૭૨ ત્યાંથી પાછા મછીઆવ થઈ દદુકા, મછીઆવ, શિયાળ, રોઝકા, ગઢડા પધાર્યા, ત્યાં ફાગણ વદી ૩ ના રાજે શ્રીવાસુદેવનારાયણની મૂર્તિ પધરાવીને સારંગપુર પધાર્યા, ત્યાં ઝાંપડીની વાત, ત્યાંથી ડભાણ, ત્યાં સંતો ગોળા જમતા ત્યાંથી વિજાપુર પધાર્યા.

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 10:07pm

અધ્યાય ૭૨

અમદાવાદમાં શ્રીજીમહારાજ નવાવાસમાં લીંબડા તળે સભામાં બેસીને અનેક પ્રકારની વાર્તાઓ કરીને હરિભક્તોને સુખ આપતા અને ક્યારેક સંતો અને હરિભક્તોને સાથે લઇને કાંકરીઆ સરોવરમાં સ્નાન કરવા પધારતા અને ક્યારેક નારાયણ ઘાટે અને ક્યારેક દુધેશ્વર અને ક્યારેક સપ્તઋષિને આરે સ્નાન કરવા પધારતા. ક્યારેક દામોદર ભક્તને ઘેર જમવા પધારતા. એવી રીતે ઘણાક દિવસ શ્રીનગરમાં રહીને ઘણાક ચમત્કારો બતાવતા. પછી મહારાજે સભામાં વાત કરીજે, આપણે મછીઆવ જવું છે માટે સંતો અને હરિભક્તો તથા બ્રહ્મચારી અને પાર્ષદો સર્વે ચાલો. એમ કહીને ચાલ્યા તે આગળ જઇને અમદાવાદના હરિભક્તો વળાવવા આવેલા હતા તેને પાછા વાળીને જય સચ્ચિદાનંદ કહીને ચાલ્યા. તે ફરતા ફરતા મછીઆવ પધાર્યા અને ત્યાં રહીને ઘણીક લીલા કરીને ત્યાંથી ચાલ્યા તે પોતાના ભક્તજન ઉપર દયા કરીને ગામ દદુકા પધાર્યા અને ત્યાંના હરિભક્તોએ બહુ સારી રસોઇઓ કરાવીને સર્વ સંત મંડળીઓને જમાડી. મહારાજ પોતાના હસ્ત વડે બહુ હેતે કરીને સર્વ સંતોને પીરસતા. એવી રીતે સંતને ઘણાંક સુખ આપીને પછી દેશાન્તરમાં ફરવા જવાની આજ્ઞા કરી.

ત્યાર પછી ત્યાંથી પોતે પાછા મછીઆવ પધાર્યા, ત્યાં ચારથી પાંચ દિવસ રહીને પછી શ્રીજીમહારાજે સત્સંગીઓ આગળ વાત કરી જે, અમારે ગઢપુર જવું છે અને દાદાખાચરને ત્યાં જઇને વાસુદેવનારાયણની મૂર્તિ પધરાવીને આગળ અન્નકૂટ ધરવો છે. ત્યારે હરિભક્તોએ સૌ મળીને રાખવાની ઘણી તાણ કરી પણ મહારાજે કહ્યું જે, અન્નકૂટતો ત્યાંજ કરવો છે. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ શિયાળ ગયા અને ત્યાં ભક્ત તુલાધાર જેને મહારાજનો આશરો છે તેને ઘેર પધાર્યા. તે ભક્તે નાના પ્રકારની રસોઇ બનાવીને મહારાજને તથા પાર્ષદોને જમાડ્યા. ત્યાર પછી ચાલ્યા તે ગામ રોઝકા પધાર્યા.

