પર્વતના ભારે કરીને અત્યંત પીડાયો છતો દુઃખે કરીને રહે છે, તેમ ગર્ભમાં પ્રાણી જરાયુ જે ઓળનો પછેડો તેણે વિંટળાયો થકો મહાકષ્ટ પૂર્વક રહે છે. જેમ સમુદ્રને વિષે પડ્યો એવો મનુષ્ય દુઃખે કરીને વ્યાકુળ રહે છે તેમ ગર્ભના જળે કરીને સેવ્યું છે અંગ જેનું એવો પ્રાણી તે વ્યાકુળ અંતર યુક્ત થઈને રહે છે. અને જેમ ચારે બાજુ પ્રજ્જવલિત અગ્નિના મધ્યમાં રહ્યો જે પુરુષ તે તાપને પામે છે. તેમજ આ પ્રાણી અગ્નિએ સહિત એવા છ કોઠા તેના મધ્યમાં રહ્યો ને ગર્ભના ભાવને ભજતો થકો તાપને પામે છે.

અને અગ્નિએ કરીને તપાવાને લીધે અગ્નિના સરખો છે વર્ણ જેનો એવી લોઢાની કોશ તેણે કરીને ભેદ્યું છે કલેવર જેનું એવો પુરુષ જે દુઃખને પામે છે તે દુઃખ થકી ગર્ભને વિષે ગર્ભ સંબંધી દુઃખ આઠ ગણું કહ્યું છે. અને કોઈ સ્થળને વિષે ગર્ભવાસ કરતાં બીજો વાસ તે કષ્ટને દેનારો નથી. માટે ગર્ભવાસ તે નરકમાં પડવા થકી અધિક દુઃખને આપનારો કહ્યો છે. અને વિષ્ટા ને મૂત્રનો ખાડો તેના સમાન અને ઘણા જંતુની ઉત્પત્તિ જેમાં છે એવું માતાનું ઉદર તેમાં પડેલો પ્રાણી તે નીચું છે મુખ જેનું એવો ઘણા કલેશને પામે છે. અને જઠર સંબંધી અગ્નિએ કરીને નિરંતર બળતું છે અંગ જેનું એવો પ્રાણી અત્યંત કોમળપણું છે માટે બહુ વ્યાકુળ થયો થકો વ્યથાને પામે છે. અને માતાના ઉદરમાં રહ્યા એવા કરમિયાના સમૂહ તેમણે ક્ષણ ક્ષણ પ્રત્યે ડસ્યાં છે સર્વે અંગ જેનાં એવો ગર્ભમાં રહ્યો જે પ્રાણી તે બહુ કોમળપણું છે માટે ઘણા દુઃખને પામે છે.

અને પોતાની માતાએ ખાધા એવા કડવા, ખાટા,ખારા, તીખા પદાર્થ તેના સ્પર્શે કરીને ઘણાક વીંછીના ડંખની પેઠે પ્રાણી ઘણી પીડાને પામે છે. અને પાંજરાને વિષે પૂર્યા એવા પક્ષીની પેઠે પોતાના અંગની ચેષ્ટા કરવામાં અસમર્થ એવો ગર્ભમાં રહ્યો જે પ્રાણી તે વિષ્ટા, મૂત્ર, રુધિર આદિકે કરીને લીંપાયો અને આતુર થયો થકો નિત્યે મોહને પામે છે. હે મુકુંદ બ્રહ્મચારી! કર્મને વશ એવો પ્રાણી તેને ગર્ભવાસનું જે મહાદુઃખ તે થકી પણ જન્મ સમયને વિષે કોટીગણું દુઃખ થાય છે, કેમ જે જન્મ સમયમાં પામ્યો છે અતિબળ એવો જે પ્રાણવાયુ તે બળ થકી ગર્ભને ચલાવે છે અને તે ગર્ભનું સ્થાન તે ચોવીશ આંગળ વિશાળ પણાને પામે છે. પણ ગર્ભ પચીસ આંગળ પ્રમાણવાળો છે અને બહાર નીકળતો તે પ્રાણી અત્યંત ભીષણ જેમ હોય તેમ અને જ્વરને લીધે અતિશે તપી ગયું છે અંગ જેનું એવી પીડાયે કરીને મૂર્છા પામીને બહાર આવે છે.

