૭૭ ગઢપુરમાં હુતાશનીનો સમૈયો કર્યો, ઉપદેશની વાર્તા કરી, પોતાના થાળ માટે દરેકે અરધો આપવાની વાત કરી, આચાર્ય પાસે રહેનાર પાળાએ રુપિયા ન રાખવા તે વાત, લાજ રાખવા વિશે વાત.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 4:59pm

અધ્યાય ૭૭

પછી થોડા દિવસમાં હુતાશનીનો સામૈયો આવ્યો તે કેસર, કેસૂડાં, ગુલાલ, આદિ રંગોનાં રંગાડાં ભરાવીને પછી મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરીને રંગે રમવા તૈયાર થયા. તે વાસુદેવ નારાયણના ઓરડા પાસે ગાડાં ઉપર રંગનાં ભરેલાં રંગાડાં મુકાવ્યાં અને મહારાજે હસ્તમાં સુવર્ણની પિચકારી ધારણ કરી અને કાઠીઓ તથા પાળાઓએ પણ રોઝી ઢાલો ધારણ કરી અને ઘેલા નદીમાંથી જળના ઘડા ભરીને લાવવા માંડ્યા; ને ચારે કોરથી પિચકારીઓ ઉડવા લાગી તે જેમ અષાઢમાસમાં મેઘ વર્ષે તેમ રંગની ઝડી થઇ અને રંગનો કિચડ થઇને બહાર નીકળ્યો. તે ઊભી બજારે થઇને ઘેલા નદીમાં મળ્યો. તેણે કરીને ઘેલા નદીનું પાણી પણ લાલ થઇ ગયું.

પછી મહારાજ રૂમાલમાં અબીર ગુલાલ ભરી ભરીને સંતોની ઉપર ઉડાડવા લાગ્યા. તેણે કરીને સંતો અને હરિભક્તો રંગમાં ગરકાવ થઇ ગયા. અને ઇન્દ્રાદિક સર્વે દેવો વિમાનમાં બેસીને દર્શન કરવા આવેલા હતા તે જય જય શબ્દ કરવા લાગ્યા. અને નાના પ્રકારની ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરીને નાના પ્રકારનાં વાજિંત્રો વગાડતા હતા. અને અનંત મુક્તો પણ દર્શન કરવા આવ્યા હતા. પછી મહારાજ બોલ્યા જે, સંતો ! રાખો; કારણ કે જમવાનું મોડું થાય છે. એમ કહીને ગાતા વાતા સંત હરિભક્તોએ સહિત ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયા. અને રંગવાળાં વસ્ત્રો ઉતારીને દાદાખાચરને આપ્યાં અને સંતોએ સહિત જલના પ્રવાહમાં ઘણીકવાર જલક્રીડા કરી.

પછી શ્વેત વસ્ત્રો પહેરીને સંતોએ સહિત દરબારમાં પધાર્યા. ત્યાં થાળ જમ્યા. પછી સંતોની પંક્તિમાં બિરંજ પીરસ્યો. એમ પોતાના ભક્તજનોને ખૂબ સુખ આપ્યું. શ્રીજી મહારાજ એક સમયને વિષે થાળ જમીને ઢોલિયા ઉપર બેઠા હતા અને ચારે કોરે સંત હરિભક્તોની સભા ભરાઇને બેઠી હતી. ત્યારે મહારાજે વાત કરી જે, હવેથી અમારા થાળ માટે સત્સંગીઓએ અર્ધો અર્ધો રૂપિયો વર્ષો વર્ષ આપવો. ત્યારે સુરોખાચર આદિ સત્સંગીઓ બોલ્યા જે, અમારી લાજ જાય. અને અમારે તો દશ રૂપિયા દેવા જોઇએ. પણ જે ગરીબ હોય તે ભલે અર્ધો રૂપિયો આપે. ત્યારે મહારાજે કહ્યું જે, અમે તો રાંડીરાંડ પાસેથી તથા સદ્‌ગૃહસ્થ પાસેથી સરખું જ લેવાના છીએ. તે સાંભળીને સર્વે સામું જોઇ રહ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, કોઇ મુઝાશો નહીં, અને જો મુઝાતા હો તો અમારા પિતા હોય તેના નામનો ભલે અર્ધો ગણીને વધારે આપવો હોય તો આપો. ત્યારે હરિભક્તોએ નામ લખાવવા માંડ્યાં. પછી મહારાજે કહ્યું જે, હવેથી અમારો થાળ પણ આ રૂપિયામાંથી જ કરવો અને આમાંથી સંતોને પણ જમાડશું. એમ વાત કરી. પછી વાડીવાળા સંતો પુષ્પોના હાર ગૂંથીને લાવ્યા તે મહારાજને પહેરાવ્યા.