ત્યાંથી ગઢડા પધાર્યા અને ત્યાં વાસુદેવ નારાયણનો જે ઓરડો છે ત્યાં ઢોલિયા ઉપર પોઢીને, સવારે વહેલા જાગીને, નિત્યવિધિ કરીને, ઉષ્ણ જલથી સ્નાન કરીને, કોરાં વસ્ત્રથી શરીર લૂઇને, ખેસ પહેરીને, ઉપરણી ઓઢીને, ચાખડીએ ચઢીને, લાડુબાઇને રસોડે રામબાઇ આદિક બ્રાહ્મણ બાઇઓ રસોઇ કરાવતાં હતાં ત્યાં જમવા પધાર્યા. પછી જમીને ચળુ કરીને જલપાન કરીને મુખવાસ લઇને અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં ઢોલિયા ઉપર પોઢ્યા. અને કોઇક સમયે બ્રહ્મચારી પાસે રસોઇની સામગ્રી માગે અને પોતાને હાથે રસોઇ કરીને પોતે જમે અને પોતાના એકાન્તિક ભક્તોને જમાડતા. એવી રીતે અક્ષરધામના ધામી અને પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામી ભક્તિ ધર્મના પુત્ર પોતાના એકાન્તિક ભક્ત એવા શ્રી દુર્ગપુરના હરિભક્તો તેમનો પ્રેમ સહિત ભક્તિભાવ જોઇને ત્યાં નિવાસ કરીને રહ્યા. બીજાં ગામોમાં જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કરવા હોય ત્યાં ત્યાં જઇને ત્યાંના સત્સંગીજનોને દર્શન તથા વાર્તાઓ કરીને સુખી કરીને પાછા ગઢપુર આવીને રહેતા અને ત્યાં પોતાની મૂર્તિનું સત્સંગીજનોને સ્મરણ તથા ધ્યાન થાય અને તે મૂર્તિ અખંડ અંતરમાં સાંભરે તે માટે એવાં અનેક ચરિત્ર કરતા.

તે સમયે ડુંગરપુરથી મૂર્તિઓ લેવા પ્રથમ સંતો અને પાળાઓને મોકલ્યા હતા તે મૂર્તિઓ લઇને આવ્યા. તે ગાડાં જ્યારે દરબારમાં આવ્યાં ત્યારે મહારાજને કહેવરાવ્યું જે, ‘મહારાજ’ ! ડુંગરપુરથી મૂર્તિઓનાં ગાડાં આવ્યાં છે. ત્યારે મહારાજ તે સંતોને તથા પાળાઓને ઊઠીને મળ્યા અને તેમના માટે રસોઇ કરાવવા માંડી અને મૂર્તિઓ ગાડામાંથી ઉતારીને તેને ઓપાવવા માંડી. તેમાં વાસુદેવજીની જે મૂર્તિ હતી તેને ઓપાવી. પછી ઉતરાદા બારના ઓરડામાં સિંહાસન કરાવ્યું પછી વેદિકાઓ ઓસરીથી હેઠે કરાવીને વરુણીમાં બ્રાહ્મણોને વરાવ્યા અને તે સમયે સંત ઝાંઝ મૃદંગ લઇને ઓચ્છવ કરવા લાગ્યા. અને સોનીએ પણ ઘરેણાં ઘડીને તૈયાર કર્યાં અને બ્રાહ્મણો જવ, તલ હોમવા લાગ્યા. તે સમયમાં મહારાજ પૂર્વ મુખે ઊભા રહ્યા. અને પાછળ દાદા ખાચર હાથમાં નાળીએરને અગ્નિમાં હોમવા ઊભા હતા. પછી તે અગ્નિના કુંડમાંથી જ્વાળા નીકળી તે દાદા ખાચરના હાથમાંથી નાળીયેર લઇને પાછી અગ્નિના કુંડમાં સમાઇ ગઇ. પછી ધીરે ધીરે ઊભી જ્વાળા ચાલી ત્યારે મહારાજ બોલ્યા જે, અગ્નિએ મૂર્તિમાન આવીને નાળિયેર લીધું. પછી મૂર્તિ ઉપાડીને ચાલ્યા તે ફાગણ વદી ત્રીજને શુક્રવારના દિવસે સિંહાસન ઉપર પધરાવી. તે સમયે ચાર વેદ મૂર્તિમાન બ્રાહ્મણને વેષે આવીને વેદને શ્રુતિઓનું ઉચ્ચારણ કરવા લાગ્યા.