વળી તે સમયની પીડાને દૃષ્ટાંતે કરીને દેખાડે છે. અતિશય બળીયા એવા પ્રસૂતિકાળના વાયુ તેમણે ઠેલ્યો એવો તે પ્રાણી તેને કોલુને વિષે પીલ્યા જે શેલડીના સાંઠાની પેઠે ઘણી પીડા થાય છે. અને ગર્ભ થકી મહાકષ્ટે કરીને બહાર નીકળ્યો અને મૂર્છાને પામ્યો ને મોહ છે નામ જેનું એવો બહારનો વાયુ તેણે સ્પર્શ કર્યો એવો પ્રાણી તેને તે જ ક્ષણને વિષે અતિશય આફરો ચઢી જાય છે. માટે પ્રાણીને તે જ સમયને વિષે મોહ ઉત્પન્ન થાય છે. અને મોહને પામેલો પ્રાણી તેને તત્કાળ ગર્ભની સ્મૃતિ ટળી જાય છે. અને જન્મને વિષે ઘણી પ્રીતિ થાય છે. અને અવ્યક્ત કહેતાં વિકાસને નથી પામી ઈંદ્રિયો ને બુદ્ધિ જેની માટે બાલ્યાવસ્થાને વિષે પણ ઘણાં દુઃખને પામે છે. તે દુઃખને કહેવાને ઈચ્છતો એવો તે પ્રાણી તે દુઃખને કહેવાને તથા કાંઇ કરવાને સમર્થ નથી થતો,

અને બાલ્યાવસ્થાવાળો પ્રાણી તે નાના પ્રકારના બાલ્યાવસ્થાના રોગ તથા અતિક્રૂર બાલગ્રહ તથા માંખો, મચ્છર એ આદિકના ડંસ તેણે કરીને દુઃખને પામે છે. અને તરસ ને ભૂખ તેણે કરીને વ્યાપ્ત છે અંગ જેનું એવો તે પ્રાણી ક્ષણ ક્ષણ પ્રત્યે રુદન કરે છે અને બાળક એવો પ્રાણી તે પોતાને મૂઢપણું છે માટે ભક્ષણ કરવા યોગ્ય નહીં તેનું ભક્ષણ કરે છે તેણે કરીને પણ તેને દુઃખ થાય છે. અને કુમાર અવસ્થાને વિષે કાન વિંધવાથી તથા પોતાની મૂર્ખાઈને લીધે માતા-પિતા તાડન કરે તથા અક્ષર ભણવા માટે ભણાવનારા ગુરુ શિક્ષા કરે તેણે કરીને પણ દુઃખ થાય છે. અને યુવાન અવસ્થાને વિષે નિરંતર વિષયને વિષે રાગ તેણે કરીને આવરેલો પ્રાણી તેને પ્રમત્ત એવી ઈંદ્રિયોની વૃત્તિયોની કામને વિષે આસક્તિએ કરીને પીડા થાય છે. એ હેતુ માટે યુવાવસ્થાને વિષે તે પ્રાણીને સુખ કયાંથી હોય? ન જ હોય અને મોહથી યુક્ત એવો જે પ્રાણી તેને ઈર્ષાએ કરીને અતિ મોટું દુઃખ થાય છે. વિષયને વિષે રાગ તે નેત્રમાં થતો જે રોગ તેની પેઠે નિરંતર કેવળ દુઃખને અર્થે થાય છે.