એક વખત શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. સર્વે સંતો, પાળા, બ્રહ્મચારી તથા સત્સંગીઓ પણ બેઠા હતા. તેને મહારાજે વાત કરી જે સંસારનો ત્યાગ કરીને જે ત્યાગી આચાર્યની સાથે પાળા થઇને રહેતા હોય તેમણે તથા ત્યાગી સાધુ હોય તેમણે પોતાના કરીને પૈસા રાખવા નહીં, અને કોઇ પાસે રખાવવા પણ નહીં, જે પાળો થઇને પૈસા રાખે કે રખાવે તો તે પાળો એકલો ચાલે અને મૂછો રખાવે. અર્થાત્‌ તે પંક્તિથી બહાર જાણવો. ત્યારે સર્વે કહ્યું જે, હે મહારાજ ! જેમ આપ કહો તેમ કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે પાળાની પાસે રૂપિયા હોય તે મહારાજને પગે મૂકો. પછી સર્વે ઊઠ્યા અને જેની જેની પાસે પૈસા હતા તે મહારાજને પગે લાગ્યા. પૈસા મહારાજનાં ચરણમાં મૂક્યા. પછી સદ્‌ગુરુઓને કહ્યું જે, આ પાળાની તમે ખબર રાખજો અને તેને કાંઇ જોઇતું કરતું હોય તે તમારા કોઠારી પાસેથી અપાવજો. એમ ભલામણ કરી.

પછી બ્રહ્મચારી બોલાવવા આવ્યા, તે થાળ જમવા પધાર્યા. ત્યાર પછી જમીને પાછા સભામાં આવીને બિરાજમાન થયા. તે સમયે મુક્તાનંદ સ્વામીએ વાતો કરી જે, હે મહારાજ ! તમારો ઐશ્વર્ય-પ્રતાપ ઘણોક આ લોકમાં વૃધ્ધિ પામ્યો છે તેણે કરીને મતપંથનાં મૂળ સર્વે ગયાં છે. ભેખ સર્વે શોકના સમુદ્રમાં પડ્યા છે, અને સર્વ દેશમાં તમારા ભક્તો જે ધર્મવાન પુરુષો છે તેને લઇને ભક્તિ સર્વત્ર પ્રવર્તી છે. અધમ જનોનો ઉધ્ધાર કરવા સારુ તમે જ પ્રવર્તાવી છે. અને બીજો કેટલોક ઐશ્વર્ય-પ્રતાપ પણ જણાવ્યો છે, તેણે કરીને મતપંથવાળા સર્વ દબાઇ ગયા છે. તેમને કોઇને બોલવાનો માર્ગ પણ રહ્યો નથી.

પછી મહારાજ વસ્ત્રો બદલીને જલના કોગળા કરીને જમવા બિરાજ્યા. જમ્યા પછી જલપાન કરીને થાળ પ્રેમાનંદ સ્વામી પાસે મોકલાવ્યો. આવી રીતે નિત્ય નવાં નવાં ચરિત્રો કરતા અને પોતાના ભક્તજનોને જેમ પોતાની મૂર્તિ ધ્યાનમાં સાંભળી આવે તેમ દર્શન દેતા. પછી જીવુબા અને લાડુબા બોલ્યાં જે, હે મહારાજ ! નરસિંહ ચતુર્દશી ઉપર સર્વે સંત મંડળો તથા બ્રહ્મચારી તથા સંન્યાસીઓ તેડાવો. પછી મહારાજે કહ્યું બહુજ સારું. પછી મહારાજ મલતા જાય અને હરિભક્તોની ખબર પૂછતા જાય પછી રસોઇઓ ચાલવા માંડી. તે નાના પ્રકારના ભોજનો મહારાજ ઉપર રહીને કરાવતા. ત્યાર પછી પોતે થાળ જમીને જલપાન કરીને સંતની પંક્તિમાં પીરસવા પધારતા. તે મોતૈયા જલેબી સર્વે ભોજન તેનાં નામો લઇ લઇને પીરસતા જાય અને મનવાર કરતા જાય અને મુકુંદ બ્રહ્મચારી દૂધ-સાકર ને ભાત પીરસતા જાય. અને એવી રીતે સંત મંડળને જમાડીને તૃપ્ત કર્યા.