પછી મૂર્તિઓને વસ્ત્ર, ઘરેણાં પહેરાવ્યાં તથા પુષ્પના હાર પહેરાવી આરતી ઉતારી. સત્સંગીઓ ભેટ મૂકતા જાય અને મહારાજ પાસે બેસતા જાય. પછી મહારાજ બોલ્યા જે, ‘બ્રાહ્મણોને તેડાવો અને ચોરાસી કરાવો. અને સત્સંગીઓ બહારના આવ્યા હોય તેને અને ગામના સત્સંગીઓને જમાડજો. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ !’ અમારે ચોકે કામ આવે તેને જમાડશું. બ્રહ્મચારીને ચોકે જેને ખપે તેને બ્રહ્મચારી જમાડશે અને બ્રાહ્મણને ચોકે બ્રાહ્મણ જમાડશે. ત્યારે મહારાજ બોલ્યા જે, ‘જીવાખાચરના દરબારમાં જઇને સંભળાવો જે, તમે સર્વે જમવા આવજો. પછી ઠાકોરજી જમી રહ્યા તે સમયે આરતી થઇ, પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં પોશાક ઉતારીને જળના કોગળા કરીને બિરાજ્યા. તે જમીને જળપાન કરીને મુખવાસ લઇ ઓરડાની ઓસરીમાં સંતોની પંક્તિ થઇ હતી ત્યાં પીરસવા પધાર્યા. તે પીરસતા જાય અને લાડવાની તાણ કરતા જાય. પછી જળ વડે હાથ ધોઇને ઢોલિયે બિરાજ્યા.

પછી ગામ તથા પરગામનાં બાઇ-ભાઇ સર્વે સત્સંગીઓ અને સર્વ બ્રાહ્મણો જમી રહ્યા તેમને તે સમયે શેલાં, પાઘડી અને દક્ષિણા મનમાની અપાવી અને પછી ઉતારે પધાર્યા. તે સમયમાં દિવાળી આવી. ત્યારે જયાબા અને લલીતા બા અન્નકૂટનો સામાન કરવા લાગ્યાં અને નિષ્કુલાનંદ સ્વામી આદિ સંતો અને પાર્ષદો સહુ મળીને દીપમાળા કરવા લાગ્યા એ ઓરડાની જે ઓસરી તેનો જે મોતીયો હતો તેની નીચે વાંસની ખપાટ બાંધીને તેમાં કોડિયાં મેલાવ્યાં. પછી દીવા કરાવ્યા. ત્યાર પછી મહારાજે ભારે પોશાક જે નરનારાયણ સ્વામિનારાયણ નામે હતો તે સુરવાળ પહેર્યો અને ભારે રેંટો મસ્તકે બાંધ્યો અને કાળા કિનખાબની ડગલી પહેરીને બિરાજમાન થયા. તે સમયે કોઇ વડોદરાનાં બાઇએ નાથ ભક્ત સાથે મહારાજને માટે શાલ જોટો મોકલ્યો હતો તે નાથભક્તે મહારાજને ઓઢાડ્યો અને મહારાજ ઢોલિયા ઉપર આવીને બિરાજ્યા. અને ચારે બાજુ દીવા અને મશાલો થઇ તેનો અલૌકિક પ્રકાશ થઇ રહ્યો.

ત્યાર પછી આરતી ધૂન્ય બોલીને સંતો મહારાજને પગે લાગીને બેઠા. તે સમયમાં સંત મંડળ મહારાજની આગળ ગાવણું કરવા લાગ્યા. અને મહારાજ પણ ઘેરે સાદે ભેળા ગાતા જાય અને રમુજ કરતા જાય અને સાથે ચપટી પણ વગાડતા જાય. ત્યાર પછી જે ગવૈયા સંતો હતા તેમને મહારાજે પુષ્પના હાર આપ્યા અને નાથભક્તને પણ પુષ્પનો હાર આપ્યો. પછી તરત જ ઊઠ્યા અને ઉતારે જઇને પોતાનો પોશાક ઉતારીને જ્યાં જલપાન કરીને પોઢવાનો સંકલ્પ કરે છે ત્યાં તો નાથ ભક્ત હેતે કરીને દૂધ-પૌંવાનો થાળ લઇને આવ્યા. તેને જોઇને મહારાજ ઢોલિયાથી ઉતરીને જળના કોગળા કરીને દૂધ-પૌંવા જમવા બેઠા. તે જમીને પછી નારુપંત નાના તથા રામચંદ્ર વૈદ્ય એ આદિ હરિભક્તોની ખબર પૂછી અને દૂધ-પૌંવાનો થાળ હતો તે મુક્તાનંદ સ્વામી આદિ સંતોને મોકલાવ્યો. પછી પોતે મુખવાસ લઇને ઢોલિયા ઉપર પોઢ્યા.