અને કામરૂપ અગ્નિએ કરીને તપેલો જે મનુષ્ય તે રાત્રિને વિષે નિદ્રાને નથી પામતો. દિવસને વિષે પણ ધનની પ્રાપ્તિને અર્થે ચિંતા કરતો જે મનુષ્ય તેને સુખ કયાંથી હોય? અને વૃધ્ધાવસ્થાને વિષે વૃધ્ધપણે કરીને જીર્ણ થઈ ગયો છે દેહ જેનો અને આધિ ને વ્યાધિ તેનું સોએ સો દુઃખ તેણે પરાભવ કર્યો એવો મનુષ્ય ઘણી વેદનાને પામે છે. ને સર્વે રોગાદિક તેમણે પીડાને પમાડયો એવો જન તેને પોતે ધન્વંતરિ પણ રોગે રહિત કરવાને સમર્થ નથી તો બીજો વૈદ્ય કયાંથી સમર્થ હોય? ન જ હોય. હે મુને! મરણ સમયનું દુઃખ તેણે યુક્ત એવા મનુષ્યને ઔષધ રક્ષણ કરવા સમર્થ નથી.

એજ પ્રકારે તપ, તથા દાન તે પણ સમર્થ નથી. અને માતા, પિતા તથા સંબંધીજન પણ કયારે સમર્થ નથી. અને મૃત્યુ પામ્યો એવો જે પ્રાણી કર્મને વશ થકો અગણિત યોનિને વિષે જન્મ ધારણ કરે છે. અને ત્યાં નિરંતર કલેશ, શોક, ભય ને દુઃખ તેને પામે છે. અને મોટું એવું તમ જે અજ્ઞાન તેમાં પ્રવેશ કરેલો અને મૃત્યુએ કરીને ત્રાસ પામ્યું છે ચિત્ત જેનું એવા પ્રાણીને મરણ સમયને વિષે જે દુઃખ છે તેની ઉપમા કયાંઈ પણ આ લોકમાં નથી એવું અતિશય દુઃખ છે. હે તાત! હે માત! હે કાંત! આ પ્રકારે અતિ દુઃખીયો જન નિશ્ચય બકોર કરે છે.

અને અંતકાળ સમયે નાના પ્રકારના રોગે કરીને ઘણું દુઃખ પામે છે. અને બંધુજન તેમણે હરી લીધું છે સમગ્ર ધનાદિક જેનું અને વહાલાંયે ચારે કોર વીંટાણો અને હાય, હાય, હું મરી જઈશ આ પ્રકારે ત્રાસ પામતું છે હ્યદય  જેનું એવો પ્રાણી ઘણી ચિંતાને પામે છે. અને અતિ સુકાતું મુખ તેણે કરીને દીર્ધ એવો ઊનો શ્વાસ તેને મૂકતો અને વારંવાર કલેશને પામતો અને મોહને પામતો થકો ખાટલાને વિષે આળોટે છે. અને તે પ્રાણી હસ્ત અને ચરણ તેને અતિશય ચારેકોર પછાડે છે. અને ખાટલા થકી પૃથ્વી ઉપર સૂવાને ઈચ્છે છે. અને પૃથ્વી થકી ખાટલા ઉપર સૂવાને ઈચ્છે છે. અને વસ્ત્રે રહિત ને મેલી છે લાજ જેણે અને મૂત્ર ને મળે કરીને લિંપાયેલો અને સુકાઈ જતાં છે કંઠ,ઓઠ ને તાળવું જેનાં એવો તે પ્રાણી જળ પીવાને માગે છે. અને નાના પ્રકારના રોગનું દુઃખ તેણે કરીને આતુર પ્રાણી શોકને કરતા એવા બંધુજનો તેમણે વારંવાર બોલાવ્યો સતો પણ બોલી શકતો નથી. અને કફ ભરાય છે તેણે કરીને કંઠ ઘુરઘુર શબ્દને કરે છે.