પછી મહારાજ ઉતારે પધાર્યા. અને જલપાન કરીને લીંબડા નીચે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ઉપર બિરાજમાન થયા અને સંત મંડળો મહારાજને પગે લાગીને બેઠાં. પછી પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા. તેમાં સંત પ્રશ્ન પૂછે તેના ઉત્તર મહારાજ કરી આપે અને મહારાજ જે પ્રશ્ન પૂછે તેના ઉત્તર સંતો કરે. અને જો સંતોથી ન થાય તો મહારાજ પોતે તેનો ઉત્તર કરે અને એમ બોલે જે, કરો શંકા. પછી સંતો હાથ જોડીને કહે જે, હે મહારાજ ! યથાર્થ ઉત્તર થયો. પછી મહારાજ બોલ્યા જે, ઇંદ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન અને તેના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુધ્ધ થાય છે અને અનંત કાળમાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઇ જાય છે અને ઇંદ્રિયોની ક્રિયાની જે વૃત્તિ તેને જો સ્ત્રી આદિક વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઇ જાય છે અને જીવ કલ્યાણના માર્ગથી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયો ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનું તથા અમારી મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવશો નહીં. અને સંતનો સમાગમ હમેશાં રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને કુસંગનો ત્યાગ કરીને જ્યારે સંતનો સમાગમ કરશો ત્યારે દેહને વિષે અહંબુધ્ધિ છે તે નિવૃત્તિ પામશે અને દેહના સંબંધીને વિષે જે મમત્વ બુધ્ધિ છે તે પણ નિવૃત્તિ પામશે. આમ થવાથી ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે. અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે સહિત જે ભક્તિ તેનું બળ વૃધ્ધિ કેમ પામે ? ત્યારે મહારાજે કહ્યું જે, એના ઉપાય ચાર છે. તેમાં એક તો પવિત્ર દેશ અને બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં પણ ક્રિયાનું સમર્થપણું થોડું છે અને દેશ, કાળ, સંગનું કારણ વિશેષ છે. કેમ જે જો પવિત્ર દેશ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું અને ભડવા અથવા દારૂમાંસના ભક્ષણ કરનારા તેનો જો સંગ થાય તો ક્રિયા ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું. અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી જવું. અને સંગ પણ પ્રભુના ભક્ત ને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો જ કરવો. ત્યારે તેણે કરીને ભગવાનના ભક્તને ભગવાનને વિષે ભક્તિનું બળ અતિશય વૃધ્ધિને પામે. એટલી વાર્તા કરીને પછી જળપાન કરીને ઢોલિયા ઉપર પોઢ્યા.

ત્યાર પછી જાગીને જળપાન કરીને બિરાજમાન થયેલા શ્રીજી મહારાજે પોતાની આગળ બેઠેલા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો અને સર્વ સત્સંગીઓ તેની આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી વાર્તા કરી. ત્યાર પછી લાજ રાખવા વિષે વાર્તા કરી જે, ‘લાજે કરીને ધર્મ રહે છે, લાજ તે ધર્મ રખાવનાર છે તેમ તમારે જાણવું. અને સદાચાર છે તે મોટો એક કિલ્લો છે. તે જો ન તૂટે તો તેનો ધર્મ કોઇ દિવસ લોપાય નહીં. જેમ સાંકળ છે તે હાથીના પગમાં બંધન કરનારી છે. તેમજ લાજ છે તે ચિત્તને રોકનાર છે. જેમ હાથીના પગે સાંકળ બંધન છે તે જો તૂટે તો હસ્તી ક્યાંયનો ક્યાંય ચાલ્યો જાય. અને ભાલાનો માર ખાય. તેમજ લાજે કરીને ચિત્તમાં માયિક પંચ વિષયનું ચિંતવન કરી શકાતું નથી, કારણ કે કુસંગીને પણ મનમાં લાજ હોય તો તે પણ અધર્મને માર્ગે ચાલતાં ડરે છે.