પછી સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને પોશાક પહેરીને શાલ ઓઢી અને ચાખડીએ ચઢીને ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને તે સમયમાં વાસુદેવ નારાયણની આગળ અન્નકૂટ પૂર્યો  અને હરિભક્તે મહારાજને કહ્યું જે આંહી ઢૂકડા આવો. પછી મહારાજ આવીને ઊભા. પછી નિત્યાનંદ સ્વામીએ અન્નકૂટની આરતી ઉતારી અને હરિભક્તો સર્વે ભેટ મૂક્તા જાય, અને પગે લાગતા જાય. મહારાજે તે સમયે જે પોશાક પહેર્યો હતો તે ઉતારીને જમવા બિરાજમાન થયા અને ભોજન જમતા જાય અને મંદમંદ હાસ્ય કરતા જાય. એવી રીતે જમીને પછી ચળુ કરીને જલપાન કર્યું પછી મુખવાસ લઇને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. તે મોતીયા લાડુ, જલેબી તથા દૂધ-પેંડા, તે ઉપરાંત ભાતભાતનાં અનેક પકવાનો લઇને સંતોની પંક્તિમાં પીરસતા જાય અને રમુજ કરતા જાય અને બોલ્યા જે મહાપુરુષો ! લ્યો લાડુ, લ્યો જલેબી, લ્યો પેંડા, એવી રીતે સંતો અને હરિભક્તો જમવા આવ્યા હતા તે સર્વને જમાડીને પછી મહારાજ બોલ્યા જે, અન્નકૂટનો સામાન જે પાછળ વધે તે ગામના તથા પરગામના હરિભક્તો આવ્યા હોય તેમને રસ્તામાં જમવા માટે આપી દેજો. એટલી આજ્ઞા કરીને પછી પોતે હાથ ધોઇને જ્યાં અન્નકૂટ પૂર્યો હતો તે સામું જોઇને મહારાજ બોલ્યા જે, અન્નકૂટ બહુ સારો ભરાણો છે. એમ કહીને મહારાજે બદ્રિકાશ્રમના મુક્તોને તેડાવ્યા અને પોતે ખુરશી ઉપર વિરાજ્યા. તે મુક્તો પણ મહારાજને જોઇને સમાધિને પામ્યા.

ત્યારે મહારાજે સચ્ચિદાનંદ મુનિને નેત્રની સાને કરીને કહ્યું જે તે મુક્તોને જગાડો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ તે સર્વ મુક્તોને જગાડ્યા. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે ગામ સારંગપુર પધાર્યા. અને જીવા ખાચરના દરબારમાં રાત રહ્યા. સવારમાં સર્વે સંત હરિભક્તોને સંગાથે લઇને નદીમાં ઝાડીએ ધ્રોએ નાહ્વા પધાર્યા. અને તે પુરના ભક્તજનોને જલક્રીડા કરીને ઘણોક આનંદ પમાડ્યા. તે લીલાનાં દર્શન કરવા સારુ અગણિત દેવો વિમાને બેસીને આવ્યા હતા. એવી રીતે ઘણીક જળક્રીડા કરીને જળથી બહાર નીસર્યા પછી કોરાં વસ્ત્ર પહેરીને ઊભા રહ્યા. તે સમયમાં છેટે ઊભીને જે બાઇઓ સ્નાન કરતાં હતાં તેમાંથી એક બાઇએ જળનો ઘડો શ્રીજીમહારાજ ઉપર રેડ્યો તે જોઇને શ્રીજીમહારાજ બોલ્યા જે જુવો, આ બાઇનો ગાંડો પ્રેમ. એમ કહીને વસ્ત્ર ઉતારીને બીજાં કોરાં વસ્ત્રો પહેર્યાં.