હું મૃત્યુ પામીશ, ને મારા દ્રવ્યને કોણ લેશે? આ પ્રકારના ચિંતવનને કરતો એવો પ્રાણી તે કાળપાશ તેણે ખેંચ્યો થકો મૃત્યુને પામે છે. આ પ્રકારે મૃત્યુ તે તત્કાળ સર્વ જગતને ગળે છે. જેમ કપિંજલ પક્ષીને સ્વેન પક્ષી ગળે છે. અને જેમ દેડકાને સર્પ ગળે છે. તેમ આ પ્રમાણે પ્રથમ જન્મ સમયમાં તથા મધ્યને વિષે તથા અંત સમયને વિષે અતિ દારુણ દુઃખ ભોગવતા પ્રાણીને કાળ ગળે છે.

આવી રીતે સ્વભાવ થકી દુઃખની પરંપરા છે. અને સર્વે કાર્ય તેણે વર્જીને જે જન રાત્રિયે સૂવે છે તે જન પણ મરેલા જેવો છે. અને સ્વપ્નને વિષે પણ તમોગુણે કરીને વ્યાપારને કરતા તે પ્રાણીને સુખ ક્યાંથી હોય ? અને ખેડ, વેપાર, ચાકરી તથા ગાયોની રક્ષા કરવી એ આદિક પ્રયાસે કરીને તથા બીજાં વ્યવહાર સંબંધી કાર્યે કરીને હરાણું છે મન જેનું એવા પ્રાણીને જાગૃત અવસ્થામાં પણ શાન્તિ ક્યાંથી હોય ? ને બીજા તો પુત્રથી દુઃખી અને પુત્રોએ રહિત જનને પુત્રને પામવાનું સાધન જે યજ્ઞાદિક તેને કરે છે અને ઘણુંક દુઃખ તેને પામે છે. અને પુત્રવાળા જે જન તેને પણ નિરંતર તેના પોષણની ચિંતા તથા પુત્રને રોગાદિકની પીડા તથા તેમનું મૃત્યુ થયે સતે ઘણીક પીડા નિશ્ચય થાય છે.અને બીજાનાં આભૂષણ દ્રવ્ય, વાહન એ આદિક વૈભવ જોઇને બળતા જે નિર્ધન પુરુષ તેને ઘણી પીડા થાય છે.

અને ધનાઢ્ય પુરુષને પણ ધનની રક્ષા કરવાને તથા ધનને વધારવાને વિષે દુઃખ છે. તથા ધનના ખર્ચ નિમિત્ત તથા ધનનો નાશ થયા નિમિત્ત તથા ચોર આદિક થકી પણ દુઃખ છે. અને જેમ કોઇ પક્ષી માંસ લઇને આકાશમાં ઉડતું હોય તો બીજાં પક્ષીઓ તે માંસને ભક્ષણ કરવા પાછળ દોડે છે અને તેની પાસેથી માંસ લઇને ખાઇ જાય છે. અને પૃથ્વી ઉપર પડ્યું હોય તો શ્વાન ખાઇ જાય છે. અને જળમાં કોઇ લઇ ગયું હોય તો માછલાં ખાઇ જાય છે, તેમ ધનવાળા પુરુષના ધનને રાજા તથા રાજાના ચાકર તથા સંબંધીઓ તથા ચોર એ આદિક સમગ્ર હરી લે છે.