જેને લોકની લાજ નથી તો તે અધર્મની ક્રિયા શું નથી કરતો ? સર્વ કરે છે ; માટે લોકો લાજે કરીને ધર્મ પાળે છે અને લાજે કરીને અધર્મનો ત્યાગ કરે છે. અને જો લાજવાળાની લાજ ગઇ તો તે મરવાનો ઉપાય કરે છે. લાજે કરીને ક્ષત્રિય રણસંગ્રામમાં લડી મરે છે. અને લાજે કરીને જગતમાં જે લોભી પુરુષો છે તે પણ ધન વાપરે છે. અને કોઇકે કોઇકનું જો ધન લઇ લીધું હોય તો તે લાજે કરીને તેને પાછું આપે છે. એ તે મનમાં જાણે છે જે, જો નહીં આપું તો વહેવારમાં ખોટું દેખાશે. માટે વહેવાર પણ લાજે કરીને ચાલે છે. અને લાજવાળો જન કાંઇક વચન બોલ્યો હોય તો લાજે કરીને પાળે છે, વળી બાપનું કરજ હોય તે પણ લાજે કરીને ભરે છે. વળી નિર્લજ્જ અને નઠારાં સ્ત્રી-પુરુષો હોય તે પણ લાજે કરીને સારાં કામ કરે છે. વળી લાજ છે તે તો શરીરની નાડીને ઠેકાણે છે. જ્યાં સુધી નાડી હોય ત્યાં સુધી ઔષધ આદિના ઉપચારો ચાલે છે અને તે નાડી ત્રૂટી તો તેનું મૃત્યુ થાય છે. તેમજ લાજ વિનાનાં મનુષ્યો નીચ સ્થિતીને પામે છે.

વળી ભલે વિદ્યા આદિક ગુણો અનેક હોય પણ લાજ ન હોય તો તે નીચ ગણાય છે. વળી શરીરનાં સર્વ અંગ સારાં હોય પણ એક જો નાક ન હોય તો શરીર નઠારું દેખાય છે, તેમ જે મનુષ્યમાં લાજ નથી તો તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં નઠારાં છે. તેનો દાખલો આજે અમે નજરે જોયો છે, કેમ કે જ્યારે સંત જમવા બેઠા ત્યારે અમે મર્મે કરીને વાત કરી. ત્યારે સૌ સંત શરમાઇને નીચું જોઇ ગયા. માટે ધર્મ છે તે જ એક મોટો બંધ છે. પછી મહારાજે વાત કરી જે, અમે એક સમયે ગામ બામરોલીના માર્ગે ચાલ્યા જતા હતા, તે અમે રસ્તો ભૂલ્યા અને એક વાવેલું ખેતર આવ્યું તેની ચારે બાજુ થોરની વાડ હતી. તે ખેતર વચ્ચે ચાલવા સારુ કોઇક હરિભક્તે તે વાડમાં છીંડુ પાડ્યું એટલે તે ખેતરની રખવાળી કરનારી જે બાઇ હતી તેણે તેને ગાળ દીધી ત્યારે તે વાત અમે સાંભળી અને અમે તે સત્સંગીને  કહ્યું જે, તેં આ વાડ તોડી તે કારણથી તને આ બાઇએ રૂપગાળ પાઘડીનો શિરપાવ બંધાવ્યો. પછી અમે માર્ગે ચાલ્યા, અને તે હરિભક્ત આગળ વાત કરી જે, જો તમારે મારા એકાંતિક ભક્ત થવું હોય તો કોઇની વાડ તથા વંડી વિગેરે તે માંયલા કોઇ પણ સ્થાને તમારે છીંડુ પાડવું નહીં અને જો તમારું ભલું ઇચ્છતા હો તો કોઇનું પારકું તાળું ન ઉઘાડવું. તથા કોઇની વાડમાં છીંડુ ન પાડવું. એ કર્મ તો ચોરનું છે. પણ ભક્તનું નથી. અને જે જગ્યા ધણીયાતી હોય અને તેના ધણીની મરજી ન જણાતી હોય તો ત્યાં પણ અમારા સત્સંગીઓએ નિવાસ કરવો નહીં. મહારાજે એટલી વાર્તા કરી અને સભામાં સહુ સંતો તથા હરિભક્તોએ સાંભળી. પછી આરતી-ધૂન્ય કરીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, ચડોતરનાં સત્સંગી-બાઇ ભાઇઓ તે નર-નારાયણદેવનાં દર્શન કરીને આવ્યાં ત્યારે એમ બોલ્યાં હતાં જે, અમે નરનારાયણનાં દર્શન તો કરી આવ્યાં પણ અમને અમદાવાદ શહેરમાં ઉતરવાનું તથા પાણીનું બહુ કઠણ પડ્યું. ત્યારે જોબન પગીનાં ઘરનાં તથા તખા પગીનાં ઘરનાં એમ બોલ્યાં જે, અમો ત્યાં ગયાં હતાં પણ અમારી તો ત્યાં કોઇએ ખબર પણ લીધી નહીં. ત્યારે અમોએ કહ્યું જે, તમોને વડતાલમાં મૂર્તિઓ પધરાવી આપીશું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જ્યારે આપણે દેવનાં દર્શન કરવા જવું ત્યારે દાસભાવ રાખવો તો અંતરમાં સુખ રહે.