પછી માણકીએ સવાર થઇને ગામમાં ચાલ્યા, તે સંતો અને હરિભક્તો કીર્તન ગાતા જાય અને વાજાં વગાડતા જાય. એવી રીતે ઓચ્છવ કરીને તે ગામની ભાગોળમાં પેઠા. ત્યારે એક ઝાંપડી કાષ્ટનો ભારો વેચવા માટે જતી હતી, તેણે મહારાજ સામું હેતે કરીને જોયું. એટલામાં અધોર્ધ્વ પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ દીઠો તેથી તેને સમાધિ થઇ ગઇ અને પૃથ્વી ઉપર તે બાઇ પડી ગઇ. મહારાજ તો ચાલ્યા ગયા, તે ગામની ભાગોળે ગયા ત્યારે તે બાઇ સમાધિમાંથી જાગી.

ત્યારે ગામના લોકો તે બાઇને પૂછવા લાગ્યા જે, આ તું પડી તે તને શું થઇ ગયું ? ત્યારે તે બાઇ બોલી જે, અધોઉર્ધ્વ જે તેજનો સમૂહ તેમાં અનંત મુક્તે સહિત આ સ્વામિનારાયણનાં મને દર્શન થયાં. તે સાંભળીને જે મનુષ્યો ઊભાં હતાં તે ઘણાં આશ્ચર્યને પામ્યાં. મહારાજ તો જીવા ખાચરના ઉતરાદા બારની ઓસરીએ ઢોલિઓ ઢળાવીને તેના ઉપર બેઠા. અને સંતો તથા હરિભક્તો અને પાર્ષદો પણ ચારેકોર હાથ જોડીને બેઠા અને પૂછવા લાગ્યા જે, અહો હો ! કૃપાનાથ ! આ ઝાંપડીને તમે સમાધિ કરાવીને તમારાં મુક્તોએ સહિત દર્શન કરાવ્યું, તે તેણીએ જપ, તપ, પુણ્ય આદિક શું સાધન કર્યા હશે કે જે સાધને કરીને અક્ષરધામને જોઇને અક્ષરધામની વાત કરી, જેને સાંભળીને સર્વે લોક આશ્ચર્ય પામ્યાં ? માટે તમો કહી સમજાવો જેથી આ લોકોના સંશય ટળી જાય.

તે સાંભળીને મહારાજ બોલ્યા જે, તે પૂર્વ જન્મમાં શેઠાણી હતી અને પરોક્ષ રીતે ભગવાનની ભક્તિ કરતી હતી, તેમજ વ્રત, દાન અને પુણ્ય પણ કાંઇ વિશેષ કરતી. પણ એક સમયે તે બાઇ ઘરની બારીમાં બેઠી હતી ત્યારે તેણે નીચે નજર કરીને જોયું. ત્યાં એક અધર્મી ઝાંપડો વાંસળી વગાડતો જતો હતો. વળી તે સમયે વર્ષાઋતુ પણ હતી. તેણે કરીને વાંસળીનો સ્વર તે બાઇને બહુ પ્રિય લાગ્યો. અને ઝાંપડો પણ રૂપાળો હતો તેણે કરીને તે બાઇની વૃત્તિ ઝાંપડામાં ખેંચાઇ ગઇ. તેથી તે બાઇને અંતકાળે સાંભળી આવ્યો તે કારણથી તેને ઝાંપડીનો દેહ આવ્યો છે. માટે ચિત્તનો ચોટવાનો સ્વભાવ છે તે જે જે વસ્તુ કોઇ આસક્તિપૂર્વક જો જુવે તો તે તે વસ્તુમાં તરત જ ચિત્ત ચોટી જાય પણ આ અસાર છે કે સાર છે તેને જીવ વિચારીને જોતો નથી તેથી જીવને બંધન થાય છે, અને સંસાર સાગરને વિષે ભટકવું પડે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ તથા ભગવાનની પ્રસાદીની વસ્તુ તે સિવાય બીજાં પદાર્થો હવેલી બાગ, બગીચા, પલંગ, ગાદી, તકીઆ, ગાલીચા એ આદિ વસ્તુ નજરે જોવામાં આવે તો ભગવાનના ભક્તોને તરતજ દૃષ્ટિ પાછી ખેંચી લેવી. કારણકે નારદજીએ અંબરીષ રાજાની પુત્રીને આસક્તિથી જો જોઇ તો બંધન થયું. તેમજ સૌભરી પણ મચ્છને આસક્તિપૂર્વક જોવાથી બંધન પામ્યા. મોહિની સ્વરૂપ જોવાથી શંકર પણ છેતરાણા. માટે તમોએ માર્ગે ચાલતાં આસક્તિપૂર્વક કોઇ વસ્તુ જોવી નહીં. અને જો આસક્તિથી જોશે તો જેમ શેઠાણી ઝાંપડી થઇ તેમ આસક્તિથી જોનારને પણ બંધન થશે. અને શબ્દ સાંભળવાથી મૃગલાં બંધનને પામે છે.