અને આ લોકમાં પંદર અનર્થવાળું ધન ધનવાળા પુરુષને પણ આનંદ નથી આપતું, તે તો નિરંતર ખેદને જ પમાડે છે. માટે ધન સુખને કરનારૂં નથી. અને ધનાઢ્ય જનને દીનપણું તથા મચ્છર તથા દંભ અને ધનનું અધિકપણું અને બીજા થકી ઘણો ભય તથા ન કરવા યોગ્ય એવી ક્રિયાને વિષે પ્રવૃત્તિ આ પ્રકારનાં દુઃખ નિરંતર થાય છે, અને પ્રાણીને હેમંતઋતુને વિષે ટાઢે કરીને દુઃખ અને ગ્રીષ્મ ઋતુને વિષે તાપે કરીને કઠોર એવું દુઃખ, અને વર્ષાકાળને વિષે વાયુ ને વૃષ્ટિનું દુઃખ આવી રીતે કાળે કરીને દુઃખ જ થાય છે. અને મનુષ્ય ને રાજા, ચોર ને શત્રુ તે થકી તથા વ્યાધ્રાદિક થકી અને અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ એ આદિક ઇતિઓ થકી પણ ભય થાય છે, તથા કાળરૂપ સર્વ થકી અતિશય ભય થાય છે.

અને સ્ત્રી-પુરુષને વિવાહના વિસ્તારને વિષે તથા ગર્ભ ધારણ કરવાને વિષે દુઃખ છે. ઘણા પુત્રો હોય તેને પરણાવવા તથા આજીવિકા કરી આપવી એ દુઃખ છે. સ્ત્રીને ઉદરમાં ભાર વેઠવો અને બાળકને જન્મ આપવો અને તેને મોટાં કરવાં, અને તે પુત્ર ને પુત્રીઓ સંબંધી એ સર્વે દુઃખે કરીને સ્ત્રી-પુરુષને ઘણાંક દુઃખ છે. આ પુત્ર ગુણવાન હતો તે મરી ગયો તથા એને ચાકરી મળી નહીં અને આ પુત્રી બાલપણમાં જ વિધવા થઇ, અથવા તેનો એક જ પુત્ર હતો તે મરી ગયો એ આદિક તે ઘણાંક દુઃખ તે પુરુષને રાત્રિ દિવસ થયાં કરે છે. વળી પુત્રને દાંતને વિષે તથા નેત્રમાં રોગ થયો છે એ કષ્ટ આવ્યું, હવે હું શું કરું ? અને ગાયો નાસી ગઇ, ખેડ ભાંગી ગઇ, ઘરની સ્ત્રી બળવાન થઇ પડી-ગાંઠતી નથી, હવે હું શું કરું ? આવા પરોણા આવ્યા તેનું ઘણું ખર્ચ થાશે, અને રાત્રીએ ચોરે મારાં ધન-ધાન્યાદિક સર્વે લૂંટી લીધું છે, હું પણ હવે આંધળો થયો છું અને મારી સ્ત્રી ને બાળક છે. અને છોકરાં નાનાં છે માટે ઘરનું કાર્ય કોણ કરશે, અને પશુને કોણ બાંધશે, અને કન્યાને પરણાવવા સમયે હું તેના યોગ્ય વરને શોધવા જાત, આ પ્રકારની ચિંતાએ કરીને પરાભવને પામ્યા એવા કુટુંબવાળા જનોને સુખ ક્યાંથી હોય ? ક્યારે પણ ન જ હોય, અને નિત્યે કુટુંબની ચિંતાએ કરીને વ્યાકુળ એવો મનુષ્ય તેનો સારો વિચાર તથા બીજા સારા ગુણો કાચા ઘડામાંથી જળની પેઠે સ્રવી જાય છે. હે મુકુંદ બ્રહ્મચારી ! અમોએ તમને આ પ્રકારે ગર્ભને વિષે નિવાસ એ આદિક સમગ્ર દુઃખે કરીને જેનો અંત ન આવે એવું દુઃખ કહ્યું છે અને હવે રાજાદિકનું દુઃખ તેને કહું છું તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમગીતા તેમાં ગર્ભવાસનાં દુઃખો તથા બાલ્યાવસ્થાનાં દુઃખો તથા વૃધ્ધાવસ્થાનાં દુઃખો કહ્યાં એ નામે આઠમો અધ્યાય.૮ સળંગ અધ્યાય. ૪૮