એમ વાત કરીને પછી થાળ જમવા ઉતારે પધાર્યા. ત્યાં વસ્ત્રો ઉતારીને જળથી હાથ, પગ ધોઇને પછી જમવા બિરાજ્યા. તે જમતા જાય ને બ્રહ્મચારીને પૂછતા જાય જે, આજે કોનો થાળ છે ? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે આજે ઝીણાભાઇનો થાળ છે. ત્યારે ઝીણાભાઇને મહારાજે પ્રસાદીનો થાળ મોકલાવ્યો. પછી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. પછી સૌ સભાને રજા આપીને જલપાન કરીને પોતે પોઢ્યા. અને સવારે વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને અને પોષાક પહેરીને ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન થયા અને સર્વે મુનિનાં મંડળો તથા બ્રહ્મચારીઓ તથા સંન્યાસીઓ તે મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજે સૌ સંતોને આજ્ઞા કરી જે, સૌ સંતો દેશ-દેશમાં ફરવા જાઓ. પછી વળી સૌ સંતોને કહ્યું જે, અમારા સ્વરૂપના નિશ્ચયપણાની વાર્તા કરજો. અને સૌ સૌના ધર્મની વાતો કરજો અને વળી એમ કહેવું જે, મહારાજની આજ્ઞા નહીં પાળો તો સત્સંગમાં નહીં રહેવાય. એ અંગની વાત કરજો. એમ આજ્ઞા કરીને થાળ જમવા પધાર્યા.

પછી થાળ જમીને જલપાન કરીને મુખવાસ લઇને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. તે મોતીયા લાડુ તથા જલેબી વારંવાર તાણ કરીને પીરસતા જાય અને વાતો કરતા જાય અને ગાલમાં તથા મોઢામાં લાડવો અડાડતા જાય અને પીરસતા જાય. પછી જળ વડે હાથ ધોઇને પોતાને ઉતારે પધાર્યા. અને સર્વે સંતો દેશ દેશ પ્રત્યે ફરવા ગયા. અને મહારાજ ઉતારે જઇને ઢોલીયા ઉપર વિરાજમાન થયા અને પછી પોઢી ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગઢપુરમાં હુતાશનીનો સમૈયો કર્યો અને રંગ રમ્યા, સંત તથા હરિભક્તોને ઉપદેશની ઘણીક વાતો કરી પછી મહારાજે સૌ સંતોને દેશ દેશ પ્રત્યે ફરવાની આજ્ઞા કરી એટલે સૌ સંતો દેશમાં ફરવા ગયા એ નામે સત્તોતેરમો અધ્યાય. ૭૭