વળી પતંગિયું અગ્નિ જોવાથી બળી મરે છે. માટે અમારા ધામમાં જેને જાવું હોય તેને કોઇપણ ઇન્દ્રિયને વશ થવું નહીં. આપણે ભગવાનનો આશરો કર્યો છે તે ઇંદ્રિયોને જીતવા માટે કર્યો છે. અને સર્વ વાસના તોડીને શુધ્ધ બ્રહ્મરૂપ થવું. અને હવે જો ઇંદ્રિયોને વશ થઇને વર્તશું તો જે કાંઇ સાધન કર્યાં હશે તે સર્વે સાધન વૃથા થઇ જશે. કારણકે સારી જાતની વાણિયાણી હતી પણ વાસનાથી તેણીને શ્વપચ થવું પડ્યું. માટે ભગવાનનાં ભક્તને સમજી વિચારી ક્યાંય પણ વિષયમાં આસક્ત થવું નહીં એ અમારો અને સત્શાસ્ત્રોનો સિધ્ધાંત છે તે તમોને કહ્યો. એટલી વાતો કરીને જમીને ચાલ્યા તે ગામ ડભાણ પધાર્યા. અને સર્વે સંતો જે ત્યાં હતા તે મહારાજને મળ્યા, અને મહારાજની સેવામાં રહ્યા. અને તે સમયમાં સંત ગામ ડભાણમાં રોટલાના ટુકડા માગવા જતા તે ઝોળીમાં ટુકડા આદિક આવે તે પથ્થરથી ભાંગીને ભૂકો કરીને ગોળા વાળીને જમતા. અને મહારાજ તે સમયે ભગુ ખાંટના ફળિયામાં રાત્રિ એક પહોર વીતે ત્યાં સુધી સભા ભરીને જ્ઞાનવાર્તા કરતા. તેમાં નિયમ પાળવાની અતિ આકરી-કડક વાતો કરતા.

પછી સંતો ગામ બહાર રાત્રિમાં સૂઇ જતા, અને મહારાજ પણ પોઢતા. તે જ્યારે પાછલી પહોર રાત્રિ રહે ત્યારે મહારાજ પાર્ષદ પાસે મશાલ કરાવીને સૌ સંતોની પાસે જતા અને સૌ સંતોના સંકલ્પની વાતો કરતા. તે સાંભળીને સૌ સંતોને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થતો. પછી મહારાજે કહ્યું જે, આ દેહ મિથ્યા છે. તથા આ લોક અને ભોગ તે પણ મિથ્યા છે. એવાં મહારાજનાં ઉપદેશનાં તીવ્ર વચનોને સાંભળીને એક સંતને તીવ્ર તપ કરવાની ઇચ્છાથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તે સંત એક વનમાં જઇને અન્ન પાણીનો ત્યાગ કરીને બેઠા અને મહારાજે અતિ તપ કરવાની વાત કહી તેથી સર્વ સંતને પણ તપ ઉપર ઘણી રુચી થઇ તેથી આ દેહને તુચ્છ ગણીને વર્તવા લાગ્યા.

પછી કોઇક દિવસ મહારાજ ગામ ધોવાળે જમવા પધાર્યા ત્યારે રસ્તામાં ચાલતાં તીવ્ર તપ કરતા જે સંત તેમને જોયા. અને તે સંત ત્રણ દિવસ સુધી અન્ન-જલનો ત્યાગ કરીને ધ્યાનમાં બેઠા હતા તેમણે માર્ગમાં જતા શ્રીજીમહારાજનો સાદ સાંભળ્યો અને ધ્યાનમાંથી જાગ્યા. અને ઊભા થઇને મહારાજની પાસે આવીને સાષ્ટાંગ દંડવત્‌ કર્યાં. ત્યારે મહારાજે તે સંતને કહ્યું જે, આવું આકરું તપ કળિયુગમાં ન કરવું. કાંઇક દેહનું રક્ષણ થાય તેવું તપ કરવું; કારણ કે મનુષ્યનો દેહ આવો અમૂલ્ય અને વળી ભગવાનની ભક્તિ કરવામાં ઉપયોગી છે, તે દેહનું નિયમ પ્રમાણે રક્ષણ કરવું. તપે કરીને દેહનો ત્યાગ ન કરવો. અને જો તપે કરીને દેહનો ત્યાગ કરે છે તો તે જન આત્મઘાતી કહેવાય છે. વળી ભગવાનને રાજી કરવા તપ કરવા જાય અને તેથી દેહ પડી જાય તેથી ભગવાન ઊલટા કુરાજી થાય છે.

યુગ યુગના ધર્મ જુદા હોય છે. માટે શાસ્ત્રમાંથી સાંભળીને આ કળિયુગમાં જે તપ કરે છે તે તપસ્વી અંતે નરકે પડે છે. અને વળી મહાપાપ કદાપિ થઇ ગયું હોય અને દેહનો ત્યાગ કરે છે તો તે આ દેહને અંતે નિશ્ચય અસદ્‌ગતિને પામે છે. અને સચ્છાસ્ત્રનો તથા અમારો આવો અભિપ્રાય છે. માટે સૌએ સંતના મંડળથી જુદા ન પડવું અને તપ પણ સૌના નિયમ પ્રમાણે કરવું. અને જો સૌમાંથી એકલો જો વિશેષ તપ કરે તો અંતે પાર પડે નહીં. અને વિશેષ તપ કરવાની ઇચ્છા તો હોય પણ તેમાંથી માંદુ પડી જવાય કે દેહ પડી જાય. માટે જેમ કોળીએ કોળીએ જમાય તો શાન્તિ થાય પણ જો આખો લાડુ મોઢામાં લે તો તેમાંથી મૃત્યું થાય છે, કેમકે કોઇ લડવા નીકળ્યો તે જો સેનાથી આઘો જાય તો સામલા શત્રુઓ મારી નાખે છે અને સેનામાં રહીને જો શત્રુઓ સાથે લડે તો પૂર્ણ વિજયને મેળવે છે. તેમજ જો સંતોને અમને રાજી કરવા હોય તો તેમણે સૌ સૌના મંડળમાં રહીને નિયમ પ્રમાણે જો તપ કરશો અને કથા-વાર્તા સાંભળીને સૌ સેવા કરશો તો અમારો રાજીપો છે અને સર્વ શાસ્ત્રો અને પુરાણોમાં સત્સંગનો જ મહિમા અપાર રહ્યો છે. અને સંતની સેવા કરવાનું કહેલ છે.

અને તે સેવાએ કરીને જ્ઞાન તથા વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ સૌથી મોટો થાવા અને પોતાનો પ્રેમ જણાવવા એકાન્તે બેસીને કઠણ તપ કરે છે, તો તેના માથે વિઘ્ન છે. એમ શ્રીજી મહારાજે સહુ સંતોને ઉપદેશ દઇને સર્વ સંતને પેંડા અપાવ્યા. ત્યારે તે સંતે પેંડા જમીને પાણી પીધું. અને મહારાજ પણ તેના માથે બહુ રાજી થયા. પછી સૌ સંતો ત્યાં રહ્યા, મહારાજ ત્યાંથી ચાલ્યા તે ગામોગામ ફરતા અને સત્સંગીઓને આનંદ પમાડતા થકા ગામ વિજાપુર પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે ગઢડામાં વાસુદેવનારાયણ પધરાવ્યા અને અન્નકૂટ કર્યો, ત્યાંથી સારંગપુર પધાર્યા અને ત્યાં શેઠાણી શ્વપચના દેહને પામી તથા નિયમ પ્રમાણે તપ કરવાની વાત કરીને ત્યાંથી વિજાપુર પધાર્યા એ નામે બોત્તેરમો અધ્યાય. ૭૨